Disclaimer

Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Monday, October 9, 2017

ભાગવત રહસ્ય-૫૧ TO 70 -પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની ભાગવત કથા



ભાગવત રહસ્ય-૫૧ TO 70
પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની ભાગવત કથા પર આધારિત  "ભાગવત રહસ્ય
      

સ્કંધ પહેલો-૨૨ (ચાલુ)

નારદજી કહે છે-

ભગવાન ને કિર્તન ભક્તિ અતિ પ્રિય છે. આ વીણા- લઇ હું જગત માં ફરું છુ. નાદ સાથે કિર્તન કરું છુ.

હું જગત માં ફરું છું-અને અધિકારી જીવો- અને-કોઈ લાયક ચેલો મળે તો તેને પ્રભુના ધામ માં લઇ જઉં છું.

સમુદ્ર માં એક ડૂબકીએ રત્ન મળતા નથી. પણ વારંવાર ડુબકી મારતા રહો ત્યારે કોઈ એક રત્ન મળે છે.

મને રસ્તામાં ધ્રુવ મળ્યો-પ્રહલાદ મળ્યા. આવા જીવો ને –આવા ભક્તો ને હું પ્રભુ પાસે લઇ ગયો. અને લઇ જાઉં છું.

સત્સંગ માં મેં ભગવત કથા સાંભળી-કૃષ્ણ કિર્તન કર્યું-અને કૃષ્ણ-પ્રેમ ને પુષ્ટ કર્યો. હવે હું જયારે –ઈચ્છું ત્યારે કનૈયો-મને

ઝાંખી આપે છે.મારી સાથે કનૈયો નાચે છે. હું મારા કનૈયા નુ કામ કરું છું –તેથી-તેને વહાલો લાગુ છુ.”

નામદેવ મહારાજ કિર્તન કરતાં તે વખતે –વિઠ્ઠલનાથ નાચતા હતા.

કિર્તન માં સંસારનું ભાન ભુલાય-તો આનંદ આવે. કિર્તન માં તન્મય થયો-એ સંસાર ને ભૂલે છે. કિર્તન માં સંસાર સાથેનો

સંબંધ તૂટે છે.અને પ્રભુ સાથે સંબંધ બંધાય છે.

સંસારનું ધ્યાન છોડવાનો પ્રયત્ન કરી જુઓ.

કિર્તન માં આનંદ ક્યારે આવે છે ? જયારે જીભ થી પ્રભુ નુ કિર્તન-મનથી તેનું ચિંતન-અને દ્રષ્ટિ થી –તેમના સ્વરૂપને

જોશો-તોજ આનંદ આવશે.

કળિયુગ માં નામ-સંકીર્તન એ જ ઉગારવાનો ઉપાય છે.

કિર્તન કરવા થી પાપ બળે છે.હૃદય વિશુદ્ધ થાય છે.પરમાત્મા હૃદય માં આવે છે. અને પરમાત્મા ની પ્રાપ્તિ થાય છે.

એટલે કથા માં કિર્તન થવું જ જોઈએ. કિર્તન વગર કથા પૂર્ણ થતી નથી.

કળિયુગ માં સ્વરૂપ સેવા જલ્દી ફળતી નથી. સ્મરણ સેવા-નામ-સેવા તરત જ ફળે છે.

“વ્યાસજી, આ સર્વ નુ મૂળ છે-સત્સંગ. સત્સંગ નો મોટો મહિમા છે. જે સત્સંગ કરે છે-તે સંત બને છે. કૃષ્ણકથા થી મારું જીવન

સુધર્યું છે-સાચું જીવન મળ્યું છે-આપ જે મને માન આપો છો –તે સત્સંગ ને માન છે. સત્સંગ થી –ભીલ બાળકો સાથે રખડનાર

હું દેવર્ષિ બન્યો.”

માનવ દેવ થવા સર્જાયો છે.

માનવ ને દેવ થવા ચાર ગુણો ની જરૂર છે. સંયમ-સદાચાર-સ્નેહ અને સેવા. આ ગુણો સત્સંગ વગર આવતા નથી.

નારદ ચરિત્ર એ ભાગવત નુ બીજારોપણ છે. સત્સંગ અને સેવા નુ  ફળ બતાવવાનો-આ ચરિત્ર નો ઉદ્દેશ છે-

એટલે વિસ્તાર કર્યો છે.

આપણે એ પણ જોયું –કે જપ વિના જીવન સુધરતું નથી.

દાન થી ધન ની શુદ્ધિ થાય છે. જપ-ધ્યાન થી મન ની શુદ્ધિ થાય છે-સ્નાન થી શરીરની શુદ્ધિ થાય છે.

જપ કરનાર ની સ્થિતિ કેવી હોવી જોઈએ ? શ્રી બ્રહ્મ ચૈતન્ય સ્વામી એ કહ્યું છે-કે-સહજ સુમિરન હોત હય,રોમ રોમ મેં રામ-

વ્યવહારનું કામ કરતાં પણ અંદર- જો મંત્ર ની ધારા ચાલુ રહે તો-માનજો-હવે મંત્ર સિદ્ધ થયો છે.

વ્યવહારનું કામ-છોડ્યા પછી-જ મંત્ર ની ધારા ચાલુ રહે તો –સમજજો કે મંત્ર હજુ સિદ્ધ થયો નથી.

જપ ના વખાણ ગીતામાં પણ થયેલા છે-ભગવાન કહે છે કે-

યજ્ઞાનાજપયજ્ઞોસ્મી---યજ્ઞો મા જપ યજ્ઞ હું છું. (ગીતા-૧૦ -૨૫)

રામદાસ સ્વામી એ-દાસ-બોધ  માં –લખ્યું છે કે-જપ કરવાથી જન્મ-કુંડલી ના ગ્રહો પણ સુધરે છે.

નારદજી-વ્યાસજી ને કહે છે-તમે જ્ઞાન પ્રધાન કથા ઘણી કરી-હવે પ્રેમ પ્રધાન કથા કરો. કૃષ્ણ પ્રેમ માં તરબોળ થઇ –કથા

કરશો-તો તમારુ અને સર્વ નુ કલ્યાણ થશે-આપની ચિંતા ટળશે.

વ્યાસજી કહે છે-કે તમે જ મને એવી કથા સંભળાવો-તમે કથા કરો ને હું લખી લઉં.

નારદજી કહે છે-તમે જ્ઞાની છો-તમારુ સ્વરૂપ તો તમે ભૂલ્યા નથી ને ? તમે સમાધિ માં બેસો-અને સમાધિ માં જે દેખાય તે

લખજો. સમાધિમાં હંમેશા –સત્ય જ દેખાય છે. કોઈવાર પ્રત્યક્ષ દેખાય એ પણ ખોટું હોય છે.

બહિર્મુખ ઈન્દ્રિયોને અંતર્મુખ કરવાથી-સમાધિ સમીપ પહોચાય છે. ઈશ્વર સાથે એક થવું –લીન થવું-તે સમાધિ.

નારદ ના મળે ત્યાં સુધી-નારાયણ ના દર્શન થતાં નથી.

સંસાર મા આવ્યા પછી જીવ પોતાનું સ્વરૂપ ભૂલે છે.

જામ્બવાને –હનુમાનજી ને તેમની શક્તિ નુ ભાન કરાવ્યું-ત્યારે તેઓ દરિયો ઓળંગી ગયા.

કોઈ સંત કૃપા કરે(સત્સંગ થાય)-ત્યારે –તે-જીવ ને તેના સ્વરૂપ નુ ભાન કરાવે છે .

જ્ઞાની હોવાં છતાં-વ્યાસ નારાયણ ને પણ નારદજી ની જરૂર પડી હતી. નારદે-તેમને સ્વરૂપ નુ ભાન કરાવ્યું.

નારદજી તે પછી બ્રહ્મ લોક મા પધાર્યા છે.

વ્યાસજી એ-પ્રાણાયામ થી અંતર્મુખ દ્રષ્ટિ કરી-ત્યાં-હૃદય ગોકુલ મા-બાલકૃષ્ણ દેખાયા-સર્વ લીલા ઓ ના દર્શન થયા છે.

વ્યાસજી ને જે સમાધિ મા દેખાણું-તે બોલ્યા છે.

તેથી જેની બહિર્મુખી પ્રકૃત્તિ છે-એ ભાગવત નુ રહસ્ય બરોબર સમજી શકશે નહિ.

ભાગવત મા તત્વજ્ઞાન ઘણું છે-પણ તેનો પ્રધાન વિષય છે-પ્રેમ.

બીજા પુરાણો મા-જ્ઞાન-કર્મ-આચાર-ધર્મ-વગેરે પ્રધાન છે. પરંતુ ભાગવત પુરાણ એ પ્રેમ પ્રધાન છે.ભક્તિ પ્રધાન છે.

જે ભગવાન સાથે-પ્રેમ કરી શકે છે-એ જ ભાગવત નો અધિકારી થઇ શકે છે.

-----------------------------------------------------------------------------------------------------


ભાગવત રહસ્ય-૫૨
     

સ્કંધ પહેલો-૨૩ (ચાલુ)

શ્રીકૃષ્ણ પ્રેમ સ્વરૂપ છે. શ્રીકૃષ્ણ ની બધી લીલા પ્રેમ થી ભરેલી છે. આરંભ થી અંત સુધી પરમાત્મા પ્રેમ કરે છે.

શ્રીકૃષ્ણ ચરિત્ર નો આરંભ –પુતના ચરિત્ર થી થાય છે. ઝેર આપનાર પુતના સાથે શ્રી કૃષ્ણ પ્રેમ કરે છે.

જે ગતિ માતા યશોદા ને આપી છે-તેવી જ ગતિ પુતના ને પણ આપી છે.

શિશુપાળ-ભરી સભા મા ગાળો આપે છે-તેને મુક્તિ આપે છે.

જે ભીષ્મ પિતા એ-પોતાને બાણ માર્યા છે-તેના અંત કાળે તેમની પાસે ગયા છે.

શ્રી કૃષ્ણ ચરિત્ર નો અંત-માં જરા પારધી બાણ મારે છે-.(જરા નો અર્થ થાય છે –વૃદ્ધાવસ્થા-કૃષ્ણ તો મહાન યોગી છે-તેમને

વૃદ્ધાવસ્થા બાણ કેવી રીતે મારી શકે ?-પણ આ યે એક લીલા છે)-પારધી ને ખબર પડી-ભૂલ થી બાણ મરાણું  છે- તે

ગભરાયો  છે-આવી ને કૃષ્ણ આગળ ક્ષમા માગે છે. પ્રભુ એ કહ્યું-આ મારી ઇચ્છાથી થયું છે.તું ચિંતા ન કર-હું તને મુક્તિ આપીશ.

પારધી મા અક્કલ જરા ઓછી –તેને ચિંતા વ્યક્ત કરી કે-આપ મને મુક્તિ આપશો તો મારા બાળકો નુ શું થશે ?

તેઓ નુ ભરણ-પોષણ કોણ કરશે ?

પ્રભુ એ કહ્યું-તારા બાળકો મારી સેવા કરશે.તેથી તેઓની આજીવિકા ચાલશે. લોકો મને જે ભેટ ધરશે-તે તારા બાળકો ને

આપીશ. આજ પણ જગન્નાથજી મા –એક મહિનો-ભીલ લોકો સેવા કરે છે.તે જરા પારધી ના વંશ ના છે.

જે પારધી એ બાણ માર્યું-તેને પ્રભુ એ સદગતિ આપી છે. જરા પારધી ને તો શું, તેના વંશ નુ પણ કલ્યાણ કર્યું છે.

શ્રી કૃષ્ણ જેવો પ્રેમ કરનાર કોઈ થયો નથી.

કનૈયો જયારે પ્રેમ કરે છે-ત્યારે-એ જીવ ની- લાયકાત નો વિચાર કરતો નથી. શ્રીકૃષ્ણ અકારણ પ્રેમ કરે છે.

રામાયણ મા આવે છે-

“કોમલ ચિત્ત અતિ દિન દયાલા,કારન બિનુ રઘુનાથ કૃપાલા “

વાલ્મીકિ રામાયણ –આચાર ધર્મ પ્રધાન ગ્રંથ છે. તુલસી રામાયણ ભક્તિ પ્રધાન ગ્રંથ છે.

વાલ્મીકિ ને પોતાના જન્મમાં કથા કરવાથી તૃપ્તિ ન થઇ, ભગવાન ની મંગલમયી લીલા કથા નુ ભક્તિ થી પ્રેમપૂર્વક

વર્ણન કરવાનું રહી ગયેલું,તેથી કળિયુગ મા તુલસીદાસ તરીકે જન્મ્યા.

વેદ રૂપી -કલ્પ વૃક્ષો- નુ –આ- ભાગવત – એ –ફળ- છે.

એ તો બધાં જાણે છે કે-ઝાડના -પાન-કરતાં ઝાડના –ફળ મા વધુ –રસ- હોય છે.

રસરૂપ –આ ભાગવત રૂપ-ફળ નુ –મોક્ષ મળતા સુધી તમે વારંવાર –પાન-કરો.

જીવ-ઈશ્વર નુ મિલન ન થાય - ત્યાં સુધી-આ પ્રેમ રસ નુ –પાન- કરો.

ઈશ્વરમાં –તમારો-લય ન થાય ત્યાં સુધી ભાગવતનો –આસ્વાદ કર્યા કરો. ભોગ ની હવે સમાપ્તિ કરો.

ભોગ થી કોઈ ને શાંતિ મળતી નથી. ભક્તો- ભોગ ની સમાપ્તિ કરે છે. ભક્તિ રસ છોડવાનો નથી.

ભક્તિ મા જેને સંતોષ થાય તેની ભક્તિ મા ઉન્નતિ અટકે છે.

વેદાંત –ત્યાગ કરવાનું કહે છે.વેદાંત કહે છે-કે સર્વ નો ત્યાગ કરી-ભગવાન પાછળ પડો.

પણ સંસારી ઓ ને કાંઇ-છોડવું નથી. –એવા ના ઉદ્ધાર માટે કોઈ ઉપાય ખરો ?

હા-ત્યાગ ના કરી શકો તો કાંઇ હરકત નહિ.—પરંતુ-તમારુ સર્વસ્વ-ઈશ્વર ને સમર્પણ કરો-અને અનાસક્ત પણે ભોગવો.

પરીક્ષિત ને નિમિત્ત બનાવી ને (પરીક્ષિત નુ ઉદાહરણ આપી ને ?) સંસારમાં ફસાયેલાં-લોકો ને માટે

વ્યાસજી એ આ ભાગવત ની કથા કરેલી છે.

ભાગવત ખાસ કરી ને સંસારી ઓ માટે છે. ઘરમાં રહેલા ગૃહસ્થ નુ પણ કલ્યાણ થાય-એ આદર્શ રાખીને-આ કથા કરી છે.

પ્રભુ પ્રેમ વગરના શુષ્ક જ્ઞાન ની શોભા નથી-એ બતાવવાનો ભાગવત નો –ઉદ્દેશ –છે.

જ્ઞાન-જયારે વૈરાગ્ય થી દૃઢ થયેલું હોતું નથી-ત્યારે તેવું જ્ઞાન –મરણ સુધારવાને બદલે-સંભવ છે કે મરણ બગાડે.

સંભવ છે કે આવું જ્ઞાન –અંતકાળે દગો આપે. મરણ ને સુધારે છે ભક્તિ. ભક્તિ વગરનું જ્ઞાન શુષ્ક છે.

વિધિ-નિષેધ ની મર્યાદા ત્યાગી ચુકેલા-(એક એવો સમય આવે છે-જયારે –બધી વિધિ ઓ નો નિષેધ થઇ જાય છે)

મોટા મોટા –ઋષિઓ-પણ ભગવાન ના –અનંત-કલ્યાણમય-ગુણો ના વર્ણન મા સદા રત રહે છે. એવો છે-ભક્તિ નો મહિમા.

જ્ઞાની ને –અભિમાન પજવે છે.ભક્ત ને નહિ. ભક્તિ અનેક સદ્દગુણો લાવે છે. ભક્ત નમ્ર હોય છે.

આચાર-વિચાર શુદ્ધ  હશે-ત્યાં સુધી-ભક્તિ ને પુષ્ટિ મળશે. જીવન વિલાસ-મય થયું એટલે ભક્તિ નો વિનાશ થયો છે.

ભાગવત શાસ્ત્ર મનુષ્ય ને કાળ ના મુખ માંથી છોડાવે છે. તે મનુષ્ય ને સાવધાન કરે છે.

કાળ ના મુખ માંથી છુટવા-કાળ ના યે કાળ-શ્રીકૃષ્ણ ને શરણે જાવ. જે સર્વસ્વ છોડે છે-તેની ચિંતા ભગવાન કરે છે.

મહાભારત મા એક કથા છે-

યુદ્ધ વખતે-દુર્યોધને –ભીષ્મ પિતામહ ને ઠપકો આપ્યો.કે- દાદાજી-તમે મન મૂકી ને લડતા નથી.

તેથી ક્રોધાવેશ મા –ભીષ્મ –પ્રતિજ્ઞા કરે છે-કે-આવતી કાલે- હું અર્જુન ને મારીશ અથવા હું મરીશ.

આથી સર્વે ગભરાયા. આ તો ભીષ્મ-પ્રતિજ્ઞા હતી. કૃષ્ણ ભગવાન ને ચેન પડતું નથી-નિદ્રા આવતી નથી. તેમને થયું-

અર્જુન ની શું દશા હશે ?તે અર્જુન ને જોવા ગયા. જઈને જુએ-તો-અર્જુન તો શાંતિ થી ઊંઘતો હતો.

ભગવાને વિચાર્યું-કે ભીષ્મે આવી ભીષણ પ્રતિજ્ઞા કરી છે-તેમ છતાં આ –તો શાંતિ થી સુતો છે. તેમને અર્જુન ને ઉઠાડ્યો

અને પૂછ્યું-તે ભીષ્મ ની પ્રતિજ્ઞા સાંભળી છે? તો અર્જુન કહે કે-હા સાંભળી છે. શ્રીકૃષ્ણ કહે છે કે-તને મૃત્યુ ની ચિંતા નથી?

અર્જુને કહ્યું-મારી ચિંતા કરનારો મારો ધણી છે.તે જાગે છે-માટે હું શયન કરું છુ. તે મારી ચિંતા કરશે-હું શા માટે ચિંતા કરું ?

આ પ્રમાણે સર્વ ઈશ્વર ઉપર છોડો. મનુષ્ય ની ચિંતા જ્યાં સુધી-ઈશ્વરને ના થાય –ત્યાં સુધી તે નિશ્ચિત્ત થતો નથી.

--------------------------------------------------------------------------------------------------------------------



ભાગવત રહસ્ય-૫૩
      

સ્કંધ પહેલો-૨૪ (ચાલુ)

પ્રથમ સ્કંધ –તે અધિકાર લીલા છે. જ્ઞાન અનધિકારી ને મળે તો –તે અભિમાની થાય છે.

અયોગ્ય વ્યક્તિ ને ધન મળે તો –તે –તેનો દુરુપયોગ કરે છે. જ્ઞાન-ધન-માન-એ-ત્રણ એવી વસ્તુ છે કે –તે સુપાત્ર ને મળે તો –એ

સુખી થાય છે.અને જો અનધિકારી ને મળે તો દુઃખી થાય છે.

સંત નો ઉપદેશ લેવા-લાયક થઇશું તો આપણ ને કોઈ સંત આવી ને મળશે. અધિકાર સિદ્ધ થાય એટલે સદગુરુ મળે છે.

અધિકાર વિના-સંત મળે તો –તેના તરફ સદભાવ જાગતો નથી .(સંત ની-ખોડ-ખાંપણ જ દેખાય છે.)

સંત ને શોધવાની જરૂર નથી. શોધવાથી સંત મળતા નથી. પ્રભુ કૃપાથી સંત(સત્સંગ) મળે છે.

જ્યાં સુધી મન શુદ્ધ થશે નહિ-ત્યાં સુધી પ્રભુ-કૃપા થશે નહીં. તમે સંત થશો-તો સંત મળી આવશે.

સંત જોવાની દૃષ્ટિ આપે છે. સંસાર ના પદાર્થ ને ઈશ્વરમય રીતે-જોવા જ-મા આનંદ છે.-ભોગવવામાં આનંદ નથી.

સંસાર એ ઈશ્વરનું તેજોમય સ્વરૂપ છે. તેથી જગત ને ઈશ્વરમય  નિહાળો.

વ્યવહારમાં-બોલતા-ખાતાં-પીતાં- જે અતિ સાવધાન છે-તે સંત છે. લોભી નુ લક્ષ્ય જેમ પૈસો હોય છે-તેમ-સંતો નુ લક્ષ્ય –એક જ

હોય છે.કે-મારે આ જન્મ માં જ પરમાત્મા ના દર્શન કરવા છે.

જગત માં સંતો નો અભાવ નથી- સદ-શિષ્ય નો અભાવ છે. મનુષ્ય સંત બને છે-ત્યારે સંત મળે છે.

જેની આંખો માં ઈશ્વર છે-તે સર્વ માં ઈશ્વર નો અનુભવ કરે છે. આ જગતમાં નિર્દોષ એક પરમાત્મા છે. કાંઇક દોષ છે-માટે જીવ

ઈશ્વર થી વિખુટો પડ્યો છે. કોઈ દોષ ના હોય તો-જીવ-આ શરીર માં ના રહે. કોઈક દોષ છે-જેથી જીવ આ મળમૂત્ર થી ભરેલા

શરીર માં રહ્યો છે. જેનું મન અતિશય શુદ્ધ થાય તે ઈશ્વર થી અલગ રહી શકતો નથી.

સંતો માં પણ એકાદ દોષ તો રહેલો જ હોય છે.-કારણ-શરીર રજોગુણ ના આધારે જ ટકે છે.

અતિશય સત્વ ગુણ વધે-(સત્વ ગુણ-પૂર્ણ બને)તો આત્મા –દેહ માં રહી શકે જ નહિ.

આ  બ્રહ્માજી ની સૃષ્ટિ ગુણદોષ થી ભરેલી છે.કોઈ પણ  વસ્તુ ગુણ-દોષ વિનાની નથી.

દૈવી અને આસુરી સૃષ્ટિ (સંપત્તિ) અનાદિ કાળ થી છે, સંસારના પ્રત્યેક પદાર્થ માં દોષ છે અને ગુણ પણ છે.

તમે દૃષ્ટિ ને એવી ગુણમય બનાવજો કે તમને કોઈના દોષ  દેખાય નહિ. દોષ જોવા થી પણ દોષ લાગે છે.

કોઈના દોષ જોવા નહિ અને દોષ વાણી થી ઉચ્ચારવા નહિ. આમ કરશો તો તમે પણ સંત બનશો.

દૃષ્ટિ ગુણ-દોષ થી ભરેલી હશે ત્યાં સુધી-સંત માં પણ દોષ દેખાશે. દૃષ્ટિ ને ગુણમય બનાવનાર સંત બની શકે છે.

માનવ માં કોઈ દોષ ના રહે તો-અભિમાન આવે- એટલે પતન થાય છે. માટે-સતત દીનતા આવે તે જરૂરી છે.

સંભવ છે –કે ઈશ્વર- સંત માં પણ એકાદ દોષ ઈરાદાપૂર્વક રાખે. સંભવ છે-કે-ઈશ્વર પોતાના ભક્ત માં એકાદ દોષ રહેવા દે.

ભગવાન વિચારે છે કે-મારા ભક્ત ને કોઈની નજર ના લાગે.

મા બાળકને શણગારી-ગાળ પર કાળું ટપકું કરે છે-તેમ પરમાત્મા સંત ની કાળજી રાખે છે. કોઈ એક દોષ રહેવા દે છે.

તમે જેને હલકો ગણો છો-તેનામાં પણ એક સદગુણ –હશે. જીવ એ ઈશ્વર નો અંશ છે. તેમા ઈશ્વર નો એકાદ પણ સદગુણ

ના હોય તો ઈશ્વર નો અંશ ના કહેવાય. દુનિયા માં દોષ થી પર કોઈ નથી.

સંતો માં પણ ભલે એકાદ દોષ હોય –પણ એ દોષ ને દૂર કરવા એ સમર્થ હોય છે-તમે તે સંત ના દોષ નો જ  વિચાર ના કરો.

દૃષ્ટિ ને ગુણ મય બનાવો. આજ થી પાપ કરવાનું છોડી દો.તો તમે પણ સંત થશો.

મૃત્યુ ને માથે રાખી પાપ કરશો નહિ—કોઈના દોષ જોશો નહિ—અને મન ને સાચવજો—આ ત્રણ કરશો તો તમે પણ સંત થશો.

સંત થવા નું એટલે શું ઘર છોડવાનું ? ના-ઘર છોડવાની જરૂર નથી. ઘર છોડવાથી થી જ સંત થવાય-તેવું નથી.

(આમે ય -કિલ્લા માં રહી –યુદ્ધ કરવા માં યુદ્ધ ને જીતવાના ચાન્સ વધી જાય છે.ઘર માં રહી સંસાર સામે યુદ્ધ બહેતર છે)

ઘરમાં રહી ને પણ સંત થઇ શકાય છે. અતિ સાવધાન થઇ ને ઘર માં રહે-તો તે સંત-જ છે.

તુકારામ-એકનાથ-વ્રજ ની ગોપીઓ-વગેરે એ –ઘરમાં રહી ને –પ્રભુને પ્રાપ્ત કરેલા છે. મીરાંબાઈ રાજમહેલમાં રહી ને પણ સંત

બની શક્યા હતા. મીરાંબાઈ એ ઘર છોડ્યું નથી-તેમ છતાં મોટા મોટા મહાત્મા ઓ તેમના દર્શને જતાં હતા.

કપડાં બદલવાથી સંત થવાતું નથી-ભગવાં કપડાં પહેરવાથી સંત થવાતું નથી.

કપડાં બદલવાની જરૂર નથી-કાળજું બદલવાની જરૂર છે.

સંત થવા માટે વિવેકથી સ્વભાવ ને સુધારવાની જરૂર છે.તે માટે મન ને બદલવાની જરૂર છે.

મન ના ગુલામ ના થશો.મન ને નોકર બનાવો.

પરીક્ષિતે-મન ને સુધાર્યું-ત્યારે તેમને શુકદેવજી મળ્યા છે. 

જંગલ માં ઝાડ નીચે બેસી ને જ સાધુ થવાય-સંત થવાય-એવુ નથી. જેના મન માં પાપ છે-એ જંગલ માં ઝાડ નીચે બેસી ને પણ

પાપ જ કરે છે. ત્યાં ચકલા-ચકલી નો પ્રસંગ જોઈ તેના મન માં પાપ આવે છે.

બધું છોડવાથી-તે- નિવૃત્તિ ના સમયે –ઇન્દ્રિયો-બહુ ત્રાસ આપે છે.

સંસાર માં રહી-મૃત્યુ ને માથે રાખી-સાવધાન રહી-મન ને સાચવી-કોઈના પણ દોષ જોયા વગર-દ્રષ્ટિને ગુણ મયી બનાવી-સતત-પરમાત્મા મિલન ના લક્ષ્ય ને યાદ રાખે છે-તે સંસાર માં રહીને પણ સંત-જ છે.

આત્મા એ મન નો સાક્ષી છે. મન ને સુધારવાની જરૂર છે.જગત બગડ્યું નથી-આપણું મન બગડ્યું છે. મન પર અંકુશ રાખો.

જે દિવસે -મન શુદ્ધ છે-ચારિત્ર્ય શુદ્ધ છે-તેવી સાક્ષી-આત્મા આપે-તો માનજો કે તમે સંત છો.

(કબીરે પણ કહ્યું છે-કે-મન સબ પર અસવાર હૈ,પીડા કરે અનંત-મન હી પર અસવાર રહે,કોઈ વિરલા સંત)

મન ને સુધારવાના અનેક ઉપાયો-શાસ્ત્ર માં બતાવ્યા  છે. બધાં ઉપાયો માંથી એક તારણ એ છે-કે-

મન –એ બહુ બીકણ છે-મન ને ભય લાગે –તો તે પાપ છોડે છે. મન ને વારંવાર-મૃત્યુ ની બીક બતાવો-તો તે સુધરશે.

મન પર લગામ ના રહે-અંકુશ ના રહે-તો મન બગડે છે. પહેલું મન બગડે-પછી વાણી બગડે-પછી વર્તન બગડે.

જે મન ને સાચવે છે-તે મહાન બને છે- તન અને ધન ને સાચવે તે સંસારી અને મન ને સાચવે તે સંત.

મહાપુરુષો મન ને બહુ સાચવે છે-મન જેની મુઠ્ઠી માં છે-તે જ સંત છે.
જયારે જયારે મન માં ખરાબ વિચારો આવે-ત્યારે તેને સમજાવવું કે-એક વાર મરવાનું છે.


-----------------------------------------------------------------------------------------------------------------

ભાગવત રહસ્ય-૫૪
      

સ્કંધ પહેલો-૨૫ (ચાલુ)

પરીક્ષિત રાજા એ સાંભળ્યું કે –સાતમા દિવસે મરવાનો છું. કે તરત જ તેના વિલાસી જીવન નો અંત આવ્યો.

પરીક્ષિત ને મૃત્યુ ની બીક લાગી-અને તેનું જીવન સુધર્યું –જીવન વિરક્ત થયું.

મરણ નુ દુઃખ ભયંકર છે. શાસ્ત્ર માં એવું લખ્યું છે-કે-જીવ જ્યાર શરીર છોડે ત્યારે –એક હજાર વીંછી-એક સાથે કરડે-અને જેટલી

વેદના થાય –તેટલી વેદના જીવાત્મા ને થાય છે.(એક વીંછી કરડે તો કેવી વેદના થાય ?તેનો ઘણા ને અનુભવ હશે)

“જન્મ દુઃખ-જરા દુઃખ-જાયા દુઃખ-પુનઃ પુનઃ, અંત કાલે મહા દુઃખ-તસ્માત જાગૃહિ જાગૃહિ”

જન્મ દુઃખ મય છે-વૃદ્ધાવસ્થા દુઃખ મય છે-વળી સ્ત્રી (કુટુંબ) દુઃખરૂપ છે-અને અંતકાળે પણ મોટું દુઃખ છે-માટે –જાગો-જાગો.

આ -દુઃખો ને રોજ યાદ કરો.રોજ વિચારો-કે આજે  મારું મૃત્યુ થશે-તો મારી કેવી ગતિ થશે ?હું ક્યાં જઈશ ?મારા કર્મ કેવા છે ?

મૃત્યુ નિશ્ચિત છે. શાસ્ત્ર માં લખ્યું છે કે-મરણ ની જગ્યા-મરણ નુ કારણ-મરણ નો સમય-નક્કી થયા પછી –જીવ નો જન્મ થાય છે. પણ અતિશય પુણ્ય વધે તો આમાં કવચિત ફેરફાર પણ  થાય છે. મૃત્યુ માથે છે-તે –યાદ રાખો.

સવારમાં ઉઠ્યા પછી-જન્મ મરણ ના દુઃખો નો વિચાર કરો.

ઘણાં સવારમાં ઉઠયા પછી-ભોજન નો વિચાર કરે છે-કે-આજે દાળ કરું કે કઢી કરું ?

કેટલાક બહુ ડાહ્યા હોય છે-બશેર શાક લેવું હોય તો –આખી બજાર ફરે છે.માથું ખંજવાળશે,-કારેલાં લઉં કે ઘીલોડા ?

જેનો વિચાર કરવાનો છે-તેનો વિચાર કરતા નથી- પણ  શાકભાજી નો અડધો કલાક વિચાર જરૂર કરશે.

ઘણાં ભાગે મનુષ્ય પાપ કરે છે ત્યારે-એવું સમજે છે કે હું મરવાનો નથી.(કે પછી એવું પણ વિચારે છે-કે એકવાર મરવાનું તો છે-જ-

પછી આ બધી ભાંજગડ શા માટે ?) પણ મરણ નો વિચાર માથે રાખશો-તો કમસે કમ પાપ તો થશે નહિ. અને પાપ છૂટી જશે-

અને પાપ જે દિવસે છૂટી જાય ત્યારે તમે માનજો-કે તમે સંત છો.

પાપ-પુણ્ય ના અનેક સાક્ષી ઓ છે.સૂર્ય-ચંદ્ર-ધરતી-વાયુ-આ બધાં સાક્ષીઓ છે. ભગવાન ના બધાં સેવકો છે.અને તમે જ્યાં જાવ ત્યાં

સાથે જ આવે છે. પણ મનુષ્ય માને છે કે હું પાપ કરું છું તે કોઈ જોતું નથી. અરે-તારા અંતર માં પણ પરમાત્મા વિરાજે છે.તે જુએ છે.

શંકરાચાર્ય દુઃખ થી બોલ્યા છે-કે-મનુષ્ય મરવાનું છે-તે જાણે છે,એક દિવસ આ બધું છોડી ને જવાનું છે –તે જાણે છે-તેમ છતાં –

પાપ કેમ કરે છે ?તેનું મને આશ્ચર્ય થાય છે.

(મહાભારતમાં પણ યક્ષના પ્રશ્ન-દુનિયાનું સહુથી મોટું આશ્ચર્ય કયું? ના જવાબ માં યુધિષ્ઠિર- કાંઇક આવો જ જવાબ આપે છે-કે

સ્મશાન માં સ્વજન ને બાળીને –ઘેર આવી પાછો માનવ –પોતે તો-મરવાનો જ નથી-તેમ સમજી-એ-જ સંસાર માં જોતરાઈ જાય છે)

પરીક્ષિત જેવા-સંત જેવા- થયા-કે શુકદેવજી પધાર્યા છે. શુકદેવજી ને આમંત્રણ આપવું પડ્યું નથી. અરે,શુકદેવજી –કઈ આમત્રણ આપે તો ય આવે તેવા નથી. રાજા નો જીવન પલટો થયો-એટલે-કે રાજા મટી રાજર્ષિ બન્યા એટલે આ બ્રહ્મર્ષિ આવ્યા છે.

રાજા મહેલ માં વિલાસી જીવન ગાળતા હતા ત્યાં સુધી –તે ના આવ્યા. આમેય જો રાજા-રાજા હતા ત્યારે –શુકદેવજી  કથા કરવા ગયા હોત તો-રાજા કહેત-કે તમે આવ્યા તે સારું થયું-પણ મને કથા  સાંભળવાની ફુરસદ નથી-એકાદ કલાક કથા કરો ને વિદાય થાઓ.

આ વિલાસી લોકો ને કથા સાંભળવાની ઈચ્છા થતી નથી. આ માયા બંને રીતે મારે છે.

ધંધો સારી રીતે ચાલે-તો પણ શાંતિ નથી. સો-સો ની નોટો દેખાય-એટલે ભુખ પણ લાગતી નથી.

ધંધો-ના ચાલે તો પણ શાંતિ નહિ. ભાવ વધે તો પણ શાંતિ નહિ-ભાવ ઘટે તો પણ શાંતિ નહિ.

જીવ નો સ્વભાવ જ એવો છે કે-જે મળ્યું છે તે ગમતું નથી. જે મળ્યું નથી તે ગમે છે. જીવ ને પ્રાપ્ત સ્થિતિ માં સંતોષ થતો નથી.

પ્રથમ સ્કંધ અધિકાર લીલા નો છે. વક્તા અને શ્રોતા નો-અધિકારી કોણ ? પ્રથમ સ્કંધ માં ત્રણ પ્રકરણ છે.

ઉત્તમાધિકાર-મધ્યમાધિકાર-કનિષ્ઠાધિકાર.

પરીક્ષિત અને શુકદેવજી –ઉત્તમ –શ્રોતા-વક્તા.

નારદ અને વ્યાસ—મધ્યમ –શ્રોતા-વક્તા.

સૂત અને શૌનક-કનિષ્ઠ –શ્રોતા –વક્તા

શુકદેવજી ની કક્ષા નો વિચાર કરતાં-સૂતજી કનિષ્ઠ વક્તા છે-પણ આપણા કરતાં તો તે મહાન છે.(સૂતજી ના ભાષણ માં –બે ત્રણ

જગા એ તેમનું અભિમાન દેખાય છે-માટે તેમને ઉતરતા શ્રેણી ના વક્તા ગણ્યા છે)

વ્યાસ જી માં જ્ઞાન-ભક્તિ છે-પણ શુકદેવજી ના પ્રમાણ માં-વૈરાગ્ય ઓછો છે-શુકદેવજી પરિપૂર્ણ છે.


------------------------------------------------------------------------------------------------------------------------------


 સ્કંધ પહેલો-૨૬ (ચાલુ)

વ્યાસજી –એ –સમાજ સુધારક સંત છે. જે સંત ને  સમાજ સુધરે તેવી ભાવના છે-તેને સમાજ નુ થોડું ચિંતન કરવું પડે છે.

ભક્તિ માં –આ-વિઘ્ન કરે છે.

વ્યાસજી –બધાં પરમાત્મા ને શરણે જાય-બધાં સુખી થાય એવી ભાવનાથી કથા કરે છે. એટલે તેમને મધ્યમ વક્તા કહ્યા છે.

શુકદેવજી ની કથા થી ઘણાં ના જીવન સુધરે છે. પણ શુકદેવજી માનતા નથી કે હું કોઈનું જીવન સુધારું છુ. શુકદેવજી ને કથા કરતી

વખતે ખબરે ય નથી કે સામે કથા માં કોણ બેઠું છે. જ્ઞાન-ભક્તિ-વૈરાગ્ય થી પરિપૂર્ણ –બ્રહ્મ જ્ઞાની અને બ્રહ્મ દૃષ્ટિ વાળા શુકદેવજી ને

ઉત્તમ વક્તા કહ્યા છે.

સમષ્ટિ (જગત) હવે સુધરે-તેમ લાગતું નથી. હા-કદાચ વ્યક્તિ સુધરી શકે. વિષય વાસના થી જેનું મન ભરેલું છે-તે સમાજ ને સુધારી

શકે નહિ. આપણા જેવા સામાન્ય મનુષ્યો-સમાજ ને સુધારી શકે નહિ.(કોઈ પ્રચંડ વ્યક્તિત્વ –ક્યારેક આવી જાય-તો તે સુધારે)

આજકાલ –લોકો ને સમાજ સુધારવાની બહુ ઈચ્છા થાય છે-કહે-છે-કે-અમે બીજા ને લાભ આપીએ છીએ.

અરે-ભાઈ-તું તારું જ સુધારને-તારી જાત ને જ લાભ કર ને- ઘરનાં લોકો ને સુધારી શક્યો નહિ-તે સમાજ શું સુધારી શકવાનો ?

મનુષ્ય પોતાના મન ને સુધારે-પોતાની આંખને સુધારે -ઘરનાં લોકો ને સુધારે તો  પણ ઘણું છે.---

વળી-સમાજ ને સુધારવાની ઈચ્છા-અનેકવાર-પ્રભુ ભજન-પ્રભુ મિલન મા બાધક થાય છે. બીજા ને સુધારવાની ભાવના –પ્રભુ મિલન માં

વિઘ્ન કરે છે.માટે બીજાને સુધારવાની ભાંજગડ માં પડવા જેવું નથી.

તમે તમારુ સુધારજો-સમાજ ને સુધારવા –પરમાત્મા સંત ને મોકલી આપે છે.

બોલવામાં-(શબ્દ માં) –ત્યાગ વગર –શક્તિ-(અસરકારકતા) આવતી નથી.

કહેણી અને કરણી એક ના હોય ત્યાં સુધી-વાણી અને વર્તન એક ના હોય ત્યાં સુધી –શબ્દ માં શક્તિ આવતી નથી.

રામદાસ સ્વામી એ કહ્યું છે કે-મેં કર્યું છે-મેં અનુભવ્યું છે-અને પછી હું તમને કહું છુ.

વાણી અને વર્તન એક હોય-તે ઉત્તમ વક્તા છે. શુકદેવજી જે બોલ્યા છે-તે જીવન મા ઉતારી ને બોલ્યા છે. આવી વ્યક્તિ વંદનીય છે.

એક વખત-એકનાથ મહારાજ પાસે એક બાઈ તેનો પુત્ર લઇ ને આવી-અને મહારાજ ને કહે છે કે-

“મહારાજ-આ મારા પુત્ર ને મોસાળ માં જઈ ને આવ્યા પછી-ગોળ ખાવાની બહુ ટેવ પડી ગઈ છે. હું ગરીબ ઘરની છું. રોજ ગોળ ક્યાંથી

લાવું ? તે બહુ હઠ કરે છે. ગોળ ખાવાનું છોડતો નથી. તે ગોળ ખાવાનું છોડી દે તેવો આશીર્વાદ આપો.”

સંતો પાસે શું માગવું તેનો પણ ઘણાને વિવેક હોતો નથી. આ બાઈએ સંત પાસે એમ ના માગ્યું –કે મારો દીકરો તમારા જેવો

ભગવદ ભક્ત થાય !! ઘણાં સંત પાસે જઈ કહે છે-કે મારી ભેંસ દૂધ નથી આપતી-તો તે દૂધ આપે તેવા આશીર્વાદ આપો !!!

એકનાથ મહારાજે વિચાર્યું-“હું જ ગોળ ખાઉં છું-મારો આશીર્વાદ ફળશે નહિ.” મહારાજે બાઈ ને કહ્યું કે “થોડા દિવસ પછી-તમારા પુત્રને

લઇ ને પાછા આવજો-તે વખતે હું તેને આશીર્વાદ આપીશ –આજે નહિ”

તેઓ એ ગોળ ખાવાનું ત્યારથી છોડ્યું.જીવન ના અંત સુધી –ગોળ નહિ ખાવાની પ્રતિજ્ઞા કરી.

થોડા દિવસ પછી બાઈ પોતાન પુત્ર ને લઈને આવી. મહારાજે તે વખતે બાળક ને આશીર્વાદ આપ્યો-

“બેટા,બહુ ગોળ ખાવો સારો નહિ.તું ગોળ ખાવાનો છોડી દેજે” પેલી બાઈ ને આશ્ચર્ય થયું-કે આટલી વાત કહેવા મહારાજે –સાત દિવસ

લીધા ? તેણે મહારાજને પૂછ્યું-“હું પહેલી વખત આવી ત્યારે કેમ આશીર્વાદ ના આપ્યા ?

મહારાજે કહ્યું-“મા- હું પોતે જ –તે વખતે ગોળ ખાતો હતો એટલે મારાથી તેવો આશીર્વાદ કેમ આપી શકાય ? મેં હવે ગોળ ખાવાનો

છોડી દીધો છે.એટલે હવે મારો આશીર્વાદ ફળશે” અને સાચે જ મહારાજ નો આશીર્વાદ ફળ્યો.

ત્યાગ થી અલૌકિક શક્તિ આવે છે. વિષય આપણને છોડીને જાય તો દુઃખ થાય છે. પણ આપણે જાતે-સમજી ને –વિષયોને છોડીએ-

તો આનંદ આવે છે.

જ્ઞાન ,ભક્તિ અને વૈરાગ્ય –જેના મા પરિપૂર્ણ હોય તે-જ-પ્રભુ નાં દર્શન કરી શકે અને બીજા ને કરાવી શકે.

શુકદેવજી માં આ ત્રણે પરિપૂર્ણ છે, તેથી-જ-પરીક્ષિત ને સાત દિવસ મા પ્રભુ નાં દર્શન કરાવ્યા છે.

સમાજ નુ આકર્ષણ કરવું તે તો એક કળા છે. હજારો શ્રોતાઓ –કથા સાંભળવા આવે –તેથી-કોઈ ઉત્તમ વક્તા બની જતાં નથી.

વક્તા માં શુકદેવજી જેવો –પૂર્ણ વૈરાગ્ય હોવો જરૂરી છે.

મહાપ્રભુજીએ કહ્યું છે-કે-ભાગવત માં સમાધિ  ભાષા મુખ્ય છે. ઈશ્વરના ધ્યાન માં જેને થોડો પણ આનંદ આવે-તેને –ભાગવત નો અર્થ

જલ્દી સમજાય છે.

વ્યાસજી એક -એક એક લીલા ના પ્રત્યક્ષ દર્શન કર્યા છે. અંતર્દૃષ્ટિ થી આ બધું જોયું છે.

ભગવાન નું સ્વરૂપ અલૌકિક છે. આપણી આંખો લૌકિક છે. લૌકિક આંખો –અલૌકિક ઈશ્વરને જોઈ શકે નહિ.

બહારની આંખ બંધ કર્યા પછી-અંતરની આંખ ખુલે-ત્યારે –પરમાત્મા ના દર્શન થાય છે.

(ગીતામાં પણ ભગવાન અર્જુન ને કહે છે કે-મારું સ્વરૂપ તું આ સ્થૂળ ચક્ષુ થી જોઈ શકીશ નહિ,માટે હું તને દિવ્ય ચક્ષુ- દિવ્ય દૃષ્ટિ-આપું છુ.તેના વડે તું મારું અવિનાશી,વિશ્વરૂપ,વિરાટ રૂપ ને જો --ગીતા-૧૧-૮)

------------------------------------------------------------------------------------------------------------------


ભાગવત રહસ્ય-૫૬
    

સ્કંધ પહેલો-૨૭ (ચાલુ)

વ્યાસજીએ અઢાર હજાર શ્લોકો નો –આ ભાગવત ગ્રંથ બનાવ્યો. પછી તે વિચારતા હતા કે-“હવે તેનો પ્રચાર કોણ કરશે ?

આ ગ્રંથ માં મેં બધું ભરી દીધું છે,આ પ્રેમ શાસ્ત્ર છે. માયા સાથે,સંસાર સાથે,પ્રેમ કરનારો આ ભાગવત શાસ્ત્ર નો પ્રચાર શકશે નહિ.

જન્મ થી જ જેને  માયા નો સંસર્ગ થયો હોય નહિ-એ જ આ ગ્રંથ નો પ્રચાર કરી શકશે.”

બહુ વિચાર ને અંતે તેમને લાગ્યું કે-આવો લાયક તો મારો પુત્ર શુકદેવ જ છે.

શુકદેવજી જન્મ થી જ નિર્વિકાર છે, અપ્સરા રંભા પણ શુકદેવજી ને ચળાવી શકી નથી.

“નારી ઓ માં તો રંભા જ” એમ જે કહેવાય છે-તેવી રંભા –શુકદેવજી ને ચળાવવા આવી છે.

શુકદેવજી ને કહે છે કે-તમારુ જીવન વૃથા છે.

શુકદેવજી ઉત્તર આપે છે.-વિષય ભોગો- નહિ ભોગવનાર નુ જીવન -વૃથા નથી-પણ સાંભળો –દેવી-કે કોનું જીવન વૃથા છે.

“નીલકમલની સમાન સુંદર જેના નેત્રો છે,જેના આકર્ષક અંગો પર કેયુર હાર-આદિ અલંકારો શોભી રહ્યાં છે.એવા સર્વાન્તર્યામી

નારાયણ પ્રભુના ચરણ કમળોમાં જેણે-ભક્તિપૂર્વક પોતાની જાત ને અર્પણ કરી-આ આવાગમન ના ચક્ર ને મિટાવ્યું નહિ-એવા

મનુષ્ય દેહ નુ ધારણ કરવું વ્યર્થ છે-એવા મનુષ્ય નુ જીવન વૃથા ગયું છે એમ માનવું”

“જેના વક્ષ સ્થળ ઉપર-લક્ષ્મીજી શોભાયમાન છે-જેની ધ્વજા માં ગરુડજી વિરાજેલા છે,જે સુદર્શન ચક્રધારી છે. એવા પરમાત્મા –

મુકુન્દ ભગવાન નુ જેણે ક્ષણ વાર પણ સ્મરણ કર્યું નથી-એવા મનુષ્ય નુ જીવન વૃથા ગયું છે એમ માનવું”

રંભા એ જયારે સ્ત્રી-શરીર ના બહુ વખાણ કર્યા ત્યારે-શુકદેવજી એ રંભા ને કહ્યું-

“સ્ત્રી નુ શરીર આટલું સુગંધમય-સુંદર હોઈ શકે છે –તે આજે જ જાણ્યું. મને ખબર નહોતી. પણ હવે પરમાત્માની પ્રેરણા થી

જન્મ લેવાનો થાય- તો તારા જેવી મા શોધી કાઢીશ.”

શુકદેવજી જન્મ થી જ નિર્વિકાર છે-જે પુત્રે –જન્મતાં જ પિતાને કહ્યું-કે-તમે મારા પિતા નથી-અને હું તમારો પુત્ર નથી.

આવા શુકદેવજી -ઘેર આવે કેવી રીતે ?

શુકદેવજી જન્મસિદ્ધ યોગી છે. જન્મ થયો કે તરત જ તપશ્ચર્યા માટે વન પ્રતિ પ્રયાણ કર્યું. તે સદા બ્રહ્મ-ચિંતન મા મગ્ન રહે છે.

તેમને વન માંથી બોલાવવા કેવી રીતે ?-વ્યાસજી વિચારે છે-કે-તેઓ ઘેર આવે તો –ભાગવતશાસ્ત્ર તેમને ભણાવું-અને પછી તે-

ભાગવત નો પ્રચાર કરી શકે. 

વ્યાસજી વિચારે છે કે-શ્રીકૃષ્ણ નુ સ્વરૂપ અદભૂત છે.તે સ્વરૂપે યોગી ઓ ના ચિત્તને પણ આકર્ષ્યા છે-તે કનૈયો-શુકદેવજી જેવા યોગીને

શું નહિ આકર્ષે? શુકદેવજી નિર્ગુણ બ્રહ્મ ના ચિંતન માં લીન છે. તેમાંથી તેમનું ચિત્ત હટાવવા-અને સગુણ બ્રહ્મ તરફ વાળવા-

કૃષ્ણ-લીલાના શ્લોકો તેમને સંભળાવવા જોઈએ.

આ શ્લોકો ની જાદુઈ અસર ની વ્યાસજી ને ખાતરી થઇ હતી.

વ્યાસજી ના શિષ્યો જંગલ માં-દર્ભ સમિધ લેવા જાય ત્યારે –તેમને જંગલ ના હિંસક પશુઓ ની બીક લાગતી હતી. આથી વ્યાસજીએ

તે શિષ્યોને કહ્યું-કે જયારે બીક લાગે ત્યારે-તમે ભાગવત ના શ્લોકો બોલજો. શ્રીકૃષ્ણ તમારી સાથે છે-એવો વિચાર કરજો.

એના પછી-જયારે ઋષિકુમારો વન માં જાય ત્યારે –બર્હાંપીડમ-વગેરે શ્લોકો બોલે-ત્યારે હિંસક પશુઓ પોતાના વેર ભૂલી જઈ ને

શાંત બનતા હતા.

વ્યાસજી વિચારે છે-કે-જે મંત્રોથી –પશુઓનું આકર્ષણ થયું-તે મંત્રોથી શુકદેવજી નુ આકર્ષણ શું નહિ થાય ?

વ્યાસજી એ યુક્તિ કરી-શિષ્યો ને કહ્યું-શુકદેવજી જે વન માં સમાધિ માં બેસી રહે છે ત્યાં તમે જાઓ અને તેઓ સાંભળે તેમ –

આ બે શ્લોકો નુ તમે ગાન કરો.-તેમને આ શ્લોકો સંભળાવો.

શિષ્યો-આજ્ઞા મુજબ –તે વન માં ગયા. શુકદેવજી સ્નાન-સંધ્યા કરી-સમાધિ માં બેસવાની તૈયારી માં હતા. જો  સમાધિ માં બેસી જાય-

અને સમાધિ લાગી જાય-તો શ્લોક તેઓ સાંભળી શકે નહિ. –એટલે શિષ્યો તરત જ બોલે છે.-

“શ્રીકૃષ્ણ ગોપ બાળકો સાથે વૃંદાવન માં પ્રવેશ કરી રહ્યાં છે.તેમણે મસ્તક પર મોર-મુગુટ શરણ કર્યો છે. અને કાન પર કરેણ ના

પીળા પુષ્પો. શરીર પર પીળું પીતાંબર અને ગળા માં પાંચ-પ્રકારના સુગંધિત પુષ્પોની બનાવેલી-વૈજ્યંતિ માળા પહેરી છે.

રંગ મંચ પર અભિનય કરતાં નટ કરતાં પણ શ્રેષ્ઠ  એવો સુંદર વેષ છે!! વાંસળીના છિદ્રો ને પોતાના અધરામૃત થી ભરી રહ્યાં છે.

એમની પાછળ પાછળ-ગોપ બાળકો તેમની કીર્તિ નુ ગાન કરી રહ્યાં છે. આ પ્રમાણે વૈકુંઠ થી પણ શ્રેષ્ઠ –આ વૃંદાવન ધામ-એમનાં

ચરણ ચિહ્નો થી વધારે રમણીય બન્યું છે” (ભાગવત-૧૦-૨૧-૫-વેણુગીત) (આ શ્લોક માં શ્રીકૃષ્ણ ની સ્વરૂપ-સુંદરતા બતાવી છે)

શુકદેવજી નુ હૃદય ગંગા જળ જેવું શુદ્ધ છે. જળ સ્થિર અને સ્વચ્છ હોય તો તેમાં શુદ્ધ પ્રતિબિંબ  પડે છે.

શુકદેવજી નાં કાને -ઉપર નો શ્લોક સંભળાય છે-શ્રીકૃષ્ણ નુ મનોહર સ્વરૂપ હૃદય માં દેખાય છે.

શ્લોક બોલે છે-ઋષિકુમાર અને તેનું સ્વરૂપ દેખાય છે-શુકદેવજી નાં હૃદય માં. શુકદેવજી ને ધ્યાન માં અતિ આનંદ આવે છે.

લાલાજી ની વાંસળીના સુર કાનમાં સંભળાય છે. લાલાજી ની વાંસળી જેણે સંભળાણી –તે કાયમ નો લાલાજીનો થઇ જાય છે.

કનૈયો-શસ્ત્ર થી કોઈને ઘાયલ કરતો નથી. (મોરલી થી ઘાયલ કરે છે)

શુકદેવજી એ તરત જ નિશ્ચય કર્યો-હવે નિરાકાર બ્રહ્મ નુ ચિંતન નહિ કરું પણ સાકાર શ્રીકૃષ્ણ નુ ચિંતન કરીશ.

પણ તરત પાછો-વિચાર થયો-હું દેહ માં છું-પણ દેહથી વિદેહ છુ. મારા જેવા સન્યાસી માટે-શ્રીકૃષ્ણ નુ ધ્યાન યોગ્ય નથી.

મારા માટે તો નિરાકાર બ્રહ્મ નુ ધ્યાન જ ઉત્તમ છે. સગુણ બ્રહ્મ ની સેવામાં –સર્વ વસ્તુ ની અપેક્ષા રહે છે.

લાલાજી માખણ મીસરી માગશે તો તે હું ક્યાંથી લાવીશ ? મારી પાસે તો કાંઇ નથી.મેં તો લંગોટી નો પણ ત્યાગ કર્યો છે.
શુકદેવજી નાં મન માં દ્વિધા ઉત્પન્ન થઇ છે. નિરાકારનું કે સગુણ બ્રહ્મ –કોનું  ધ્યાન કરું

---------------------------------------------------------------------------------------------------------------

ભાગવત રહસ્ય-૫૭
     

સ્કંધ પહેલો-૨૮ (ચાલુ)

શુકદેવજી ને શ્રીકૃષ્ણ નુ આકર્ષણ થયું-પણ સગુણ-કે નિરાકાર –આ બેમાંથી કોનું ધ્યાન કરું ? તેવી દ્વિધા પણ  થઇ.

ત્યાં જ-વ્યાસજી નાં શિષ્યો-બીજો શ્લોક બોલ્યા-(આ શ્લોક માં શ્રીકૃષ્ણ ની સ્વભાવ સુંદરતા બતાવી છે)

“અહો! આશ્ચર્ય છે કે-દુષ્ટ પુતના એ સ્તન માં ભરેલું ઝેર –જેમને મારવાની ઈચ્છા થી જ ધવડાવ્યું હતું. તે પૂતનાને તેમણે એવી

ગતિ આપી-કે જે ધાઈ ને મળવી જોઈએ.(એટલેકે એને સદગતિ આપી) .એ ભગવાન શ્રીકૃષ્ણ સિવાય આવો કોણ બીજો દયાળુ છે-કે-

જેનું –અમે-શરણ ગ્રહણ કરીએ ?

શુકદેવજી નાં મન માં શંકા હતી કે કનૈયો બધું માગશે તો હું શું આપીશ ? તેનું નિવારણ થયું.

તે આમ તેમ જોવા લાગ્યા.આ શ્લોક કોણ બોલે છે ? ત્યાં તેમણે વ્યાસજી નાં શિષ્યો નાં દર્શન થયા. શિષ્યો ને તેમણે પુછ્યું –

“તમે કોણ છો ?તમે બોલેલા શ્લોકો કોણે રચેલા છે ?

શિષ્યો એ કહ્યું-અમે વ્યાસજી નાં શિષ્યો છીએ.તેમણે અમને આ મંત્રો આપ્યા છે. આ બે શ્લોકો તો નમુના નાં છે. વ્યાસજીએ  એ આવા અઢાર હજાર - શ્લોકોમય- ભાગવત પુરાણ ની રચના કરી છે.

શુકદેવજી ને  ભાગવત શાસ્ત્ર ભણવાની ઈચ્છા થઇ છે. કનૈયા ની લીલા સાંભળી-તેમનું ચિત્ત આકર્ષાયું. યોગીઓના મન પણ

આ કૃષ્ણ કથા થી આકર્ષાય છે. નિર્ગુણ બ્રહ્મ નાં ઉપાસક –આજે સગુણ બ્રહ્મ ની પાછળ પાગલ બન્યા છે.

બાર વર્ષ પછી-શુકદેવજી વ્યસાશ્રમ માં દોડતા દોડતા આવ્યા છે. અને વ્યાસજી ને સાષ્ટાંગ પ્રણામ કર્યા છે. વ્યાસજી એ પુત્રને

છાતી સરસો ચાંપ્યો છે. શુકદેવજી એ કહ્યું-પિતાજી આ શ્લોકો મને ભણાવો.

શુકદેવજી કથા સાંભળે છે.કૃતાર્થ થયા છે. વ્યાસજી એ શુકદેવજી ને ભાગવત ભણાવ્યું.

અને આ પ્રમાણે –ભાગવત નો પ્રચાર કેવી રીતે કરવો ? –તે વ્યાસજી ની ચિંતા નો અંત આવ્યો છે.

આ ગ્રંથ નાં ખરા અધિકારી –આત્મારામ -છે. કારણ શ્રીકૃષ્ણ સર્વ નાં આત્મારૂપ છે.

વિષયારામ –ને-  આ ગ્રંથ સાંભળવાની ઈચ્છા થતી નથી.

સૂતજી કહે છે કે-શૌનક્જી –આશ્ચર્ય ન કરો.ભગવાન નાં ગુણો એવા મધુર છે કે સર્વ ને પોતાની તરફ ખેંચી લે છે.તો પછી શુકદેવજી નુ

મન –તે- આકર્ષે –તેમાં શું નવાઈ ?

જેઓ જ્ઞાની છે,જેની અવિદ્યા ની ગાંઠ છૂટી ગઈ છે,અને જેઓ સદા આત્મ રમણ માં લીન છે-તેઓ પણ ભગવાન ની હેતુ રહિત-

ભક્તિ કર્યા કરે છે. સ્વર્ગ નુ અમૃત શુકદેવજી જેવાને ગમતું નથી, પણ તે નામામૃત-કથામૃત ને છોડતા નથી. પ્રાણાયામ કર્યા પછી

કે આંખ બંધ કર્યા પછી પણ ઘણી વખત જગત ભૂલાતું નથી. પણ કૃષ્ણ કથા અનાયાસે જ જગતની વિસ્મૃતિ કરાવે છે.

ભગવાન ની કથામૃત નુ પાન કરતાં ભુખ અને તરસ પણ ભુલાય છે.તેથી તો-

દસમ સ્કંધ નાં પહેલાં અધ્યાય માં પરીક્ષિત કહે છે-કે-પહેલાં મને ભુખ-તરસ લાગતા હતા-પણ ભગવાન ની કથામૃત નુ પાન

કરતાં હવે મારા ભુખ-તરસ અદૃશ્ય થયાં છે.

“મેં પાણી પણ છોડ્યું છે-છતાં હું આપના મુખ કમળ માંથી નીકળતું –શ્રી હરિનામ રૂપી-અમૃતનું પાન કરી રહ્યો છુ. તેથી અતિ

દુસહ ક્ષુધા પણ મને પીડા કરતી નથી.”

સૂતજી વર્ણન કરે છે-

તે પછી આં કથા-શુકદેવજી એ રાજા પરીક્ષિત ને કહી સંભળાવી-મારા ગુરુદેવ પણ ત્યાં હતા.તેમણે મને આ કથા મને કહી.

તે તમને સંભળાવું છુ.

(શુકદેવજી ને ઉત્તમ વક્તા તરીકે સિદ્ધ કર્યા પછી-ઉત્તમ શ્રોતા –પરીક્ષિત ની –કથા હવે છે)

હવે હું તમને-પરીક્ષિત નો જન્મ-કર્મ-અને મોક્ષની તથા પાંડવોના સ્વર્ગારોહણ ની કથા કહું છુ.

------------------------------------------------------------------------------------------------------------------

ભાગવત રહસ્ય-૫૮
      

સ્કંધ પહેલો-૨૯ (ચાલુ)

પવિત્ર પાંડવો ના વંશ માં પરીક્ષિત નો જન્મ થયો છે.

પાંચ પ્રકારની બીજ -શુદ્ધિ બતાવવા પંચાધ્યાયી ની કથા શરુ કરે છે.

પિતૃશુદ્ધિ-માતૃશુદ્ધિ-વંશશુદ્ધિ-અન્નશુદ્ધિ અને આત્મશુદ્ધિ.

જેના આ પાંચ પરિપૂર્ણ હોય-તેણે પ્રભુ-દર્શન ની આતુરતા જાગે છે. આતુરતા વગર ઈશ્વર દર્શન થતાં નથી.

પરીક્ષિત માં આ પાંચે ય ની શુદ્ધિ હતી.-તે બતાવવા-આગળ ની કથા કહેવામાં આવે છે.

૭ થી ૧૧ –આ પાંચ અધ્યાયો માં બીજશુદ્ધિ ની કથા છે-અને પછી-૧૨ મા અધ્યાય માં પરીક્ષિત નાં જન્મ ની કથા છે.

વંશશુદ્ધિ બતાવવા માટે-પાંડવ અને કૌરવોની યુધ્ધની થોડી કથા કહી છે.

શ્રીકૃષ્ણ ના લાડીલા –પાંડવો ના વંશ માં પરીક્ષિત નો જન્મ થયો છે.

મહાભારત નુ યુદ્ધ પૂરું થયું છે. અશ્વસ્થામા એ વિચાર્યું-કે-પાંડવો એ કપટ થી મારા પિતાનો વધ કર્યો છે. એટલે હું પણ પાંડવો ને

કપટ થી મારીશ. પાંડવો જયારે સુઈ ગયા હશે ત્યારે મારીશ.

પાંડવો ને કોણ મારી શકે ? જેને પ્રભુ રાખે-તેને –કોણ મારી શકે ?

પ્રભુ એ સૂતેલા પાંડવોને જગાડ્યા છે. અને કહ્યું –કે મારી સાથે ગંગા કિનારે ચાલો.

પાંડવોને પ્રભુ પર દૃઢ વિશ્વાસ-કોઈ પ્રશ્ન નહિ-પ્રભુ સાથે ચાલવા લાગ્યા.

પ્રભુ એ કહ્યું હતું-પણ દ્રૌપદી ના પુત્રો –સાથે ગયા નથી-બાળક બુદ્ધિ હતી-કહે છે કે-અમને ઊંઘ આવે છે.-તમારે જવું હોય તો જાવ.

પરિણામે-અશ્વસ્થામા એ દ્રૌપદી નાપાંચે ય પુત્રો ને માર્યા છે.

દ્રૌપદી આજે રડે છે-પણ દ્વારકાનાથ ને આજે દયા આવતી નથી.

સર્વ રીતે સુખી થાય-તે શાનભાન જલ્દી ભૂલે છે.પાંડવો ને સુખ માં અભિમાન થશે-તો તેમનું પતન થશે. આવા શુભ હેતુ માટે-

ઠાકોરજી-કોઈ કોઈ વાર નિષ્ઠુર બની જાય છે. સુખ માં સાનભાન ના ભૂલે-તેથી આં દુઃખ પાંડવો ને પ્રભુ એ જ આપ્યું છે.

ભગવાન –આવા સમયે પણ-જીવ ને ગુપ્ત રીતે મદદ કરે છે. દુઃખ પણ આપે અને મદદ પણ કરે-

અતિ દુઃખ માં કોઈ વખત જીવ ભગવાન ને ભૂલે છે-પણ ભગવાન તેણે ભૂલતા નથી.

અર્જુને અશ્વસ્થામા ને મારવાની પ્રતિજ્ઞા કરેલી-બંને નુ યુદ્ધ થાય છે. પણ બ્રાહ્મણ-ગુરુપુત્ર ને મારવાની હિંમત થતી નથી.

આથી તેને બાંધી ને-ખેંચી ને દ્રૌપદી સમક્ષ  લાવ્યા છે. પુત્ર શોક થી રડતી –દ્રૌપદી- અશ્વસ્થામા ની સ્થિતિ જોઈ કહે છે-કે

આંગણે આવેલા બ્રાહ્મણ નુ અપમાન ના કરો.  અને પોતાના પાંચ બાળકો ને મારનાર ને વંદન કરે છે.

આ સાધારણ વેરી નથી.પણ દ્રૌપદી –આંગણે આવનાર –બ્રાહ્મણ ને પ્રણામ કરે છે.!

તમારો વેરી –તમારે આંગણે આવ્યો હોય તો તમે –એને જયશ્રી કૃષ્ણ કહેશો ??

ભાગવતની કથા સાંભળ્યા પછી-જીવન સુધારજો. વેરની શાંતિ-નિર્વેર થી થાય છે.-પ્રેમ થી થાય છે.-વંદન થી થાય છે.

શત્રુ માં પણ ભગવદ-દૃષ્ટિ કેળવવાનું ભાગવત શીખવે છે.

સજ્જન માં ભગવાન ના દર્શન થાય છે-તે સ્વાભાવિક છે-પણ દુર્જન માં પણ ભગવાન ના દર્શન કરવા તે વિશિષ્ટતા છે.

ભક્ત એ છે કે જે વેરનો બદલો પ્રેમ થી આપે. જયશ્રીકૃષ્ણ –કહેવાનો અર્થ એ છે કે-મને જે દેખાય છે –તે કૃષ્ણમય છે.

અશ્વસ્થામા વિચારે છે-ખરેખર દ્રૌપદી વંદનીય છે-હું વંદનીય નથી. તે કહે છે કે-દ્રૌપદી-લોકો તારા વખાણ કરે છે તે ઓછાં છે.

તું વેર નો બદલો પ્રેમ થી આપે છે. દ્રૌપદી ના ગુણ થી આજે વ્યાસજી પણ તન્મય બન્યા છે. દ્રૌપદીને ઉદ્દેશી ને કહે છે કે-

કોમળ હૃદયવાળી-સુંદર સ્વભાવવાળી.

જેનો સ્વભાવ અતિ સુંદર છે-તે ભગવાન ને વહાલો લાગે છે. સ્વભાવ સુંદર ક્યારે બને ? અપકાર નો બદલો ઉપકારથી આપે ત્યારે.

દ્રૌપદી બોલી ઉઠયાં-તેને છોડી દો-તેને મારશો નહિ.આ  ગુરુપુત્ર છે. જે વિદ્યા-દ્રોણાચાર્યે –પોતાના પુત્રને ના આપી-

પણ તમને આપી. તે તમે શું ભૂલી ગયા ? બ્રાહ્મણ પરમાત્મા નુ સ્વરૂપ  છે-ગાય ને બ્રાહ્મણ વંદનીય છે.

દ્રૌપદી એ દયાનું સ્વ-રૂપ છે.દ્રૌપદી (દયા)જોડે જીવ ના પરણે ત્યાં સુધી કૃષ્ણ તેના સારથી બનતા નથી.

જીવાત્મા (અર્જુન) ગુડાકેશ છે.અને શ્રીકૃષ્ણ ઋષિકેશ છે. આ જોડી –શરીર રથ માં બેઠી છે.

ઇન્દ્રિયો રૂપી રથ –પ્રભુ ને સોંપશો તો કલ્યાણ થશે. ઇન્દ્રિયોના સ્વામી શ્રીકૃષ્ણ છે.

યુધિષ્ઠિર એ ધર્મ છે.ભીમ એ બળ છે.સહદેવ અને નકુલ –બુદ્ધિ અને જ્ઞાન છે.

આ ચાર-ગુણ વાળો જીવ-અર્જુન છે. આ ગુણો ક્યારે શોભે છે? જયારે દ્રૌપદી -દયા-તેની પત્ની બને છે.

દ્રૌપદી-દયા ક્યારે મળે ? ધર્મ ને મોટો માને ત્યારે.

પરમાત્મા ત્યારે જ સારથી થાય-જયારે માનવ ધર્મ ને મોટો માને.

આજે તો ધર્મ  ને નહિ ધન ને મોટું માને છે. અને આમ થતાં –સંયમ અને સદાચાર જીવન માંથી ગયા છે.

ધન –ધર્મ ની મર્યાદા મા રહીને મેળવવું જોઈએ. તમારે કોઈ કાર્ય કરવું હોય તો પહેલાં ધર્મ ને પૂછજો,કે-

આ કાર્ય કરવાથી મને પાપ તો નહિ લાગેને ? પૈસા માટે ધર્મ નો ત્યાગ કરે તે ઈશ્વર ને ગમતો નથી.પણ-

ધર્મ માટે પૈસા નો ત્યાગ કરે તો તે ઈશ્વર ને ગમે છે.

------------------------------------------------------------------------------------------------------------------



ભાગવત રહસ્ય-૫૯
     

સ્કંધ પહેલો-૩૦ (ચાલુ)

દ્રૌપદીએ અશ્વસ્થામા ને બચાવ્યો.

અર્જુન ને કહ્યું-“આને મારશો તો પણ મારા પાંચ પુત્રોમાંથી ,એક પણ હવે જીવતો થવાનો નથી.

પરંતુ અશ્વસ્થામા ને મારશો તો તેની મા ગૌતમી ને અતિ દુઃખ થશે. હું હજી સધવા છુ પણ અશ્વસ્થામા ની મા વિધવા છે.

તે પતિ ના મર્યા પછી પુત્રના આશ્વાસને જીવે છે.તે રડશે તે મારાથી નહિ જોવાય.”

કોઈના આશીર્વાદ ન લો તો કઈ નહિ-પણ કોઈનો નિસાસો લેશો નહિ. કોઈ નિસાસો આપે તેવું કૃત્ય કરતા નહિ.

જગતમાં બીજાને રડાવશો નહિ, જાતે રડજો,

ભીમ કહે છે-આ બાલ-હત્યારા ઉપર દયા હોતી હશે ?તારી પ્રતિજ્ઞા ક્યાં ગઈ ? પણ -દ્રૌપદી વારંવાર કહે છે-મારશો નહિ.

અર્જુન વિચારમાં પડ્યા. ત્યારે-શ્રીકૃષ્ણે આજ્ઞા કરી-દ્રૌપદી બોલે છે તે બરાબર છે.તેના દિલ માં દયા છે.

ભીમે કહ્યું-મનુસ્મૃતિ માં કહ્યું છે-કે-આતતાયી ને મારવામાં પાપ નથી.

શ્રીકૃષ્ણ પણ મનુસ્મૃતિ ને માન્ય રાખી જવાબ આપે છે-બ્રાહ્મણ નુ અપમાન એ મરણ બરાબર છે,માટે અશ્વસ્થામા ને મારવાની

જરૂર નથી.તેનું અપમાન કરીને કાઢી મુકો.

અશ્વસ્થામા નુ મસ્તક કાપ્યું નહિ પણ તેના માથા માં જન્મ સિદ્ધ મણિ હતો તે કાઢી લીધો. અશ્વસ્થામા તેજહીન બન્યા.

ભીમે વિચાર્યું-હવે મારવાનું શું બાકી રહ્યું.? અપમાન મરણ કરતાં પણ વિશેષ છે. અપમાન પ્રતિક્ષણે મારવા જેવું છે.

અશ્વસ્થામા એ વિચાર કર્યો-આના કરતાં મને મારી નાખ્યો હોત તો સારું થાત. પણ પાંડવોએ જે આવું મારું અપમાન કર્યું છે-

તેનો બદલો હું લઈશ.મારું પરાક્રમ બતાવીશ.અભિમન્યુ ની પત્ની ઉત્તરા ના પેટમાં ગર્ભ છે, તે એક માત્ર –પાંડવોનો ઉત્તરાધિકારી

છે. તે ગર્ભ નો નાશ થાય તો –પાંડવો ના વંશ નો નાશ થશે.

એમ વિચારી-ઉત્તરા ના ગર્ભ પર તેણે બ્રહ્માસ્ત્ર છોડ્યું. બ્રહ્માસ્ત્ર ઉત્તરા ના શરીર ને બાળવા લાગ્યું-તે વ્યાકુળ થયા છે.
દોડતાં-દોડતાં શ્રીકૃષ્ણ પાસે આવ્યા છે. શ્રીકૃષ્ણ ઉત્તરા ના ગર્ભ માં જઈ –પરીક્ષિત નુ રક્ષણ કરે છે.

સર્વનું ગર્ભ માં કોણ રક્ષણ કરે છે? ગર્ભમાં જીવનું રક્ષણ પરમાત્મા કરે છે. નાની એવી કોટડીમાં જીવ નુ પોષણ કેમ થતું હશે ?

જીવ માત્ર નુ રક્ષણ ગર્ભ માં પરમાત્મા કરે છે-અને જન્મ થયા પછી પણ જીવ નુ રક્ષણ પરમાત્મા જ કરે છે.

માતા પિતા –જો રક્ષણ કરતાં હોય તો કોઈનો છોકરો મરે જ નહિ. મા-બાપ રક્ષણ કરતાં નથી-પ્રભુ રક્ષણ કરે છે.

જે પોતે કાળ નો કોળિયો છે-તે બીજાનું રક્ષણ શું કરી શકવાનો છે ?

ગર્ભ માં તો જીવ –હાથ જોડી પરમાત્મા ને નમન કરે છે, પણ બહાર આવ્યા પછી બે હાથ છૂટી જતાં –તેનું નમન છૂટી જાય છે-

અને પ્રભુ ને ભૂલી જાય છે. જવાનીમાં માનવી ભાન ભૂલે છે અને અક્કડ થઈને ચાલે છે-કહે છે-કે હું ધર્મ માં –ઈશ્વરમાં માનતો નથી.

પરમાત્મા ના અનંત ઉપકારો ને જીવ ભૂલી જાય છે. અને તે ઉપકારો નું સ્મરણ માત્ર કરતો નથી.

દ્રૌપદી એ ઉત્તરા ને શિખામણ આપેલી કે-જીવન માં દુઃખ નો પ્રસંગ આવે તો ઠાકોરજી નો આશ્રય લેવો. કનૈયો પ્રેમાળ છે. તે તમને

જરૂર મદદ કરશે.

તમારા દુઃખ ની વાત દ્વારકાનાથ સિવાય કોઈને કહેશો નહિ.

સાસુ જો માળા-જપ –સેવા કરતાં હશે-તો કોઈ દિવસ વહુ ને પણ જપ કરવાની ઈચ્છા થશે. પણ સાસુ જ જો ગપ્પાં મારવા જતી

હશે તો વહુ પણ એવી જ થશે.

બાપ જો ચાર વાગે ઉઠતો હોય-ભગવત-સેવા-સ્મરણ કરતો હશે તો છોકરા ઓને કોઈ દિવસ વહેલા ઉઠવાની અને સ્મરણ કરવાની

ઈચ્છા થશે, પણ બાપ સવારે કપદર્શનમ(ચા નો કપ) થયા પછી ઉઠતો હોય –તો બાળક પણ એવો જ થશે.

વ્યસન (ચા-વગેરે)છોડવા જોઈએ. ના છોડો-તો-ખ્યાલ રાખો-કે-તમે પરમાત્મા ના દાસ છો-વ્યસન ના નહિ.

વ્યસન ના ગુલામ ન થશો. તો ધીરે ધીરે વ્યસન છૂટી જશે.

ઉત્તરા એ જોયેલું કે-સાસુ-(દ્રૌપદી)-રોજ દ્વારકાનાથ ને રીઝાવે છે. તેથી તે રક્ષણ માટે પરમાત્મા પાસે ગયા છે. (પાંડવો પાસે નહિ.)

શ્રીકૃષ્ણ સમજી ગયા,ઉત્તરાજીના પેટમાં પ્રવેશ કર્યો.

ગર્ભ માં  જીવ મા ના મુત્ર-વિષ્ઠા માં આળોટે છે.ગર્ભવાસ એ જ નર્કવાસ છે.

પરીક્ષિત ભાગ્યશાળી છે-કે-તેમણે માતા ના ગર્ભ માં જ પરમાત્મા ના દર્શન થયા છે. તેથી પરીક્ષિત ઉત્તમ શ્રોતા છે.

ભગવાન કોઈ ના ગર્ભ માં જતાં નથી. પણ પરમાત્મા ની લીલા અપ્રાકૃત છે. દેવકી ના પેટમાં ભગવાન ગયા નથી.પણ દેવકીને

ભ્રાંતિ કરાવી છે કે –મારા પેટમાં ભગવાન છે.

પરંતુ આજે એવી જરૂર પડી હતી-આજે ભક્ત નુ રક્ષણ કરવું હતું-એટલે ગર્ભ માં ગયા છે.

પરમ આશ્ચર્ય થયું છે. શ્રીકૃષ્ણે –સુદર્શન ચક્ર થી –બ્રહ્માસ્ત્ર નુ નિવારણ કર્યું છે.

આમ પરીક્ષિત નુ રક્ષણ કરી-દ્વારકા નાથ –દ્વારકા પધારવા તૈયાર થયા છે,

કુંતાજી ને ખબર પડી છે.

--------------------------------------------------------------------------------------------------

ભાગવત રહસ્ય-૬૦
      

સ્કંધ પહેલો-૩૧ (ચાલુ)

કુંતા એ મર્યાદા ભક્તિ છે.-સાધન ભક્તિ છે.

યશોદા- એ-પુષ્ટિ ભક્તિ છે. પુષ્ટિ-ભક્તિ માં વ્યવહાર અને ભક્તિ ને જુદાં માનવામાં આવતાં નથી.

યશોદા નો બધો વ્યવહાર ભક્તિરૂપ હતો. ભક્ત ની દરેક ક્રિયા (વ્યવહાર) ભક્તિ બની જાય છે.

મર્યાદા ભક્તિ પહેલાં આવે છે.તે પછી પુષ્ટિ ભક્તિ.

મર્યાદા ભક્તિ –એ સાધન છે. તેથી આરંભ માં આવે છે. પુષ્ટિ ભક્તિ એ સાધ્ય છે-એટલે અંત માં આવે છે.

ભાગવત ના નવમાં સ્કંધ સુધી સાધન (મર્યાદા) ભક્તિ નુ વર્ણન છે.

દશમા સ્કંધ માં સાધ્ય  (પુષ્ટિ) ભક્તિ નુ વર્ણન છે. સાધ્ય ભક્તિ-(પુષ્ટિ ભક્તિ) પ્રભુ ને બાંધે છે. વ્યવહાર જ ભક્તિમય બને છે.

જેના વિયોગ માં દુઃખ થાય –તો માનજો –ત્યાં તમારો સાચો પ્રેમ છે. પરમાત્મા ના વિયોગ માં જેણે દુઃખ થતું નથી –તે –ભક્તિ

કરતો નથી.પ્રભુ ના વિયોગ માં જેના પ્રાણ –અકળાય-છે-તે ભક્તિ કરે છે. ભક્તિ-માર્ગ માં પ્રભુ નો વિયોગ સહન થતો નથી.

સાચો ભક્ત તે છે-જે-પ્રભુ વિરહ માં બળે છે. કૃષ્ણ વિયોગ જેને સહન થતો નથી. .

કૃષ્ણ વિયોગ જેવું કોઈ દુઃખ નથી.

દ્વારકાનાથ-દ્વારકા જવા તૈયાર થયા છે. કુંતાજી નુ હૃદય ભરાયું છે.

ઝંખના છે-ચોવીસ કલાક-લાલાજી ને નિહાળવાની. લાલાજી મારાથી દૂર ના જાય-પણ આજે એ લાલાજી છોડી ને જવા નીકળ્યા છે.

-મારા ભગવાન  મને છોડી ને જાય છે-

જે રસ્તે પ્રભુ નો રથ જવાનો હતો –ત્યાં કુંતાજી આવ્યાં છે. હાથ જોડી ને ઊભાં છે.આંખો ભીની છે-શરીરમાં રોમાંચ છે.

શ્રીકૃષ્ણ ની નજર પડી અને સારથી દારુક ને રથ ઉભો રાખવાનું કહ્યું. “ફઈબા (કુંતાજી) અત્રે માર્ગ માં કેમ ઉભા હશે ?

શ્રીકૃષ્ણ રથ માંથી ઉતર્યા છે. કુંતાજી-શ્રીકૃષ્ણ ને  વંદન કરે છે.

રોજ નો નિયમ છે કે-કૃષ્ણ કુંતાજી ને વંદન કરે છે. ત્યારે આજે કુંતાજી એ શ્રીકૃષ્ણ ને વંદન કર્યા છે.

શ્રીકૃષ્ણ કહે છે-કે-તમે આ શું કરો છો ?હું તો તમારા ભાઈ નો દીકરો છુ. તમે મને પ્રણામ કરો એ ના શોભે.

કુંતાજી કહે છે-કે-આજ દિન સુધી હું માનતી હતી કે તમે મારા ભાઈ ના પુત્ર છો.પણ તમારી કૃપાથી તમારા સ્વ-રૂપ ની ઓળખાણ થઇ છે.આજે સમજાયું –આપ સર્વેશ્વર છો. યોગી ઓ તમારું જ ધ્યાન કરે છે. તમે કોઈ ના દીકરા નથી. તમે સર્વ ના પિતા છો. પૂજ્ય છો.

અહીં કુંતાની આ દાસ્ય ભક્તિ થી મિશ્રિત વાત્સલ્ય ભક્તિ છે. (કુંતાજી ની ઉપર મુજબ –મર્યાદા ભક્તિ છે.જેમાં –મર્યાદા(માલિક પ્રત્યેની) –છે. અને

મર્યાદા ભક્તિ માં દાસ્ય-ભાવ મુખ્ય છે.- મારા માલિક છે તે દાસ્ય-ભાવ -અને -મારા ભાઈ નો પુત્ર છે –એટલે વાત્સલ્ય ભાવ )

દાસ્ય ભાવ (મર્યાદા ભક્તિ) ના આચાર્ય હનુમાન જી છે. દાસ્ય ભાવ થી હૃદય દીન બને છે. (મારા માલિક ની સામું જોવાની મારી હિંમત નથી, હું તો તેમનો નોકર છું.) દાસ્ય ભક્તિ માં નજર(દૃષ્ટિ) માલિક ના ચરણો માં જ સ્થિર કરવાની હોય છે. જ્યારે-

વાત્સલ્ય ભાવ (પુષ્ટિ ભક્તિ-યશોદાજી ની) માં લાલાજી ના મુખારવિંદ પર નજર (દૃષ્ટિ) સ્થિર કરવાની હોય છે.(લાલાજી પુત્ર બને છે!!)

મર્યાદા ભક્તિ માં –દાસ્યભાવ મુખ્ય છે. મારા માલિક ભગવાન છે.

પણ ચરણ તરફ જોઈ ને તૃપ્તિ થતી નથી,એટલે મુખારવિંદ તરફ નિહાળી –

મારા ભાઈ નો દીકરો-વાત્સલ્યભાવ લાવી –કુંતાજી શ્રીકૃષ્ણ ની સ્તુતિ કરે છે.

“જેમની નાભિ માં થી બ્રહ્મા નું જન્મસ્થાન કમળ પ્રગટ થયું છે, જેણે સુંદર કમળોની માળા ધારણ કરેલી છે, જેમનાં નેત્રો –કમળ સમાન

વિશાળ અને કોમળ છે, જેમનાં ચરણ કમળોમાં કમળ નું ચિહ્ન છે, એવા હે શ્રીકૃષ્ણ –આપને હું વારંવાર વંદન કરું છુ”

ભગવાન ની સ્તુતિ રોજ ત્રણ વાર કરવી –સવારે-બપોરે-અને રાતે સૂતાં પહેલાં. તે ઉપરાંત-

સુખાવસાને-દુખાવસાને-અને-દેહાવસાને-એ ત્રણ વાર સ્તુતિ કરવી.

અર્જુન દુઃખમાં સ્તુતિ કરે છે.-કુંતાજી સુખમાં સ્તુતિ કરે છે.-અંતકાળ વખતે ભીષ્મ સ્તુતિ કરે છે.

સુખમાં જે-સ્તુતિ કરે છે-તે-પછી દુઃખી થતો નથી. સુખ માં ભગવાન ના ઉપકાર માનો.

ભગવાન ની  સ્તુતિ કરો અને કહો--મારા-કર્મ થી નહિ-પણ –નાથ-તમારી કૃપા થી હું સુખી થયો છુ.

એકલો સુખ ભોગવે તે દુઃખી થાય છે. ભગવાન ને સાથે રાખી-સુખ ભોગવે તો વાંધો નથી.

દુઃખ માં પણ પ્રભુ ની સ્તુતિ કરો.અને પ્રભુના ઉપકાર માનો.

કોઈ કહેશે –કે-દુઃખ માં પ્રભુના ઉપકાર કેમ મનાય ? દુઃખ માં સ્તુતિ કેમ થાય ?

દુઃખ કઈ કાયમ માટે નથી આવ્યું. દુઃખ અને સુખ નું એક ચક્ર છે. જે આવે –જાય છે.

દુઃખ –આપણ ને સાવધાન કરવા માટે આવ્યું છે. દુઃખ એ તો ગુરુ છે. દુઃખ માં માણસ ડાહ્યો થાય છે. તેથી દુઃખ ને પણ પ્રભુનો પ્રસાદ

માનજો. જીવન માં પાપથી કોઈ વખત દુઃખ નો પ્રસંગ આવે-તો-ધીરજ રાખી પ્રભુની સ્તુતિ કરજો.

કોઈ કહેશે-કે દુઃખ માં વળી ધીરજ કેમ કરી રહે ?-એનો ઉપાય છે-

દુઃખ આવે ત્યારે માનો કે –મારા પાપ પહાડ જેવાં છે. મારા પાપ ના પ્રમાણ માં –ભગવાને બહુ ઓછી સજા કરી છે.

ખરેખર-જીવ ના પાપ ના પ્રમાણ માં ભગવાન સજા કરતાં હોય-તો-મનુષ્ય ને પીવાનું પાણી પણ મળે કે કેમ ? તે શંકા છે.

આપણ ને સુધારવા ભગવાન સજા કરે છે. ભગવાન સજા કરે છે-પણ દયા રાખીને સજા કરે છે.

દુઃખ માં સ્તુતિ કરે તેણે ભગવાન –બુદ્ધિ-આપે છે. તેથી તે દુઃખની અસર મન પર થતી નથી.

સુખ અને દુઃખ માં જે સ્તુતિ કરે તે અંતકાળે સ્તુતિ કરી શકે છે.

અને અંતકાળે સ્તુતિ કરે તે પરમાત્મા ને પામી શકે છે.

--------------------------------------------------------------------------------------


ભાગવત રહસ્ય-૬૧
      

સ્કંધ પહેલો-૩૨ (ચાલુ)

કુંતાજી –દુઃખ ના દિવસો- અને એ દિવસોમાં પ્રભુ એ કરેલા ઉપકારો ને- ભૂલ્યા નથી.

કુંતાજી કહે છે-પ્રભુ એ અમને સુખી કર્યા છે.કેવાં કેવાં દુઃખ માં થી અમને ઉગાર્યા છે. નાથ, મને યાદ આવે છે-કે-

હું વિધવા થઇ હતી-મારાં બાળકો નાનાં હતાં. ત્યારે-નાથ, તમે જ મારું અને મારાં બાળકોનું રક્ષણ કર્યું હતું.

કુંતાજી –પ્રભુના ઉપકાર સુખ માં ય ભૂલ્યા નથી, જયારે અતિ સુખમાં માનવી ભાન ભૂલે છે.

જીવ પર પ્રભુ ના અનેક ઉપકાર છે,પણ જીવ એ ઉપકાર ભૂલી જાય છે.

જરા વિચાર કરો—

તમને જે આ ધન મળ્યું છે-તમને જે આ સુખ સંપત્તિ મળી છે-તેના માટે તમે લાયક છો કે નહિ ?

તમારા અંતઃકરણ ને પૂછો. તો –જવાબ એ જ મળશે-કે –હું લાયક નથી.

મેં આંખ થી-મન થી ઘણાં પાપ કર્યા છે-તેમ છતાં પરમાત્મા એ આ સર્વ મને આપ્યું છે.

વિચારો—કે- આપણાં કર્મ થી શું વરસાદ પડે છે ?

ના-પરમાત્મા ઉપકાર કરી વરસાદ પાડે છે. પરમાત્મા ના ઉપકારો કેમ કરી ને ભૂલી શકાય ?

આપણે બિમારી માં થી બચીએ-ત્યારે-અમુક દવાથી સારું થયું-કે ડોક્ટરે બચાવ્યો-તેમ માનીએ છીએ. પણ-

પરમાત્મા એ બચાવ્યા-તેમ માનતા નથી. પરમાત્મા નો ઉપકાર માનતા નથી.

વિચારો—કે-ડોક્ટરની દવાઓ માં કે ઇન્જેક્શન માં શું બચાવવાની શક્તિ છે ? ના-ના-બચાવનારો કોઈ જુદો છે.

ડોક્ટર માં બચાવવાની શક્તિ હોય તો –ડોક્ટરને ત્યાં કોઈ દિવસ –છેલ્લો વરઘોડો-નીકળે જ નહિ.(મૃત્યુ થાય જ નહિ)

પ્રભુ ની કૃપા થી દવા માં શક્તિ આવે છે.

કુંતાજી કહે છે-કે-જેમ જળ વિના નદી શોભે નહિ-પ્રાણ વગર શરીર શોભે નહિ-કુમકુમ ના ચાંદલા વગર સૌભાગ્યવતી સ્ત્રી શોભે નહિ-

એમ આપ વગર પાંડવો શોભે નહિ. નાથ,આપને લીધે અમે સુખી છીએ. હવે અમને છોડી ને જશો નહિ.

આવી જ રીતે-ગોપીઓ પણ ગોપીગીતમાં ભગવાન ના ઉપકારો નું સ્મરણ કરે છે.ગોપી ઓ કહે છે-કે-

યમુનાજી નાં વિષમય જળ થી થનાર મૃત્યુ થી-અજગર નાં રૂપમાં ખાઈ જનાર અઘાસુર થી-ઇન્દ્રની વર્ષાથી-આંધી-વીજળી-દાવાનળથી-

હે નાથ,આપે અમારું રક્ષણ કર્યું છે.

પરમાત્મા નાં ઉપકારો નું સ્મરણ કરવાથી-પ્રભુ પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થાય છે.

કુંતાજી કહે છે-દુર્યોધને મારાં ભીમ ને ઝેર નાં લાડુ ખવડાવ્યા.-ત્યારે આપે તેને ઉગાર્યો છે. દુર્યોધને અમને લાક્ષાગૃહ માં બાળવાનો

પ્રયત્ન કર્યો-પણ આપે અમારી લાજ રાખી છે. આપના ઉપકારો અનંત છે. તેનો બદલો વાળી શકાય તેમ નથી.

મારી દ્રૌપદી ને દુશાસન ભરી સભામાં લઇ જઈ-તેની સાડી ખેંચવા લાગ્યો- ત્યારે તેની લાજ આપે રાખી છે. આપના ઉપકારો નો

બદલો હું શું વાળી શકું? હું તો આપના ચરણ માં વારંવાર વંદન કરું છું. નાથ,તમારે લીધે અમે સુખી છીએ-અમારો ત્યાગ ના કરો.

શ્રીકૃષ્ણ કહે છે-કે-દ્વારકા થી અનેક સંદેશા ઓ આવ્યાં છે. મારે ત્યાં જવું પડશે.

ત્યારે કુંતાજી એ કહ્યું- આપ ભલે દ્વારકા જાઓ-પણ મને એક વરદાન માંગવાની ઈચ્છા છે-તે આપો અને પછી જવું હોય તો જાવ.

કુંતાજી એ જે માગ્યું- તેવું દુનિયા માં કોઈએ માગ્યું નથી- ને માગશે પણ નહિ.

“હે, જગત ના ગુરુ,અમારા જીવન માં પગલે પગલે- સદા વિપત્તિઓ –આવતી રહો. કારણ કે વિપત્તિઓ માં –જ-નિશ્ચિત રૂપ થી –

આપનાં દર્શન થાય –તે પછી-જન્મ મૃત્યુ ના ચક્કર માં આવવું પડતું નથી.” (ભાગવત-૧-૮-૧૫)

કુંતાજી એ માગ્યું છે-કે- હે,નાથ,મોટા મોટા દુઃખ ના પ્રસંગો આવી ને માથે પડે-તેવું વરદાન આપો.

સગાં વહાલાં નો પ્રેમ કપટ થી ભર્યો છે-તેની- ખબર દુઃખ માં પડે છે. જેણે માટે શરીર ઘસાવ્યું છે-જેણે માટે તમે ભોગ આપ્યો છે-

તે કોઈ વાર કારણ મળતા તમારો શત્રુ થઇ જશે. દુઃખ માં જ મનુષ્ય ને ડહાપણ આવે છે. દુઃખ માં જ જીવ ને પ્રભુ પાસે જવાનું

મન થાય છે. વિપત્તિ માં જ  પ્રભુ નું સ્મરણ થાય છે. તેથી વિપત્તિ એ સાચી સંપત્તિ છે.

સંતો ની સંપત્તિ અને વિપત્તિ ની વ્યાખ્યા જરા જુદી છે.

પ્રભુ નું વિસ્મરણ થાય તે-સાચી વિપત્તિ- ને પ્રભુ નું સ્મરણ કાયમ રહે તે –સાચી સંપત્તિ.

શ્રી કૃષ્ણ કહે છે-કે-તમે આ શું માગો છો ?તમે શાનભાન તો ભૂલ્યા નથી ને ?આજ દિન સુધી તો દુઃખ ના અનેક પ્રસંગો આવ્યા છે-

હવે સુખ નો વારો આવ્યો છે-શું હજુ દુઃખ ભોગવવાની હોંશ છે ?

કુંતાજી દીન બન્યાં છે. કહે છે-નાથ, હું જે માગું છુ તે યોગ્ય છે. દુઃખ મારો ગુરુ છે. દુઃખ માં ખાતરી થાય છે-કે-શ્રીકૃષ્ણ સિવાય –મારું-

કોઈ નથી. દુઃખ માં નારાયણ નું સ્મરણ થાય છે—એથી તો-એ- સુખ છે.-તેને દુઃખ કેમ કહેવાય ?

વિપત્તિ માં તમારુ સ્મરણ થાય છે-તેથી તેને હું સંપત્તિ માનું છું.


----------------------------------------------------------------------------------------------------

ભાગવત રહસ્ય-૬૨
       

સ્કંધ પહેલો-૩૩ (ચાલુ)

સુખ કે માથે શિલ પડો, હરિ હૃદય સે જાય,

બલિહારી વહ દુઃખ કી ,જો પલ પલ નામ જપાય—જો પલ પલ રામ જપાય.

હનુમાન જી એ રામચંદ્રજી ને કહ્યું છે-કે-

સીતાજી ને તમારા ધ્યાનમાં (ભજનમાં-સ્મરણમાં)તન્મય થયેલાં (મેં જોયા) છે-તેથી જ હું કહું છું-કે-સીતાજી(લંકામાં) આનંદ માં છે.

કહ હનુમંત બિપત્તિ પ્રભુ સોઈ, જબ તવ સુમિરન ભજન ના હોઈ.

(જયારે તમારું ભજન-સ્મરણ ન થાય ત્યારે જ સાચી વિપત્તિ આવી છે એમ સમજવું–એવું હનુમાનજી કહે છે)

મનુષ્ય ને બહુ સુખ મળે તો તે પ્રમાદી થાય છે. અને ભાન ભૂલે છે.

એક શેઠ હતા. પહેલાં લાલાજી ની સેવા જાતે કરતા. પણ સટ્ટામાં,સારા નસીબે જોર કર્યું ,અને વીસ લાખ રૂપિયા મળ્યા.

તે પછી શેઠે –લાલાજી ની સેવા કરવા નોકર રાખ્યો છે.

કુંતાજી –શ્રીકૃષ્ણને  કહે છે-કે-મને એવું દુઃખ મળે કે-જે-દુઃખ માં હું તમને યાદ કરું.મારે માથે વિપત્તિઓ આવે-કે-જેથી-તમારાં

ચરણ નો આશ્રય કરવાની ભાવના જાગે,(દાસ્ય-ભાવ જાગે-કે- જેનાથી –દીનતા આવે –સુખ નું અભિમાન માથે ના ચડે)

દુનિયાના મહાન પુરુષોને –પહેલાં દુઃખ ના પ્રસંગો આવ્યા છે. જેને જેને પરમાત્મા મળ્યા છે-તે અતિ દુઃખ માં મળ્યા છે.

અતિ સુખ માં પરમાત્મા સાથ આપતા નથી. સુખ માં સાથ આપે તે જીવ-અને દુઃખ માં સાથ આપે તે ઈશ્વર.

જે જીવ ને-પરમાત્મા -પાપ ને માટે-સજા કરે છે (દુઃખ આપીને),તેની ગુપ્ત રીતે રક્ષા પણ કરે છે.

ચાર પ્રકારના મદ(અભિમાન) થી મનુષ્ય ભાન ભૂલે છે. વિદ્યામદ-જુવાની નો મદ-દ્રવ્ય મદ-અધિકાર મદ.

બહુ ભણેલા (વિદ્યા વાળા) ને બહુ અભિમાન (મદ) આવે છે. તે કથામાં આવતા નથી. અને આવે તો અક્કડ બેસે છે.

શ્રદ્ધા થી કથા સાંભળતા નથી.(બહુ વાંચી નાખ્યું છે!!). કિર્તન માં તાળી પાડતાં શરમ આવે છે.(વિચારે-અભણ મુર્ખાઓ તાળી પાડે!!)

પણ ઘેર બાળક રડે-તો-તાળીઓ પાડવા મંડી જાય છે-ત્યારે ભૂલી જાય છે- કે –હું બહુ ભણેલો છુ. તે વખતે શરમ આવતી નથી.

(જીભ થી-રડતા બાળક સમક્ષ-આ,,,-,,,-મોટે અવાજે બોલે છે )  કથામાં મોટે અવાજે નામ સ્મરણ બોલતાં-કરતાં શરમ

આવે છે. આવા વિદ્યાભિમાની ની જીભ ને-હાથને –પાપ પકડી રાખે છે-“તું કિર્તન કરીશ તો અમારે બહાર નીકળવું પડશે”

એવું ભણતર(વિદ્યા-જ્ઞાન) શા કામનું? કે જેથી ભક્તિ કરતાં સંકોચ થાય? ભણતર તો એવું હોવું જોઈએ કે-પ્રભુમાં પ્રેમ થાય.

શ્રદ્ધા થાય-ધર્મ માં વિશ્વાસ થાય.

ભગવાને કહ્યું છે “ચાર પ્રકારના મદ થી જીવ ઉન્મત્ત બને છે,અને મારું અપમાન કરે છે”

મહાભારત માં કહ્યું છે-કે-સર્વ પ્રકારના રોગ નો જન્મ મદ માં થી થયો છે.

માટે દીન બની (અભિમાન-મદ ત્યજી) પ્રભુની પ્રાર્થના-સ્તુતિ કરો. એમના ઉપકારો નું સ્મરણ કરો.

કુંતાજી દીન બની સ્તુતિ કરે છે-

તમારાં જન્મ નું પ્રયોજન ઘણી રીતે બતાવવામાં આવે છે. પરંતુ મને લાગે છે કે-દુષ્ટો નો વિનાશ કરવો –એ તમારાં જન્મ નું પ્રધાન

કાર્ય નથી. પરંતુ-તમારાં ભક્તો ને –પ્રેમ નું દાન કરવા તમે આવ્યા છો.

મને વસુદેવજીએ (કુંતાજી ના ભાઈ) કહેલું કે-“કંસ ના ભય થી હું ગોકુળમાં જઈ શકતો નથી,તમે ગોકુલ માં જઈ લાલાજી ના દર્શન

કરજો.” તેથી -તમે નાના હતા,ગોકુલ માં બાળલીલા કરતા હતા ત્યારે તમને જોવા-તમારાં દર્શન કરવા  હું ગોકુલ માં આવેલી .

તે તમારું બાળ-સ્વરૂપ હજુ ભૂલાતું નથી. જે દિવસે હું ગોકુલ આવેલી –તે દિવસે –યશોદાજી એ તમને ખાંડણિયા જોડે બાંધેલા હતા.

હું તો યશોદાજી ના ચરણ માં વંદન કરું છું. યશોદાજી જેવો પ્રેમ (વાત્સલ્ય-પુષ્ટિ ભક્તિ) મારાં માં ક્યાં છે ?(કુંતા ની મર્યાદા ભક્તિ છે)

યશોદાજી એ પ્રેમ થી તમને બાંધ્યા હતા-તેની જે-ઝાંખી મને થઇ છે-તે હજુ ભુલાતી નથી.

કાળ પણ જેનાથી કાંપે છે-તે કાળ ના કાળ –લાલાજી-યશોદાજી પાસે થર થર કાંપતા હતા.(આ- ની કલ્પના થી ઝાંખી કરવી જોઈએ?)

મર્યાદા-ભક્તિ (કુંતા)-આ પ્રમાણે પુષ્ટિ-ભક્તિ (યશોદા) ના વખાણ કરે છે.

પ્રેમથી ભગવાન બંધાય છે,બંધન માં આવે છે.

(ગોકુલ છોડતી વખતે-કૃષ્ણે-યશોદા ને કહેલું-કે બધું ભૂલીશ-પણ ખાંડણીએ બાંધેલો તે નહિ ભૂલું!!!)

પ્રેમ નું બંધન ભગવાન ભૂલી શકતા નથી.

સગુણ બ્રહ્મ (લાલાજી ના દર્શન) નો સાક્ષાત્કાર થયા પછી-પણ સંસાર માં –આસક્તિ રહી જાય છે.

“સ્વજનો ની સાથે જોડાયેલી –સ્નેહ-ની ફાંસી ને આપ કાપી નાખો (સ્નેહપાશમિમ છિંધિ)”-આ શ્લોક થી તે સિદ્ધ થાય છે.

સગુણ અને નિર્ગુણ –બંને નું આરાધન કરે-તેની ભક્તિ-સિદ્ધ થાય છે.

(સગુણ=લાલાજી નું સ્વરૂપ=દ્વૈત=હું ને મારા લાલાજી =બંને જુદા છે =આત્મા અને પરમાત્મા

 નિર્ગુણ=નિરાકાર સ્વરૂપ=અદ્વૈત=હું જ લાલાજી છું=બંને એક થઇ જાય છે.=આત્મા અને પરમાત્મા એક થઇ જાય છે.
 ઘટાકાશ-મહાકાશ માં મળી જાય છે-જેને આત્મ સાક્ષાત્કાર કહી શકાય!!.)



----------------------------------------------------------------------------------------------------------

ભાગવત રહસ્ય-૬૩
      

સ્કંધ પહેલો-૩૪ (ચાલુ)

કુંતાજી સ્તુતિ કરે છે-આપ એવી દયા કરો-કે મને- અનન્ય ભક્તિ-પ્રાપ્ત થાય. નાથ, મને કઈ આવડતું નથી –પણ –હું તમારા

ચરણ માં વારંવાર વંદન કરું છું.

સ્તુતિ નો આરંભ  કુંતાજીએ વંદન થી કર્યો છે અને સમાપ્તિ પણ વંદન થી કરી છે.

સાંખ્ય-શાસ્ત્ર નાં ૨૬ તત્વો નું –પ્રતિપાદન (વર્ણન) -૨૬ શ્લોકો ની આ સ્તુતિ માં કરવામાં આવ્યું છે.

ભગવાન બધું કરી શકે પણ ભક્ત ને નારાજ ન કરી શકે.કુંતાજી નો ભાવ જાણી-કૃષ્ણે વિચાર કર્યો કે-હું જઈશ તો તેમને બહુ દુઃખ થશે.

આથી શ્રીકૃષ્ણ પાછા વળ્યા છે અને કુંતાજી ના મહેલ માં પધાર્યા છે. અતિશય આનંદ થયો છે.

ઘરની શોભા ભગવાન ને લીધે છે. જે ઘરમાં કનૈયા ની સેવા થાય છે,કૃષ્ણ કિર્તન થાય છે,ગરીબ નું યથાશક્તિ સન્માન થાય છે-

તે ઘર વૈકુંઠ જેવું જ છે. શાસ્ત્ર માં તો ત્યાં સુધી લખ્યું છે-જે ઘરમાં આમ થતું નથી-તે ઘર નથી-સ્મશાન છે. તે ઘર ઉજ્જડ થઇ જશે.

આવા ઘરનું પાણી પણ ના પિવાય.

કુંતાજી નાં મહેલ માં અર્જુન આવ્યા છે. અને મા ને કહે છે કે-કૃષ્ણ મારા સખા છે.મારા માટે પાછા આવ્યા છે.

કુંતાજી કહે છે-કે-હું રસ્તા પર જઈને ઉભી હતી-એટલે મારા માટે પાછા આવ્યા છે.

દ્રૌપદી કહે છે કે-કૃષ્ણ ની આંગળી કપાઈ હતી,ત્યારે મારી સાડી ફાડી પાટો બાંધેલો-એટલે મારા માટે પાછા આવ્યા છે.

સુભદ્રા કહે છે કે-તમે તો માનેલા બહેન છો-સગી બહેન તો હું છું. મને મળવા આવેલા-ત્યારે હું રડી ગઈ અને કંઈ બોલી શકી નહિ.

એટલે મારા માટે પાછા આવ્યા છે.

પરમાત્મા સાથે પ્રેમ કરશો તો તે તમારા થશે.

સર્વ ને વહાલો પણ જલ્દી એ કોઈનો ન થનારો. એ સર્વ થી ન્યારો છે. સબસે ઉંચી પ્રેમસગાઈ માં માને છે.

ભીષ્મ નો પ્રેમ અતિ દિવ્ય હતો.

કૃષ્ણ કહે છે કે-હું કોઈ સગાઇ ને માનતો નથી, હું પ્રેમસગાઈ માં માનું છું. હું મારા ભીષ્મ માટે પાછો આવ્યો છું. મારો ભીષ્મ મને યાદ

કરે છે.( ભીષ્મ પિતા નો પ્રેમ એટલો વધ્યો ) મને સ્મરણ થયું-તેમને મેં વચન આપેલું-કે તમારા અંત કાળે હું આવીશ.

ભીષ્મ-પિતા તે વખતે બાણગંગા નાં કિનારે મૃત્યુશૈયા પર પડેલા છે. તેમના માટે-તેમના મરણ ને સુધારવા માટે શ્રીકૃષ્ણ પાછા વળ્યા

છે. મહાત્મા ઓ નું મરણ મંગલમય હોય છે.

સંતો નો જન્મ આપણા જેવો સાધારણ હોય છે.તેથી તેઓની જન્મતિથી ઉજવાતી નથી. પરંતુ સંતો નું મરણ પુણ્યમય હોય છે-

મંગલમય હોય છે. સંત શરીર નો ત્યાગ કરી-ભગવતસ્વરૂપ માં લીન થાય ત્યારે મોટો ઉત્સવ કરવામાં આવે છે.

તેથી સંતો ની મરણ તિથી ઉજવાય છે.

ભીષ્મ પિતાનું મરણ કેવી રીતે થાય છે-તે જોવા મોટા મોટા ઋષિ ઓ ત્યાં આવ્યા છે. આ મહાન પુરુષ છે. જેણે કાળ પર વિજય

મેળવ્યો છે-એવા પુરુષ નું પ્રયાણ –કેવી રીતે થાય છે-તે જોવા સર્વ એકત્રિત થયા છે. ભીષ્મ પિતાને તરસ લાગી છે. દૂર્યોધન

સોનાની ઝારી માં જળ લઈને આવ્યો છે. ભીષ્મ પિતા એ ના પાડી છે. પાપી નાં હાથ નું પાણી મારે પીવું નથી. તે પછી અર્જુને-

પૃથ્વી માં બાણ માર્યું. પાતાળ માંથી ગંગાજી બહાર આવ્યા છે. ભીષ્મ પિતા એ પાણી પીધું.

શ્રી કૃષ્ણ ની ઈચ્છા એવી હતી કે મરતાં પહેલા ભીષ્મ તેમનું જ્ઞાન બીજાને આપી જાય. તેથી તેમણે ધર્મ રાજા ને કહ્યું કે-

મારી સાથે ચાલો. ભીષ્મ પિતાનું જ્ઞાન તમે ગ્રહણ કરો.

આ બાજુ ભીષ્મ વિચારે છે કે-ઉત્તરાવસ્થા માં ઉત્તરાયણ માં મારે મરવું નથી.મારે કાળ સાથે જવું નથી. પરમાત્મા સાથે જવું છે.

ભીષ્મ પિતા કાળ ને આધીન થયા નથી. તેમણે કાળ ને કહ્યું-હું તારો નોકર નથી.હું તારે આધીન નથી. હું શ્રીકૃષ્ણ ને આધીન છું.

આજ સુધી મેં બ્રહ્મચર્ય નું પાલન કર્યું છે. તું અહીંથી ચાલ્યો જા. કાળ ને પાછો વાળ્યો છે.

ભીષ્મ પિતા કૃષ્ણ નું ધ્યાન કરે છે.મને ભગવાને વચન આપ્યું છે-કે અંત કાળે હું જરૂર થી આવીશ. પણ હજુ સુધી તે દેખાતા કેમ

નથી ? મારા નારાયણ આવે તો –તેમના દર્શન કરતાં કરતાં –હું પ્રાણ ત્યાગ કરીશ.

આમ વિચારે છે-તે-જ- વખતે શ્રીકૃષ્ણ –ધર્મરાજા સાથે ત્યાં પધાર્યા છે.

ભીષ્મ-ધર્મરાજા ને કહે છે-કે-શ્રી કૃષ્ણ સાક્ષાત પરમાત્મા છે.તે તારું –નિમિત્ત કરી મારા માટે તેઓ અહીં પધાર્યા છે. મારું મરણ

સુધારવા તેઓ –તેમના વચન ને પાળવા અહીં આવ્યા છે. પરમાનંદ થયો છે.

ભીષ્મે ભગવાન ને વચન થી બાંધ્યા હતા.

યુદ્ધ વખતે દૂર્યોધન –ભીષ્મને મહેણાં મારે છે. કે તમે મન દઈને લડતા નથી. આથી ભીષ્મે આવેશ માં આવી પાંડવોના –અર્જુન ના

વધની પ્રતિજ્ઞા કરી અને દૂર્યોધન ને કહ્યું કે-રાતે બાર વાગે હું ધ્યાન માં બેસું-ત્યારે તારી રાણી ને –આશીર્વાદ લેવા મોકલજે.

હું તેને અખંડ સૌભાગ્યવતી ના આશીર્વાદ-વરદાન આપીશ.

કૃષ્ણ ને આ સાંભળી ચિંતા થઇ. તે દૂર્યોધન ની પત્ની ભાનુમતિ ને મળ્યા. અને તેને કહ્યું-દાદાજી તો ઘરના જ છે-આજે જવાની શું

ઉતાવળ છે? આવતી કાલે દર્શન કરવા જજે. ભાનુમતિ માની ગયાં.

મહાત્મા ઓ કહે છે-કે- તે જ વખતે કૃષ્ણે દ્રૌપદી ને જગાડી છે. અને તેને લઇ ભીષ્મ પાસે ગયા છે.

અહીં ભીષ્મ પિતા ધ્યાન કરે છે,પણ આજે દ્વારકાધીશ નું સ્વરૂપ દેખાતું નથી. પણ હાથમાં દીવો –કાળી કામળી-વગેરે સ્વરૂપવાળા

ભગવાન દેખાય છે. દેખાય જ ને ? આજે ભગવાન દ્રૌપદીના ખવાસ થઈને આવ્યા છે.

દ્વારપાળે અટકાવ્યા-કોઈ પુરુષ અંદર જઈ શકે નહિ તેવો હુકમ છે. કૃષ્ણ બહાર ઉભા છે-દ્રૌપદી અંદર જઈ પ્રણામ કરે છે.

દૂર્યોધન ની પત્ની ભાનુમતિ –આવી હશે એમ સમજી-ભીષ્મ આશીર્વાદ આપે છે.-અખંડ સૌભાગ્યવતી ભવ......

દ્રૌપદી એ પૂછ્યું-દાદાજી તમારો આશીર્વાદ સાચો થશે ? ભીષ્મ પૂછે છે-દેવી તું કોણ છે ?

દ્રૌપદી એ જવાબ આપ્યો -હું પાંડવો ની પત્ની-દ્રૌપદી.

ભીષ્મે કહ્યું-મેં તને આશીર્વાદ આપ્યા છે તે સાચા થશે. પાંડવો ને મારવાની પ્રતિજ્ઞા –મેં આવેશ માં લીધેલી છે. સાચાં હૃદય થી નહિ.

સાચાં હૃદય થી તને આશીર્વાદ આપ્યા છે તે સાચા પડશે.

પણ તું પહેલાં મને એ કહે-કે-તું અડધી રાત્રે એકલી અહીં કેવી રીતે આવી શકી ? અરે! મેં કેમ આ ના વિચાર્યું?

તને લાવનાર –દ્વારકાનાથ-સિવાય બીજો કોઈ હોઈ શકે નહિ.

જવાબ ની રાહ જોયા વગર ભીષ્મ દોડ્યા છે. બહાર આવી  શ્રી કૃષ્ણ ના દર્શન કરે છે.

શ્રીકૃષ્ણ ને કહે છે-આજે તો હું આપણું ધ્યાન કરું છું.પણ અંત કાળે તમારુ સ્મરણ રહેશે નહિ માટે અંત કાળ માં મારી લાજ રાખવા –

મને લેવા તમે આવજો. તે વખતે શ્રીકૃષ્ણે વચન આપેલું-કે- હું જરૂર આવીશ.
તેમણે આપેલા એ વચન ને સત્ય કરવા –દ્વારકા નાથ પધાર્યા છે.

-------------------------------------------------------------------------------------------------------


ભાગવત રહસ્ય-૬૪
      

સ્કંધ પહેલો-૩૫ (ચાલુ)

શરીર સારું છે-ત્યાં સુધી –સાવધ થઇ જાવ. અંત કાળ માં જીવ બહુ અકળાય છે.શરીર રોગ નું ઘર થાય છે. પ્રાણ-પ્રયાણ સમયે

વાત-પિત્ત-કફ ના પ્રકોપ થી ગળું રૂંધાઈ જાય છે. તે સમયે પ્રભુ સ્મરણ થતું નથી. પ્રાર્થના –થાય પણ તે પ્રાર્થના કામ લાગતી નથી.

આજ થી જ નક્કી કરો કે-મારે કોઈ યમદૂત જોડે જવું નથી.મારે પરમાત્મા જોડે જવું છે.  પ્રભુ ને રોજ પ્રાર્થના કરો.

શરીર માં શક્તિ છે ત્યારે જ ખુબ ભક્તિ કરો અને પ્રભુ ને રીઝાવો.-તો અંત કાળે –પ્રભુનું સ્મરણ થાય છે-અને પ્રભુ લેવા આવે છે.

લાલાજી ને રોજ પ્રાર્થના કરો-તો-લાલાજી જરૂર આવશે.

ભીષ્મ પિતા શ્રીકૃષ્ણ ની સ્તુતિ કરે છે- હે નાથ, કૃપા કરો.જેવાં ઉભા છો-તેવાજ ઉભા રહેજો. મારી પ્રતીક્ષા કરતાં તમે ઉભા રહો.

શ્રી કૃષ્ણ વિચારે છે-મને બેસવાનું પણ નહિ કહે ?

પુંડરિક ની સેવા યાદ આવે છે. તુકારામે એક વાર-પ્રેમ માં પુંડરિક ને ઠપકો આપ્યો. મારા વિઠ્ઠલનાથ તારે આંગણે આવ્યા-તેની

કદર ના કરી. મારા પ્રભુને તેં ઉભા રાખ્યા છે !!!

શ્રીકૃષ્ણ પૂછે છે કે-મારે ક્યાં સુધી આમ ઉભા રહેવાનું ?

ભીષ્મ કહે છે-તમારાં દર્શન કરતાં કરતાં –પ્રાણ છોડીને- તમારાં ચરણ માં ના આવું-ત્યાં સુધી ઉભા રહો.

શ્રીકૃષ્ણ કહે છે-દાદા-આ ધર્મ રાજા ને થાય છે કે-મેં બધાને માર્યા છે.મારે લીધે સર્વનાશ થયો છે. તેમણે શાંતિ મળે તેવો ઉપદેશ આપો.

ભીષ્મ કહે છે-કે-ઉભા રહો-ધર્મ રાજાની શંકા નું સમાધાન હું પછી કરીશ.પણ મારી એક શંકા નું સમાધાન તમે પહેલાં કરો.

મારા એક પ્રશ્ન નો તમે જવાબ આપો.હું બીજા કોને પૂછવા જઈશ?

પ્રભુ એ કહ્યું-તમે પૂછો-હું જવાબ આપીશ.

ભીષ્મ કહે છે કે-મારું જીવન નિષ્પાપ છે,મારું તન-મન પવિત્ર છે,મારી ઇન્દ્રિયો શુદ્ધ છે.તેમ છતાં મને આવી બાણ-શૈયા પર કેમ સૂવું

પડ્યું છે ? હું નિષ્પાપ છું છતાં આવી સજા મને કેમ કરો છો ?

શ્રીકૃષ્ણ કહે છે-દાદાજી આપે પાપ કર્યું નથી તે વાત સાચી છે.તેથી તો હું તમને મળવા આવ્યો છું. પણ તમે એકવાર

આંખથી પાપ જોયું છે. અને આપે પાપ જોયું તેની આ સજા છે.

ભીષ્મ કહે છે કે-તે પાપ મને યાદ આવતું નથી.મેં કયું પાપ જોયું છે ?

કૃષ્ણ કહે છે-દાદાજી તમે ભૂલી ગયા હશો,પણ હું ભૂલ્યો નથી.મારે સર્વ યાદ રાખવું પડે છે. યાદ કરો-તમે સભા માં બેઠા હતા-

દુશાસન દ્રૌપદીને ત્યાં લઇ આવ્યો હતો. દ્રૌપદી એ ન્યાય માગેલો-જુગારમાં પતિ પોતે પોતાને જ હારી જાય પછી એ

પત્ની ને દાવ માં કેવી રીતે લગાડી શકે ? ત્યારે તમે કંઇ બોલ્યા નહિ.આવું ભરી સભા માં પાપ થતું તમે નિહાળો,તે તમારા જેવા

જ્ઞાનીને શોભે નહિ. તમે તે વખતે દ્વિધા માં પડેલા હતા. સભામાં અન્યાય થતો હતો-તે તમે જોયો છે-તેની આ સજા છે.

ભીષ્મ પિતા એ વિચાર્યું-કૃષ્ણ સાચું કહે છે-તે દિવસે મને કેમ આ ના સમજાયું ?

તેમણે શ્રીકૃષ્ણ ને નમન કર્યું છે. પરમાત્મા ની નજર પડી. ભીષ્મ ની વેદના શાંત થઇ છે.

ભીષ્મ પિતા એ પછી-ધર્મરાજાને ઉપદેશ કર્યો છે.સ્ત્રીધર્મ-આપદ ધર્મ-રાજધર્મ-મોક્ષધર્મ-વગેરે સમજાવ્યા છે. મહાભારત ના શાંતિપર્વ માં

આ બોધ આપેલો છે. તે પછી પરમ ધર્મ બતાવ્યો.

ભીષ્મ કહે છે-સ્થાવર-જંગમ રૂપ સંસાર ના સ્વામી-બ્રહ્માદિ દેવો ના યે દેવ-દેશ,કાળ અને વસ્તુ થી અપરિછિન્ન-ક્ષર,અક્ષરથી શ્રેષ્ઠ-

પુરુષોત્તમના-સહસ્ત્ર નામો નું નિરંતર-તત્પર રહી ને-ગુણ સંકીર્તન કરવાથી –પુરુષ સર્વ દુઃખો માંથી મુક્ત બને છે.

શંકરાચાર્ય ને વિષ્ણુ-સહસ્ત્રનામ નો પાઠ બહુ પ્રિય હતો. સૌથી પહેલું ભાષ્ય તેમણે વિષ્ણુ-સહસ્ત્રનામ પર લખેલું.

તેમનો છેલ્લો –ગ્રંથ છે-બ્રહ્મસુત્ર પર નું શાંકરભાષ્ય. તે પછી કલમ મૂકી દીધી છે.

સંત તુકારામને પણ વિષ્ણુ સહસ્ત્રનામ બહુ પ્રિય.તેમની પુત્રી ના લગ્ન થયા. જમાઈ ને દાયજા માં શું આપ્યું ?ફક્ત પોતાના

હાથે લખેલી-વિષ્ણુસહસ્ત્રનામ ની પ્રત આપી. અને કહ્યું-આનો નિત્ય પાઠ કરજો. આ હજાર નામ-હજાર શસ્ત્રો

જેવા છે.તે તમારું રક્ષણ કરશે અને કલ્યાણ કરશે.

વિષ્ણુસહસ્ત્રનામ નો રોજ બે વખત પાઠ કરો.(અર્થ સમજીને) એક વખત જમ્યા પહેલાં અને એક વખત રાતે સૂતાં પહેલાં.

કપાળે લખેલા વિધાતા ના લેખ-ભુંસવાની-કે બદલવાની શક્તિ  વિષ્ણુસહસ્ત્રનામ માં છે. ગરીબ માણસ વિષ્ણુયાગ યજ્ઞ તો ક્યાંથી

કરી શકે ?પણ જો તે ૧૫ હજાર પાઠ કરે તો એક વિષ્ણુયાગ નું પુણ્ય મળે છે.

અતિ દુઃખ માં પણ મનુષ્ય ભોજન છોડતો નથી. ભોજન  ની જેમ ભજન પણ છોડ્યા વગર નિયમ રાખી ને –બાર વર્ષ સુધી –

આ સત્કર્મ કરો.પછી અનુભવ થશે.

ઉત્તરાયણ નો સમય આવ્યો છે.ભીષ્મ મૌન રાખી-પરમાત્માનું ધ્યાન કરે છે-પરમાત્મા માં તન્મય થયા છે-સ્તુતિ કરે છે.

“હે,નાથ,આપણા દર્શન હું ખાલી હાથે કેમ કરું ?હું તમને શી ભેટ અર્પણ કરું ? મારાં મન-બુદ્ધિ તમારાં ચરણે ધરું છું.”

---------------------------------------------------------------------------------------------------------------------------------


ભાગવત રહસ્ય-૬૫
      

સ્કંધ પહેલો-૩૬ (ચાલુ)

આ જીવ લુચ્ચો છે. કંઈક મુશ્કેલી આવે ત્યારે-રણછોડરાયજીના દર્શન કરવા જાય છે. ઘણાં મંદિરમાં જઈને પણ વેપાર કરે છે.

(થોડું આપી ને વધુ માગે –તેનું નામ વેપાર) રણછોડરાય ને અગિયાર રૂપિયા ભેટ માં મૂકે અને કહે છે-“હે નાથ, મેં કોર્ટમાં મારા

ભાઈ સામે દાવો કર્યો છે-મારું ધ્યાન રાખજો,” ધ્યાન રાખજો એટલે-મારી જોડે કોર્ટ માં આવજો.

વકીલ ને ૩૦૦ આપે અને ઠાકોરજી ને ૧૧ માં સમજાવે. ભગવાન કહે-કે-હું બધું સમજુ છું. હું તારા દાદાનો યે દાદો છું. શું હું વકીલ

કરતાં યે હલકો?- એટલે જ જયારે લક્ષ્મીજી ભગવાન ને પૂછે છે કે-તમે તમારાં ભક્તો ને નજર કેમ નથી આપતા ?

ત્યારે ભગવાન કહે છે-એ આપે છે તેના બદલામાં શું માગે છે તે તો તું જો.....

ભીષ્મ સ્તુતિ નો વિચાર કરતાં –એમ લાગે છે-કે-

અંતકાળે ઘણી વાર જ્ઞાન દગો આપે છે. જ્ઞાન પર બહુ ભરોસો રાખશો નહિ. શરીર બહુ સારું હોય ત્યાં સુધી જ્ઞાનની વાતો કરવી

સહેલી છે.(આત્મા બ્રહ્મરૂપ છે-તેને સુખ-દુઃખ નથી-એમ બોલવું સહેલું છે-આત્મા શરીર થી જુદો છે –તે સહુ જાણે છે-પણ તેનો

અનુભવ થતો નથી) પણ સાધારણ તાવ આવે તો પણ જ્ઞાન ભુલાય છે. ત્યારે દેહાધ્યાસ જ મનમાં આવે છે. શરીરના દુઃખ માં

જ્ઞાન યાદ રહેતું નથી-કે શરીર થી હું જુદો છું.

અંતકાળમાં દુઃખ આવવાનું નક્કી જ છે.તેથી સતત ભક્તિ કરજો.

ભીષ્મ કહે છે કે –હું શરણે આવ્યો છું. (એવું બોલતાં નથી કે હું બ્રહ્મરૂપ છું.) હું તમારો છું. હે નાથ, કૃપા કરી મને એકવાર કહો-કે-

તું મારો છે.

ભગવાન સહેજ ઠપકો આપે છે-કૌરવો માં તમારી આસક્તિ હતી.

ભીષ્મ કહે છે-ના-ના-કૌરવોમાં આસક્તિ નહોતી-પણ શ્રીકૃષ્ણના સ્વરૂપ માં આસક્તિ હતી.-પ્રીતિ હતી. હે નાથ,તે વખતે અર્જુનના રથ

પર તમે વિરાજતા હતા.મેં વિચાર્યું-કે-પાંડવ પક્ષમાં રહીશ તો –અર્જુન ના રથ પર વિરાજેલા-પાર્થસારથી શ્રીકૃષ્ણનાં દર્શન બરોબર

થશે નહિ.મને તમારું પાર્થ-સારથી નું સ્વરૂપ બહુ ગમે છે.એટલે-સામા પક્ષમાં જઈ હું ઉભો હતો.

ભગવાન વિચાર કરવા લાગ્યા-ડોસો ચતુર છે-કેવું સરસ બોલે છે.!!

ભીષ્મ કહે-છે-મને યુદ્ધ ના સમયની તમારી એ-વિલક્ષણ છબી યાદ આવે છે.મુખ પર લહેરાતી વાળની લટો –ઘોડાઓ નાં પગ થી

ઉડતી ધૂળ થી મેલી થઇ હતી. ને પસીનાનાં નાનાં બિંદુઓ શોભી રહ્યાં હતાં. મારાં તીક્ષ્ણ બાણો વડે-હું તેમની ચામડી વીંધી રહ્યો હતો.

હે નાથ, મારા અનેક જુલમો સહીને પણ જગતમાં તમે મારી-કેટલી પ્રતિષ્ઠા વધારી !! મને કેટલું માન આપ્યું!!

મારી પ્રતિજ્ઞા સત્ય કરવા તમે તમારી પ્રતિજ્ઞા જતી કરી.

મહાભારત નાં યુદ્ધ માં કોઈ અસ્ત્ર-શસ્ત્ર ન લેવાની શ્રી કૃષ્ણે પ્રતિજ્ઞા કરેલી.

ભીષ્મે કહેલું-હું ગંગાજીનો પુત્ર છું-હું એવું લડીશ કે કૃષ્ણ ને હાથ માં શસ્ત્ર લેવું જ પડશે.

યુદ્ધ માં ભીષ્મ નાં બાણો થી અર્જુન ને મૂર્છા આવી છે. છતાં ભીષ્મ બાણ પર બાણ  મારે છે. કૃષ્ણે વિચાર્યું-આ ડોસો –અર્જુન ને મારી

નાખશે-તો અનર્થ થશે-મારી પ્રતિજ્ઞા ગઈ ખાડામાં. એક સ્વરૂપે રથમાં બેઠા છે-અને બીજા સ્વરૂપે-ભગવાન રથ માંથી કુદી પડ્યા છે.

જેમ સિંહ –પોતાનો શિકાર પકડવા દોડતો હોય-તેમ શ્રીકૃષ્ણ-હાથ માં રથનું પૈડું લઇ ભીષ્મ તરફ દોડ્યા છે.

ભીષ્મે તે વખતે નમન કર્યું. ભગવાન નો જય જયકાર કર્યો. ભગવાન કેવાં દયાળુ છે!! ભક્ત ની પ્રતિજ્ઞા સત્ય કરવા –પોતાની

પ્રતિજ્ઞા જતી કરે છે. ઠાકોરજી ની આ લીલા છે. ભગવાન ભક્તો ને બહુ માન આપે છે. મારી ભલે હાર થાય પણ મારા ભક્તની

જીત થાય.

ભીષ્મ કહે છે-કે- મારા ભગવાન ની પ્રતિજ્ઞા પણ કોઈ દિવસ ખોટી થાય નહિ.તમારી  પ્રતિજ્ઞા સાચી છે.તે વખતે મને-

તમારાં બંને સ્વરૂપ નાં દર્શન થયા છે. રથમાં જે સ્વરૂપે હતાં-તે સ્વરૂપે હાથ માં અસ્ત્ર-શસ્ત્ર લીધું નથી.

ભીષ્મ એટલે મન. અર્જુન એટલે જીવાત્મા.

મન(ભીષ્મ)-આવેશ માં આવે છે-ત્યારે સંકલ્પ-વિકલ્પ રૂપી બાણ મારે છે-એટલે જીવ (અર્જુન) ઘાયલ થાય છે.મૂર્છિત થાય છે.

તે વખતે રથ (જીવાત્મા રૂપી રથ)ની લગામ ભગવાન નાં હાથ માં હોય તો-ભગવાન રક્ષણ કરે છે. ભગવાન ચક્ર લઈને

મન ને (ભીષ્મને) મારવા જાય છે-ત્યારે મન કાબુમાં આવે છે-શાંત થાય છે.

આ જીવ પરમાત્મા નાં શરણે  જાય-ત્યારે પરમાત્મા આ મન ને શાંત કરે છે.

મન જો-સંકલ્પ-વિકલ્પ ન કરે તો –તે મન-આત્મ-સ્વરૂપ માં મળી જાય છે.ત્યારે જીવને શાંતિ મળે છે.

--------------------------------------------------------------------------------------------------------------------------------

ભાગવત રહસ્ય-૬૬
      

સ્કંધ પહેલો-૩૭ (ચાલુ)

ભીષ્મે કરેલી સ્તુતિ અનુપમ છે. એને ભીષ્મસ્તવરાજ સ્તોત્ર પણ કહે છે.

ભીષ્મ મહાજ્ઞાની હતા-તેમ છતાં પ્રભુ પ્રેમ માં તન્મય થઈને ભગવતસ્વરૂપ માં લીન થયા છે. કૃતાર્થ થયા છે.

તે બતાવે છે કે ભક્તિ જ શ્રેષ્ઠ છે.

સાધન ભક્તિ (મર્યાદા ભક્તિ) કરતાં કરતાં –સાધ્ય ભક્તિ(પુષ્ટિભક્તિ) સિદ્ધ થાય છે.

કબીર કહે છે--જબ તુમ આયે જગત મેં જગ હસે તુમ રોય –ઐસી કરની કર ચલો તુમ હસે જગ રોય.

જયારે જન્મ થયો ત્યારે તમે રડતા હતાં અને જગત આનંદ માનવી હસતું હતું. પણ જગત માંથી જયારે તમે જાવ –ત્યારે એવા

સુકૃત્ય કરીને જાવ-કે-તમને તમારી ફરજ બજાવ્યા નો પૂર્ણ સંતોષ હોય-પ્રભુ પ્રેમ માં તન્મય હોવ-તો તમે હસતા હોવ –અને

જગતને તમારી ખોટ એટલી- સાલે કે-જગત તમારાં માટે રડે.

માનવ જીવન ની છેલ્લી પરીક્ષા મરણ છે. જેનું જીવન સુધરે તેનું મરણ સુધરે.જીવન એનું સુધરે જેનો સમય સુધરે.

કે જેને સમયની કિંમત છે.

ગયેલી સંપત્તિ મળશે પણ ગયેલો સમય નહિ મળે. પ્રતિક્ષણ નો જે સદુપયોગ કરે,તેનું મરણ સુધરે.

કણ અને ક્ષણ નો દુરુપયોગ ન કરો, પ્રતિ દિન સંયમ અને ઈશ્વરનું સ્મરણ-કરે તેનું મરણ ભીષ્મ ની જેમ સુધરે.

અંતકાળ નો સમય બહુ કઠણ છે. તે વખતે પ્રભુ નું સ્મરણ બહુ કઠણ છે.

ભીષ્મ જ્ઞાન નો ભરોસો રાખતા નથી,

ભક્તિ થી પ્રભુ ની શરણાગતિ સ્વીકારી છે-તો પ્રભુ મરણ સુધારવા-સદગતિ આપવા પધાર્યા છે.

ભીષ્મ ના મરણ થી યુધિષ્ઠિર અને સર્વ ને દુઃખ થયું પણ –દાદા ને સદગતિ મળી –તેથી આનંદ થયો છે.

યુધિષ્ઠિર-હસ્તિનાપુર માં રાજ્ય કરવા લાગ્યા. ધર્મ ના પાલન થી સર્વ લોકો સુખમાં જીવે છે.

સૂતજી કહે છે-કે-ધર્મરાજા ના રાજ્ય માં ધર્મ નું શિક્ષણ આપવામાં આવતું હતું.

ધર્મરાજાને ને ગાદી એ બેસાડી,શ્રી કૃષ્ણ-દ્વારકા પધારે છે. હસ્તિનાપુરના લોકો રથયાત્રા નાં દર્શન કરે છે.

શ્રીકૃષ્ણ દ્વારકા માં આવ્યા ત્યારે –નગરજનો કહે છે-કે-આપની કૃપાથી સર્વ સુખ હતું પણ એક દુઃખ હતું કે-આપનાં દર્શન થતાં નહોતાં.

સર્વ ને કૃષ્ણ દર્શન ની આતુરતા છે.

અગિયારમાં અધ્યાય માં શ્રીકૃષ્ણ દ્વારકા પધાર્યા તે કથા છે. બારમાં અધ્યાય માં પરીક્ષિત ના જન્મ ની કથા છે.

પવિત્ર સમયે-ઉત્તરાએ બાળક નો જન્મ આપ્યો. બાળક જન્મ્યા પછી ચારે બાજુ જોવા લાગ્યો. મા ના  પેટમાં ચતુર્ભુજ સ્વરૂપે જે પુરુષ

દેખાતા હતા તે ક્યાં છે ?

પરીક્ષિત ભાગ્ય શાળી છે કે તેને માતાના ગર્ભ માં-જન્મતાં પહેલાં જ પરમાત્મા નાં દર્શન થયાં છે.

યુધિષ્ઠરે બ્રાહ્મણો ને પૂછ્યું-કે –આ બાળક કેવો થશે ?

બ્રાહ્મણો એ કહ્યું-સર્વ ગ્રહો દિવ્ય પડ્યા છે-માત્ર એક મૃત્યુંસ્થાન બગડેલું છે.એનું મૃત્યુ સર્પ દંશ થી થશે.

યુધિષ્ઠિરને આ સાંભળી દુઃખ થયું. મારા વંશ નો દિકરો સર્પ દંશ થી મ્રત્યુ પામે તે યોગ્ય નથી.

ત્યારે બ્રાહ્મણો એ આશ્વાસન આપ્યું-કે-સર્પ સંશ થી તેનું મ્રત્યુ ભલે થશે-પણ તેને સદગતિ મળશે.તેના બીજા ગ્રહો સારા છે. તે ગ્રહો

જોતાં લાગે છે કે-આ જીવાત્મા નો આ છેલ્લો જન્મ છે.

પરીક્ષિત રાજા ધીમે ધીમે મોટા થયા છે. ચૌદ-અને પંદરમાં અધ્યાય માં ધ્રુતરાષ્ટ્ર અને પાંડવો ના મોક્ષ ની કથા કહી છે. 

પછી-સોળમા અધ્યાય થી પરીક્ષિત ચરિત્ર નો આરંભ કર્યો છે.

આ બાજુ વિદુરજી તીર્થયાત્રા એ નીકળેલા-તે ફરતાં ફરતાં પ્રભાસ ક્ષેત્ર માં આવ્યા છે. વિદુરજી ને ખબર પડી કે-સર્વ કૌરવો નો

વિનાશ થયો છે.ધર્મ રાજા ગાદી પર વિરાજ્યા છે-એક મારો ભાઈ ધર્મરાજા ને ત્યાં ટુકડા ખાવા પડ્યો છે.

વિદુરકાકા પધાર્યા છે-ધર્મરાજા તેમનું સ્વાગત કરે છે. વિદુરકાકા માન લેવા આવ્યા નહોતા પણ-પોતાના બંધુ ને –બંધન માં થી

છોડાવવા આવ્યા છે.

વિદુરજીએ ૩૬ વર્ષ તીર્થ યાત્રા કરી છે.સંતો તીર્થ યાત્રા કરી તીર્થ ને પાવન કરે છે.

બાકી શાસ્ત્ર માં લખ્યું છે કે-

ઉત્તમા સહજાવસ્થા –મધ્યમા ધ્યાન ધારણા –અધમા મૂર્તિપૂજા-તીર્થ યાત્રા અધમાધમા

તેનું કારણ એ છે કે-તીર્થ યાત્રા માં –બીજી ચિંતા ઓ માં ઈશ્વરનું નિયમ થી ધ્યાન થતું નથી.સત્કર્મ નિયમ થી થતું નથી.

ઘણા તો હવાફેર- કે -મોજ-મજા કરવા તીર્થ સ્થાને જતાં હોય છે.


--------------------------------------------------------------------------------------------------------


ભાગવત રહસ્ય-૬૭
     

સ્કંધ પહેલો-૩૮ (ચાલુ)

વિદુરજીએ તેમની ૩૬ વર્ષની યાત્રા નું વર્ણન ૩૨ શબ્દો માં કર્યું છે.

આજ કાલ તો લોકો –આટલી જાત્રા અમે કરી-તેમ વારંવાર વર્ણન કરતા રહે છે. તમારા હાથે જેટલું પુણ્ય થાય તે ભૂલી જાવ-

પણ જેટલું પાપ થયું છે તે યાદ રાખો. આ સુખી થવાનો એક માર્ગ છે.

મધ્યરાત્રીએ વિદુરજી ધ્રુતરાષ્ટ પાસે ગયા. ધ્રુતરાષ્ટ જાગતા હતા. યુવાવસ્થામાં જેને બહુ પાપ કર્યા હોય –તેને વૃધ્ધાવસ્થા માં –

ઊંઘ આવતી નથી.

વિદુરજી ધ્રુતરાષ્ટને પૂછે છે-કેમ ભાઈ,ઊંઘ આવતી નથી ?જે ભીમ ને ઝેરના લાડુ ખવડાવ્યા-તેના ઘરમાં તું ખાંડ ના લાડુ ખાય છે !! તને શરમ નથી આવતી ?ધિક્કાર છે તને, -પાંડવો ને તેં દુઃખ આપ્યું. તું એવો દુષ્ટ છે-કે દ્રૌપદી ને ભરી સભામાં બોલાવવા સંમતિ આપેલી. તારા સો છોકરાઓ મરી ગયા. પણ હજુ તને વિવેક નથી. પાંડવોને છોડી હવે જાત્રાએ નીકળો.પ્રભુ સ્મરણ કરો.

ધ્રુતરાષ્ટ કહે છે-ભત્રીજા બહુ લાયક છે.મારી ખુબ સેવા કરે છે.તેમને છોડતાં દિલ થતું નથી.

વિદુરજી કહે છે-હવે તને ભત્રીજા વહાલા લાગે છે ? એ તો ધર્મરાજા ધર્મ ની મૂર્તિ છે-તેથી તારા અપકાર નો બદલો ઉપકારથી

આપે છે. પણ -મને તો એવું લાગે છે-કે-થોડા દિવસો માં પાંડવો પ્રયાણ કરશે-અને તને ગાદી પર બેસાડશે. તેની આશામાં તું બેઠો

છે. ભાઈ,તું હવે મોહ છોડ. તારા માથે કાળ છે. તારા મુખ પર મને મૃત્યુ ના દર્શન થાય છે. સમજી ને ઘર છોડીશ તો કલ્યાણ છે-

નહીતર કાળ ધક્કો મારશે –એટલે તો છોડવું જ પડશે. છોડ્યા વગર છુટકો નથી. સમજી ને છોડે તેને બહુ શાંતિ મળે છે.

પરાણે છોડવું પડે-તો બહુ દુઃખ થાય છે. થોડા સમયમાં તારું મૃત્યુ-ચોક્કસ છે.

આ જીવ સમજી ને છોડતો નથી. ડોક્ટર કહે-તમને બ્લડ પ્રેસર છે-ધંધો બંધ કરો-નહીતર જોખમ છે-

ત્યારે મનુષ્ય ડાહ્યો થઇ ઘરમાં બેસી જાય છે.

ધ્રુતરાષ્ટ કહે છે-ભાઈ તારું કહેવું સાચું છે-પણ હું આંધળો છું-એકલો ક્યાં જાઉં ?

વિદુરજી કહે છે-કે-દિવસે તો ધર્મરાજા તને છોડશે નહિ.પણ અત્યારે મધ્યરાત્રીએ હું તમને લઇ જાઉં.

ધ્રુતરાષ્ટ,ગાંધારી સાથે વિદુરજી ગંગા કિનારે સપ્તસ્ત્રોતતીર્થ માં આવ્યા છે.

ગંગાજીની ત્યાં સાત ધારા છે-તેથી તેને સપ્તસ્ત્રોતતીર્થ કહે છે. જયારે ગંગાજીનું પૃથ્વી પર અવતરણ થયું ત્યારે –તેમનું સ્વાગત

કરવા ઋષિ-મુનિઓ ઉભા થાય છે અને દરેક જણ-કહે છે કે –અમારા આશ્રમ માં પધારો.ગંગાજીએ લીલા કરી છે-ઋષિ ઓ ને ખરાબ ના

લાગે તે  માટે –સાત સ્વરૂપ ધારણ કરી-એક એકના આશ્રમ માં એકીસાથે ગયાં છે. આ સાતે ય ધારા ઓ હરદ્વારના બ્રહ્મકુંડ માં

એકત્ર થઇ છે.તેથી હરદ્વાર ના સ્નાન નું મહત્વ છે.

સવારે યુધિષ્ઠર-ધ્રુતરાષ્ટના મહેલ માં આવ્યા. કાકા દેખાતા નથી. વિચારે છે-કે “અમે તેમના સો પુત્રો ને મારી નાખ્યા એટલે તેમણે –

આત્મહત્યા તો નહિ કરી હોય? કાકા-કાકી નો પત્તો ના લાગે ત્યાં સુધી મારે પાણી પીવું નથી “

પરમાત્મા ના લાડીલા ભક્તો દુઃખી થાય ત્યારે પરમાત્મા કોઈ સંત ને મોકલે છે. ધર્મ રાજા ની પાસે તે વખતે નારદજી પધારે છે.

નારદજી સમજાવે છે-કે-કાકા ને સદગતિ મળવાની છે.ચિંતા ના કરો.દરેક જીવ મરણ ને આધીન છે.કાકા જ્યાં જવાના છે ત્યાં તમારે

પણ જવાનું છે.આજથી પાંચમા દિવસે કાકાની સદગતિ થશે પછી તમારો વારો આવશે. કાકાને માટે રડશો નહિ.

હવે તમારો વિચાર કરો. મરેલો પાછો આવતો નથી, જીવતો પોતા માટે રડે તે જ સારું છે. તમારાં માટે પણ હવે –છ મહિના

બાકી રહ્યાં છે. દ્વાપર યુગ ની સમાપ્તિ માં તમારે પણ બધું છોડવું જ પડશે.

એક મરે તેના પાછળ બીજો રડે છે.પણ રડનારો સમજતો નથી-કે આ ગયો છે ત્યાં મારે પણ એક દિવસ જવાનું છે.

બીજા માટે રડો –તે ઠીક છે-પણ રોજ તમારા માટે થોડું રડો. રોજ વિચાર કરો કે મારે મારું મરણ સુધારવું છે.

માંદા થઇ-પથારી માં પડ્યા પછી ડહાપણ ઘણાને આવે છે.તે શા કામનું ? પંચાવન પછી –પણ ઘણા નવી નોકરી શોધી કાઢે છે.

પંચાવન પછી તમે છોકરા ઓની ચિંતા છોડી દેજો. પંચાવન પછી બધું છોકરાઓને સોંપી-છોકરાઓને ભગવાન ને સોંપી દો.

પંચાવન પછી જે બહુ સાવધાન રહે છે-તેનું મરણ સુધરે છે.

કેટલાક કહે છે કે-હું તો બધું છોડી દઉં પણ મારા ભાણા નું શું થાય ?અરે ભાઈ –ભાણા ની ચિંતા તું શા માટે કરે છે ?

તું તારી જ ચિંતા કરને. અંતકાળે જીવ ચિંતા કરે છે-મારી છોકરીનું શું થશે?મારી ઘરવાળીનું શું થશે ?

પણ તારું શું થશે ? તેનો વિચાર કર. 

નારદજી કહે છે-હું તમને ભગવદ પ્રેરણાથી સાવધાન કરવા આવ્યો છું. વિદુરજી-ધ્રુતરાષ્ટ ને સાવધાન કરવા આવ્યા હતા.

છ મહિના પછી દ્વાપરયુગ સમાપ્તિ થશે અને કળિયુગની શરૂઆત થશે. ભગવાન ના સ્વ-ધામ  પધાર્યા પછી-તમે પણ પૃથ્વી પર

રહેશો નહિ.હવે તમે કોઈની ચિંતા ના કરો. પણ માત્ર તમારી ચિંતા કરો.

યુધિષ્ઠિરે તે પછી ઘણા યજ્ઞો કર્યા.

શ્રીકૃષ્ણ દ્વારકા ગયાં ત્યારે અર્જુન ને સાથે લઇ ગયેલા.

પ્રભુની ઈચ્છા હતી કે યદુકુલ નો વિનાશ થાય-તો સારું. અને તે ઈચ્છા -પ્રમાણે જ યદુકુળ નો વિનાશ થયો.

-------------------------------------------------------------------------------------------------------------------------

ભાગવત રહસ્ય-૬૮
      

સ્કંધ પહેલો-૩૯ (ચાલુ)

નારદજી ના ગયા પછી-યુધિષ્ઠિર ભીમને કહે છે-કે-નારદજી એ કહ્યું તે સમય આવ્યો હોય તેમ લાગે છે. મને કળિયુગની છાયા

દેખાય છે. મારા રાજ્ય માં અધર્મ વધી ગયો છે. લોકો જુઠ્ઠું બોલે છે,અનીતિ અને ચોરી વધી ગઈ છે. લોકો ને ઘર ના બારણા પર

તાળાં મારવાં પડે છે. મને ઘણા અપશુકન થાય છે. મંદિર માં ઠાકોરજીનું સ્વરૂપ મને આનંદ માં દેખાતું નથી. શિયાળ અને કૂતરાઓ

મારી સમક્ષ રડે છે. લાગે છે કે હવે કોઈ દુઃખ ની વાત સાંભળવી પડશે. અર્જુન હજુ દ્વારકા થી આવ્યો નથી.તે આવી જાય પછી-

આપણે જલ્દી હિમાલય તરફ પ્રયાણ કરીએ.

આમ વાતો કરતા હતા –તે જ વખતે –અર્જુન દ્વારકાથી આવ્યો. તેના મુખ પર જરાયે તેજ દેખાતું નહોતું. યુધિષ્ઠિર ને ઘણી ચિંતા

થઇ. તેમના મગજ માં જાતજાતના તર્કો આવી ગયા-છેવટે તેમણે-અર્જુન ને –તેની ઉદાસીનતા અને તેજહીનતા  નું કારણ પૂછ્યું.

અર્જુન કહે છે-કે-મોટાભાઈ શું કહું ?મારા પ્રભુ એ મારો ત્યાગ કર્યો છે. લાક્ષાગૃહ માં જેમણે આપણું રક્ષણ કર્યું-હતું –તે-પ્રભુ

સ્વધામ માં પધાર્યા છે. અંત કાળે પ્રભુ મને સાથે લઇ ગયા નહિ.

મને કહ્યું-“તું સાથે આવ્યો નથી તો સાથે ક્યાંથી લઇ જાઉં ? મેં તને ગીતા નું જ્ઞાન આપ્યું છે-તે તારું રક્ષણ કરશે.”

મોટાભાઈ હું શું કહું ? મારી આજ દિન કદી હાર થઇ ન હતી. પણ કૃષ્ણ વિરહ માં હું આવતો હતો ત્યારે કાબા લોકો એ

મને લુંટી લીધો. મને ખાતરી થઇ છે કે-મારામાં જે શક્તિ હતી તે મારી ન હતી પણ મારા પ્રભુની પ્રસાદી હતી. તે શક્તિ દ્વારકાનાથની

હતી-જે તેમના ચાલ્યા જવાથી ચાલી ગઈ છે. પ્રભુના અનંત ઉપકારો આજે યાદ આવે છે.

પ્રભુ એ અર્જુન ને દ્વારકાથી હસ્તિનાપુર જવાની આજ્ઞા કરેલી. અર્જુન માં અભિમાન હતું કે-મારા જેવો વીર જગત માં કોઈ નથી.

ભગવાન ને થયું કે આ અભિમાન તેનું પતન કરશે. અર્જુન નું અભિમાન દૂર કરવા-શ્રીકૃષ્ણ જ કાબા રૂપે ત્યાં ગયા હતા.

અર્જુન –શ્રીકૃષ્ણ ના ઉપકારો એક એક કરી યાદ કરે છે. અને ધર્મરાજાને કહે છે-

“મોટાભાઈ –દ્રુપદ રાજાના દરબારમાં મેં મત્સ્ય વેધ કર્યો-તે શક્તિ દ્વારકા નાથની હતી.પ્રભુએ માત્ર આંખથી શક્તિનું પ્રદાન કરેલું.

કિરાત ના યુદ્ધ વખતે હું શંકર સાથે યુદ્ધ કરી શક્યો પણ તેમના પ્રતાપે.

દ્રૌપદીના પર તેમનો કેવો પ્રેમ હતો ?તેના ચીરહરણ ના પ્રસંગે -જયારે આપણે બધા નિસહાય હતા –તે વખતે એમણે જ અદશ્ય રૂપે ચીર પૂર્યા હતા.

દુર્યોધને કપટ કરીને-આપણા નાશ માટે દુર્વાસા ને દસ હજાર બ્રાહ્મણો સાથે મોકલ્યા હતા.ત્યારે અક્ષય પાત્ર માં બચેલા -ભાજીના માત્ર એક પાન પોતે આરોગી-તેમણે તે સર્વ બ્રાહ્મણોને ને તૃપ્ત કર્યા અને - દુર્વાસાના શાપ માં –સંકટમાંથી થી ઉગાર્યા હતા.”

દુર્વાસાની કથા એવી છે કે-

દસ હજાર બ્રાહ્મણો ને જે જમાડે-તેના ઘરનું જમવું-એવો દુર્વાસાનો નિયમ હતો. દુર્યોધને ચાર મહિના સુધી –દસ હજાર બ્રાહ્મણો અને

દુર્વાસા ને જમાડ્યા. દુર્વાસા પ્રસન્ન થયા છે. કહે છે-કે –“ગઈકાલે નિર્જળા એકાદશી હતી-આજે પારણાં કરી-તને આશીર્વાદ આપી-

અમે જઈશું.”

દુર્યોધને વિચાર્યું ઋષિ ના શાપ થી –પાંડવોનો નાશ કરવાનો આ સારો અવસર છે. ઋષિ નો ગઈકાલ નો અપવાસ છે.અત્યારે જો તેમને

પાંડવો ના ત્યાં ભોજન માટે મોકલીએ તો –તેમને પહોંચતા વાર લાગે. સૂર્યદેવે-દ્રૌપદી ને અક્ષય-પાત્ર –આપેલું છે.પણ –દ્રૌપદી ના

જમી લીધા પછી તેમાંથી કશું નીકળતું નથી. આ બ્રાહ્મણો જો દ્રૌપદી  નું ભોજન થયા પછી ત્યાં પહોંચે.તો તેમને –ભોજન કોઈ પણ

રીતે કરાવી શકે નહિ. દુર્વાસા ને ભોજન નહિ મળતાં-ક્રોધથી પાંડવોને શાપ આપશે. અને તેમની દુર્ગતિ કરશે.

દુર્યોધને કપટ કર્યું છે.અને ઋષિઓને પાંડવો પાસે યુક્તિ-પ્રયુક્તિ કરી-દ્રૌપદી ભોજન કરી લીધા પછી જ –ત્યાં પહોંચે –તેવી

ગોઠવણ કરી. દુર્વાસા –દૂર્યોધન નું આ કપટ સમજી શક્યા નહિ. અને દસ હજાર બ્રાહ્મણો સાથે-પાંડવો પાસે વન માં આવ્યા છે.

અને ધર્મ રાજા ને કહે-છે-કે- ગઈકાલની નિર્જળા એકાદશી કરી છે.અમને અતિશય ભુખ લાગી છે. ભોજન માટે આવ્યા છીએ.

ધર્મરાજા એ દુર્વાસાનું સ્વાગત કર્યું છે. કહે છે કે-પધારો.બહુ કૃપા કરી છે.મને સેવાનો લાભ આપ્યો. માર્ગ માં પરિશ્રમ થયો હશે.

આપ સહુ ગંગા સ્નાન કરી આવો.ત્યાં સુધી હું રસોઈ ની તૈયારી કરાવું છું.

ઘરમાં એક ચોખા  નો ય દાણો નથી. ખબર છે કે –દ્રૌપદી એ જમી લીધું છે-હવે અક્ષય પાત્ર માં થી કશું પણ મળશે નહિ.

પણ ધર્મરાજ નું ધૈર્ય કેવું છે !! તેમને વિશ્વાસ છે-કે-“અતિ દુઃખ માં પણ મેં કોઈ દિવસ પાપ કર્યું નથી-ભગવાન ને ભૂલ્યો નથી-કે

ધર્મ છોડ્યો નથી.તો ધર્મ રૂપ પરમાત્મા મારી રક્ષા કરશે.” તે પરમાત્માનું સ્મરણ કરે છે. ભીમ –અર્જુન ગભરાયા છે.

દ્રૌપદી ની ચિંતાનો પાર નથી.હૈયું ભરાઈ આવ્યું અને દ્વારકાનાથને પોકાર પાડે છે. દ્રૌપદી કિર્તન કરતાં-કરતાં પ્રભુ ને વિનવે છે.

“નાથ મારી લાજ જશે તો જગત માં હાંસી તારી થશે. આજ દિન લાગી અનેક વાર મારી લાજ રાખી છે-તો આજે પણ રાખજે.

આજે દસ હજાર બ્રાહ્મણો જમાડવાના છે.તે ભૂખ્યા રહેશે તો શાપ આપશે.” દ્રૌપદી ગભરાયાં છે.

અરજ સુણી-શ્રીકૃષ્ણ ત્યાં દોડતા આવ્યા છે. દ્રૌપદી ને કહે છે-તારી અરજ થી દોડતો આવ્યો છું. પહેલાં મને કંઇ જમાડ.

દ્રૌપદી એ હાથ જોડ્યા છે. હાલ ઘરમાં કંઇ નથી. શ્રીકૃષ્ણ કહે છે-મને અક્ષયપાત્ર બતાવ. શ્રીકૃષ્ણ ના હાથ માં દ્રૌપદી એ અક્ષય પાત્ર

આપ્યું. પરમાત્મા એ એંની અંદર થી ખૂણા પર ચોંટેલું ભાજી નું પાન ખોળી નાખ્યું. ભાજીનું પાન તો ત્યાં ક્યાં હતું? પણ પ્રભુ એ જ

પોતાના યોગ બળ થી ભાજી નું પાન ત્યાં ઉત્પન્ન કર્યું છે.

ભગવાન ભાજી નું પાન આરોગે છે. ભગવાન તૃપ્ત થયા છે. ભાજીના પાન માં નહિ પણ દ્રૌપદી ના પ્રેમ માં શક્તિ હતી.

“સર્વ માં અંતર્યામી રૂપે હું રહેલો છું.હું તૃપ્ત થયો એટલે જગતના સર્વ જીવો તૃપ્ત થઇ જાય છે.” શ્રીકૃષ્ણ દ્રૌપદીને કહે છે-કે-

“આજે જગતના તમામ જીવો ની તૃપ્તિ થશે.”

પાન આરોગે છે શ્રીકૃષ્ણ અને અજીર્ણ ના ઓડકાર આવે છે-દુર્વાસા અને બ્રાહ્મણોને.

ભીમ બધાને બોલાવવા જાય છે પણ બધા જમવા આવવા ની ના પાડે છે. દુર્વાસા વિચારે છે કે આ કામ કૃષ્ણ નું લાગે છે.

ભીમ ને તે પૂછે છે-કૃષ્ણ તો આવ્યા નથી ને ? ભીમ કહે છે-“તે તો ક્યારના ય આવ્યા છે-તમારી રાહ જુએ છે-કહેતા હતા કે-

દુર્વાસા તો મારા ગુરુ છે. આજે મારે તેમને પ્રેમ થી જમાડવા છે.”

દુર્વાસા કહે છે-કે- ભીમ-હું તેમનો ગુરુ નથી-એ તો મારા ગુરુ ના ય ગુરુ છે. તમારી અનન્ય કૃષ્ણ ભક્તિ જોઈ હું રાજી થયો છું.

દુર્વાસાએ આશીર્વાદ આપ્યો-તમારો જય થશે-અને કૌરવો નો વિનાશ થશે.


------------------------------------------------------------------------------------------




ભાગવત રહસ્ય-૬૯
        

સ્કંધ પહેલો-૪૦ (ચાલુ)

અર્જુન શ્રીકૃષ્ણ ના અનંત ઉપકારો ને યાદ કરી ને -ધર્મ રાજા ને કહી રહ્યો છે,

“મોટાભાઈ-ચાર મહિના દુર્વાસાની સેવા દુર્યોધને કરી અને આશીર્વાદ તમને મળ્યા.

દુર્વાસના (દુર્વાસા પરથી) રાજમહેલ માં જ ત્રાસ આપે તેવું નથી,દુર્વાસના તો વનમાં પણ ત્રાસ આપે છે.

તેનાથી શ્રીકૃષ્ણ જ બચાવી શકે. શ્રીકૃષ્ણ વિનાનું જીવન હવે મને વ્યર્થ લાગે છે.ભારરૂપ લાગે છે.”

યુધિષ્ઠિરે ભગવાનના સ્વધામ-ગમન ની અને યદુવંશના વિનાશની વાત અર્જુન પાસે થી સાંભળી, સ્વર્ગારોહણ નો નિશ્ચય કર્યો.

પરીક્ષિત ને રાજગાદી સોંપી દીધી. અને પાંડવોએ-દ્રૌપદી સહિત હિમાલય તરફ પ્રયાણ કર્યું.

કેદારનાથ ની આગળ નિર્વાણ પથ(રસ્તો) છે. જે પથે –શુકદેવજીએ –શંકરાચાર્યે-પ્રયાણ કર્યું છે. તે પથ લીધો છે.

ચાલતાં ચાલતાં-સહુથી પહેલાં પતન દ્રૌપદીનું થયું. તે પતિવ્રતા હતાં પણ –અર્જુન માં વિશેષ પ્રેમ-પક્ષપાત રાખતાં હતાં.

બીજું પતન સહદેવનું થયું-સહદેવ ને –જ્ઞાન નું અભિમાન હતું. ત્રીજું પતન નકુળનું થયું-તેને રૂપ નું અભિમાન હતું.

ચોથું  પતન અર્જુન નું થયું.તેને પરાક્રમ નું અભિમાન હતું. પાંચમું ભીમનું થયું. તેને ભોજન પ્રત્યે અતિ રાગ હતો.

છેલ્લા ધર્મરાજા આગળ ગયા છે.એકલા ધર્મરાજા સદેહે –સ્વર્ગ માં ગયા.

કળિયુગ માં-તુકારામ અને મીરાંબાઈ –જેવા –ભક્તો સદેહે –વૈકુંઠ માં ગયાં છે.

તુકારામ મહારાજ ની ક્યાંય –સમાધિ નહિ-શ્રાદ્ધ નહિ-શરીર છોડ્યું ના હોય તો –સમાધિ ક્યાંથીશ્રાદ્ધ ક્યાંથી ?

તુકારામ કહે છે-આમ્હી જાતો-આમુચા ગાવા-આમચા રામ રામ ધ્યાવા- તુકા જાતો-વૈકુંઠાલા-

આ પ્રમાણે બોલતાં બોલતાં તુકારામ વૈકુંઠ માં ગયા છે.

શાસ્ત્ર નો સિદ્ધાંત છે કે-આત્મા -પરમાત્મા જોડે મળે છે. શરીર પૃથ્વી પર રહી જાય છે.

પણ  મીરાંબાઈ સદેહે દ્વારકાધીશ માં સમાઈ ગયાં છે.

મીરાબાઈને મેવાડ માં દુઃખ પડ્યું,તેથી તેમણે મેવાડ છોડ્યું. મીરાબાઈના ગયાં પછી મેવાડ –દેશ બહુ દુઃખી થયો. રાણા એ વિચાર્યું-કે

મીરાં ફરીથી પધારે તો મેવાડ સુખી થાય. રાણા-મહાજન,મંત્રીઓ ને લઇ દ્વારકા આવ્યા છે.

મીરાં ને કહે છે કે –અમારા અપરાધોની ક્ષમા કરો.મેવાડ પાછા પધારો

મીરાં કહે છે કે-મારા પ્રભુ ને બહુ પરિશ્રમ પડ્યો છે.મારું અપમાન કરે તો હું સહી શકું-પણ મારા નાથનું અપમાન ન સહી શકું.

મારા માલિક માટે ગમે તેમ બોલ્યા છો-હું મેવાડ નહિ આવું.

રાણા વિચારે છે કે-સાધુ સંતો કહે તો કદાચ મીરાં બાઈ આવે. સંતો જોડે આગ્રહ કરાવડાવ્યો. સંતો અન્ન જળનો ત્યાગ કરે છે.

ત્યારે મીરાનું કોમળ હૃદય પીગળ્યું.

મીરાંબાઈ  કહે છે-કે-તમે સર્વ પ્રસાદ લો. હું આવતી કાલે દ્વારકાનાથ ને પૂછીશ. તેઓ આજ્ઞા આપે તો હું આવીશ.

બીજા દિવસે મીરાંબાઈ એ દિવ્ય શૃંગાર કર્યો.પ્રાણ-પ્રિયતમ કૃષ્ણ ને મળવા આતુર થયા છે. મીરાંબાઈ “રાધે ગોવિંદ” કિર્તન કરતાં

નાચે છે. આજે છેલ્લું કિર્તન છે. કૃષ્ણ ને કહે છે-વિનવણી કરે છે-નાથ,જીવન નો બહુ અનુભવ કર્યો છે,હવે મારે આ સંસારમાં રહેવું

નથી. નાથ,તમારું કિર્તન કરતાં હું રડું છું-અને તમે હસો છો ?ક્યાં સુધી આમ મને રડાવશો ? મને મેવાડ મોકલશો ? તમારાં ચરણ

છોડી હવે ક્યાંય જવું નથી. મને હવે તમારા ચરણ માં જ રાખજો.તમારો વિયોગ સહન થતો નથી. તમારાં પાછળ પડે તેને તમે

જો આવી રીતે રડાવશો-તો પછી તમારી ભક્તિ કોણ કરશે ?

કિર્તન કરતાં-કરતાં નિજમંદિર માં પ્રવેશ કર્યો. જ્યાં વંદન કર્યાં –કે દ્વારકાનાથે મીરાંબાઈ ને ઉઠાવી ને છાતી સરસી ચાંપી છે.

મીરાં બાઈ સદેહે દ્વારકાનાથ માં લીન થયા છે.

કૃષ્ણ-ભક્તિ માં એવી શક્તિ છે કે-પંચભૌતિક દેહ પણ દિવ્ય બને છે. જડ શરીર-ચેતન બને છે-અને-ચેતન માં લીન થાય છે.

પ્રયાણ અને મરણ માં ફેર છે.

છેક છેલ્લા શ્વાસ સુધી-પ્રભુની ભક્તિ-સેવા-પૂજા-સ્મરણ-કિર્તન કરતાં કરતાં –આનંદ માં –હસતો,હસતો જાય-તે પ્રયાણ.

પણ છેલ્લા દિવસ માં સ્નાન નહિ-સંધ્યા નહિ-એવી અપવિત્ર-મલિન અવસ્થામાં જાય તે મરણ.

પાંડવો ના મરણ ની આ કથા નથી,પ્રયાણ ની કથા છે. પાંડવો નું મરણ સુધર્યું. કારણ કે-તેઓનું જીવન શુદ્ધ-ધર્મમય  હતું.

ધર્મોન્નતિ –દેશોન્નતિ-અને આત્મોન્નતિ-એમ ત્રણ ઉન્નતિ નું ત્રણ અધ્યાય માં વર્ણન છે.

જે ધર્મોન્નતિ કરે અને દેશોન્નતિ કરે- તેની આત્મોન્નતિ થાય છે.

પરીક્ષિત રાજા –રાજ્ય કરવા લાગ્યા છે. ધર્મ થી પ્રજા નું પાલન કરે છે. ત્રણ અશ્વમેધ યજ્ઞ કર્યા છે.

(અશ્વમેઘ યજ્ઞ માં ઘોડાને છોડવામાં આવે છે.વાસના –એ ઘોડો છે-વાસના કોઈ ઠેકાણે ન બંધાય)

ઇન્દ્રિય-શરીર અને -મનોગત વાસનાનો નાશ-એ ત્રણ યજ્ઞો છે. હજુ -બુધ્ધિગત વાસના નો-ચોથો યજ્ઞ બાકી છે.
શુકદેવજી જેવા કોઈ બ્રહ્મનિષ્ઠ ગુરુ કૃપા કરે તો જ આ બુધ્ધિગત વાસના નો નાશ થાય. એટલે ચોથો યજ્ઞ બાકી હતો
.       

------------------------------------------------------------------------------------------------------------------------


ભાગવત રહસ્ય-૭૦
      

સ્કંધ પહેલો-૪૧ (ચાલુ)

પરીક્ષિત દિગ્વિજય કરી રહ્યાં છે. ફરતાં ફરતાં –પ્રાચી સરસ્વતી નદીના કિનારે આવ્યા. ત્યાં તેમણે એક કૌતુક જોયું.

એક બળદના ત્રણ પગ કોઈએ કાપી નાખ્યા છે. એક ગાય માતા ત્યાં ઉભી છે અને રડે છે.

બળદ એ ધર્મ નું સ્વરૂપ છે. ગાય એ ધરતી માતા નું સ્વરૂપ છે.

ધર્મ ના ચાર મુખ્ય અંગો છે.-સત્ય-તપ-પવિત્રતા-દયા. આ ચાર સદગુણો નો સરવાળો(સમન્વય)-એને જ ધર્મ કહે છે.

આ ચારે તત્વો જેનામાં પરિપૂર્ણ હોય-તે ધર્મી છે.

ધર્મ –ત્રણ પગ પર ટકી રહ્યો –એટલે તે યુગ નું નામ પડ્યું-ત્રેતાયુગ.(અહીં સત્ય-ગયું)

ધર્મ -બે પગ પર ટકી રહ્યો –એટલે તે યુગ નું નામ પડ્યું –દ્વાપરયુગ.(અહીં-સત્ય અને તપ ગયાં)

ધર્મ -જયારે માત્ર એક પગ પર ટકી રહ્યો-તે યુગ નું નામ-કળિયુગ.  (અહીં –સત્ય-તપ-પવિત્રતા ગયાં)

કળિયુગ માં દયા-દાન એક જ બાકી રહ્યું છે. એક જ પગ પર ધર્મ ટક્યો છે.(દાનમ એકમ કલિયુગે)

સત્ય –સત્ય એ જ પરમાત્મા છે. સત્ય દ્વારા નર-નારાયણ પાસે જઈ શકે છે. હિતભાષી,મિતભાષી-હોય તે સત્ય ભાષી બની શકે છે.

તપ—તપ કરો. ભગવાન સર્વ પ્રકારનું સુખ આપે-તો પણ એ સર્વ પ્રકારનું સુખ ભોગવશો નહિ. બહુ સુખ ભોગવવાથી તન અને મન

બગડે છે. થોડું દુઃખ ભોગવી રોજ તપ કરો.સમજી ને થોડું દુઃખ સહન કરો. દુઃખ સહન કરી પરમાત્મા ની આરાધના કરો.

ઇન્દ્રિયો માગે-તે –તેને આપી ને –ઇન્દ્રિયોના ગુલામ થશો નહિ.ઇન્દ્રિયોના સ્વામી આત્મા છે. ભગવાન ના માટે-ભગવાન ને પામવા માટે-

દુઃખ સહન કરવું-કષ્ટ ભોગવવું તે તપ. વાણી અને વર્તન માં સંયમ અને તપ જોઈએ.

પવિત્રતા—કળિયુગ માં પવિત્રતા રહી નથી.બહારથી બધા સ્વચ્છ-પવિત્ર લાગે છે.પણ અંદર થી બધા મલિન થયા છે. કપડાં ને પડેલો

ડાઘો જશે-કાળજાને પડેલો ડાઘો જશે નહિ. જીવાત્મા બધું છોડીને જાય છે-પણ મન ને સાથે લઇ જાય છે. પૂર્વજન્મ નું શરીર રહ્યું નથી

પણ મન રહ્યું  છે. લોકો અનાજ-વસ્ત્ર-અથાણાં- ના બગડે તેની કાળજી રાખે છે-પણ મર્યા પછી જે સાથે આવવાનું છે-તે મનની કાળજી

રાખતા નથી. સંસાર-વ્યવહારના કાર્યો કરતાં કરતાં-માતા જેમ બાળકની કાળજી રાખે છે-તેમ-વ્યવહારનાં કાર્ય કરતાં-ઈશ્વરનું

અનુસંધાન રાખો. કાળજી રાખો કે- મારું મન બગડે નહિ. આચાર અને વિચારની શુદ્ધિ જરૂરી છે.

દયા—ધર્મ નું ચોથું અંગ છે દયા.પ્રભુ એ તમને આપ્યું હોય તો હાથ લંબાવો. બીજાને જમાડીને જમો. પ્રભુ એ બહુ આપ્યું ના હોય –તો

બીજા માટે શરીર ઘસાવો. લક્ષ્મી ચંચળ છે-અમુક પેઢી એ તે જવા ની જ. લક્ષ્મી નો સદુપયોગ કરો.દાન કરો.

ધર્મ ના ચાર ચરણો માં –સત્ય-સર્વોપરી છે.

મહાભારત માં સત્યદેવ રાજા ની કથા આવે છે.

એક દિવસ-સવારે સત્યદેવ ઉઠયા-ત્યારે તેમણે જોયું તો તેમના મહેલમાંથી કોઈ સુંદર સ્ત્રી બહાર જઈ રહી હતી.

તેમણે પેલી સ્ત્રી ને પૂછ્યું –કે આપ કોણ છો ? સ્ત્રી એ જવાબ આપ્યો-કે-મારું નામ –લક્ષ્મી-હું અહીંથી જવા માગું છું.

રાજાએ કહ્યું-આપ જઈ શકો છો.

થોડીવાર પછી-એક સુંદર પુરુષ બહર નીકળ્યો.રાજાએ પૂછ્યું-આપ કોણ છો ? પુરુષે જવાબ આપ્યો-મારું નામ -દાન- છે.

લક્ષ્મી ચાલી ગઈ –એટલે તમે દાન કયાંથી કરી શકશો ? એટલે તેની સાથે હું પણ જવાનો. રાજાએ કહ્યું-આપ જઈ શકો છો.

થોડીવારે એક ત્રીજો પુરુષ નીકળ્યો-રાજાએ પૂછ્યું-તમારું નામ ? પુરુષે જવાબ આપ્યો-મારું નામ સદાચાર- લક્ષ્મી અને દાન ગયાં-

તો હું પણ જાઉં છું. રાજાએ કહ્યું-આપ જઈ શકો છો. જવાબ આપ્યો-

ત્યારબાદ એક ચોથો પુરુષ નીકળ્યો. રાજાએ તેનું નામ પૂછ્યું. તેને કહ્યું-મારું નામ યશ છે.-લક્ષ્મી-દાન-સદાચાર ગયાં-તેમની સાથે હું

પણ જાઉં છું. રાજાએ કહ્યું-આપ જઈ શકો છો.

છેલ્લે એક સુંદર યુવાન પુરુષ બહાર નીકળ્યો.રાજાએ તેનું પણ નામ પૂછ્યું. તે પુરુષે કહ્યું- મારું નામ –સત્ય-છે. આ બધાં ગયાં તેની

સાથે હું પણ જઈશ.

સત્યદેવ કહે છે-કે- મેં તમને કોઈ દિવસ છોડ્યા નથી.તમે મને છોડી ને શું કામ જાઓ છો ? અરે તારા માટે મેં તેઓ સઘળાં –

લક્ષ્મી-યશ- વગેરે નો ત્યાગ કર્યો.તમને હું નહિ જવા દઉં. તમે જાવ તો મારું સર્વસ્વ જાય.

સત્ય ન ગયું. સત્ય રહી ગયું-એટલે બહાર ગયેલાં બધાં પરત આવ્યાં.

માટે સત્ય એ જ સર્વસ્વ છે.

પરીક્ષિત ત્રણ પગ કપાઈ ગયેલા બળદ ને જોઈ વિચારે છે-મારા રાજ્ય માં આવું કોણ કરી શકે ? ત્યાં તેને જોયું કે-એક કાળો

શુદ્ર પુરુષ હાથ માં લાકડી લઇ તે બળદને મારતો હતો. તે બળદ એક જ પગ પર ઉભો હોવાથી દુઃખી હતો.

રાજા એ બળદ ને પૂછ્યું-કે- તારા આ ત્રણ પગ કોને કાપ્યા ?

ધર્મરૂપી બળદ કહે છે-કે- રાજન –મને કોણ દુઃખ આપે છે-તેનો નિર્ણય હજુ થયો નથી. કેટલાક માને છે કાળ થી જીવ સુખી-દુઃખી

થાય છે.કેટલાક માને છે કે કર્મથી તો કેટલાક માને છે –સ્વભાવથી મનુષ્ય સુખી-દુખી થાય છે. તમે જ વિચાર કરો.

રાજા સમજી ગયા- આ શુદ્ર પુરુષ એ જ કળિપુરુષ છે.તેનો જ બળદ ને ડર છે અને તે જ બળદને ત્રાસ આપે છે. એટલે રાજા

કળિ ને મારવા તૈયાર થયા. કળિ શરણે આવ્યો –અને દયાની પ્રાર્થના કરી પરીક્ષિતના ચરણ ને સ્પર્શ કર્યો.

જેવો કળિએ ચરણ નો સ્પર્શ કર્યો-કે રાજા ની બુદ્ધિ બગડી છે. પરીક્ષિત જાણતા હતા કે –આ પાપી છે.તેને સજા કરવી જોઈએ.

અતિ પાપી જીવ પર દયા બતાવવામાં આવે તો તે વધારે પાપ કરે છે. દુષ્ટ ને મારવો એ રાજા નો ધર્મ છે-તેમ છતાં –દુષ્ટ કળિ

પર રાજા દયા બતાવે છે.


No comments:

Post a Comment