Disclaimer

Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Monday, October 9, 2017

ભાગવત રહસ્ય-૩૧ TO 50 -પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની ભાગવત કથા




ભાગવત રહસ્ય-૩૧ TO 50


પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની ભાગવત કથા પર આધારિત  "ભાગવત રહસ્ય


સ્કંધ પહેલો-૨  (ચાલુ)

ધ્યાન માં બીજા કોઈનું ચિંતન કરશો નહિ. કોઈ જીવ નું કે કોઈ જડ વસ્તુની ધ્યાન ના કરો.

અનેક જન્મ થી આ મન ને રખડવાની ટેવ પડી છે. ધ્યાન માં –સહુ-પહેલાં સંસારના વિષયો દેખાય છે.

તે ના દેખાય તેનો કોઈ ઉપાય ?

તેનો ઉપાય એ છે કે જયારે ધ્યાન કરતાં મન ચંચળ બને –ત્યારે વારંવાર –પરમાત્મા નું કિર્તન કરો.

કૃષ્ણ કિર્તન થી જગતનું વિસ્મરણ થાય છે.

પરમાત્મા ના મંગલમય સ્વરૂપ ને નિહાળતા-તેના નામ નું કિર્તન કરો.

વાણી કિર્તન કરે (મુખથી) અને આંખ દર્શન કરે તો મન શુદ્ધ થાય છે.(મન શુદ્ધ થતાં -ધ્યાન થાય છે).

મન-શુદ્ધિ સ્નાનથી-દાનથી-તીર્થયાત્રા થી કે (એવા બીજા કશાથી ય ) થતી નથી. તેનાથી શરીર શુદ્ધ થાય છે.

ઈશ્વરના સતત –ચિંતન અને ધ્યાન થી જ મન સુધરે છે.

જરા વિચાર કરો........કે

મન ક્યારથી બગડ્યું છે ?

બાળક નિર્દોષ હોય છે.પણ તે મોટું થાય છે એટલે સંસારનું ચિંતન કરવા લાગે છે. એટલે તેનું મન બગડે છે.

જેને જગત સાચું લાગે છે તે જગત સાથે પ્રેમ કરે છે. પરમાત્મા સાચા લાગે છે તે પરમાત્મા જોડે પ્રેમ કરે છે.

જ્ઞાની મહાત્મા ઓ જગતમાં રહે છે પણ જગતનું  ચિંતન કરતાં નથી. એટલે તેમનું મન પવિત્ર રહે છે.

શ્રીકૃષ્ણ ના કિર્તન-દર્શન-ધ્યાન- સિવાય મન ને શુદ્ધ કરવાનો કોઈ ઉપાય નથી. ધ્યાન કરવાથી-મન થી-પરમાત્મા

જોડે મિલન થાય છે. ધ્યાન કરવાથી જીવ-ઈશ્વરનું મિલન થાય છે.

આ શરીર જેવી મલિન વસ્તુ કોઈ નથી. આ શરીર મળમૂત્રથી ભરેલું છે. શરીર નું બીજ જ અપવિત્ર છે.  આ શરીરથી પરમાત્મા ને મળવું અશક્ય છે. ઠાકોરજી ને મનથી મળવાનું છે. અને –ધ્યાન- વગર  મનો મિલન થતું નથી.

વૈષ્ણવો પરમાત્માને મન થી મળે છે.

જીવ અલ્પશક્તિ છે, પરમાત્મા અનંત શક્તિમાન છે. જીવ અનંત –શક્તિમાન નું ધ્યાન કરે –તો તેનામાં અનંત

શક્તિ આવે છે.

આજકાલ લોકો શક્તિ માટે ગોળીઓ ખાય છે. ગોળીઓ ખાવાથી શક્તિ મળશે- તો કોઈ નિમિત્તે તે બહાર નીકળી જશે. તે ટકતી નથી.

પણ પ્રભુ નું ધ્યાન કરો તો પ્રભુની શક્તિ તમારા માં આવશે. પ્રભુ સાત્વિક શક્તિ આપે છે.

કેટલાક ફુરસદ મળે. તો-બીજાને ઘેર વાતો કરવા જાય છે. પણ જયારે જયારે ફુરસદ મળે ત્યારે ધ્યાન કરો.

પાપ અને પુણ્ય નું ફળ કાળાંતરે મળે છે.અનેક વાર -આ જન્મ માં કરેલા કર્મ નું ફળ બીજા જન્મ માં મળે છે.

પણ પરમાત્માનું  ધ્યાન એવું છે કે તેનું ફળ તરત મળે છે. તમારું મન તરત પવિત્ર થશે.

ધ્યાન કરવાથી દેહનો સંબંધ  છૂટે છે અને બ્રહ્મ સંબંધ થાય છે.

ધ્યાન ની પરિપક્વ દશા એ જ સમાધિ છે. વેદાંત માં જેને -જીવન મુક્તિ- માની છે. સમાધિ અધિક વખત ટકે એટલે –જ્ઞાની ઓ ને જીવતા જ મુક્તિનો આનંદ મળે છે.

ભાગવતમાં વારંવાર આવશે,-ધ્યાન કરો-જપ કરો. એક એક ચરિત્ર માં આ સિદ્ધાંત વર્ણવ્યો છે.

પુનરુક્તિ (એક ની એક વાત ફરી ફરી કહેવી તે) એ દોષ નથી.

એક સિદ્ધાંત ને –બરાબર –બુદ્ધિ-માં ઠસાવવો હોય તો તેને વારંવાર કહેવો પડે છે.

ભાગવતના દરેક સ્કંધ માં આ જપ-ધ્યાન ની કથા આવશે.

વસુદેવ –દેવકી એ અગિયાર વર્ષ ધ્યાન કર્યું ત્યારે પરમાત્મા મળ્યા.

ભાગવત નો આરંભ ધ્યાન-યોગ થી કરવામાં આવ્યો છે. જે મનુષ્ય ઈશ્વર નું ધ્યાન કરશે તે ઈશ્વરને વહાલો લાગશે.

જ્ઞાનીઓ સમાધિ - માર્ગ નો આશ્રય કરી મુક્ત બને છે. જ્ઞાની ઓ જ્ઞાનથી ભેદ(સગુણ-નિર્ગુણ) નો નિષેધ કરે છે.

જ્ઞાનથી ભેદ(સગુણ-નિર્ગુણ)  દૂર કરવો એ- જ્ઞાન માર્ગ નું લક્ષ્ય છે.

ભક્તિ થી ભેદ(સગુણ-નિર્ગુણ) ને દૂર કરવો એ –ભક્તિમાર્ગ નું લક્ષ્ય છે.

માર્ગ જુદાજુદા છે. –સાધન માં ભેદ(જુદાજુદા રસ્તાઓ) છે, પણ ધ્યેય એક જ છે.

તેથી ભાગવત નો અર્થ –જ્ઞાનપરક (જ્ઞાન વાળો)અને ભક્તિપરક(ભક્તિવાળો) થઇ શકે છે.

તેથી –સગુણ અને નિર્ગુણ બંને ની જરૂર છે.

ઈશ્વર અરૂપ(કોઈ રૂપ વગરના) છે. પણ વૈષ્ણવો જે રૂપ ની ભાવનાથી તન્મય બને છે, તેવું સ્વરૂપ પ્રભુ ધારણ કરે છે. સગુણ અને નિર્ગુણ બંને સ્વરૂપો નું ભાગવતમાં વર્ણન કર્યું છે.

નિર્ગુણ રૂપે પ્રભુ સર્વત્ર છે અને સગુણ રૂપે શ્રીકૃષ્ણ ગોલોકધામ માં વિરાજેલા છે.

ઇષ્ટદેવ માં સો ટકા વિશ્વાસ રાખી-જગતના જડ-ચેતન પદાર્થોમાં પ્રભુ રહેલા છે,તેવો વિશ્વાસ રાખો.

મંગલાચરણ નો સગુણ-નિર્ગુણ ,બંને -વાળો અર્થ થઇ શકે છે.

ક્રિયા અને લીલામાં તફાવત છે.

પરમાત્મા જે કરે તેનું નામ –લીલા અને જીવ જે કરે છે તેનું નામ ક્રિયા.

ક્રિયા (કર્મ) બંધનરૂપ છે.કારણકે તેની પાછળ કર્તા ને (ક્રિયા કરનાર –જીવ)-આસક્તિ,સ્વાર્થ તથા અહંકાર હોય છે.

જયારે- ઈશ્વરની લીલા (કર્મ)-એ બંધનમાં થી છોડાવે છે. કારણ કે ઈશ્વરને –સ્વાર્થ,અભિમાન નો સ્પર્શ થતો નથી.

જે કાર્ય માં કર્તૃત્વ નું (હું કરું છું તેવું)-અભિમાન નથી તે લીલા.

જીવોને કેવળ પરમાનંદ નું દાન કરવા માટે પ્રભુ લીલા કરે છે.

તેથી જ વ્યાસજી-માખણચોરી,રાસ-સર્વને લીલા નામથી સંબોધે છે. શ્રી કૃષ્ણ માખણ ની ચોરી કરે છે-તે મિત્રો માટે-

પોતાના  માટે નહિ.

વ્યાસજી એ –બ્રહ્મ સૂત્ર માં લખ્યું છે કે-

દૈવી જીવોનું કલ્યાણ કરવા માટે જ ભગવાન લૌકિક જીવોના સમાન લીલા કરે છે.(લોક્વતુ લીલા કૈવલ્યમ).

જગત ની ઉત્પત્તિ,સ્થિતિ અને વિનાશ –એ પણ લીલા છે.


-----------------------------------------------------------------------------------------------

સ્કંધ પહેલો-૩   (ચાલુ)


પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની ભાગવત કથા પર આધારિત  "ભાગવત રહસ્ય

ભાગવત રહસ્ય-૩૨

સ્કંધ પહેલો-૩   (ચાલુ)

પોતાના –સર્વ વિનાશ---માં પણ આનંદ છે.

સર્વનો દ્રષ્ટા(જોનાર)- “હું”--છું.  “હું” નો નાશ થતો નથી. જ્ઞાની પુરુષો માં આ “હું” રહે છે –દેખાય છે.

અને આ “હું’ નો વિનાશ –ન- થાય તેને -પણ –લીલા કહે છે.(કર્તૃત્વનું અભિમાન નથી માટે)

“હું”ઈશ્વરનો અંશ છું-કે “હું” જ ઈશ્વર છું(શિવોહમ)-

પણ –આ “હું” અહંકાર માં પરિણમવું ના જોઈએ.

મહાભારતનું યુદ્ધ પૂર્ણ થયું છે. શ્રીકૃષ્ણ ગાંધારીને મળવા આવે છે. ગાંધારી એ શ્રાપ આપ્યો છે.—મારા વંશ માં

તે એકે ને ય રહેવા દીધો નહિ.-જા-તારા વંશ માં પણ કોઈ રહેશે નહિ.

પણ તેથી શ્રીકૃષ્ણ ખુશ થાય છે.તેઓ કહે છે કે – મા,હું વિચાર કરતો હતો કે આ બધાનો વિનાશ કેવી રીતે કરવો ?

સારું થયું –તમે શ્રાપ આપ્યો.

સર્પ ઉપર શયન કરવાનો વખત આવે તો પણ પરમાત્મા ને શાંતિ છે,(શાંતાકારમ ભુજગશયનમ).

લોકો ને પલંગ-પથારી પર શયન કરવા મળે તો પણ શાંતિ નથી.

શ્રીકૃષ્ણ ને કેવી શાંતિ છે !! લય (સર્વ નો વિનાશ) –એ પણ ભગવાન ની લીલા છે.

પણ -જીવ ને- ઉત્પત્તિ અને સ્થિતિ ગમે છે -- –વિનાશ ગમતો નથી.

ગાંધારી ને આશ્ચર્ય થયું છે.—લોકો આ ને (કૃષ્ણ ને) ભગવાન કહે છે, -તે –સાચું છે.

(શ્રી કૃષ્ણ ના સમય માં પણ ઘણાં-શ્રીકૃષ્ણ ને ભગવાન માનવા તૈયાર નહોતા –જેવા કે  કૌરવો-દૂર્યોધન-વગેરે)

જે પ્રભુ એ –બ્રહ્માજી ને –વેદ તત્વ નું જ્ઞાન આપ્યું –તે-

જગતની ઉત્પત્તિ,સ્થિતિ અને સંહાર કરનાર –પરમાત્મા નું અમે ધ્યાન કરીએ છીએ. અને

આદિ-વખતે જે દિવ્ય જ્ઞાન નારાયણે આપ્યું-તેનું વર્ણન કરીએ છીએ. (ભાગવત રૂપે)

મંદિરમાં દર્શન કર્યા પછી પણ ધ્યાન ની જરૂર છે. મંદિરમાં ઓટલા પર બેસવાનો રિવાજ-જગતની વાતો કરવા માટે

નહિ પણ ધ્યાન કરવા માટે છે. મંદિર માં જે સ્વરૂપ ના દર્શન કર્યા હોય- તે સ્વરૂપ નું ઓટલા પર બેસી ધ્યાન –

ચિંતન કરવાનું હોય છે.

વ્યાસજી આરંભ માં ધ્યાન કરવાની આજ્ઞા આપે છે. સત્કાર્ય માં –અનેક વિઘ્ન---પણ કૃષ્ણ પરમાત્માનું ધ્યાન

કરવાથી વિઘ્ન નો નાશ થાય છે.

વ્યાસજી ધ્યાન કરે છે શ્રીકૃષ્ણ નું- પણ બોલ્યા નથી-કે-શ્રીકૃષ્ણ પરમ ધીમહિ.

વ્યાસજીએ મંગલાચરણ માં લખ્યું છે-સત્યં પરમ ધીમહિ—સત્ય સ્વરૂપ પરમાત્મા નું અમે ધ્યાન કરીએ છીએ.

વ્યાસજી એ શ્રી કૃષ્ણ નું ધ્યાન કરીએ છીએ –એમ કેમ ન લખ્યું.?

શ્રીકૃષ્ણ નું ધ્યાન કરુંછું-એમ લખ્યું હોત તો –શિવ ભક્તો-દેવીભક્તો-દત્તાત્રય ના ભક્તો –વગેરે એમ માને કે-

ભાગવત ,શ્રીકૃષ્ણ ,માટે નો જ ગ્રંથ છે.પણ ભાગવત બધાને માટે છે.

વ્યાસજી એ કોઈનું વિશિષ્ટ રીતે નામ આપી ધ્યાન ધરવાનું નથી કહ્યું.  જેને જે સ્વરૂપ ગમે તેનું તેમણે ધ્યાન કરવું.

અનેકનું ધ્યાન કરતાં-મન માં વિક્ષેપ થાય છે, મન ચંચળ થાય છે.

એક જ પરમાત્મા –અનેક ની ઈચ્છા અનુસાર –અનેક સ્વરૂપો ધારણ કરે છે. ઈશ્વર એક જ છે.

અમારો આગ્રહ નથી કે-શ્રીકૃષ્ણ નું ધ્યાન ધરો. રામજી માં પ્રીતિ હોય તે રામજી નું ધ્યાન કરે-

શિવજી માં પ્રીતિ હોય તે શિવજી નું ધ્યાન કરે.

આ સંસારમાં લોકોની રુચિ જુદી જુદી હોય છે.

શિવ મહિમ્ન સ્તોત્ર માં કહ્યું છે કે-

વેદ-સાંખ્ય શાસ્ત્ર-યોગશાસ્ત્ર-પાશુપતશાસ્ત્ર – વગેરે ભિન્ન ભિન્ન શાસ્ત્ર વાળા ઓ –

“આ અમારું શાસ્ત્ર શ્રેષ્ઠ છે-અમારું શાસ્ત્ર સર્વોત્તમ છે” એમ માની ને- પોત પોતાની મનોવૃત્તિ ને અનુસાર –

ભલે એ માર્ગ સરળ હોય  કે કઠિન હોય તેને જ માને છે.,

પરંતુ-સાચી રીતે તો –આ જુદાજુદા શાસ્ત્ર માં માનનારા –બધાં ઓ નું એક જ પ્રાપ્તિ સ્થાન છે.(ઈશ્વર)

જેવી રીતે સરળ અને વાંકીચુકી વહેનારી બધી નદીઓ એક જ સમુદ્ર  માં મળે છે.

દરેક ની રુચિઓ ભિન્ન-ભિન્ન હોય છે. તેથી પરમાત્મા –શિવ,ગણેશ,રામચંદ્ર વગેરે (દેવો) ના સ્વરૂપો ધારણ કરે છે.

સત્ય અવિનાશી છે,અબાધિત છે,સત્ય નો કોઈ દિવસ વિનાશ થતો નથી. સત્યના સ્વરૂપ માં  કોઈ પરિવર્તન થતું

નથી. સુખ-દુઃખ,લાભ-હાનિ માં પરમેશ્વરનું સ્વરૂપ બદલાતું નથી. (સત્ય એક જ છે)

ગીતાજી માં ભગવાન બોલ્યા છે-કે-

દુઃખની પ્રાપ્તિ માં જેનું મન ઉદ્વેગ રહિત (ચિંતા વગરનું) રહે છે અને સુખમાં જે ને સ્પૃહા (ઈચ્છા) નથી તે સ્થિતપ્રજ્ઞ.

શ્રી કૃષ્ણ જેવું બોલ્યા છે-તેવું આચરી બતાવ્યું છે.

શ્રીકૃષ્ણ ની સોળ હજાર રાણીઓ સેવા કરે, સોનાની દ્વારિકા માં રહે-ત્યારે પણ આનંદ છે અને સર્વ નો વિનાશ

થાય છે-ત્યારે પણ એ જ આનંદ છે. યાદવો નો વિનાશ થાય છે,સોનાની દ્વારિકા ડૂબી છે, પણ પ્રભુની શાંતિનો

ભંગ થતો નથી. ઉત્પત્તિ,સ્થિતિ અને વિનાશ-એ ત્રણે અવસ્થામાં પ્રભુનું સ્વરૂપ એક જ રહે છે.

શ્રી કૃષ્ણ –ઉદ્ધવ ને કહે છે કે-આ બધું ખોટું છે-હું જ એક સાચો(સત્ય) છુ.

જે દેખાય છે તે ક્ષણે ક્ષણે બદલાય છે. જે દેખાય છે તે સાચું નથી. જે કાયમ રહે છે તે સાચું છે.

આ જગત અસત્ય છે. આ જગત જેના આધારે છે તે પરમાત્મા સત્ય છે. સત્ય વસ્તુ માં પરિવર્તન થતું નથી.

ભૂત, ભવિષ્ય અને વર્તમાન માં જે એક જ સ્વરૂપે રહે છે,તે સત્ય.

તેથી જ વ્યાસજી એ –કોઈ દેવ નું નહિ પરંતુ સત્ય નું ધ્યાન કરીએ છીએ-એમ કહ્યું છે.

માટે સત્ય સાથે સ્નેહ કરો. સુખી થવું હોય તો સત્ય-સ્વરૂપ પરમાત્મા સાથે સ્નેહ કરો.

જગત અસત્ય છે..જગત ના પદાર્થો દુઃખરૂપ છે.(ક્ષણે ક્ષણે બદલાય છે-માટે)

વ્યવહાર દ્રષ્ટિ થી- જગત સત્ય –જેવું- ભાસે છે, પણ પરમાર્થ દ્રષ્ટિ થી-તત્વ-દ્રષ્ટિ થી વિચાર કરતાં-જગત સત્ય નથી. તેથી જ્ઞાની પુરુષો જગતનું ચિંતન કરતાં નથી. જગત અનિત્ય (ક્ષણે ક્ષણે બદલાતું) છે,તેમ વારંવાર ચિંતન કરે છે. જેને પરમાત્મા નું અપરોક્ષ જ્ઞાન થાય છે,તેને જગતનું ભાન રહેતું જ નથી.

સ્વપ્ન કાળ માં સ્વપ્ન પણ સાચું લાગે છે,સ્વપન માંથી જગ્યા પછી સ્વપ્ન જેમ મિથ્યા લાગે છે, તેમ –

ભગવાન ના સાક્ષાત્કાર થી જગત મિથ્યા લાગે છે.

મનુષ્ય સદા એક સ્વરૂપ માં રહેતો નથી-પણ ઈશ્વર એક સ્વરૂપ માં રહે છે.

એમને કામ-ક્રોધ-લોભ-મોહ વગેરે ની અસર થતી નથી. એ પોતે આનંદ રૂપ છે.

ઈશ્વર વિના જે ભાસે છે –તે-માયા છે. માયા અસત્ય છે-ભાસ માત્ર છે. પરમાત્મા સત્ય-સ્વરૂપ—આનંદ સ્વરૂપ છે.

રૂપિયો ખોટો હોય તો –તેના પર મોહ થતો નથી—તેમ આ ખોટાં,અસત્ય જગત નો  મોહ શા માટે ?

ખોટો રૂપિયો ખિસ્સા માંથી પડી જાય તો હસવાનું કે રડવાનું ?

જગત ના દરેક પદાર્થો –સંયોગ-વિયોગ થી ભરેલા છે. સ્ત્રી પુરુષ ના મિલન માં સુખ હશે-પણ વિયોગ માં –હજારગણું

દુઃખ છે. બે દીવાલો કઈ સાથે નથી પડતી!!! વિયોગ અવશ્ય છે.-એમ સમજી જગતના જીવો ઉપર પ્રેમ ના કરો.

પરમાત્મા અવિનાશી છે,માટે તેમના જ ઉપર પ્રેમ કરો. 


---------------------------------------------------------------------------------------------
સ્કંધ પહેલો-૪  (ચાલુ)

પરમ પૂજ્ય શ્રી ડોંગરેજી મહારાજની ભાગવત કથા પર આધારિત  "ભાગવત રહસ્ય

ભાગવત રહસ્ય-૩૩

સ્કંધ પહેલો-૪  (ચાલુ)

અંધારા માં પડેલું દોરડું-સર્પ  રૂપે ભાસે છે. પરંતુ પ્રકાશ પડતા –તેના યથાર્થ સ્વરૂપ નું જ્ઞાન થાય છે.

એ ---રજ્જુ-સર્પ ન્યાયે-

આ સંસાર અસત્ય હોવાં છતાં –માનવી ને અજ્ઞાનને કારણે (અજ્ઞાન ના અંધારાના કારણે)-

---તે સત્ય હોય તેમ ભાસે છે.

જગતનો ભાસ ઈશ્વરના અજ્ઞાન માંથી થાય છે. ઈશ્વરનું જ્ઞાન નથી એટલે તેમણે જગત સત્ય –જેવું- લાગે છે.

આ દ્રશ્ય જગત –ભ્રમ રૂપ છે.-ખોટું છે-તેમ છતાં –સત્યરૂપ પરમેશ્વરના આધારે તે ટકેલું હોવાથી –સત્ય-જેવું

ભાસે છે. જગતનું અધિષ્ઠાન (આધાર)-ઈશ્વર –સત્ય હોવાથી –જગત અસત્ય હોવાં છતાં સત્ય લાગે છે.

રાજાએ ખોટાં મોતી નો હાર પહેર્યો હોય તો પણ એની પ્રતિષ્ઠા ને કારણે-લોકો માનશે કે-રાજા એ સાચા મોતી નો

હાર પહેર્યો છે. રાજા ના સંબંધ થી ખોટાં મોતી પણ જગત ને સાચાં લાગે છે.

ગરીબ માણસે –સાચાં મોતી નો હાર પહેર્યો હોય –તો પણ તેની ગરીબી ને કારણે-લોકો માનશે કે -તેણે –ખોટાં મોતી

નો (કલ્ચર્ડ) હાર પહેર્યો છે.

બસ આવી જ રીતે-

જગત -એ કલ્ચર્ડ મોતીની કંઠી છે.તેણે પરમાત્મા એ પોતાના ગળામાં રાખી છે.(તેથી સાચી લાગે છે)

જગત માં રહેજો –પણ જગતને ખોટું માંનીને રહેજો. જે દેખાય છે તેનો નાશ થવાનો છે.

પહેલા શ્લોક માં –મંગલાચરણ માં ધ્યાન કરવાની આજ્ઞા કરી.

હવે ભાગવત ના પહેલાં સ્કંધ ના પહેલા અધ્યાય નો બીજો  શ્લોક  એ ભાગવતની પ્રસ્તાવના રૂપ છે.

ભાગવત નો મુખ્ય વિષય કયો ?ભાગવતનો અધિકારી કોણ ? વગેરે નું આમાં વર્ણન છે.

જે ધર્મ માં બિલકુલ કપટ નથી- એ નિષ્કપટ ધર્મ. અને આ નિષ્કપટ –ધર્મ એ ભાગવત નો મુખ્ય વિષય છે.

કોઈ પણ લૌકિક ફળ મેળવવાની –ઈચ્છા- એ ધર્મ માં કપટ છે.

મનુષ્ય જે સત્કર્મ કરે એનું ફળ પોતાને મળે –એમ ઈચ્છે- એ ધર્મ માં કપટ છે.

ધર્મ માં કપટ આવશે તો  ભક્તિ એ ભોગ થઇ જશે..

સકામ કર્મ માં સફળતા મળે તો વાસના વધે છે.-અને નિષ્ફળતા મળે તો –મનુષ્ય નાસ્તિક બને છે.

નિષ્કામ કર્મ માં દોષ(ભૂલ થાય તે) ક્ષમ્ય છે. પણ સકામ કર્મ માં દોષ ક્ષમ્ય નથી.

નારદજી એ વાલ્મીકી ને –રામ ના નામ નો જપ કરવાનું કહ્યું,પણ વાલ્મીકી –ભૂલથી –રામ રામ ને બદલે

મરા-મરા જપવા લાગ્યા. આમ છતાં પણ આ મંત્ર નું ફળ તેઓને મળ્યું.

અતિ પાપીના મુખમાં થી ભગવાન નું નામ જલ્દી નીકળતું નથી. ભગવાન અંદર આવે તો પાપ ને બહાર નીકળવું પડે., એટલે- પાપ- ભગવાન નું નામ લેવા દેતું નથી.

સેવા નું ફળ સેવા છે-મેવા નહિ. મુક્તિ ની પણ આશા કરશો નહિ.

ભાગવત નો મુખ્ય વિષય છે-નિષ્કામ ભક્તિ.  ભોગ ભોગવવાની ઈચ્છા છે ત્યાં ભક્તિ રહેતી નથી.

ભક્તિ નું ફળ ભોગ નથી-પૈસો નથી-પ્રતિષ્ઠા નથી-પણ ભક્તિ નું ફળ ભગવાન છે.

ભોગ માટે ભક્તિ કરે તેને  ભગવાન વહાલા નથી.-તેને સંસાર વહાલો છે.

લૌકિક સુખ માટે -ભગવાન ને પ્રાર્થના-ભક્તિ ના કરો. લૌકિક સુખ માટે જે ભક્તિ કરે છે,તે ભગવાન ના

સ્વરૂપ ને જાણતો નથી.

કેટલાક લોકો કહે છે કે-હે ભગવાન મારું આટલું કામ કરી આપજો.

ભગવાન ત્યારે કહેશે કે-તું મારો નોકર કે હું તારો નોકર ?

મારું કામ કરવા ઠાકોરજી આવે –એવો વિચાર કરે તે વૈષ્ણવ કહેવાય ? ના.. નહી ... જ

પણ ...સાચો વૈષ્ણવ તો વિચારે છે –મારું કામ ભગવાન કરે –એમ ભગવાન ને કેમ કહેવાય ?.

હું તો ભગવાન નો દાસ છું, કામ માટે રામ નથી,રામ માટે જ રામ છે.

સાચાં ભક્તો-ભગવાન પાસે કઈ માંગતા નથી.પણ પોતાનું સર્વસ્વ અર્પણ કરે છે.

ભગવાન પાસે કેટલાક પુત્ર માગે છે,કેટલાક પૈસા માગે છે.

પ્રભુ પાસે કોઈ માગે તો પ્રભુને ખોટું લાગે છે. ભગવાન વિચારે છે-મારું કામ કરવા કોઈ મંદિરમાં આવતા નથી –

પણ-પોતાનું કામ મારી મારફત કરાવડાવવા આવે છે.

સાચો વૈષ્ણવ તો કહે છે-મારી આંખ -મારી બુદ્ધિ-મારું મન-મારું સમગ્ર આપને  અર્પણ કરવા આવ્યો છુ.

વૈષ્ણવો પ્રભુ પાસે મુક્તિ પણ માંગતા નથી. મને દર્શન આપો એમ પણ કહેતા નથી.

વૈષ્ણવ કહે છે-હું તો એટલું જ માગું છુ-કે–તમારી સેવા કરતાં હું તન્મય બનું.

માગવાથી પ્રેમ નો ભંગ થાય છે. પ્રેમ ઓછો થાય છે. પ્રભુ થી અજાણ્યું કશું નથી.

વૈષ્ણવ માને છે-બહુ  ધન મળશે તો અભિમાની થઈશ. હું ભાન ભૂલીશ. એટલે પ્રભુ એ કૃપા કરી ને ઓછું આપ્યું છે.

બાળક ને કેટલું આપવું અને શું આપવું- તે મા નક્કી કરે છે. તેમ ઠાકોરજીએ આપણને જેટલું આપ્યું છે –તેમાં

વિવેક થી આનંદ માનવો. ભગવાન લક્ષ્મી-પતિ છે.પણ મનુષ્ય નું કલ્યાણ થાય –એટલે સંસારનું સુખ –તેને-

વિશેષ આપતા નથી. ભગવાન પાસે માંગશો નહિ પણ ભગવાન ને એમનું કામ કરી-ઋણી બનાવજો.

રામચંદ્રજી નો રાજ્યાભિષેક થયા પછી-તેઓ દરેક વાનરો ને ભેટ-સોગાદ આપે છે. પરંતુ હનુમાનજી ને કાંઇ આપતા

નથી. માતાજી કહે છે-કે-આ હનુમાન ને પણ કાંઇ આપોને.......

રામજી કહે છે-કે-હનુમાન ને હું શું આપું ? હનુમાન ના ઉપકારનો બદલો મારાથી વાળી શકાય તેમ નથી.

હનુમાને મને તેમનો ઋણી બનાવ્યો છે.

ભગવાને હનુમાન જી ને કહ્યું-

પ્રતિ ઉપકાર કરું કા તોરા,સન્મુખ હો ન શકત મુખ મોરા.
(જગતના માલિક –ઉપકારના ભાર તળે ભક્ત ના સન્મુખ થઇ શકતા નથી!!!)


-------------------------------------------------------------------------------------------------------
સ્કંધ પહેલો-૫  (ચાલુ)


ભાગવત રહસ્ય-૩૪

સ્કંધ પહેલો-૫  (ચાલુ)

પ્રેમ માં કંઈ લેવા ની ઈચ્છા થતી નથી. પ્રેમ માં સર્વ-સમર્પણ ની ભાવના થાય છે. આપવાની- ભાવના થાય છે.

મોહ –ભોગ –માગે છે.જયારે પ્રેમ-ભોગ- આપે છે. પ્રેમ માં માગણી ના હોય. પ્રેમ માં માગણી આવી એટલે

સાચો પ્રેમ ગયો-સમજવો. ભક્તિ માં -માંગો એટલે માગેલી વસ્તુ મળશે ખરી-પણ ભગવાન જશે.

સકામી (ફળની ઈચ્છાથી કર્મ કરવા વાળા) ભક્તો-જે જે દેવતાઓની પૂજા કરે છે-તે તે દેવતાઓ દ્વારા-

હું તેમણે ઈચ્છિત ભોગો આપું છુ.

પરંતુ મારી નિષ્કામ (ફળની ઈચ્છા વગરનું –ફક્ત પ્રભુ માટેનું કર્મ) ભક્તિ કરનારા ભક્તો મને પ્રાપ્ત કરે છે.

ભગવાન પાસે પૈસા માંગશો તો ભગવાન પૈસા આપશે-પરંતુ-પછી- ભગવાન મળશે નહિ

તમે ભગવાન પાસે જેટલું માંગશો –તો-જેટલું માંગશો તેટલું જ આપશે.

પણ -જે પ્રભુ પાસે માગતો નથી તેણે ભગવાન બધું આપે છે.

પ્રભુ પાસે માંગશો તો પ્રેમ ઓછો થશે.

વ્યવહાર માં પણ –એક મિત્ર બીજા મિત્ર પાસે ન માગે ત્યાં સુધી જ બે મિત્રો વચ્ચે  પ્રેમ રહે છે.

ગોપીઓ –આંખ શ્રીકૃષ્ણ ને આપે છે-મન શ્રીકૃષ્ણ ને આપે છે.

મારું સર્વસ્વ શ્રીકૃષ્ણ ને આપવું છે. મારે મારા પ્રભુ પાસે કાંઇ માગવું નથી.

ઘણા દર વર્ષે ડાકોર જાય છે.રણછોડરાયજીને  ને પ્રાર્થના કરે છે.-મહારાજ છ વર્ષથી આપના  દર્શને આવું છું.

હજુ મારે ત્યાં બાબો આવ્યો નથી-

ભગવાન કહે છે કે-જા,તને બાબો આપ્યો-પણ આજથી તારો અને મારો સંબંધ તૂટ્યો. તે મારી સેવા કરી તેના

બદલામાં મેં તને –સંતતિ આપી-સંપતિ આપી, હવે તારો અને મારો સંબંધ પુરો થયો.

તમારી ભક્તિ થી ભગવાન તમારે ત્યાં પધારે તો –બધું આવશે.

પણ જો દુનિયામાં એમ ને એમ  -બધું મળે –ને - ભગવાન ના આવે તો –એ બધું-ધૂળ સમાન છે.

ઠાકોરજી એ ઓછું આપ્યું હોય તો માનવું- મારા ઠાકોરજી પરિપૂર્ણ છે,પણ મારી લાયકાત નથી.-એટલે ઓછું

આપ્યું છે. દીકરો –જો લાયક ના હોય તો –પિતા પણ પુત્ર ને પૈસા આપતા નથી.

તમે લાયક થશો એટલે –બધું મળશે-મુક્તિ પણ મળશે.

નિષ્કામ ભક્તિ ઉત્તમ છે. વૈષ્ણવો મુક્તિની પણ અપેક્ષા રાખતા નથી. હરિ ના જન તો મુક્તિ ના માગે.

પરમાત્મા ની સેવા-સ્મરણ માં જે દેહભાન ભૂલે છે તેને તો મુક્તિ પણ ગમતી નથી.

અરે.-પ્રભુના નામ માં જેને પ્રીતિ થઇ છે, સેવા સ્મરણ માં જેને  તન્મયતા થઇ છે. એ જ્યાં બેઠો છે,-ત્યાં જ મુક્તિ છે.

નિષ્કામ ભક્તિ માં –મુક્તિ કરતાં પણ દિવ્ય આનંદ છે. ભક્તિ નો આનંદ જેને મળે તેને –મુક્તિ નો આનંદ તુચ્છ

લાગે છે.

વેદાંતીઓ માને છે-કે –આ આત્મા  ને બંધન જ નથી તો મુક્તિ ક્યાંથી ?

વૈષ્ણવો માને છે કે-મુક્તિ એ તો મારા ભગવાનની દાસી છે.

ભક્તિ ની પાછળ પાછળ મુક્તિ ચાલે છે.

ભગવાન મારું કામ કરે –તેવી-અપેક્ષા ના રાખો.

રામકૃષ્ણ પરમહંસ ને કેન્સર થયેલું. શિષ્યો કહે–માતાજી ને કહોને-કે- તમારો રોગ સારો કરે.

રામકૃષ્ણે  કહ્યું- મારી માતા ને હું મારા માટે તકલીફ આપીશ નહિ.

ભક્તિ નો અર્થ એવો નથી કે પોતાના સુખ માટે ઠાકોરજી ને ત્રાસ આપે.-પરિશ્રમ આપે.

----------------------------------------------------------------------------------------------------
સ્કંધ પહેલો-૬   (ચાલુ)


ભાગવત રહસ્ય-૩૫

સ્કંધ પહેલો-૬   (ચાલુ)

માગવાથી મૈત્રી નું ગૌરવ ટકતું નથી. સાચી મૈત્રી સમજનાર માગતો નથી.

સુદામાની –ભગવાન સાથેની મૈત્રી જુઓ.

સુદામા ની સ્થિતિ ગરીબ હતી.પણ સુદામા જ્ઞાની હતા. છ શાસ્ત્ર અને ચાર વેદ નું તેમને જ્ઞાન હતું.

પરંતુ તેમને નિશ્ચય કરેલો કે ધન ના માટે મારે જ્ઞાન નો ઉપયોગ  કરવો નથી.

જ્ઞાન નું ફળ પૈસો નથી. જ્ઞાન નો ઉપયોગ મારે પરમાત્માના ધ્યાન માં કરવો છે.

સુદામા દેવ ઘરમાં જ કથા કરતાં. પતિ વક્તા અને પત્ની શ્રોતા.(કમસે કમ રવિવારના દિવસે તો આવું

અત્યારના જમાના માં -આપણા ઘર માં કરી શકાય?)

મિત્રો માટે લાલો માખણચોર બન્યો છે. ચોરી કરી પણ લાલાએ માખણ ખાધું નથી. મિત્રો ભગવાન ને વહાલા છે.

જે જીવ પરમાત્મા સાથે મૈત્રી કરે તે પ્રભુને વહાલા લાગે છે.

સુશીલા (પત્ની) એ સુદામાદેવ  ને કહ્યું-તમે દ્વારકાનાથને મળવા જાઓ.

સુદામા એ કહ્યું-હું દરિદ્રનારાયણ અને તે લક્ષ્મીનારાયણ—હું ત્યાં જઈશ તો લોકો માનશે કે આ માગવા આવ્યો છે.

સુશીલા એ કહ્યું-હું માગવા જવાનું કહેતી નથી. એ તમને જોતા જ સમજી જશે. પ્રભુની હજાર આંખો છે.

ફૂલના બગીચા મા બેસો-એટલે –માંગ્યા વગર સુવાસ આવે છે.

સુદામા ભગવાન ને મળવા આવ્યા છે. દ્વારકાનાથ નો વૈભવ તેમણે જોયો. પણ સુદામાજી એ જીભ બગાડી નથી.

સુદામાને લાગ્યું અને જોયું કે-મને જોતા જ મારા કૃષ્ણ ની આંખ માંથી આંસુ નીકળેલાં. જો તેમને મારા દુઃખ ની  કથા કહીશ તો મારા પ્રભુને વધારે દુઃખ થશે. મારાં દુઃખ તે મારાં કર્મ નું ફળ છે.

એટલે જ સુદામાએ ભગવાન ને કશું કહ્યું નથી—(તો –પછી  માગવાનો તો સવાલ જ નથી.)

શ્રીકૃષ્ણે પૂછ્યું કે -મિત્ર તારો સંસાર કેમ ચાલે છે ?

સુદામા એ કહ્યું કે-મારો સંસાર સુખમય છે..

સુદામા ને એક જ –ઈચ્છા-હતી કે –મારાં ભગવાન ,મારાં પૌવા આરોગે –તેની મારે ઝાંખી કરવી છે.

સુદામા માગવા આવ્યા નથી-પોતાનું સર્વસ્વ અર્પણ કરવા આવ્યા છે.

ઈશ્વર પહેલા તમારું સર્વસ્વ લેશે તે પછી પોતાનું સર્વસ્વ આપશે.

જીવ નિષ્કામ બને છે-ત્યારે ભગવાન તેની પૂજા કરે છે. ભક્તિ  નિષ્કામ હોય તો –ભગવાન- પોતાના –સ્વરૂપ- નું

દાન ભક્ત ને કરે છે. જે કઈ પણ માગતો નથી તેણે પ્રભુ –આત્મસ્વરૂપનું દાન કરે છે.

જીવ જયારે જીવ-પણું છોડી-ઈશ્વરના દ્વારે જાય છે,ત્યારે ઈશ્વર પણ ભગવાન-પણું ભૂલે છે.

સુદામા -દસ દિવસના ભૂખ્યા હતા (ઘરમાં છોકરાંઓ પણ ભૂખ્યા હતા)—તો પણ સુદામા એ પોતાનું સર્વસ્વ

(મુઠી પૌવા) ભગવાન ને આપી દીધું. સુદામા ના પૌવા –ભલે મુઠી જેટલા હશે-પણ તે તેમનું સર્વસ્વ  હતું.

પૌવા ની કિંમત નહોતી. સુદામા ના પ્રેમ ની કિંમત હતી. (કે માલિક ને હું શું આપું?)

સુદામા જેવો કોઈ લાયક થયો નથી અને કૃષ્ણ જેવો કોઈ દાની થયો નથી.

ભગવાને પણ સુદામા ને પોતાના જેટલું જ ઐશ્વર્ય આપ્યું છે.

ભગવાન તો પરિપૂર્ણ છે. પરિપૂર્ણ આપે તો પણ પરિપૂર્ણ રહે છે.(પૂર્ણસ્ય પૂર્ણ માદાય પૂર્ણ મેવા વ શિષ્યતે).

મારાં સુખ માટે મારા –ઠાકોરજી ને દુઃખ થાય-તો મારી ભક્તિ વૃથા છે-એમ સમજજો.

ભગવાન પાસે કાંઇ માંગશો નહિ-તેથી ભગવાન ઋણી બને છે. ગોપી ઓ એ શ્રીકૃષ્ણ પાસે કાંઇ માગ્યું નથી.

ગોપી ઓ ને કોઈ લૌકિક સુખ ની અપેક્ષા નહોતી. ગોપી ઓ ની ભક્તિ નિષ્કામ હતી- એટલે ભગવાન ગોપીઓ ના  ઋણ મા રહ્યા છે. નિષ્કામ ભક્તિ થી ભગવાન ઋણી બને છે.

ગોપી ગીત મા પણ ગોપીઓ ભગવાન ને કહે છે-કે –અમે તમારી નિષ્કામ ભાવે સેવા કરતી દાસીઓ છીએ.

કુરુક્ષેત્ર મા શ્રીકૃષ્ણ તેમજ ગોપી ઓ મળે છે,ત્યારે પણ ગોપી ઓ એ કશું માગ્યું નથી .

ફક્ત એટલું જ ઈચ્છે છે કે-

સંસાર રૂપી કુવામાં પડેલાઓને –તેમાંથી બહાર નીકળવાના –અવલંબન રૂપ-આપણું ચરણ કમળ-

અમે ઘરમાં રહીએ તો પણ અમારા મનમા સદાકાળ પ્રગટ રહે-અમારી બીજી કોઈ ઈચ્છા નથી.

ગોપીઓ નો પ્રેમ શુદ્ધ છે. ગોપીઓ જયારે –લાલા નું સ્મરણ કરે ત્યારે –તેણે પ્રગટ થવું પડે છે.

ગોપી ઓની નિષ્કામ ભક્તિ એવી છે કે –લાલા ને ખેંચી લાવે છે.

જ્યાં ભક્ત છે ત્યાં ભગવાન છે. ભક્ત ભગવાન વગર રહી શકે નહિ-અને ભગવાન ભક્ત વગર રહી શકે નહિ.

(ભક્ત અને ભગવાન એક જ છે.ગોપી અને કૃષ્ણ એક જ છે.)

તુકારામ તેથી તો કહે છે-કે-ભલે મને ભોજન ના મળે-પણ ચોવીસ કલાક મા એક ક્ષણ પણ –હે વિઠ્ઠલનાથ-

મને તમારાથી અલગ ના કરશો.

સુદામા અને ગોપીઓ નો –આદર્શ અને નિષ્કામ ભક્તિ-આંખ સમક્ષ રાખી-યાદ કરી-તેવી ભક્તિ કરો.

નિષ્કામ –ભક્તિ એ ભાગવત નો મુખ્ય વિષય છે.


-------------------------------------------------------------------------------------------------------------


ભાગવત રહસ્ય-૩૬

સ્કંધ પહેલો-૭  (ચાલુ)

નિષ્કામ ભક્તિ શ્રેષ્ઠ છે, ગોપી ઓનો શ્રીકૃષ્ણ પ્રત્યે નો પ્રેમ-આનું ઉદાહરણ છે.

ગોપીઓને મુક્તિની ઈચ્છા નહોતી. શ્રીકૃષ્ણ નું સુખ એજ અમારું સુખ-એવો -પ્રેમ નો આદર્શ હતો.

શુદ્ધ પ્રેમ મા પ્રિયતમ ના સુખ નો જ વિચાર કરવાનો-પોતાના સુખનો નહિ.

એક ગોપી એ ઉદ્ધવ ને સંદેશો આપ્યો છે કે-

કૃષ્ણ ના વિયોગ માં અમારી દશા કેવી છે, તેનો –ઉદ્ધવજી –આપે અનુભવ કર્યો છે,

મથુરા ગયા પછી,શ્રીકૃષ્ણ ને કહેજો –કે-આપ મથુરા માં આનંદ થી બિરાજતા હો-તો અમારા સુખ માટે-

વ્રજ માં આવવાનો પરિશ્રમ કરશો નહિ-અમારો પ્રેમ- જાત ને સુખી કરવા માટે નહિ પણ-શ્રીકૃષ્ણ ને

સુખી કરવા માટે છે. શ્રી કૃષ્ણ ના વિયોગ માં અમે દુઃખી છીએ-વિલાપ કરીએ છીએ-પરંતુ અમારા

વિરહ માં જો તેઓ મથુરા માં સુખી હોય તો-સુખી રહે.

અમારા સુખ માટે તેઓ અહીં ના આવે-પરંતુ તેઓને પોતાના સુખ માટે આવવું હોય તો ભલે આવે.

શાંડિલ્ય મુનિએ પોતાના ભક્તિ-સૂત્ર માં લખ્યું છે-કે-

બીજાના સુખે સુખી થવું એ પ્રેમ નું લક્ષણ છે(તત્સુખે સુખીત્વમ પ્રેમ લક્ષણમ)

ધન્ય છે-ગોપીઓને-વ્રજ ભક્તો ને!!

ગોકુલ અને મથુરા વચ્ચે કઈ લાંબુ અંતર નથી-તેમ છતાં શ્રીકૃષ્ણ ને મળવા ગયા નથી.

એક ગોપી(સખી) વિચારે છે-હું ત્યાં (મથુરા) મળવા જઈશ.—પણ—હું મળવા જાઉં  અને લાલાને કાંઇક

પરિશ્રમ થાય તો ?તેઓને સંકોચ થાય તો ? ના-મારા લીધે મારા લાલાને પરિશ્રમ ના થવો જોઈએ.

લાલાના દર્શન કરતાં –મને તો આનંદ થશે-પણ મને જોતા કદાચ મારાં લાલાને સંકોચ થાય કે –

આ ગામડાની ગોવાલણો સાથે હું રમતો હતો ? ના-મારે મથુરા જવું નથી.

મારાં પ્રેમ માં જ કોઈ ખામી હશે-એટલે તેઓ મને છોડીને ગયા છે. એ મારો જ દોષ છે.

મારો પ્રેમ સાચો હશે તો –જરૂર તેઓ ગોકુલ આવશે. ત્યાં સુધી હું વિયોગ નું સુખ સહન કરીશ.

લાલાના વિયોગ માં આંસુ પાડવામાં –યે-ઘણું સુખ મળે છે. લાલાના વિયોગ માં તેનું સ્મરણ કરતાં-

તેના મિલન જેટલો જ આનંદ મળે છે.લાલાં  નો વિયોગ હોય તો –બધું હોવાં છતાં દુઃખ છે.

ગોપી ઓ નો પ્રેમ આવો છે. નિષ્કામ પ્રેમ-

લાલા નોં આશ્રય લે –તે નિષ્કામ બને છે.

તેથી જ શ્રીકૃષ્ણ કહે છે કે-મને ગોકુલ માં ગોપીઓ સાથે જે આનંદ મળ્યો તે દ્વારકા માં નથી.

ગોપી ઓ ની આવી ભક્તિ થી પરમાત્મા ગોપી ઓના ઋણ માં રહ્યાં છે.

આ ગોપી-પ્રેમ નો મહિમા-(એક ઉત્કૃષ્ટ ઉદાહરણ) –જોવા જેવો છે.(લાલા પ્રત્યે નો ઉત્કૃષ્ટ ભાવ)

શ્રી કૃષ્ણ –એક વાર બિમાર પડ્યા.(પ્રભુ બિમાર શું પડે? બિમાર પડવાનું નાટક રચ્યું)

નારદજી ત્યાં આવ્યા છે. પૂછે છે કે –બિમારીની દવા શું ?

પ્રભુએ કહ્યું- દવા છે –પણ મળતી નથી. કોઈ પ્રેમી ભક્ત તેના ચરણ ની –રજ(ધૂળ) આપે –તો-જ

મારો રોગ સારો થાય.

નારદજી એ પટરાણી ઓ પાસે અને મહેલ માં બધે –ચરણરજ ની માગણી કરી.

સઘળી રાણીઓ –આંચકો અનુભવે છે-પ્રાણનાથ ને (માલિકને)ચરણ રજ આપીએ-તો મોટું પાપ લાગે –

(માલિક ની ચરણ રજ લેવાય-અપાય નહિ)-નરક માં જવું પડે-નરક માં કોણ જાય ?

કોઈ પણ પદ-રજ આપવા તૈયાર થયા નહિ.

નારદજી થાકીને (પોતે તો હતા પરમ ભક્ત પણ-પોતાની ચરણ રજ પણ આપી નહિ!!) વ્રજ માં આવ્યા.

ગોપી ઓએ વાત સાંભળી-કે-મારો લાલો બિમાર છે-(ગોપીઓ હાંફળી-ફાંફળી થઇ ગઈ છે)

અમારા લાલાજી સારા થતાં  હોય તો – લઇ જાઓ અમારી- ચરણ રજ.

તેના બદલામાં જે દુઃખ ભોગવવાનું આવશે –તે અમે ભોગવીશું.

જો અમારો લાલો સુખી થતો હોય-સાજો થતો હોય તો-અમે નરક ની યાતના ઓ સહન કરવા તૈયાર છીએ !!!!

ગોપીઓ એ ચરણ રજ આપી અને નારદજી તે લઇ દ્વારકા આવ્યા.

શ્રી કૃષ્ણ નો રોગ સારો થયો. પટરાણી ઓ લજવાઈ ગઈ !!! નિષ્કામ પ્રેમ ની પરીક્ષા થઇ !!!

નિષ્કામ ભક્તિ એ ભાગવત નો મુખ્ય વિષય છે.(અને ગોપી ઓ આનું ઉદાહરણ છે)

નિષ્કામ ભક્તિ વિના વૈરાગ્ય અને જ્ઞાન ના મળે.

જ્ઞાન વગર ભક્તિ આંધળી છે-અને ભક્તિ વગરનું જ્ઞાન પાંગળું છે.

ભાગવત નો અધિકાર સર્વ ને આપ્યો છે.છતાં બતાવ્યું છે કે-

શુદ્ધ અંતઃકરણ વાળા માનવો ને જાણવા યોગ્ય –પરમાત્મા નું નિરૂપણ આમાં કરવામાં આવ્યું છે.

નિર્મત્સર (ઈર્ષા વગરના)-શુદ્ધ અંતઃ કરણ વાળા થઇ ને કથા સાંભળવાની –(તો જ પરમાત્મા ને જાણી શકાય).

મત્સર (ઈર્ષા) એ મનુષ્ય નો મોટા માં મોટો શત્રુ છે. મત્સર બધાને પજવે છે. જ્ઞાની અને યોગીને પણ-

જ્ઞાનેશ્વર અને ચાંગદેવ નું ઉદાહરણ જાણીતું છે. 


---------------------------------------------------------------------------------------------------------------




ભાગવત રહસ્ય-૩૭

સ્કંધ પહેલો-૮ (ચાલુ)

ચાંગદેવ પોતે પ્રાપ્ત કરેલ યોગ સિધ્ધી ના બળે ૧૪૦૦ વર્ષ જીવ્યા હતા. મ્રત્યુ ને ચૌદ વખત તેઓએ પાછું

ઠેલ્યું હતું. તેઓ સિધ્ધિઓ માં ફસાયેલા હતા. તેમને પ્રતિષ્ઠા નો મોહ હતો.

તેઓએ જ્ઞાનેશ્વર ની કીર્તિ સાંભળી. ચાંગદેવ જ્ઞાનેશ્વર –માટે મત્સર(ઈર્ષા) કરવા લાગ્યા.કે-

આ બાળક શું મારાં કરતાં પણ વધ્યો ? જ્ઞાનેશ્વર ની ઉંમર સોળ વર્ષ ની-તે વખતે - હતી.

ચાંગદેવ ને જ્ઞાનેશ્વર ને પત્ર લખવાની ઈચ્છા થઇ.-પણ પત્ર માં સંબોધન શું લખવું  ?

જ્ઞાનેશ્વર પોતાની ઉંમર માં પોતાના થી નાના-માત્ર સોળ વર્ષના –હતા-એટલે –પૂજ્ય તો કેમ લખાય ?

વળી આવા મહાજ્ઞાની ને ચિરંજીવી પણ કેમ લખાય ? આવી ભાંજગડ મા જ –તે પત્ર ની શરૂઆત પણ ના

કરી શક્યા. તેથી તેમને કોરો પત્ર જ્ઞાનેશ્વર ને મોકલ્યો.

મુકતાબાઈ એ (જ્ઞાનેશ્વર ના બહેન) પત્ર નો જવાબ લખ્યો. તમારી ૧૪૦૦ વર્ષની ઉમર થઇ.-પરંતુ ૧૪૦૦

વર્ષે પણ તમે કોરા ને કોરા જ રહ્યાં.

ચાંગદેવ ને હવે થયું. જ્ઞાનેશ્વર ને હવે મળવું તો પડશે જ. પોતાની સિધ્ધિઓ બતાવવા તેમને વાઘ ઉપર

સવારી કરી અને સર્પ ની લગામ બનાવી. અને જ્ઞાનેશ્વર ને મળવા ઉપડ્યા.

જ્ઞાનેશ્વર ને કોઈ એ કહ્યું કે-ચાંગદેવ વાઘ પર સવારી કરીને તમને મળવા આવે છે. જ્ઞાનેશ્વર ને થયું-

આ ડોસા ને સિદ્ધિઓનું અભિમાન છે.

તેમને બોધપાઠ આપવા જ્ઞાનેશ્વરે વિચાર્યું.

સંત મળવા આવે એટલે તેમનું સ્વાગત કરવા સામે તો જવું જોઈએ ને ?

તે વખતે જ્ઞાનદેવ ઓટલા ઉપર બેઠા હતા. તેમણે ઓટલાને ચાલવા કહ્યું. પથ્થર નો ઓટલો ચાલવા મંડ્યો.

ઓટલા ને સામેથી ચાલતો આવતો જોઈ-ચાંગદેવ નું અભિમાન પીગળી ગયું.

ચાંગદેવ ને થયું -મેં તો હિંસક પશુઓને વશ કર્યા છે,ત્યારે આ જ્ઞાનેશ્વર માં તો એવી શક્તિ છે, કે તે –

જડ ને પણ ચેતન  બનાવી શકે છે. તેઓ બંને નો મેળાપ થયો. ચાંગદેવ-જ્ઞાનેશ્વર ના શિષ્ય બન્યા.

આ દ્રષ્ટાંત વિશેષ મા બતાવે છે-કે- હઠયોગ થી મન ને વશ કરવા કરતાં-પ્રેમ થી મન ને વશ કરવું ઉત્તમ છે.

ચાંગદેવ હઠયોગી હતા,હઠ થી-બળાત્કાર થી તેમણે મનને વશ કરેલું.(અહીં હઠ યોગ ની નિંદા નથી)

યોગ મન ને એકાગ્ર કરી શકે છે, પણ મન ને-હૃદય ને વિશાળ કરી શકતું નથી-એટલે જ ચાંગદેવ –જ્ઞાનેશ્વર ની

ઈર્ષા કરતાં હતા.

હૃદય ને વિશાળ કરે છે ભક્તિ. ભક્તિ થી હૃદય પીગળે છે.-વિશાળ થાય છે.

મત્સર કરનાર નો આ લોક અને પરલોક બંને બગડે છે. મનમાં મત્સર ને રાખશો નહિ.

મન મા રહેલા મત્સર ને કાઢશો તો મન મોહન નું સ્વરૂપ મન મા ઠસી જશે.

જાણવું એ બહુ કઠણ નથી. જીવન મા ઉતારવું એ કઠણ છે.

કથા કરનાર ઘણા છે-કથા સાંભળનારા પણ ઘણા છે. પરંતુ કથા સાંભળી જીવન મા ઉતારનારા ઓછા છે.

કથા સાંભળો અને કથા ના સિદ્ધાંતો જીવન મા ઉતારો. જ્ઞાન જયારે ક્રિયાત્મક-બને છે-ત્યારે લાભ થાય છે.

કથા સાંભળ્યા પછી –પાપ ના છૂટે-કનૈયો(લાલો) વહાલો ના લાગે- તો આ કથા સાંભળી શું કામ ની ?

કોઈ જીવ પ્રત્યે કુભાવ રાખો-તો-તે ઈશ્વર પ્રત્યે કુભાવ રાખવા જેવું છે.

જેવી ભાવના તમે બીજા માટે રાખશો –તેવી ભાવના તે તમારા માટે રાખશે.

બીજા સાથે વેર રાખનારો-પોતા સાથે વેર કરે છે. કારણ સર્વ ના હૃદયમાં ભગવાન રહેલા છે.

---------------------------------------------------------------------------------------------------------


ભાગવત રહસ્ય-૩૮

સ્કંધ પહેલો-૯ (ચાલુ)

ઋષિ મુનિઓએ એક વખત ભગવાન ને પૂછ્યું-કે-

અમને કોઈ સાત્વિક જગ્યા બતાવો. જે ભૂમિ અમને ભજન મા સાથ આપે.

પરમાત્મા એ ઋષિ મુનિ ઓ ને એક ચક્ર આપ્યું. અને કહ્યું-આ ચક્ર જ્યાં સ્થિર થાય-ત્યાં તપ કરજો.

ઋષિ મુનિઓ ચક્ર લઇ ચાલ્યા છે. ફરતાં-ફરતાં  નૈમિષારણ્યની ભૂમિ પર આવ્યા છે. ત્યાં ચક્ર સ્થિર થયું.

સુધી મુનિઓ એ આ ભૂમિ પર તપ કર્યું છે.

(પરમાત્મા એ આપણ ને મન-રૂપી ચક્ર આપ્યું છે-જે સતત ગતિશીલ રહેતું હોય છે--કોઈ સાત્વિક ભૂમિ ઉપર જલ્દી સ્થિર થાય છે. અને જો મન રૂપી- ચક્ર -સ્થિર થાય- તો જ- તપ –સાધન થઇ શકે)

આ નૈમિષારણ એ સાત્વિક ભૂમિ છે. તેમાં અઠ્યાસી હજાર ઋષિ ઓ નું બ્રહ્મ-સત્ર થયું છે.

ભાગવતની કથા એ યજ્ઞ નથી પણ સત્ર છે.

યજ્ઞ અને સત્ર વચ્ચે ઘણો તફાવત છે.

યજ્ઞ માં-યજ્ઞ કરનારો જ યજમાન છે. જયારે સત્ર માં દરેક શ્રોતા –એ યજમાન છે.

યજ્ઞ માં માત્ર એક વ્યક્તિ ને યજ્ઞ નું પૂર્ણ ફળ મળે છે. બીજાને યજ્ઞ નું પૂર્ણ ફળ મળતું નથી.

યજ્ઞ માં ફળ ની વિષમતા છે. જયારે સત્ર માં –કથા માં –દરેક ને સરખું ફળ મળે છે.

ફળ માં સામ્ય-એનું નામ સત્ર- અને ફળ માં વિષમતા તેનું નામ -યજ્ઞ.

કથામાં હજારો રૂપિયા ખર્ચનાર –અને જે ગરીબ થી કઈ થઇ શકે નહિ-તે-

વંદન કરે તો તેવા ફક્ત વંદન કરનારને-એમ બંને ને સરખું ફળ મળે છે.

તે બ્રહ્મ-સત્ર  માં એકવાર –સૂતજી –પધાર્યા છે.

શૌનક્જીએ –સૂતજી ને પ્રશ્ન કર્યો છે કે-

જીવ માત્ર નું કલ્યાણ શાથી થાય તે કહો. કલ્યાણ નું સાચું સ્વરૂપ બતાવો.

કેટલાક માને છે –કે અમે બંગલામાં રહીએ છીએ –એટલે કલ્યાણ થઇ ગયું.

કેટલાક માને છે-કે અમે મોટર માં ફરીએ છીએ-એટલે કલ્યાણ થઇ ગયું.

પણ રસ્તામાં મોટર માં પંક્ચર પડે ત્યારે ખબર પડે –કે- કેટલું કલ્યાણ થયું છે.

“મનુષ્ય માત્ર નો કલ્યાણ થાય તેવો ઉપાય બતાવો. કળિયુગ માં બુદ્ધિ નો-શક્તિનો-નાશ થયો છે. તેથી

રોગો બહુ વધ્યા છે. આ યંત્ર યુગ માં લોકો ને કામ કરવાની ઈચ્છા થતી નથી. આરામ કરવાથી તન-મન

બગડે છે. કલિયુગના શક્તિ હીન માણસો પણ જે સાધન કરી શકે તે સાધન બતાવો.

આ કલિયુગના મનુષ્યો મંદ બુદ્ધિવાળા અને મંદ શક્તિવાળા છે. તેથી સાધન કઠણ હશે તો તે કરશે નહિ.

કોઈ સરળ સાધન બતાવો. સાધન સરળ હશે તો તે કરી શકશે.”

કળિયુગ ના માણસો –ભોગી- છે એટલે તેમને –મંદ બુદ્ધિ-શક્તિ વાળા કહ્યા છે. કળિયુગ ના માણસો એટલા ભોગી

છે કે-એક આસને બેસી –આઠ કલાક ધ્યાન કરી શકશે નહિ.(આઠ મિનીટ કરે તો ય ઘણું!!),

જેનું શરીર સ્થિર નથી-જેની આંખ સ્થિર નથી-તેનું મન સ્થિર થઇ શકતું નથી.

કળિયુગ ના માનવી પોતાને ચતુર-બુદ્ધિ વાળો  સમજે છે-

પણ વ્યાસજી ના પાડે છે.

સંસાર ના વિષયો પાછળ પડે તે ચતુર શાનો ?

વ્યવહારના કાર્ય માં મનુષ્ય જેવો સાવધાન રહે છે-તેવો પરમાત્મા ના કાર્ય માં સાવધાન રહેતો નથી.

પૈસા ગણે ત્યારે બહુ સાવધાન પણ આત્મકલ્યાણ ના કાર્ય માં ઉપેક્ષા રાખે છે.

જે કરવું જોઈએ તે કરતો નથી-તે બુદ્ધિમાન કહેવાય ?

શાસ્ત્રો તો કહે છે કે- સો કામ છોડી ભોજન કરો-હજાર કામ છોડી સ્નાન કરો-લાખ કામ છોડી દાન કરો-

અને કરોડ કામ છોડીને પ્રભુનું સ્મરણ કરો.-ધ્યાન કરો-સેવા કરો.

ઘરના કાર્યો કર્યા પછી-માળા ફેરવવાની નહિ-પરંતુ પ્રભુ ના નામ નો જપ કર્યા પછી બધાં કાર્યો કરવાં.

કળિયુગ ના મનુષ્યો જે કરવાનું નથી તે પહેલું કરે છે-અને જે કરવાનું છે- તે કરતાં નથી.

શું આ મંદ બુદ્ધિ નથી ? એટલે વ્યાસજી એ કળિયુગ ના માનવી ને મંદ-બુદ્ધિ –શક્તિ વાળા કહ્યા છે.

ઈશ્વર વિના સંસારના બધાં વિષયો-પ્રેય(થોડો સમય પ્રિય લાગે અને પછી અણગમો થાય તે) છે.-

શ્રેય (જે વિષય -કાયમ પ્રિય લાગે)-માત્ર પરમાત્મા છે.

પ્રેય ને છોડી -શ્રેય ને પકડે-એ –જ બુદ્ધિમાન છે.

બહુ પૈસા મળે તે ભાગ્યશાળી નથી. અતિ સંપત્તિ વધે-એટલે મનુષ્ય પ્રમાદી થાય છે. અતિ સંપત્તિ મળે –

એટલે તેના માં વિકાર-વાસના વધે છે.

પરંતુ-જેને ભજનાનંદી સાધુ નો સત્સંગ મળે તે ભાગ્યશાળી છે.

કળિયુગ નો માનવી -મંદભાગી –છે. એને ભજનાનંદી સાધુનો સંગ મળતો નથી.-

અને કદાચ મળે છે તો તે વધારે ટકતો નથી.

અઠ્યાસી હજાર શ્રોતાઓ છે.પણ લાઉડ-સ્પીકર વગર સર્વ સાંભળી શકે છે.

તે વખતે મંત્ર શક્તિ હતી-હવે યંત્ર શક્તિ થઇ ગઈ છે.

તે વખતે કહે છે કે -કથા એક હજાર વર્ષ ચાલેલી. (પણ વક્તા નો અવાજ બેઠેલો નહિ.)

પહેલા સ્કંધ નો-આ પહેલો અધ્યાય-ને પ્રશ્નાધ્યાય પણ કહે છે.

શૌનક્જી એ સૂતજી ને અનેક પ્રશ્નો કર્યા છે.

“શ્રેય પ્રાપ્તિનું સાધન શું છે ? તે સમજાવો. શ્રીકૃષ્ણ પ્રગટ કેમ થયા ? તેનું કારણ કહો.

ભગવાન ના સ્વધામ પધાર્યા પછી કળિયુગ માં અધર્મ વધી જશે –તો ધર્મ કોના શરણે જશે ?

પ્રભુ કૃપાથી તમે અમને મળ્યા છો. એવી પ્રેમથી કથા કહો કે-જેથી અમારા હૃદય પીગળે.”

પરમાત્માનાં દર્શન ની આતુરતા વગર સંત મળતા નથી. પ્રભુકૃપાથી સંત મળે છે.

સ્વાદ ભોજન માં નહિ પણ ભુખ માં છે. મનુષ્ય ને પરમાત્મા ને મળવાની ભુખ ન જાગે, ત્યાં સુધી –

સંત મળે તો પણ તેણે સંત માં –સદભાવ થતો નથી. તેનું એક જ કારણ છે કે-

જીવ ને ભગવત-દર્શન ની ઈચ્છા જ થતી નથી.


---------------------------------------------------------------------------------------------------


ભાગવત રહસ્ય-૩૯



સ્કંધ પહેલો-૧૦ (ચાલુ)

વક્તા નો અધિકાર સિદ્ધ થવો જોઈએ –તેમ-શ્રોતા નો અધિકાર પણ સિદ્ધ થવો જોઈએ.

શ્રવણ (સાંભળવાના) ના ત્રણ પ્રધાન અંગ છે.

શ્રદ્ધા- શ્રોતા એ શ્રદ્ધા-એકાગ્રતા થી કથા સાંભળવી જોઈએ

જીજ્ઞાસા-શ્રોતા માં જાણવાની –જીજ્ઞાસા- હોવી જોઈએ.(માત્ર કુતુહુલતા ના ચાલે)

નિર્મત્સરતા –શ્રોતા ને જગતમાં કોઈ જીવ પ્રત્યે મત્સરભાવ (ઈર્ષા)  ના હોવો જોઈએ.

કથા માં દીન થઈને જવું જોઈએ. પાપ છોડો.અને “મને ભગવાન ને મળવાની –તીવ્ર-આતુરતા છે-“

એવી ભાવના કરો તો કૃષ્ણ ના દર્શન થાય.

પ્રથમ સ્કંધ માં શિષ્ય નો અધિકાર બતાવ્યો છે.

પરમાત્માની   કથા વારંવાર સાંભળશો તો પ્રભુ પ્રત્યે પ્રેમભાવ જાગશે.

શૌનક મુનિએ સૂતજી ને કહ્યું-ભગવત કથા માં અમને શ્રધ્ધા છે, તમારા પ્રત્યે આદર છે. અનેક જન્મો ના

પુણ્યનો ઉદય થાય ત્યારે અધિકારી વક્તાના મુખેથી કથા સાંભળવા મળે છે.

શ્રવણ - ભક્તિ – પહેલી છે.

રુકિમણી એ(કૃષ્ણ ને લખેલા) પોતાના પત્ર માં લખ્યું છે-

તમારી કથા સાંભળ્યા પછી તમને પરણવાની ઈચ્છા થઇ.(શ્રુત્વા-સાંભળવું –એવો - શબ્દ ત્યાં છે)

ભગવાન ના ગુણો સાંભળવાથી-ભગવાન પ્રત્યે પ્રેમ ઉત્પન્ન થાય છે.

શ્રોતા માં વિનય હોવો જોઈએ (શૌનક મુનિ ની જેમ) અને વકતા માં પણ વિનય હોવો જોઈએ.

સૂતજી વક્તા બન્યા છે અને વિનય દાખવે છે. પ્રથમ શ્રોતાઓ ને ધન્યવાદ આપ્યો છે. અને પછી

સૂતજી કહે છે –કે-

કથા સાંભળીને તમારે જે કરવું જોઈએ તે- તો તમે કરો જ છો. તમે શાંતિ થી શ્રવણ કરો છો –એટલે

મારું મન ભગવાન માં સ્થિર થાય છે. તમે બધું જાણો છો –પણ મારા પર ઉપકાર કરવા પૂછો છો.

તમે જ્ઞાની છો-પ્રભુ પ્રેમ માં પાગલ છો-પણ મારું કલ્યાણ કરવા તમે પ્રશ્ન કર્યો છે.

પ્રભુ ના ગુણો નું કોણ વર્ણન કરી શકે ? પણ કથા કરી હું મારી વાણી ને પવિત્ર કરીશ.

શિવમહિમ્ન સ્તોત્ર માં પુષ્પદંતે પણ આવું જ કહ્યું છે-

શિવ તત્વ નું વર્ણન –કોણ કરી શકે ? પણ હું તો મારી વાણી ને પવિત્ર કરવા બેઠો છુ.

આરંભ માં સૂતજી-શુકદેવજી ને વંદન કરે છે,તે પછી નારાયણ ને વંદન કરે છે.

ભરતખંડ ના દેવ –નરનારાયણ –છે

શ્રીકૃષ્ણ ગોલોક ધામ માં પધાર્યા છે. એટલે પ્રભુના સર્વ અવતારો ની સમાપ્તિ  થાય છે.

પણ-આ નરનારાયણ –અવતારની સમાપ્તિ થઇ નથી-અને થવાની નથી.

ભારત ની પ્રજા નું કલ્યાણ કરવા આજે પણ તે કલાપ ગ્રામ (હિમાલય) માં તપશ્ચર્યા કરે છે.

તેઓ ત્યાગ નો-તપશ્ચર્યા નો-આદર્શ બતાવે છે.

પરદેશ માં ભૌતિક સુખ (ભોગ)ના સાધનો વધારે હશે. પણ ભારત માં ભોગી મોટો ગણાતો નથી.

જે ત્યાગી છે તે મોટો ગણાય છે.

શ્રી શંકરાચાર્યજી નરનારાયણ નાં સાક્ષાત દર્શન કરે છે. અને પછી કહે છે કે-હું તો યોગી-બહુ જ તપશ્ચર્યા –

કર્યા પછી આપણા દર્શન કરી શક્યો.પણ કળિયુગ નાં ભોગી મનુષ્યો આપનાં દર્શન કરી શકે-તેવી કૃપા કરો.

પ્રત્યક્ષ નરનારાયણ-હિમાલય માં –કલાપ ગ્રામ માં છે. પણ ત્યાં આપણા જેવા સાધારણ માનવી જઈ શકે નહિ.

શંકરાચાર્ય ને ભગવાને –તે વખતે આદેશ કર્યો કે-

બદ્રીનારાયણ માં નારદ-કુંડ છે.ત્યાં સ્નાન કરો-ત્યાંથી તમને મારી જે મૂર્તિ મળશે-તેની સ્થાપના કરો.

મારી આ મૂર્તિના જે દર્શન કરશે-તેણે મારાં પ્રત્યક્ષ દર્શન કર્યા જેટલું પુણ્ય-ફળ  મળશે.

બદ્રીનારાયણ ની સ્થાપના શંકરાચાર્યે (શંકર સ્વામી) એ કરી છે.

બદ્રીનાથની જાત્ર જેને કરી હશે-તેણે ખબર  હશે-બદ્રીનાથ જતાં વિષ્ણુ-પ્રયાગ અને ત્યાંથી આગળ જોષીમઠ

આવે છે. જોષીમઠમાં ગંગા કિનારે એક વૃક્ષ છે.પંડા ઓ બતાવે છે-કે-આ વૃક્ષ નીચે બેસીને ૧૨૦૦ વર્ષ પહેલાં –

શંકરાચાર્યે તપ કર્યું હતું.આ વૃક્ષ નીચે બેસીને શંકરાચાર્યે –વિષ્ણુસહસ્ત્ર નામ પર ભાષ્ય લખ્યું.

શંકરાચાર્ય નો પહેલો ગ્રંથ છે-આ-વિષ્ણુ-સહસ્ત્ર નામ ની  ટીકા-

કહે છે કે-જે જાય બદરી-તેની- કાયા જાય સુધરી.

પણ મનથી માનસ દર્શન નું બહુ પુણ્ય લખ્યું છે. મનથી નારાયણ ને પ્રણામ કરો-વંદન કરો.

બદ્રીનારાયણ નાં મંદિર ની સેવા (પૂજા) છે તે તપસ્વી ની સેવા છે.(નારાયણ નાં તપસ્વી સ્વરૂપ ની).

ઠાકોરજી નાં અભિષેક માટે અલક નંદા નું ઠંડું જળ આવે છે. ચરણ થી ગાળા સુધી ચંદન ની અર્ચા કરવામાં

આવે છે. પદ્માસન વાળી-નારાયણ એકલા બેઠા છે. લક્ષ્મીજી ની મૂર્તિ બહાર છે.

નારાયણ બતાવે  છે-કે-“મારે જગત ને તપશ્ચર્યા નો આદર્શ બતાવવો છે.”

તપશ્ચર્યા માં –સ્ત્રીનો(કે પછી સ્ત્રીને- પુરુષ નો) -દ્રવ્ય નો-બાળક નો –સંગ બાધક છે. તે તપ માં વિઘ્ન કરે છે.

નારાયણે લક્ષ્મીજી ને કહ્યું કે-તમે બહાર બેસીને ધ્યાન કરો-હું અંદર બેસીને ધ્યાન કરીશ.

એક ભક્તે બદ્રીનારાયણના પુજારી ને પૂછ્યું કે-આવી સખત ઠંડી માં-ઠાકોરજી ને ચંદન ની અર્ચા થી  સેવા કેમ?

પૂજારીએ કહ્યું-અમારા ઠાકોરજી તપશ્ચર્યા બહુ કરે છે-તેથી શક્તિ વધે છે-એટલે ઠાકોરજી ને ગરમી બહુ થાય

છે.-એટલે ચંદન ની અર્ચા કરવામાં આવે છે.

સૂતજી-નારાયણ ને વંદન કરી –સરસ્વતી ને –વ્યાસજી ને વંદન કરે છે.

અને તે પછી કથા નો આરંભ કરે છે.

------------------------------------------------------------------------------------------------------------------


ભાગવત રહસ્ય-૪૦



સ્કંધ પહેલો-૧૧ (ચાલુ)

જેનાથી ભગવાન શ્રીકૃષ્ણ માં ભક્તિ થાય-એ-મનુષ્યો માટે શ્રેષ્ઠ ધર્મ છે. ભક્તિ પણ એવી-કે-જેમાં કોઈ પ્રકારની

કામના નાં હોય અને જે નિત્ય નિરંતર થાય. આવી ભક્તિ થી-હૃદય-“આનંદ રૂપ પરમાત્મા” ની પ્રાપ્તિ કરીને-

કૃત-કૃત્ય થઇ જાય છે.(ભાગવત-૧-૨-૬)
સૂતજી કહે છે- જીવાત્મા અંશ છે. પરમાત્મા અંશી(જેમાંથી અંશ થાય તે) છે.
આ જીવ કોઈ જીવનો અંશ નથી-જીવ કોઈ જીવનો નથી-જીવ ઈશ્વરનો છે. ઈશ્વર થી વિખુટો પડ્યો છે-તેથી તેની દશા બગડી છે.

અંશ-અંશી થી વિખુટો પડ્યો છે. તેથી તે દુઃખી છે. તે અંશ-અંશી માં મળી જાય –તો જીવ નું કલ્યાણ થાય.

ભગવાન કહે છે-કે-તું મારો અંશ છે-તું મને મળી ને કૃતાર્થ થઈશ.

નર એ નારાયણ નો અંશ છે.(આત્મા એ પરમાત્મા નો અંશ છે)

કોઈ પણ રીતે –નારાયણ સાથે એક થવાની જરૂર છે.

જ્ઞાનીઓ જ્ઞાન થી અભેદ (અદ્વૈત-એક) સિદ્ધ કરે છે.

વૈષ્ણવ મહાત્મા ઓ પ્રેમ થી અદ્વૈત સિદ્ધ કરે છે.પ્રેમની પરિપૂર્ણતા અદ્વૈત માં છે.

ભક્ત અને ભગવાન છેવટે એક થાય છે. ગોપી અને કૃષ્ણ –એક જ છે.

જીવ ઈશ્વરથી કેવી રીતે  વિખુટો પડ્યો-તેની ચર્ચા કરવાની જરૂર નથી.

આ જીવ ઈશ્વર થી કેમ અને ક્યારે વિખુટો પડ્યો-તે કહી શકાતું નથી. પણ જીવ ને ઈશ્વરનો વિયોગ થયો છે-

એ હકીકત છે.  આ વિયોગ ક્યારથી-કેમ થયો તેની પંચાત કરવાની જરૂર નથી. તેનાથી કઈ લાભ નથી.

કાંઇક ભૂલ થઇ છે –તેથી ગોટાળો થયો છે. અને જીવ મળમૂત્રથી ભરેલા શરીર માં આવ્યો છે.

જીવ ને મોટો રોગ એ થયો છે કે તેને પરમાત્મા નો વિયોગ થયો છે.(આત્મા ને પરમાત્મા નો વિયોગ)

રોગ થયા પછી –રોગ કેમ થયો તેનો વિચાર કર્યા કરશો-તો રોગ વધી જશે.(દવા લેવાથી જશે)

ધોતિયા ને ડાઘો પડ્યો હોય-તો તે –ક્યાં અને કેમ પડ્યો-એમ વિચારવાથી ડાઘ જશે નહિ.(ધોવા થી જશે)

તે પ્રમાણે –બહુ વિચાર્યા વગર-જીવ ઈશ્વરને મળવાનો પ્રયત્ન કરે તે જ ઇષ્ટ છે.

આજ થી નિશ્ચય કરો કે-હું કોઈનો નથી.-હું ઈશ્વરનો છુ.

ઈશ્વરને અપેક્ષા રહે છે- મનુષ્ય ને બુદ્ધિ આપી હતી –તેનું તેણે શું કર્યું ?(એ હિસાબ માગે છે)

મૃત્યુ એટલે હિસાબ આપવાનો દિવસ. જેનું જીવન શુદ્ધ છે તેનો હિસાબ ચોખ્ખો છે.

ઇન્કમ ટેક્ષ ઓફિસર ને એક-બે લાખ નો હિસાબ આપતા જીવ બીવે છે.ત્યારે આખા જીવન નો હિસાબ –

પ્રભુ માગશે ત્યારે શું દશા થશે? તેનો વિચાર કર્યો છે કોઈ દિવસ ?

અંતકાળે બીક લાગે છે –કરેલા પાપો ની યાદ થી. 

મૃત્યુ ની બીક છે –ત્યાં સુધી શાંતિ નથી.

કાળ નાં એ કાળ-એવા ભગવાન જેને અપનાવે- તો તેને-ભગવાન નો નોકર કાળ કશું કરી શકતો નથી.

ઉપનિષદ કહે છે-કે-

જીવ અને ઈશ્વર સાથે બેઠા છે,(આત્મા-પરમાત્મા) છતાં જીવ ઈશ્વરને ઓળખી શકતો નથી.(નિરીક્ષણ નો અભાવ-ઈશ્વર ને ઓળખાવની જીજ્ઞાસા નો અભાવ-જ્યાં ઈશ્વર છે-ત્યાં-નહિ જોવાનો અભાવ)

જીવ (આત્મા) બહિર્મુખ(બાહ્ય-નિરીક્ષણ) ને બદલે અંતર્મુખ(આંતર-નિરીક્ષણ) બને તો અંતર્યામી ને ઓળખી શકે.

એક મનુષ્ય ને એવું જાણવા મળ્યું કે – ગંગા કિનારે રહેતા એક સંત મહાત્મા પાસે પારસમણિ  છે.

પારસમણિ મેળવવા-તે મનુષ્ય-સંત ની સેવા કરવા લાગ્યો. સંતે કહ્યું-કે-હું ગંગાસ્નાન કરીને આવું પછી –તને

પારસમણિ આપીશ. સંત ગયા પછી –પેલાનું મન અધીરું થયું.સંત ની ગેરહાજરી માં આખી ઝુંપડી ફેંદી વળ્યો.

પણ પારસમણિ હાથ માં આવ્યો નહિ. સંત પધાર્યા.સંતે કહ્યું-આટલી ધીરજ નાં રાખી શક્યો ? પારસમણિ તો

મેં દાબડીમાં મૂકી રાખ્યો છે.એમ કહી તેમણે એક દાબડી ઉતારી. આ પારસમણિ-લોખંડ ની દાબડી માં હતો.

પેલાને શંકા થઇ-કે-આ પારસમણિ-લોખંડ ની દાબડી માં હતો –તો દાબડી સોનાની કેમ નાં થઇ ?

સાચે સાચ આ પારસમણિ હશે?કે સંત મારી મશ્કરી કરે છે? તેણે પોતાની આ શંકા સંત સામે રજુ કરી.

સંતે સમજાવ્યું-તું જુએ છે કે પારસમણિ એક ચિંથરા માં બાંધેલો છે. કપડાના આવરણ ને લીધે-

પારસમણિ અને લોખંડ નો સ્પર્શ થતો નથી. એટલે દાબડી સોનાની કેમ થાય ?

બસ –આવી જ રીતે-જીવ અને ઈશ્વર(આત્મા-અને-પરમાત્મા) –હૃદય માં જ છે.પણ વાસનાના આવરણ ને લઈને-તેનું મિલન થતું નથી.

જીવાત્મા એ દાબડી છે-પરમાત્મા પારસમણિ છે.

વચમાનું અહંતા-મમતા-વાસના (માયા) રૂપી ચીંથરું –જ-દૂર કરવાનું છે.

અનેક વાર સાધક ને સાધન (યોગ-ભક્તિ વગેરે) કરતાં કોઈ સિદ્ધિ નાં મળે તો તેણે સાધન પ્રત્યે ઉપેક્ષા

જાગે છે. પણ તે સારું નથી.(ચીંથરું હોય ત્યાં સુધી સિદ્ધિ કેમ મળે ?)

જીવ એ –સાધક- છે.સેવા,સ્મરણ,યોગ –વગરે –સાધન- છે.પરમાત્મા –સાધ્ય- છે.

(કોઈ ને કોઈ સાધન તો કરવું જ પડે છે-સાધનો અનેક છે-જે અનુકૂળ આવે તે સાધન કરવું જોઈએ)

લોકો માને છે કે-ભક્તિ માર્ગ(સાધન) સહેલો છે.સવારમાં ભગવાન ની પૂજા કરી એટલે બધું પતી ગયું. પછી આખા દિવસ માં તે ભગવાન ને ભૂલી જાય છે.-આ ભક્તિ નથી.

ચોવીસ કલાક –ઈશ્વરનું સ્મરણ રહે તે ભક્તિ.

------------------------------------------------------------------------------------------

ભાગવત રહસ્ય-૪૧

સ્કંધ પહેલો-૧૨ (ચાલુ)

ભક્તિ માં આનંદ છે.

કદીક ભક્તિ માં આનંદ આવતો નથી-તો તેનું કારણ એ છે કે ભક્તિ બરાબર થતી નથી.

માનવ ભક્તિ કરે છે-પણ મોટે ભાગે-ધનથી-શરીરથી –ભક્તિ કરે છે.મન થી કરતો નથી.

વાણી ભગવાન નાં નામ નો ઉચ્ચાર કરે પણ મન જો ભગવાન નું સ્મરણ નાં કરે તો-તેનો કોઈ અર્થ નથી.

સેવામાં- ક્રિયા –એ મુખ્ય નથી. –ભાવ- એ મુખ્ય છે. ભાવ થી ભક્તિ સફળ થાય છે.

સર્વ વિષયો મન માંથી હટાવો-તો સેવામાં જરૂર આનંદ આવશે.

શ્રીકૃષ્ણ વિના બધું તુચ્છ છે-શ્રીકૃષ્ણ વિના બધું દુઃખ રૂપ છે.-એવું દ્રઢ જ્ઞાન થશે –તો ભક્તિ થશે.

પરમાત્મા સાથે પ્રેમ કેળવવો હશે તો વિષયોનો પ્રેમ છોડવો જ પડશે.

“પ્રેમ ગલી અતિ સાંકરી-તમે દો ન સમાય”  ત્યાં બંને નો મેળ નથી.

જગતનો સંબંધ મનથી ન છોડો-ત્યાં સુધી-બ્રહ્મ સંબંધ થતો નથી.

સંસારને છોડવાનો નથી.પણ -સંસારના વિષયો સુખ આપે છે-તે-સમજ- છોડવાની છે. મોહ છોડવાનો છે.

વ્રત-માં ત્યાગ- કરવાની આજ્ઞા આપી છે-તે-કાયમ નાં ત્યાગ માટે.

ધીરે ધીરે-સંયમ ને વધારો-વૈરાગ્ય ને વધારો-ત્યારે ભક્તિ માં અનેરો આનંદ આવશે.

એક વખત એક ચોબાજી –મથુરાથી ગોકુલ જવા નીકળ્યા. યમુનાજી માં હોડી માં જવાનું હતું.

ચોબાજી –ભાંગ નાં નશામાં-હોડી માં બેઠા-હલેસાં મારવા માંડ્યા.હોડી હાલક ડોલક થાય છે-ચોબાજી બોલે છે-

નાવ અભી ગોકુલ પહુંચ જાયેગી. આખી રાત નાવ ચલાવી-સવાર પડ્યું- ચોબાજી વિચારવા લાગ્યા-આ મથુરા

જેવું વળી કયું ગામ આવ્યું ?-કોઈને પૂછ્યું –કે આ કયું ગામ ? તો ઉત્તર મળ્યો-મથુરા.

ચોબાજી નો નશો ઉતર્યો-પોતાની મૂર્ખતા સમજાઈ-નશાની અસર માં (અમલ માં) નાવ ને બાંધેલી દોરી-તો-

છોડવાનું જ ભૂલી ગયેલા.

આ કથા ચોબાજી ની માત્ર નથી.આપણા સર્વ ની છે.

ભાંગ નો નશો ચડે છે-તેમ-એક એક ઇન્દ્રિય-સુખ નો  નશો ચડે છે. સંસારના વિષય સુખ નો નશો ચડે છે.

પૈસા નાં નશામાં –મનુષ્ય મંદિરમાં જાય છે.થોડા પૈસા ફેકે છે.સામે કૈક માગે છે. પણ-

તે નશામાં ને નશામાં પ્રભુના સ્વરૂપ નું મનથી ચિંતન કરતો નથી. તેથી દર્શન માં આનંદ આવતો નથી.

માનવ-કાયા –એ-નાવડી છે. વાસના-વિષયો રૂપી દોરીથી –તે સંસાર સાથે ગાંઠ થી બંધાયેલી છે.

તે ગાંઠ ને છોડવાની છે.સંસાર નું સુખ એ –દુઃખ રૂપ છે-એમ વારંવાર મન ને સમજાવો.તો મન ત્યાંથી હટી જશે.

ભક્તિ માં અનેરો આનંદ આવશે.

સંસાર સુખ રૂપ નથી, દુઃખરૂપ છે. ધીરે ધીરે વૈરાગ્ય ને વધારી-ભક્તિ વધારજો.

વૈરાગ્ય વગર ભક્તિ રડે છે. ભોગ ભક્તિ માં બાધક છે.

ભોગ માં પ્રત્યેક ક્ષણે આનંદ ઓછો થાય છે. જયારે-ભક્તિ માં પ્રત્યેક ક્ષણે આનંદ વધતો જાય છે.

આંખનો -જીભનો-મનનો –સંયમ વધારો. જે જોવાની અતિ જરૂર લાગે તે જ જુઓ. બોલ્યા વગર છુટકો જ ના

હોય ત્યારે બોલો. સંયમ વગર સુખી થવાતું નથી-ભક્તિમાં આગળ વધી શકાતું નથી.

વૈરાગ્ય વગર-જ્ઞાન અને ભક્તિ ની શોભા નથી. ત્રણે સાથે વધે તો ઈશ્વરનો સાક્ષાત્કાર થાય છે.

જ્ઞાન માર્ગ માં ઇન્દ્રિયો નો નિરોધ કરવાનો હોય છે. ભક્તિ માર્ગ માં ઇન્દ્રિયો ને પ્રભુમાર્ગ માં વાળવાની હોય છે.

લૌકિક (સામાન્ય) જ્ઞાન માં દ્વૈત છે. પણ –ઈશ્વર સ્વરૂપ ના જ્ઞાન માં અદ્વૈત છે.

ઈશ્વરના સ્વરૂપ નું જ્ઞાન થાય એટલે જ્ઞાતા(જ્ઞાન મેળવનાર) અને જ્ઞેય(સત્ય જ્ઞાનવાળા-પ્રભુ) એક બને છે.

સેવા-સ્મરણ કરતાં તન્મયતા થાય છે.ઈશ્વરની અપરોક્ષ સાક્ષાત્કાર થાય છે. તેથી જીવ ઈશ્વરમાં મળી જાય છે.

તે પછી તે એમ કહી શકતો નથી કે –ઈશ્વરને હું જાણું છુ.

કે એમ પણ કહી શકતો નથી કે-હું ઈશ્વરને નથી જાણતો.

ગોપી સર્વ માં કૃષ્ણને નિહાળી-જીવભાવ ભૂલી ગઈ હતી.

લાલી મેરે લાલ કી,સબ જગ રહી સમાઈ, લાલી દેખન મૈ ગઈ,મૈ ભી હો ગઈ લાલ.
શ્રુતિ વર્ણન કરે છે કે-ત્યાં “હું” રહેતું નથી કે “તું” રહેતું નથી. વૃત્તિ બ્રહ્માકાર થાય છે.

--------------------------------------------------------------------------------------------------------------





ભાગવત રહસ્ય-૪૨

સ્કંધ પહેલો-૧૩ (ચાલુ)

શ્રીકૃષ્ણ ના સ્વ-રૂપ નું જેને બરોબર જ્ઞાન થાય છે-તે ઈશ્વર થી જુદો રહી જ શકતો નથી. સર્વ માં ઈશ્વરને

જોનારો-પોતે ઈશ્વરરૂપ બને છે.

શુદ્ધ -બ્રહ્મ- માયા- ના સંસર્ગ વિના અવતાર લઇ શકે નહિ. સો ટચ નું સોનું એટલું પાતળું હોય છે કે-તેમાંથી

દાગીના ઘડી શકાય નહિ. દાગીના બનાવવા તેમાં બીજી ધાતુ ઉમેરવી પડે છે.

તેવીજ રીતે પરમાત્મા પણ માયા નો આશ્રય-કરી-અવતાર લઇ પ્રગટ થાય છે.

પણ ઈશ્વરને માયા બાધક થતી નથી-જીવને માયા બાધક થાય છે.

ભગવાન પ્રત્યે પ્રેમ વધારવા –ભગવાન ના અવતારોની કથા સાંભળો.

પરમાત્મા ના -૨૪- અવતારો છે. તે ચોવીસ અવતારોની કથા ભાગવતમાં વર્ણવી છે. તે કથા ઓનું શ્રવણ

કરવાથી પરીક્ષિત ને મોક્ષ મળ્યો છે.

ધર્મ નું સ્થાપન અને જીવો નો ઉદ્ધાર કરવા-પરમાત્મા અવતાર(જીવ-દેહ) ધારણ કરે છે. (જેને દેવ કહે છે)

લાલાજીનો અવતાર તમારા ઘરમાં થવો જોઈએ.-મંદિર માં નહિ.

માનવ-શરીર એ ઘર છે. પરંતુ આપણે –આપણા ઘરમાં કે હૃદય માં –પરમાત્મા માટે જગા જ ક્યાં રહેવા દીધી

છે ? તેથી તો લાલા ને કારાગાર માં જન્મ લેવો પડ્યો.

પહેલો અવતાર સનત કુમારો નો છે.

તે બ્રહ્મચર્ય નું પ્રતિક છે. કોઈ પણ ધર્મ માં બ્રહ્મચર્ય પ્રથમ આવે છે. બ્રહ્મચર્ય વગર મન સ્થિર થતું નથી. બ્રહ્મચર્ય થી

મન-બુદ્ધિ-અહંકાર પવિત્ર થાય છે. અંતઃ કરણ શુદ્ધ થાય છે. પહેલું પગથીયું-છે-બ્રહ્મચર્ય.

બીજો અવતાર છે-વરાહ નો-

વરાહ એટલે શ્રેષ્ઠ દિવસ. જે દિવસે સત્કર્મ થાય-તે શ્રેષ્ઠ દિવસ. સત્કર્મ માં લોભ-વિઘ્ન કરવા આવે છે-લોભ ને સંતોષ થી

મારવો. વરાહ અવતાર સંતોષ નો અવતાર છે.પ્રાપ્ત સ્થિતિ માં સંતોષ માનો-એ વરાહ અવતાર નું રહસ્ય છે.

ત્રીજો અવતાર નારદજી નો-

એ ભક્તિ નો અવતાર છે. બ્રહ્મચર્ય પળે અને પ્રાપ્ત સ્થિતિ માં સંતોષ માને ત્યારે નારદ-એટલે ભક્તિ મળે.

નારદજી ભક્તિ માર્ગ ના આચાર્ય છે.

ચોથો અવતાર-નરનારાયણ નો.-

ભક્તિ મળે એટલે ભગવાન નો સાક્ષાત્કાર થાય. ભક્તિ દ્વારા ભગવાન મળે છે. પણ ભક્તિ જ્ઞાન- વૈરાગ્ય વગર હોય તો તે

દ્રઢ થશે નહિ. ભક્તિ જ્ઞાન-વૈરાગ્ય જોડે આવવી જોઈએ. –એટલે જ –

પાંચમો અવતાર –કપિલદેવ નો- છે.

કપિલદેવ જ્ઞાન –વૈરાગ્ય નું પ્રતિક છે.

છઠ્ઠો અવતાર દત્તાત્રેય નો-

ઉપરના પાંચ ગુણો –બ્રહ્મચર્ય-સંતોષ-ભક્તિ -જ્ઞાન-અને વૈરાગ્ય તમારા માં આવશે તો તમે અત્રી(ગુણાતીત) થશો-

ને ભગવાન તમારા ત્યાં આવશે.

ઉપરના –છ-અવતારો બ્રાહ્મણ માટેના-

સાતમો-અવતાર યજ્ઞ નો---આઠમો-ઋષભ દેવ નો---નવમો-પૃથુ રાજાનો---દશમો-મત્સ્ય-નારાયણનો-

આ અવતારો-ક્ષત્રિયો માટેના છે. ક્ષત્રિય ધર્મ નો આદર્શ બતાવવા માટેના છે.

અગિયારમો-અવતાર-કુર્મ નો---બારમો-ધન્વન્તરીનો---તેરમો-મોહિની નારાયણ નો—

આ અવતારો વૈશ્ય માટેના છે. આ અવતારો માં વૈશ્ય ના જેવી લીલા –પ્રભુ એ કરી છે.

ચૌદમો –અવતાર-નૃસિંહ સ્વામી નો-

એ પુષ્ટિ નો અવતાર છે. ભક્ત-પ્રહલાદ પર કૃપા કરવા અવતાર ધારણ કર્યો છે.

પ્રહલાદ જેવી દૃષ્ટિથી જુઓ-તો થાંભલામાં –ભગવાન ના દર્શન થશે. ઈશ્વરની સર્વ-વ્યાપકતાનો અનુભવ થશે.

પંદરમો-અવતાર વામન ભગવાન નો-

પરમાત્મા મોટા છે-તો પણ બલિરાજા સામે –વામન (નાના) બન્યા છે. બલિરાજા-કે જેમના માથા પર –ભક્તિનું-નીતિનું

છત્ર છે અને ધર્મ નું બખ્તર પહેર્યું છે-તેણે ભગવાન પણ મારી શકે નહિ-ભગવાન ને નાના બનવું પડ્યું છે.

સોળમો અવતાર-પરશુરામ નો છે- આ આવેશ અવતાર છે.

સત્તરમો અવતાર-વ્યાસ નારાયણ નો જ્ઞાનાવતાર છે. .(નોંધ-વ્યાસજીએ -રામ અને કૃષ્ણ  ના અવતાર પહેલાં ભાગવત-રામાયણ-મહાભારત ની રચના કરીછે??!!)

અઢારમો અવતાર-રામજી નો –તે મર્યાદા પુરુષોત્તમ નો અવતાર છે.

રામજી ની જેમ મર્યાદાનું પાલન કરો-એટલે તમારામાંનો-કામ મારશે અને –પછી કનૈયો આવશે.

ઓગણીસમો અવતાર-શ્રીકૃષ્ણ નો છે. શ્રી કૃષ્ણ તો સ્વયં ભગવાન છે.

રામ -કૃષ્ણ એક જ છે. એક બપોરે બાર વાગે જન્મે છે-બીજા રાતે બાર વાગે જન્મે છે.

મનુષ્ય બપોરે ભૂખથી ભાન ભૂલે છે-રાતે કામ સુખ ની યાદથી ભાન ભૂલે છે. દિવસે રામજીને અને રાતે કૃષ્ણ ને યાદ કરો.

તો તે બંને સમયે ભગવાન ની કૃપા થશે.

એકનાથજી એ આ બંને અવતારોની સુંદર તુલના કરી છે.

રામજી રાજમહેલમાં પધારે છે-કનૈયો કારાગૃહમાં. એકના નામના સરળ અક્ષર-બીજાના જોડાક્ષર.

ભણતરમાં સરળ અક્ષર પહેલા ભણાવે છે-જોડાક્ષર પછી. રામજી ની મર્યાદા પાળો -તે પછી કૃષ્ણાવતાર થશે.

આ બે સાક્ષાત –પૂર્ણ પુરુષોત્તમ ના અવતાર છે. બાકીના બધાં અવતારો અંશાવતાર છે.

અલ્પ-કાળ માટે તથા અલ્પ-જીવના ઉદ્ધાર માટે જે અવતાર થાય તે અંશાવતાર. અને

અનંત-કાળ માટે,અનંત-જીવોના ઉદ્ધાર માટે અવતાર થાય તે પૂર્ણાવતાર. તેમ સંતો માને છે.

ભાગવત માં કથા કરવાની છે –કનૈયા- ની- પણ ક્રમે ક્રમે-બીજા અવતારોની કથા કહ્યા પછી –અધિકાર –પ્રાપ્ત થાય-

એટલે પછી કનૈયો આવે.

તે પછી-હરિ-કલ્કિ-બુદ્ધ –વગેર મળી ૨૪ અવતારો થયા છે.(નોંધ-લાગે છે કે આ અવતારો નું લીસ્ટ પાછળ થી બન્યું નહિ હોય ??!!)

પરમાત્મા ના ૨૪ અવતાર-પરમાત્મા શબ્દ માંથી જ નીકળે છે.

પ=પાંચ,૨=બે,મા=સાડાચાર, અડધો ત=આઠ,છેલ્લો મા-સાડા ચાર. બધાં નો સરવાળો=૨૪ .

બ્રહ્માંડ પણ ઈશ્વરનો અવતાર જ છે. કેટલાક બ્રહ્માંડ માં ઈશ્વરને જુએ છે.

કેટલાક સંસારના સર્વ પદાર્થો માં ભગવત -સ્વરૂપ ના દર્શન કરે છે.

સ્થૂળ-સૂક્ષ્મ- શરીર નું –અવિદ્યા (અજ્ઞાન)થી- આત્મા- માં આરોપણ કરવામાં આવે છે.  પણ –

જે –અવસ્થા- માં –આત્મ સ્વરૂપ –ના- જ્ઞાન- થી-આ આરોપણ(શરીર એ આત્મા નથી-તે)

દૂર-થઇ જાય-

તે સમયે-બ્રહ્મ નો સાક્ષાત્કાર થાય છે.(ઇતિ તદ્દ બ્રહ્મ દર્શનમ) –આ સિદ્ધાંત સમજાવ્યો છે.

-----------------------------------------------------------------------------------------------------


ભાગવત રહસ્ય-૪૩

સ્કંધ પહેલો-૧૪ (ચાલુ)

ભગવાન વ્યાસે-ભગવત ચરિત્રોથી પરિપૂર્ણ –ભાગવત -નામ નું પુરાણ બનાવ્યું છે.

ભગવાન શ્રીકૃષ્ણ, ધર્મ-જ્ઞાન વગેરે સાથે જયારે સ્વધામ પધાર્યા-ત્યારે –આ કળિયુગ માં અજ્ઞાન રૂપી –અંધકારથી –લોકો

આંધળા બન્યા. એ સમયે ભાગવત પુરાણ પ્રગટ થયું છે. આ પુરાણ સૂર્યરૂપ(અજવાળા રૂપ) છે.

સૂતજી કહે છે કે-

શુકદેવજી એ –પરીક્ષિત રાજા ને આ કથા સંભળાવેલી-તે વખતે હું ત્યાં હાજર હતો. હું હાથ જોડીને ઉભો હતો.

ગુરુદેવે કૃપા કરીને મને બોલાવ્યો. મને પરીક્ષિત પાસે બેસાડ્યો. યથામતિ આ પુરાણકથા હું તમને સંભળાવું છુ.

શૌનક્જી એ પૂછ્યું કે-વ્યાસજી એ ભાગવતની રચના શા માટે કરી? રચના કર્યા પછી તેનો પ્રચાર કેવી રીતે કર્યો?

શુકદેવજી ની જન્મથી જ બ્રહ્માકારવૃત્તિ છે. તે ભાગવત ભણવા ગયા તે અમને આશ્ચર્ય લાગે છે.

શુકદેવજી ના ખુબ વખાણ કર્યા છે. શુકદેવજી ની દેવ-દૃષ્ટિ હતી-દેહ-દૃષ્ટિ ન હતી..

એક વખત એવું બન્યું કે-એક સરોવરમાં અપ્સરાઓ સ્નાન કરી રહી હતી. ત્યાંથી (નગ્ન અવસ્થામાં) શુકદેવજી પસાર થયા.

અપ્સરાઓએ પૂર્વવત સ્નાન ચાલુ રાખ્યું  અને કાંઇ લજ્જા અનુભવી નહિ.

થોડીવાર પછી વ્યાસજી ત્યાંથી પસાર થયા. (વ્યાસજી એ તો કપડાં પણ પહેરેલા હતા.) પરંતુ વ્યાસજી ને જોઈ અપ્સરાઓને

સંકોચ થયો. તેઓએ તરત કપડાં પહેરી લીધા. વ્યાસજી એ દુરથી આ જોયું. અપ્સરાઓને તેનું કારણ પૂછ્યું.

તેઓએ જણાવ્યું-આપ જ્ઞાની છો-આપ વૃદ્ધ છો-પૂજ્ય છો-પિતા જેવા છો-પરંતુ આપના  મન માં આ પુરુષ છે અને

આ સ્ત્રી છે-એવો ભેદ છે. જયારે શુકદેવજી ના મનમાં તેવો કોઈ ભેદ નથી.

મન માં શું ભર્યું છે-તે આંખને જોવાથી ખબર પડે છે.

સંતો ની આંખ-પરમાત્માનાં સ્વરૂપમાં સ્થિર હોય છે. આંખ માં કાળાશ દેખાય તો સમજવું કે-તેના મન માં -કામ છે-

રતાશ દેખાય તો સમજવું કે તેના મનમાં ક્રોધ છે. પીળાશ દેખાય તો સમજવું-તેના મન માં લોભ છે.

અપ્સરાઓ કહે છે-કે-તમારા મન માં કામ છુપાયેલો છે. તમારા પુત્ર ની આંખ મંગલમય છે,

શુકદેવજી કેવળ બ્રહ્મ જ્ઞાની નથી.પણ બ્રહ્મ દૃષ્ટિ રાખીને ફરે છે. તેમની –અભેદ દૃષ્ટિ સિદ્ધ થઇ છે. તેમને ખબર નથી કે-

આ સ્ત્રી છે કે આ પુરુષ છે. તેમને અપ્સરા પણ બ્રહ્મ રૂપ દેખાય છે.

આવા શુકદેવજી ની પર નજર પડી તો અપ્સરાઓની બુદ્ધિ સુધરી છે. શુકદેવજી ના દર્શન થયા પછી અપ્સરાઓને પણ

પોતાના વિલાસી જીવન પ્રત્યે ધૃણા આવી છે. સંત ને જોનારો પણ નિર્વિકાર બને છે.

અપ્સરાઓને થયું છે-કે-ધિક્કાર છે અમને-આ મહાપ્રુરુષ ને જુઓ-પ્રભુ-પ્રેમ માં કેવા પાગલ બન્યા છે!!!!

જનક રાજા ના દરબાર માં એક વખત શુકદેવજી અને નારદજી પધારેલા.

શુકદેવજી બ્રહ્મચારી છે-અને જ્ઞાની છે. નારદજી પણ બ્રહ્મચારી છે અને ભક્તિમાર્ગ ના આચાર્ય છે. બંને મહા-પુરુષો છે.

પરંતુ આ-બે- માંથી શ્રેષ્ઠ કોણ ?

જનકરાજા સમાધાન કરી શક્યા નહિ. પરીક્ષા વગર તે શી રીતે નક્કી થઇ શકે ?

જનક રાજા ની પત્ની-સુનયના એ બીડું ઝડપ્યું-કે- હું બંને ની પરીક્ષા કરીશ.

સુનયનાએ બંને ને પોતાના મહેલ માં બોલાવ્યા.અને હિંડોળા પર બેસાડ્યા. બાદ માં સુનયના શણગાર સજી ને આવ્યા

 અને બંને ની  વચ્ચે  આવીને  બેસી ગયા.

આથી નારદજી ને સહેજ સંકોચ થયો”.હું બાળ બ્રહ્મચારી- તપસ્વી ને આ સ્ત્રી અડકી જશે-અને મારાં મન માં કદાચ વિકાર

આવશે તો ?” તેથી તેઓ સહેજ દૂર ખસ્યા.

ત્યારે શુકદેવજી ને તો અહીં કોણ આવી ને  બેઠું –તેનું કોઈ ભાન જ નથી.તેઓ દૂર ખસતા નથી.

સુનયના રાણી એ નિર્ણય આપ્યો-કે શુકદેવજી શ્રેષ્ઠ છે. એમને સ્ત્રીત્વ-કે પુરુષત્વ નું પણ ભાન નથી.(બ્રહ્મ-દૃષ્ટિ સ્થિર છે)

સ્ત્રી-પુરુષનું ભાન ન જાય ત્યાં સુધી ઈશ્વર મળતા નથી. ભક્તિ સિદ્ધ થતી નથી. સર્વ માં બ્રહ્મ ભાવ થવો જોઈએ.

જગત માં બ્રહ્મ-જ્ઞાની ઘણા મળે છે-પણ બ્રહ્મ-દૃષ્ટિ સ્થિર થઇ હોય-તેવા મળતા નથી.

એક કમળાના રોગ માં એવી શક્તિ છે-કે-તે જેને થયો હોય તેણે બધું પીળું દેખાય છે.

તો બ્રહ્મ-દૃષ્ટિ રાખનાર ને આખું જગત બ્રહ્મ-રૂપ દેખાય –એમાં નવાઈ શું ?

આંખ ઉઘાડી હોય અને જેનું મન સ્થિર રહેછે-તેનું જ્ઞાન સાચું છે. આંખ બંધ કર્યા પછી-જેનું મન સ્થિર  રહે-તેનું જ્ઞાન કાચું છે.

શુકદેવજી જેવા –બ્રહ્મ-દૃષ્ટિ રાખનારા મળતા નથી.( બ્રહ્મ-દૃષ્ટિ રાખવી કઠણ છે.) આવા શુકદેવજી જેવા પુરુષ ને

ભાગવત –ભણવાની જરૂર નથી-તો પછી –તે ભાગવત  ભણવા ગયા શા માટે ?

શુકદેવજી ભિક્ષા વૃત્તિ માટે બહાર નીકળે છે-ત્યારે પણ –ગોદોહન કાળથી (એટલે છ મિનીટ થી )વધારે ક્યાંય થોભતા નથી.

તેમ છતાં –સાત દિવસ એક આસને બેસી-તેમણે પરીક્ષિત ને આ કથા કહી કેવી રીતે ?

“અમે સાંભળ્યું છે કે –પરીક્ષિત-ભગવાન તો મોટો પ્રેમી ભક્ત હતો. તેણે શાપ થયો શા માટે ? તે અમને કહો “

--------------------------------------------------------------------------------------------------------


ભાગવત રહસ્ય-૪૪
    

સ્કંધ પહેલો-૧૫ (ચાલુ)

સૂતજી કહે છે-દ્વાપર યુગ ની સમાપ્તિ નો સમય હતો.

બદ્રીનારાયણ જતાં રસ્તામાં કેશવ-પ્રયાગ આવે છે, ત્યાં વ્યાસજી નો-સમ્યપ્રાશ- આશ્રમ છે. ભાગવત ની રચના ત્યાં થઇ છે.

વ્યાસજી ને કળિયુગ ના દર્શન થયાં. તેમને-તે વખતે-પાંચ હજાર વર્ષ પછી શું થશે?-તેના દર્શન થયાં.

(બારમાં સ્કંધ માં આનું વર્ણન કર્યું છે.વ્યાસજી એ જેવું (સમાધિમાં) જોયું તેવું લખ્યું છે.)

વ્યાસજી એ જોયું(વિચાર્યું)- કે –કળિયુગ માં લોકો વિલાસી થશે-મનુષ્યો બુદ્ધિહીન થશે. વેદ શાસ્ત્ર નું અધ્યયન કરી શકશે

નહિ. આથી તેમણે વેદ ના ચાર વિભાગ કર્યા. પણ પાછું ફરીથી વિચાર્યું કે-

વેદનું પણ કદાચ અધ્યયન કરે તો તેને સાચી રીતે સમજી શકશે નહિ-તેના તાત્પર્ય નું (તત્વનું) જ્ઞાન થશે નહિ. તેથી

સત્તર પુરાણો ની રચના કરી. વેદો નો અર્થ સમજાવવા –વ્યાસજી એ પુરાણો ની રચના કરી.

પુરાણો વેદ પર નું ભાષ્ય છે. દ્રષ્ટાંતો દ્વારા રોચક બનાવીને –સરળ ભાષામાં વેદ નો સાર જ પુરાણો માં સંભળાવ્યો છે.

વેદો પર તેમણે -વેદ શ્રવણ- નો અધિકાર આપેલો.-સ્ત્રી-શુદ્ર-પતિત-દ્વિજાતી ને અધિકાર આપેલો નહિ.

(વેદો નું તત્વ –સાચી રીતે સમજવા-અતિ-સાત્વિક –બુદ્ધિ અને વિરાગ –મહત્વનો છે-એટલે ?-કદાચ)

પણ સર્વ જનો નું કલ્યાણ થાય અને સર્વ જનો- સરળતા થી વેદો નું તાત્પર્ય સમજી શકે-અધિકારી બની શકે- એમ વિચારી

મહાભારત ની રચના કરી. મહાભારત એ સમાજ શાસ્ત્ર છે.એમાં બધી જ જાત ના પાત્રો છે.

મહાભારત –એમ –જાણે પાંચમો વેદ છે-જેના શ્રવણ માટે - સર્વ ને અધિકાર  આપ્યો છે.(બધાં સમજી પણ શકે છે)

આ શરીર જ ક્ષેત્ર છે.(ધર્મ-ક્ષેત્રે-કુરુ-ક્ષેત્રે). તેમાં ધર્મ-અધર્મ નું યુદ્ધ થાય છે.

મહાભારત –દરેક ના મન માં-અને ઘરમાં-રોજે-રોજ  ભજવાય છે.

સદ-વૃત્તિઓ(દૈવિક) અને અસદ-વૃત્તિઓ (આસુરી) નું યુદ્ધ- એ –મહાભારત.

જીવ-ધૃતરાષ્ટ્ર છે. જેને આંખ નથી તે ધૃતરાષ્ટ્ર નથી-પણ જેની આંખમાં કામ છે-તે આંધળો ધૃતરાષ્ટ્ર છે.(વિષયાનુંરાગી)

અધર્મ-રૂપ કૌરવો અનેક વાર ધર્મ ને મારવા જાય છે. યુધિષ્ઠિર અને દૂર્યોધન –રોજ લડે છે.

આજે પણ દૂર્યોધન આવે છે.

પ્રભુ ભજન માટે સવારે ચાર વાગે ઠાકોરજી જગાડે છે-ધર્મ રાજા કહે છે કે-ઉઠ-સત્કર્મ કર.

પણ દૂર્યોધન કહે છે કે-પાછલા પહોરની મીઠી ઊંઘ આવે છે-વહેલા ઉઠવાની શું જરૂર છે ? તું હજુ આરામ કર.

શું બગડી જવાનું છે ?

કેટલાક જાગે છે-પણ પથારી છોડવાની ઈચ્છા થતી નથી. જગ્યા પછી પથારી માં આળોટતા રહેવું તે મૂર્ખાઈ નથી ?

પ્રાતઃકાળ ની નિદ્રા પુણ્ય નો નાશ કરે છે.

પરમાત્મા જગાડે છે-પણ માનવ સાવધ થતો નથી.

ધર્મ અને અધર્મ –આમ અનાદિ-કાળ થી લડે છે. ધર્મ ઈશ્વરના શરણે જાય તો-ધર્મ નો વિજય થાય છે.

આટલા ગ્રંથોની રચના કરી પણ –તેમ છતાં –વ્યાસજી ના મન ને શાંતિ મળતી નથી.

જ્ઞાની પુરુષો પોતાની અશાંતિ નું કારણ –અંદર-શોધે છે. અજ્ઞાની ઓ અશાંતિ ના કારણ ને બહાર શોધે છે.

તમારા દુઃખ નું કારણ બહાર નથી-પણ અંદર છે. અજ્ઞાન –અભિમાન-એ દુઃખ ના કારણો છે.

વ્યાસજી અશાંતિ નું કારણ શોધે છે.મેં કોઈ પાપ તો કર્યું નથી ને ?(પાપ વગર અશાંતિ થતી નથી)

ના-ના-હું નિષ્પાપ છું.પણ મને મન માં કઈક ખટકે છે. મારું કોઈ પણ કાર્ય અધૂરું છે. મારી કંઈક ભૂલ થઇ છે.

વિચારે છે-કે-મને કોઈ સંત મળે તો-ભૂલ મને બતાવે.

સત્સંગ વગર મનુષ્ય ને પોતાના દોષ નું ભાન થતું નથી.

સાત્વિક –આહાર-સદાચાર-પ્રભુના નામ નો આશ્રય કર્યો હોય-

છતાં મન છટકી જાય છે. તેવા સાધક ને ઈચ્છા થાય કે –કોઈ સદગુરુ મારાં મન ને વિશુદ્ધ બનાવે.(સત્સંગ)

વ્યાસજી ના સકલ્પ થી પ્રભુ એ નારદજી ને ત્યાં આવવા પ્રેરણા કરી છે. કિર્તન કરતાં કરતાં નારદજી ત્યાં પધારે છે.

વ્યાસજી ઉભા થયા.સુંદર દર્ભ નું આસન બેસવા માટે આપ્યું છે. તેમની પૂજા કરી છે.

નારદજીએ –વ્યાસજી ને-કુશળ પ્રશ્નો પૂછ્યા. વ્યાસજી ના મુખ પર ચિંતાની લાગણીઓ જોઈ –નારદજી કહે છે-કે-

તમને ચિંતા માં જોઈ આશ્ચર્ય થાય છે. તમે આનંદ માં નથી.

----------------------------------------------------------------------------------------


ભાગવત રહસ્ય-૪૫
 

સ્કંધ પહેલો-૧૬ (ચાલુ)

વ્યાસજી કહે છે- તમારી વાત સાચી છે. મારું મન અશાંત છે.પણ અશાંતિ નુ કારણ શું છે? તે સમજાતું નથી. જાણતો નથી.

મારી કાંઇક ભૂલ થઇ છે. પણ મને મારી ભૂલ સમજાતી નથી. કૃપા કરી મને મારી ભૂલ બતાવો.

હું તમારો ઉપકાર માનીશ.મારી ભૂલ હું સુધારીશ.

પ્રત્યક્ષ માં વખાણ કરનાર ઘણા મળે છે.પણ ભૂલ બતાવનારા મળતા નથી.

જેને તમારી લાગણી હશે તે જ તમને તમારી ભૂલ બતાવશે. માટે જે-તમારી ભૂલ બતાવે તેનો ઉપકાર માનજો.

મનુષ્ય ને પાપ કરતાં શરમ નથી આવતી-પણ પાપની કબુલાત કરતાં શરમ આવે છે. ભૂલ કબુલ કરતાં શરમ આવે છે.

વ્યાસજી નો વિવેક જોતાં-નારદજી ને આનંદ થયો.

નારદજી એ કહ્યું-મહારાજ આપ નારાયણ ના અવતાર છે. તમારી ભૂલ શું થાય ? તમે જ્ઞાની છો,તમારી કોઈ ભુલ થઇ નથી. છતાં આપ આગ્રહ કરો છો-તો એક વાત કહું છું-કે-

આપે બ્રહ્મ-સૂત્ર માં વેદાંત ની બહુ ચર્ચા કરી. આત્મા-અનાત્મા નો બહુ વિચાર કર્યો. જીવ કેવો છે?ઈશ્વર કેવો છે? જગત

કેવું છે ? –તેવી બહુ ચર્ચા કરી.

યોગસૂત્ર ના ભાષ્ય માં –યોગ ની બહુ ચર્ચા કરી.સમાધિ ના ભેદો નુ બહુ વર્ણન કર્યું.

પુરાણો માં ધર્મ ની વ્યાખ્યા ઓ કરી-વર્ણાશ્રમ ધર્મ નુ વર્ણન કર્યું. -પણ-

ધર્મ-જ્ઞાન અને યોગ –એ સર્વ ના આધાર-શ્રીકૃષ્ણ છે. આ સર્વ ના આત્મા શ્રીકૃષ્ણ છે. તેની લીલા-કથા આપે પ્રેમ માં

પાગલ થઇ ને વર્ણવી નથી. તમે ભગવાન નો નિર્મળ યશ પૂર્ણ રીતે વર્ણવ્યો નથી.

હું માનું છું-કે –જે વડે ભગવાન પ્રસન્ન ના થાય-તે શાસ્ત્ર અપૂર્ણ જ છે.

વળી તમારું તત્વ જ્ઞાન કળિયુગ ના વિલાસી-ભોગી લોકો ને ઉપયોગી થશે નહિ.

તમારુ જીવન કલિયુગના જીવોનું કલ્યાણ કરવા-જીવો નો ઉદ્ધાર કરવા થયો છે. તમારું તે અવતાર કાર્ય હજુ તમારે હાથે

પૂર્ણ થયું નથી.તેથી તમારા મન માં ખટકો છે.

જ્ઞાની  પુરુષ પણ પરમાત્માના પ્રેમ માં પાગલ ના થાય –ત્યાં સુધી આનંદ મળતો નથી.પ્રભુ મિલન માટે જે આતુર થતો નથી

તેનું જ્ઞાન શું કામનું ?

મને એમ લાગે છે કે -કળિયુગ નો ભોગી મનુષ્ય યોગાભ્યાસ કરી શકશે નહિ-અને કદાચ કરવા જશે તો રોગી થશે.

કળિયુગ નો ભોગી જીવ –તમારા બ્રહ્મસુત્ર-વગેરે સમજી શકશે નહિ. વિલાસી મનુષ્ય તમારા ગહન સિદ્ધાંતો શી રીતે સમજી

શકશે

આપે જ્ઞાન ની બહુ ચર્ચા કરી છે-

કર્મ યોગ નુ સ્વરૂપ બતાવ્યું-યોગશાસ્ત્ર ઉપર ભાષ્ય રચ્યું.

તમે કોઈ ગ્રંથ માં જ્ઞાન ને તો કોઈ ગ્રંથ માં કર્મ ને મહત્વ આપ્યું છે. મહાભારત માં કૃષ્ણ કથા વર્ણવી-પણ તેમાં –

ધર્મ - ને મહત્વ આપ્યું છે. આપે આ બધાં ગ્રંથો માં પ્રભુ પ્રેમ ને ગૌણ ગણ્યો. અને ક્યાંય તમે ભગવાન ની લીલા-કથાનું-પ્રેમથી-વિસ્તારપૂર્વક વર્ણન કર્યું નથી.

પૂર્વ મીમાંસા - માં આપે કર્મ માર્ગ-પ્રવૃત્તિ ધર્મ નુ વર્ણન કર્યું.-કહ્યું-કે –જીવન ના છેલ્લા શ્વાસ સુધી સત્કર્મ છોડશો નહિ.

ઉત્તર મીમાંસા –માં નિવૃત્તિ ધર્મ નુ વર્ણન કર્યું, અને સન્યાસ-જ્ઞાન ને પ્રાધાન્ય આપ્યું.

મને એમ લાગે છે કે-આ બંને માર્ગો-કળિયુગ માં ઉપયોગી થઇ શકશે નહિ. કોઈ મધ્યમ રસ્તો બતાવો.

કર્મ કરે પણ –તે કૃષ્ણ પ્રેમ વિનાનું હોય –તો તેની કિંમત થતી નથી. સત્કર્મ કરતાં “હું”-અહમ વધી જાય-ને પ્રભુમાં પ્રેમ

ના જાગે તો –એ સત્કર્મ શા કામનું ?

આ બધું –પ્રભુને માટે કરું છું-એવી ભાવનાથી કર્મ થવું જોઈએ.

કૃષ્ણ પ્રેમ વગર-કર્મ નો આગ્રહ-વ્યર્થ છે-જ્ઞાન વ્યર્થ છે-યોગ વ્યર્થ છે-ધર્મ વ્યર્થ છે.

કૃષ્ણ પ્રેમ વગર જ્ઞાન ની શોભા નથી.-એ જ્ઞાન શુષ્ક છે. જ્ઞાન નુ ફળ-પૈસા-પ્રતિષ્ઠા કે પરોપકાર નથી-પણ

પ્રભુ ના ધ્યાન માં મગ્ન રહેવું-એ જ્ઞાન નુ ફળ છે.

બધાં પ્રવૃત્તિ(કર્મ) માં ફસાયેલાં રહે-તે પણ યોગ્ય નથી-પ્રવૃત્તિ માં વિવેક રાખવો જોઈએ.

બધાં નિવૃત્તિ (જ્ઞાન)માં રહે તે પણ યોગ્ય નથી.

પ્રવૃત્તિ અને નિવૃત્તિ નો સમન્વય –કૃષ્ણ પ્રેમથી થાય છે.

વ્યવહાર અને પરમાર્થ નો સમન્વય –કૃષ્ણ પ્રેમ થી થાય છે.

પ્રવૃત્તિ-પરમાત્મા માટે કરે-પરોપકાર માટે કરે –તો તે પ્રવૃત્તિ પણ નિવૃત્તિ નુ ફળ આપે છે.

પરમાત્મા ને પ્રસન્ન કરવા જે –પ્રવૃત્તિ કરે- તે નિવૃત્તિ જ છે.

પ્રવૃત્તિ અને નિવૃત્તિ નો –સમન્વય કરી બતાવે-તેવી કથા આપ કરો.

ભગવત-પ્રેમ માં મનુષ્ય તન્મય બને તો –તેને જ્ઞાન અને યોગ –બંને નુ ફળ મળે છે.

કૃષ્ણ-કિર્તન અને કૃષ્ણકથા –વગર કળિયુગ માં મનુષ્ય નુ જીવન સુધરશે નહિ.
કૃષ્ણ પ્રેમ જાગે તો જ જીવન સુધરે છે.

---------------------------------------------------------------------------------------------------------



ભાગવત રહસ્ય-૪૬
    

સ્કંધ પહેલો-૧૭ (ચાલુ)

પરમાત્મા જેને પોતાનો ગણે છે તેને જ પોતાનું સ્વરૂપ બતાવે છે.

પ્રભુ એ પોતાનું- નામ- પ્રગટ રાખ્યું છે-પણ પોતાનું સ્વ-રૂપ છુપાવ્યું છે. જયારે લાડીલા ભક્તો-પરમાત્મા ની બહુ ભક્તિ કરી

ભગવાન ને લાડ લડાવે છે-ત્યારે-જ પરમાત્મા પોતાનું સ્વ-રૂપ બતાવે છે.

અરે! સામાન્ય –જીવ પણ-જ્યાં પ્રેમ ના હોય-ત્યાં- પોતાનું સ્વરૂપ(વસ્તુ) છુપાવે છે.

અજાણ્યા અને પારકા ના સામે તિજોરી પણ ખોલતો નથી. જેના તરફ થોડો પ્રેમ હોય તો-વગર કહ્યે બધું બતાવે છે.

અને જો અતિશય પ્રેમ હોય તો-તિજોરી ની ચાવી પણ આપી દે છે.

તો પછી-અતિશય પ્રેમ વગર-પરમાત્મા પણ કેવી રીતે પ્રગટ થાય ? જીવ જયારે અતિશય પ્રેમ કરે છે-ત્યારે-જ-

ભગવાન માયા નો પડદો દૂર હટાવી દે છે-અને પ્રગટ થાય છે.

ભલે મોટો જ્ઞાની હોય-પણ પરમાત્મા સાથે અતિશય પ્રેમ ના કરે ત્યાં સુધી તેણે પણ પરમાત્મા નો અનુભવ થતો નથી.

ઘર-પત્ની-બાળકો-કપડાં-જોડા-પૈસા-આ બધા સાથે પ્રેમ હોય-એ જ્ઞાની કેમ કહેવાય?

આજકાલ –લોકો –પલંગ માં બેસી-પુસ્તકો વાંચી-પડ્યા-પડ્યા-જ્ઞાની બની જાય છે.

તેમને - સત્સંગ-ગુરુ- ની જરૂર નથી પડતી-બ્રહ્મચર્ય પાળવાની જરૂર નથી પડતી. કૃષ્ણ-લીલા ના ગાન ની જરૂર નથી પડતી.

આવા પુસ્તકિયા-જ્ઞાન- સાથે - માનવી અશાંત છે. કારણ –એ -માત્ર-જ્ઞાન પણ સાચું નથી-(અનુભવ વગરનું છે-માટે) અને

પરમાત્મા પ્રત્યે પ્રેમ પણ ક્યાં છે ?

જ્ઞાન ની શોભા પ્રેમથી છે-ભક્તિ થી છે-જો સર્વ માં ભગવત-ભાવ ના જાગે તો તે જ્ઞાન શું કામનું ?

જ્ઞાની થવું કઠણ નથી-પ્રભુ - પ્રેમી થવું કઠણ છે. પ્રભુ માં વિશ્વાસ રાખો. પ્રભુ ને યાદ રાખો.

જે પરમાત્મા સાથે પ્રેમ કરે છે-તેની ચિંતા પરમાત્મા કરે છે.

જગત સાથે કરેલો પ્રેમ –પરિણામ માં રડાવે છે. જીવ પાસે ઈશ્વર બીજું કઈ માંગતા નથી-ફક્ત પ્રેમ માગે છે.

કળિયુગ ના મનુષ્ય ને સમયસર ગરમ પાણી કે ગરમ –ચા –ન મળે –તો તે મગજ ગુમાવી બેસે છે.

એવો મનુષ્ય યોગ શું સિદ્ધ કરી શકવાનો છે.?

જેની ભોગ મા આસક્તિ છે-તેનું શરીર સારું નથી રહેતું-રોગી બને છે.

જેની દ્રવ્ય મા આસક્તિ છે- તેનું મન સારું રહેતું નથી-મન અશાંત રહે છે.

આવા મનુષ્યોને યોગ સિદ્ધ થતો નથી.

ચિત્ત-વૃત્તિ ના નિરોધ ને યોગ કહે છે (પતંજલ-યોગ-સૂત્ર).તેને સિદ્ધ કરવો મુશ્કેલ છે.

વાતો બ્રહ્મ-જ્ઞાન ની કરે અને પ્રેમ પૈસા સાથે કરે તેણે પરમાત્મા મળતા નથી. તેણે આનંદ મળતો નથી.

“હવે આપ એવી કથા કરો કે-જેથી બધાને લાભ થાય-સર્વ ને પ્રભુ પ્રત્યે પ્રેમ જાગે-એવું પ્રેમ શાસ્ત્ર બનાવો કે-

સહુ કૃષ્ણપ્રેમ મા પાગલ બને. કથા શ્રવણ કરનારને કનૈયો-લાલો  વહાલો લાગે અને સંસાર તરફ સૂગ આવે.

અને આવી કથા કરશો તો જ તમને શાંતિ મળશે.”

વ્યાસજી એ પણ જ્યાં સુધી ભાગવત શાસ્ત્ર ની જ્યાં સુધી રચના ના કરી ત્યાં સુધી તેમને શાંતિ મળી નહિ.

બધાં કર્મ ની આસક્તિ છોડી શકતાં નથી. પરંતુ પ્રભુ મા પ્રેમ જાગે-તો ધીરે ધીરે સંસાર નો મોહ-ઓછો થાય છે.

પ્રભુ માં પ્રેમ હોય હોય તો-સંસાર અને પરમાર્થ બંને મા સફળતા મળે છે.

“કળિયુગ માં મનુષ્યોને ઉદ્ધાર-અન્ય કોઈ સાધનો થી થશે નહિ-ફક્ત કૃષ્ણ કિર્તન અને કૃષ્ણ સ્મરણ  થી જ  ઉદ્ધાર થશે.

પરમાત્મા ની લીલાકથાનું વર્ણન આપ અતિ પ્રેમપૂર્વક કરો. આપ તો જ્ઞાની છો. મહારાજ આપને વધુ શું કહું ?

હું મારી જ કથા આપને કહું છું. હું કેવો હતો અને કેવો થયો.”

વ્યાસજી ની ખાતરી માટે નારદજી પોતાનો જ દાખલો આપે છે.પોતાના પૂર્વ જન્મ ની કથા સંભળાવે છે.

કથા શ્રવણ અને સત્સંગ નું ફળ બતાવે છે.

“હું દાસી પુત્ર હતો.મને અચાર વિચાર નું ભાન હતું નહિ.પણ મેં ચાર મહિના કનૈયા ની કથા સાંભળી.મને સત્સંગ થયો.

મારું જીવન સુધારી-દિવ્ય બન્યું અને દાસીપુત્ર માંથી દેવર્ષિ બન્યો. આ પ્રભાવ-સત્સંગ નો છે-કૃષ્ણ કથા નો છે.

આ બધી કૃપા મારા ગુરુની છે. મને કોઈ માન આપે ત્યારે મને મારા ગુરુ યાદ આવે છે.
વ્યાસજી-નારદજી ને કહે છે-કે- તમારા પૂર્વજન્મ ના -ઇતિહાસ ની કથા વિસ્તારથી કહો.

--------------------------------------------------------------------------------------------------------------------


ભાગવત રહસ્ય-૪૭
    

સ્કંધ પહેલો-૧૮ (ચાલુ)

નારદજી કહે છે કે-સાંભળો.

હું સાત-આઠ વર્ષ નો હોઈશ.મારા પિતા નાનપણ માં મરણ પામેલા.તેથી મને મારા પિતા બહુ યાદ નથી.

પણ મારી મા એક બ્રાહ્મણ ના ઘરમાં દાસી તરીકે કામ કરતી હતી. હું દાસી-પુત્ર હતો. હું ભીલ ના બાળકો સાથે રમતો.

મારા પૂર્વ જન્મ ના પુણ્ય નો ઉદય થતાં-અમે જે ગામ માં રહેતા હતા-ત્યાં ફરતા ફરતા કેટલાક ભજનાનંદી સંતો આવ્યા.

ગામ લોકો એ તેમનું સન્માન કર્યું. કહ્યું કે- ચાર મહિના અમારા ગામ માં રહો. તમારા જ્ઞાન-ભક્તિ નો અમને લાભ આપો.

અને સંતો ને કહ્યું-આ બાળકને અમે તમારી સેવામાં સોંપીએ છીએ.તે તમારા વાસણ માંજ્શે-કપડાં ધોશે-પૂજાના ફૂલો લાવશે.

ગરીબ વિધવા નો છોકરો છે. પ્રસાદ પણ તમારી સાથે જ લેશે.

“સાચાં સંત મળવા મુશ્કેલ છે-કદાચ મળે તો એવા સંતો ની સેવા મળવી મુશ્કેલ છે.

મને સંતો ના એકલા દર્શન જ નહિ-પણ સેવા કરવાનો પણ લાભ મળ્યો.

મારા ગુરુ-પ્રભુ ભક્તિ થી રંગાયેલા હતા.સાચા સંત હતા. અમાની હતા-બીજાને માન આપતા હતા.

મને તેમના પ્રત્યે સદભાવ જાગ્યો.એમના સંગ થી મને ભક્તિ નો રંગ લાગ્યો.

ગુરુ એ મારું નામ હરિદાસ રાખ્યું.

ગુરુદેવ પ્રેમ ની મૂર્તિ હતા.સંતો ને સર્વ પ્રત્યે સદભાવ હોય છે,પણ મારા પર ગુરુદેવે વિશિષ્ટ કૃપા કરી.

ગુરુજી જાગે તે પહેલાં હું ઉઠતો.ગુરુજી સેવા કરે ત્યારે ફૂલ-તુલસી હું લઇ આવતો.

મારા ગુરુજી આખો દિવસ વેદાંત ની-બ્રહ્મ-સૂત્ર ની ચર્ચા કરે પણ રોજ રાતે કૃષ્ણ-કથા ,કૃષ્ણ કિર્તન કરે.

કનૈયો તેમને બહુ વહાલો.તેમના ઇષ્ટ દેવ બાલકૃષ્ણ હતા.”

આ ઋષિઓ-સંતો –બાલકૃષ્ણ ની આરાધના કરે છે.બાળક જલ્દી પ્રસન્ન થાય છે. કનૈયા નો કોઈ ભક્ત –તેને બોલાવે તો –

લાલો –દોડતો આવે છે.

“મારા નાનપણ થી એક-બે ગુણો હતા.હું વહેલો ઉઠતો.-વહેલો ઉઠનાર –સંતો ને ગમે છે.

હું બહુ ઓછું બોલતો. બહુ બોલનાર-સંતો ને ગમતા નથી.

મારા મા વિનય હતો-ગુરુદેવ પાસે હાથ જોડી હું ઉભો રહેતો.”

“એક દિવસ કથા મા મારા ગુરુદેવ બાલકૃષ્ણ ની બાળ-લીલા નું વર્ણન કરતાં હતા.તે મેં સાંભળી. બાળ-લીલા મા પ્રેમ છે.

નાનાં બાળકો- કનૈયા ને બહુ વહાલા લાગે. શ્રી કૃષ્ણ નો મિત્ર પ્રેમ અલૌકિક છે. મિત્રો માટે એ માખણચોર બન્યા છે.

ચોરી કરી માખણ પોતે ખાધું નથી-મિત્રો ને ખવડાવ્યું છે. ગુરુદેવે બાળ લીલા નું એવું વર્ણન કર્યું –કે મને બહુ  આનંદ થયો.

કથા શ્રવણ થી લાલા- માટે સદભાવ જાગ્યો. મારું-કોળીઓના –બાળકો સાથે રમવાનું છૂટી ગયું. હું રમવાનું ભૂલી ગયો-અને

રોજ કથા મા જવા લાગ્યો. શ્રી કૃષ્ણ લીલા મા એવું આકર્ષણ છે. કે જે સાધુ-સન્યાસી ઓના મન ને પણ ખેચી લે છે.”

સંતો ની આંખ શુદ્ધ હોય છે. પવિત્ર હોય છે. સંતો આંખમાં પરમાત્મા ને રાખે છે. તેથી તેમનામાં અલૌકિક શક્તિ હોય છે.

સંત ત્રણ પ્રકારે કૃપા કરે છે.

સંત જેની તરફ વારંવાર કૃપા દ્રષ્ટિ થી નિહાળશે –તેનું જીવન સુધારી જશે.

માળા કરતાં –જેને સંભાળશે-તેનું જીવન ધન્ય  થશે.

પ્રેમ માં જેને ભેટી પડે-તેનું કલ્યાણ થશે.

ગૌરાંગ મહાપ્રભુ ના ચરિત્ર મા કથા આવે છે. તેમને એક એક યવન (અંગ્રેજ)પર કૃપા કરેલી.

વૈષ્ણવો ના કિર્તન થી એક યવન ની નિંદ્રા મા ભંગ થાય. તેથી તે યવન વૈષ્ણવો ને ચાબુક થી મારે છે.

મહાપ્રભુ એ આ સાંભળ્યું. હું આજે ત્યાં કિર્તન કરીશ.’હરિ બોલ-હરિ બોલ’કરતાં ત્યાં ગયા છે.પેલો અધમ જીવ હતો.

તે મહાપ્રભુ ને મારવા ગયો. મહાપ્રભુ તેણે પ્રેમ થી ભેટી પડ્યા. યવન ના જીવન મા પલટો આવ્યો.

સંત જેને પ્રેમ થી ભેટી  પડે છે-તેણે કૃષ્ણ-પ્રેમ નો રંગ લાગે છે.

“મારા ગુરુ મને પ્રેમ થી મને વારંવાર નિહાળે. ગુરુજી કહે-આ છોકરો બહુ ડાહ્યો છે. જાતિ હીન છે પણ કર્મહીન નથી.

એક દિવસ સંતો જમી રહ્યાં પછી-હું તેમના પતરાળાં ઉઠાવતો હતો. મને ભુખ લાગી હતી.

ગુરુજી મને આમ સેવા કરતાં જોઈ રહ્યાં હતા-તેમનું હૃદય પીગળ્યું-મને પૂછ્યું -કે-હરિદાસ ,તેં ભોજન કર્યું કે નહિ?

મેં હાથ જોડી વિવેક થી કહ્યું-કે-હું સંતો ની સેવામાં છું.સેવા કર્યા પછી-ભોજન લઈશ.

ગુરુદેવે આજ્ઞા કરી કે-પતરાળાં માં- મેં જે રાખ્યું છે તે તારા માટે રાખ્યું છે. આ મહાપ્રસાદ છે.

મારા જીવ નું કલ્યાણ થાય તેવી ભાવના થી તેમને પ્રસાદ આપ્યો અને મેં ખાધો.”

શાસ્ત્ર ની મર્યાદા છે-કે-ગુરુજી ની આજ્ઞા વિના –ગુરુજી નું ઉચ્છીષ્ઠ (છોડી દીધેલું) ખાવું નહિ.

આનું (શિષ્ય નુ)કલ્યાણ થાય –એવી ભાવના થી ગુરુ પ્રસાદ આપે ત્યારે તે પ્રસાદ મા દિવ્ય શક્તિ આવે છે.

સંત કલ્યાણ ની ભાવના થી પ્રસાદ આપે તો કલ્યાણ થાય છે.

સંત નું હૃદય પીગળતાં- તે બોલી ને આપે ત્યારે –તે પ્રસન્ન થયા છે-તેમ સમજવું.

“એક તો બાલકૃષ્ણ નો એ પ્રસાદ હતો-વળી મારા ગુરુજી આરોગેલા એટલે એ મહાપ્રસાદ થયો. મેં પ્રસાદ ગ્રહણ કર્યો.

મારા સર્વ પાપ નાશ પામ્યાં.મારી બુદ્ધિ સુધરી,મને ભક્તિ નો રંગ લાગ્યો. કૃષ્ણ પ્રેમ નો રંગ લાગ્યો.

તે દિવસે હું કિર્તન મા ગયો-તે વખતે મને નવો જ અનુભવ થયો. કિર્તન મા અનેરો આનંદ આવ્યો અને હું નાચવા લાગ્યો.

હું દેહભાન ભૂલી ગયો. ભક્તિ નો રંગ મને તે જ દિવસથી લાગ્યો. ચાર મહિના પછી મને બાલકૃષ્ણ નો અનુભવ થયો.”

સંપત્તિ આપી સુખી કરવા એ સંત નું કામ નથી. સાચા સંતો જયારે કૃપા કરે છે ત્યારે પાપ છોડાવે છે.

સાચા સંત- સંપત્તિ કે સંતતિ આપીને સુખી કરતાં નથી –પણ સન્મતિ આપીને સુખી કરે છે.

ભગવત પ્રેમ વધારી- ભગવત પ્રેમ સિદ્ધ કરી આપી-ભક્તિ નો રંગ લગાડી સુખી કરે છે.
સાચા સંત-કૃષ્ણ પ્રેમ ના માર્ગ માં- પ્રભુ પ્રેમ ના માર્ગ માં-વાળે છે.

--------------------------------------------------------------------------------------------------------


ભાગવત રહસ્ય-૪૮
     

સ્કંધ પહેલો-૧૯ (ચાલુ)

નારદજી-વ્યાસજી ને પોતાનું આત્મ ચરિત્ર કહી સંભળાવે છે.

“હું ઓછું બોલતો,સેવામાં સાવધાન રહેતો અને વિનય રાખતો. મારા ગુરુદેવે મારા પર ખાસ કૃપા કરી-અને

વાસુદેવ-ગાયત્રી નો મંત્ર આપ્યો. (સ્કંધ-૧ -અધ્યાય-૫ –શ્લોક -૩૭ –એ વાસુદેવ-ગાયત્રી મંત્ર છે)

 નમો ભગવતે તુભ્યં વાસુદેવાય ધીમહિ, પ્રધ્યુમ્નાયા નમઃ સંગર્ષણાય ચ.

ચાર મહિના આ પ્રમાણે  મેં ગુરુદેવ ની સેવા કરી. ચાર મહિના પછી ગુરુજી જવાની તૈયારી કરવા લાગ્યા.

ગુરુજી હવે જવાના –તે જાણી મને દુઃખ થયું. ગુરુજી એકાંત મા વિરાજતા હતા.ત્યાં હું ગયો.સાષ્ટાંગ પ્રણામ કરી-

મેં ગુરુજી ને કહ્યું કે-મને આપ સાથે લઇ જાવ.મારો ત્યાગ ના કરો. હું આપના  શરણે આવ્યો છુ. હું આપને ત્રાસ નહિ કરું.

મને તમારી સેવા માં સાથે લઇ જાવ. મારી ઉપેક્ષા ન કરો.

મારા ગુરુદેવ મહાજ્ઞાની હતા.પ્રારબ્ધ ના લેખ તે વાંચી શકતા હતા. ગુરુદેવે વિધાતા ના લેખ વાંચી મને કહ્યું.કે-

“તું માતાનો ઋણાનુબંધી પુત્ર છે. આ જન્મ માં તારે તેનું ઋણ ચૂકવવાનું છે. માટે મા નો ત્યાગ કરીશ નહિ. તું તારી મા ને

છોડી ને આવીશ, તો તારે ઋણ ચૂકવવા –ફરીથી જન્મ લેવો પડશે. તારી મા નો નિસાસો અમને પણ ભજન માં વિક્ષેપ કરશે.

માટે તું ઘરમાં રહી પ્રભુનું ભજન કરી શકે છે.”

નારદજી કહે છે-કે- “આપે કથા માં એવું  કહ્યું હતું કે-પ્રભુ ભજન માં જે વિઘ્ન કરે તેનો સંગ છોડી દેવો.

પ્રભુ-ભજન માં જે સાથ આપે-ઈશ્વરના માર્ગ માં આગળ લઇ જાય –તે-જ-સાચાં –સગા સ્નેહી.

ભોગ વિલાસ માં ફસાવે એ સાચા સગાં નથી.શત્રુ છે.

હું કથા સાંભળું-જપ કરું તે મારી મા ને ગમતું નથી. મારી મા ની ઈચ્છા છે-કે મને સારી નોકરી મળે-મારું લગ્ન થાય-

મારે સંતાન થાય. સંસારી-માતા પિતા સમજે છે કે-સંસાર મા જ સુખ છે. અને તેમની બસ એવી જ ઈચ્છા હોય છે કે-

મારો પુત્ર પરણી ને વંશ-વૃદ્ધિ કરે. તેમને  એવી ઈચ્છા થતી નથી કે-મારો પુત્ર પરમાત્મા માં તન્મય થાય.

અરે-વંશ વૃદ્ધિ તો રસ્તાનાં પશુ ઓ પણ કરે છે. તેનો અર્થ શો ?

મારી મા -ભક્તિ માં વિક્ષેપ કરનારી છે.

સગાઓ તો દેહનાં –સગાં છે. આત્મા નો સંબંધ પરમાત્મા સાથે છે.

આપે કહેલું કે-આત્મ-ધર્મ અને દેહ ધર્મ માં –વિરોધ આવે ત્યારે-દેહધર્મ નો ત્યાગ કરવો.

કૈકેયી એ ભરતજી ને કહેલું-કે તું ગાદી પર બેસ. માની આજ્ઞાનું પાલન કરવું-એ પુત્ર નો ધર્મ છે.

તેમ છતાં ભરત જી એ-માનો તિરસ્કાર કર્યો.પણ ભરતજી ને પાપ ન લાગ્યું.

મા નો સંબંધ શરીર સાથે છે-પણ રામજી નો સંબંધ આત્મા સાથે છે.

પ્રહલાદજી એ પણ પિતાની આજ્ઞા માની નથી.-આવું બધું આપે કથા મા કહ્યું છે.

મારી મા ના સંગ મા રહીશ તો –તે-મારી ભક્તિ મા –ભજન માં –વિક્ષેપ રૂપ  થશે.”     

મીરાં બાઈ ને લોકોએ બહુ ત્રાસ આપ્યો.ત્યારે તે ગભરાયાં. તેમને –તુલસીદાસજી ને પત્ર લખ્યો.કે-

હું ત્રણ વર્ષ ની હતી-ત્યારથી ગિરધર ગોપાલ જોડે પરણી છુ. આ સગાં સંબંધી ઓ મને બહુ ત્રાસ આપે છે. મારે હવે શું કરવું?

તુલસીદાસે-ચિત્રકૂટ થી પત્ર લખ્યો છે –કે-કસોટી સોનાની થાય છે.પિત્તળ ની નહિ. તારી આ કસોટી થાય છે.

જેને સીતા રામ –પ્યારાં ન લાગે –જેને રાધા-કૃષ્ણ પ્યારાં ન લાગે-એવો જો સગો ભાઈ હોય તો પણ તેનો સંગ છોડી દેવો.

દુસંગ સર્વથા ત્યજવા યોગ્ય છે.

મીરાંબાઈ  એ આ પત્ર વાંચ્યા પછી-મેવાડ નો ત્યાગ કર્યો  અને વૃંદાવન આવ્યા છે.

(ભક્તિ વધારવા-મીરાબાઈ નુ  ચરિત્ર વાંચવા જેવું છે)

ગુરુજી એ કહ્યું-“તું મા નો ત્યાગ કરે તે મને ઠીક લાગતું નથી. જે મા એ તને તન આપ્યું છે-તે તન થી મા ની સેવા કરજે.

માત-પિતા એ તન આપ્યું છે-ઈશ્વરે મન આપ્યું છે. એટલે તન થી માત-પિતાની સેવા અને મન થી ઈશ્વરની સેવા કરવાની.

ઘરનાં લોકો તન અને ધન માગે છે-ઈશ્વર મન માગે છે. પરમાત્મા ને તન અને ધન ની જરૂર નથી. તે તો લક્ષ્મી-પતિ છે.

વિશ્વ ના સર્જનહાર છે. ઘર માં  રહી તું મા ની સેવા કરજે અને મન થી પ્રભુ ની ભક્તિ કરજે. મા ના આશીર્વાદ મળશે- તો જ

તારી ભક્તિ સફળ થશે.

તમારુ તન જ્યાં છે-ત્યાં તમે નથી પણ જ્યાં તમારું મન છે ત્યાં તમે છો.

ભક્ત - તે છે કે-જે મન થી વૃંદાવન માં રહે છે. “મારા કૃષ્ણ ગાયો લઇ વૃંદાવન માં જાય છે-યમુનાના કિનારે ગાયો ચરાવે છે.

મિત્રો સાથે વન માં ભોજન કરે છે, -આ પ્રમાણે- લીલા-વિશિષ્ઠ બ્રહ્મ નુ ધ્યાન કરે છે.”

“બેટા,તન થી તું ઘરમાં રહેજે-પણ મનથી તું ગોકુલ માં રહેજે. બેટા,લાલાંજી, સર્વ જાણે છે.

તારા ભજન માં- મા વિઘ્ન કરશે તો –લાલાજી કૈક લીલા કરશે. ભક્તિ મા વિઘ્ન કરનાર નો ભગવાન નાશ કરે છે.

કદાચ તારી મા ને ઉઠાવી લે. અથવા –તારી મા ની બુદ્ધિ ભગવાન સુધારશે. ઘરમાં રહેજે અને મંત્ર નો જાપ કરજે.

જપ કરવાથી પ્રારબ્ધ ફરે છે. જપ ની ધારા તૂટે નહિ તેનો ખ્યાલ રાખજે”

મેં ગુરુજી ને કહ્યું –આપ જપ કરવાનો કહો છો-પણ હું તો અભણ દાસી-પુત્ર છું. જપ કેમ કરીશ?જપ ની ગણત્રી કેમ કરીશ?

ગુરુજી એ કહ્યું-“જપ કરવાનું કામ તારું છે-જપ ગણવાનું કામ શ્રીકૃષ્ણ કરશે. જપ તું કર અને ગણશે કનૈયો.

જે પ્રેમ થી ભગવાન નુ સ્મરણ કરે તેની પાછળ પાછળ ભગવાન ફરે છે. મારા પ્રભુ ને બીજું કઈ કામ નથી.

જગતની ઉત્પત્તિ-સંહાર- વગેરે નુ કામ –માયા-ને સોંપી દીધું છે.

જપ ની ગણત્રી કરવાની હોય નહિ. જપ ગણશો તો કોઈ ને કહેવાની ઈચ્છા થશે.  થોડા પુણ્ય નો ક્ષય થશે.

૩૨ લાખ જપ થશે-તો વિધાતા નો લેખ પણ ભૂંસાશે. પાપનો વિનાશ થશે.

૩૨ લાખ જપ થશે એટલે તને અનુભવ થશે. મંત્ર થી  જીવ નો ઈશ્વર જોડે સંબંધ થાય છે.

શબ્દ-સંબંધ પહેલાં થાય છે. પછી પ્રત્યક્ષ સંબંધ થાય છે.”

----------------------------------------------------------------------------------------


ભાગવત રહસ્ય-૪૯
      

સ્કંધ પહેલો-૨૦ (ચાલુ)

રોજ એવી ભાવના રાખવી-કે-શ્રીકૃષ્ણ મારી સાથે જ છે. શ્રીકૃષ્ણ પ્રેમ નુ સ્વરૂપ છે.

ખાવા બેસો ત્યારે એવી ભાવના કરો કે-કનૈયો જમવા બેઠો છે. સૂઓ-ત્યારે પ્રભુ સાથે સૂતા છે-એવી ભાવના કરો-

યોગ સિદ્ધિ થાય નહી -ત્યાં સુધી ભાવના કર્યા કરો.

ગુરુ એ કહ્યું-બેટા,તું બાલકૃષ્ણ નુ ધ્યાન કરજે. બાલકૃષ્ણની માનસી સેવા કરજે. બાલકૃષ્ણ નુ સ્વરૂપ અતિ મનોહર છે.

બાળક ને થોડું આપો તો પણ રાજી થાય છે.

“મારા ગુરુજી મને છોડી ને ગયા.મને ઘણું દુઃખ થયું.”

દુર્જન જયારે મળે ત્યારે દુઃખ આપે છે-સંત જયારે છોડી ને જાય ત્યારે. દુઃખ આપે છે.

ગુરુજી નુ સ્મરણ કરતાં નારદજી રડી પડ્યા.

“સાચાં સદગુરુ ને કોઈ સ્વાર્થ હોતો નથી. મેં નિશ્ચય કર્યો. અને જપ ચાલુ કર્યા. હુ સતત જપ કરતો. જપ કર્યા વગર મને

ચેન પડે નહિ. હાલતા-ચાલતાં અને સ્વપ્ન માં પણ જપ કરતો.”

પથારીમાં સૂતા પહેલાં પણ –જપ કરો.  હંમેશાં પ્રેમથી જપ કરો. જપ ની ધારા ન તૂટે.

એક વર્ષ સુધી વાણી થી જપ કરવા. ત્રણ વર્ષ સુધી કંઠ થી  જપ કરવા.ત્રણ વર્ષ પછી મનથી જપ થાય છે.

અને-એ- પછી અજપા –જપ થાય છે.

(ગોરક્ષ સતક - માં લખેલા- મુજબ-શરીર માં અંદર જતો અને શરીર માં થી બહાર આવતા શ્વાસ થી- એક –નાદ(અવાજ)-

જેવો કે-હંસા(હમસા-સોહમ કે એવો કોઈક) થાય છે. આ નાદ(અવાજ) થી થતો-જે-જપ થાય છે.જેને અજપા-જપ કહે છે.

અહીં જપ કરવાના રહેતા નથી. અજપા –એટલે કે કોઈ- જપ(શબ્દ) વગરનો જપ- એના મેળે જ-જાણે – શ્વાસ-જ- જપ કરે છે તેને- અજપા-જપ કહે છે ?!!)

“મા ને સંસાર સુખ ગમતું હતું, મને કૃષ્ણ ભજન ગમતું હતું. હું કામ મા નુ કરું,પણ મનથી જપ શ્રીકૃષ્ણ નો કરું. બાર વર્ષ સુધી

બાર અક્ષર  ના મહા મંત્ર નો જપ  કર્યો. મા ની બુદ્ધિ ભગવાન ફેરવશે-એમ માની મેં કદી સામો જવાબ આપ્યો નથી.

મેં મારી મા નો કોઈ દિવસ- અનાદર કર્યો નહિ.

એક દિવસ મા ગૌશાળા માં – ગઈ હતી ત્યાં તેને સર્પ દંશ થયો. અને મા એ શરીર ત્યાગ કર્યો.

મેં તેના શરીર નો અગ્નિસંસ્કાર કર્યો.

મેં માન્યું-કે મારા ભગવાન નો મારા પર અનુગ્રહ થયો. પ્રભુ એ કૃપા કરી. માતા ના ઋણ માંથી હું

મુક્ત બન્યો. જે કઈ હતું તે બધું - મા ની પાછળ વાપરી નાખ્યું.

મને પ્રભુ મા શ્રદ્ધા હતી.તેથી મેં કઈ પણ સંઘર્યું નહિ.

જન્મ થતાં પહેલાં-જ-માતાના સ્તન માં દૂધ ઉત્પન્ન કરનાર-મારા દયાળુ ભગવાન શું મારું પોષણ નહિ કરે ?

એક વસ્ત્રભેર કપડે મેં ઘર છોડ્યું. મેં કઈ લીધું નહિ. પહેરેલે કપડે મેં ઘર નો ત્યાગ કર્યો”

પશુ- પક્ષી ઓ સંગ્રહ કરતાં નથી-કે ખાવા ની ચિંતા કરતાં નથી. મનુષ્ય ખાવાની ચિંતા બહુ કરે છે.

મનુષ્ય જેટલો સંગ્રહ કરે છે-તેટલો તેને પ્રભુ માં અવિશ્વાસ હોય છે.

જેનું જીવન કેવળ ઈશ્વર માટે છે-તે કદાપિ સંગ્રહ કરતો નથી.

પરમાત્મા અતિ ઉદાર છે.એ તો નાસ્તિક નુ પણ પોષણ કરે છે.

નાસ્તિક કહે છે-કે-હું ઈશ્વર માં માનતો નથી.

માનવ –પરમાત્મા  ની પૃથ્વી પર બેઠો છે-તેમના વાયુ માંથી શ્વાસ લે છે-તેમને બનાવેલું જળ એ પીએ છે-

અને છતાં કહે છે કે હું ઈશ્વર માં માનતો નથી !!!

પરંતુ મારા પરમાત્મા કહે છે-કે-બેટા,તું મને માનતો નથી –પણ હું તને માનું છુ.-તેનું શું ?

જીવ અજ્ઞાન માં ઈશ્વર વિષે -ભલે ગમે તે બોલે પણ –લાલાજી કહે છે કે-તું મારો અંશ છું.

એ-તો -ઈશ્વરની કૃપા છે-એટલે લીલા લહેર છે. પણ લાલાજી ની કૃપા ના હોય તો –લાખ ની રાખ થતાં વાર લાગશે નહિ.

આ સંસાર ઈશ્વર ની આંગળી ના ટેરવા પર છે. લાલાજીના આધારે છે. એટલે સુખી છે.

ફટકા પડે છે,શનિ-મહારાજ ની પનોતી બેસે-એટલે ઘણા ભગવાન માં માનવા લાગે છે. હનુમાનજી ને તેલ-સિંદુર ચઢાવવા

માંડે છે. આમ ફટકો પડે અને ડાહ્યો થાય –તેના કરતાં ફટકો પડે તે પહેલાં સાવધ થાય તેમાં વધુ ડહાપણ છે.

પ્રભુ ને માનવામાં જ કલ્યાણ છે-ના માનવામાં ભયંકર જોખમ છે.

ભલે આપણી જીભ માગે તેટલું-ભગવાન ના આપે-પણ પેટ-માગે એટલું તો બધાને આપે જ છે.

નારદ જી કહે છે-જે ઈશ્વરનો કાયદો પાળતો નથી-ધર્મ ને માનતો નથી-તેવા નાસ્તિક નુ યે- પોષણ જો-ઈશ્વર કરે છે- તો-

મારું પોષણ –શું કનૈયો નહિ કરે ? મેં ભીખ માગી નથી.પરંતુ –પ્રભુ કૃપા થી હું કોઈ દિવસ ભૂખ્યો રહ્યો નથી.

ભગવતસ્મરણ કરતો હું ફરતો હતો.બાર વર્ષ સુધી મેં અનેક તીર્થો માં ભ્રમણ કર્યું. તે પછી ફરતો ફરતો ગંગા કિનારે આવ્યો.

ગંગા સ્નાન કર્યું. પછી-પીપળાના ઝાડ નીચે બેસી-હું જપ કરતો હતો. જપ –ધ્યાન સાથે કરતો હતો.

ગુરુદેવે કહ્યું હતું-કે ખુબ જપ કરજે.મેં જપ કદી નથી છોડ્યા.(પ્રભુ દર્શન આપે તો પણ જપ છોડશો નહિ).

ગંગા કિનારે બાર વર્ષ રહ્યો. ચોવીસ વર્ષ થી ભાવના કરતો હતો કે કનૈયો મારી સાથે છે.

કદાચ મારા પૂર્વ જન્મ ના પાપ ઘણા હશે-તેથી પ્રભુના દર્શન થતાં નથી-એમ હું વિચારતો.

આમ છતાં શ્રદ્ધા હતી કે-એક દિવસ તે જરૂર દર્શન આપશે. મારા બાલકૃષ્ણ ના મારે પ્રત્યક્ષ –દર્શન કરવા હતા.

મારા લાલાજી સાથે મારે કેટલીક ખાનગી વાતો કરવી હતી. સુખ-દુઃખ ની વાતો કરવી હતી.

પ્રત્યેક પળે-વિનવણી કરતો રહેતો -“નાથ,મારી લાયકાત નો વિચાર ન કરો. તમારા પતિત-ઉદ્ધારક ના બિરુદ ને યાદ કરો.”

મને થતું-કે-શ્રીકૃષ્ણ ક્યારે મને અપનાવશે ?ક્યારે મને મળશે ?

મને શ્રી કૃષ્ણ દર્શન ની તીવ્ર લાલસા જાગી  અને કૃષ્ણ દર્શન ની તીવ્ર આતુરતા થઇ હતી.

----------------------------------------------------------------------------------------------------------------------------


ભાગવત રહસ્ય-૫૦
      

સ્કંધ પહેલો-૨૧ (ચાલુ)

નારદજી કહે છે –સતત હું વિચારતો-મારા શ્રીકૃષ્ણ ની ઝાંખી થાય તો કેવું સારું ? અને લાલા એ કૃપા કરી ખરી!!

એક દિવસ ધ્યાન માં મને સુંદર નીલો પ્રકાશ દેખાયો. પ્રકાશ ને નિહાળી ને હું જપ કરતો હતો.

ત્યાં જ –પ્રકાશમાં થી બાલકૃષ્ણ નુ સ્વરૂપ પ્રગટ થયું.

મને બાલ કૃષ્ણ લાલ ના સ્વરૂપ ની ઝાંખી થઇ

પીળું પીતાંબર પહેર્યું છે. કેડ પર કંદોરો છે. આંખમાં મેંશ આંજી  છે.કાન માં કુંડલ પહેર્યા છે.મસ્તક પર મોરપીંછ છે.

મારા કૃષ્ણે કસ્તુરી નુ તિલક કર્યું છે. વક્ષસ્થળ માં કૌસ્તુભમાળા ધારણ કરેલી છે. નાક માં મોતી, હાથ માં વાંસળી છે.

અને આંખો-પ્રેમ થી ભરેલી છે.

મને જે આનંદ થયો તેનું વર્ણન કરવાની શક્તિ-સરસ્વતી માં પણ નથી.

હું દોડ્યો-કૃષ્ણ ચરણ માં વંદન કરવા-પણ-

હું જ્યાં વંદન કરવા ગયો-ત્યાં લાલાજી –અંતર્ધ્યાન થયા.

મને અચરબ અને ખેદ થયો  કે –મારા લાલાજી મને છોડીને કેમ ચાલ્યા ગયા ?

ત્યાં આકાશવાણી એ મને આજ્ઞા કરી-કે-“તારા મન માં સૂક્ષ્મ વાસના હજુ રહેલી છે. જેના મન માં સૂક્ષ્મ વાસના રહેલી છે-

તેવા યોગી ને હું દર્શન આપતો નથી. આ જન્મ માં તો તને મારા દર્શન થશે નહિ. આમ તો તારી ભક્તિ થી હું પ્રસન્ન

થયેલો છું-તારા પ્રેમ ને પુષ્ટ કરવા-તારી ભક્તિ ને દ્રઢ કરવા-મેં તને દર્શન આપ્યા છે. પણ તારે હજુ એક જનમ વધારે

લેવો પડશે. તું આ જન્મ માં સાધના કર-બીજા જન્મ માં તને મારા દર્શન થશે.

સતત ભક્તિ કરજે-દ્રષ્ટિ અને મન ને –સુધારી-સતત –વિચાર કે-હું તારી સાથે છુ. જીવન ના છેલ્લા શ્વાસ સુધી જપ કરવાનો.”

ભજન વિનાનું ભોજન –એ પાપ છે. સત્કર્મ ની સમાપ્તિ  હોય નહિ. જે દિવસે જીવન ની સમાપ્તિ-તે દિવસે સત્કર્મની સમાપ્તિ.

જપ ની પૂર્ણાહુતિ ના હોય.

મને એક ભાઈ મળેલા-મને કહે-મારા સવા લક્ષ જપ પુરા થયા છે-મારે હવે પૂર્ણાહુતિ કરવી છે.મને વિધિ બતાવો.

મેં કહ્યું કે-દાળભાત ની પૂર્ણાહુતિ કરીને આવજે પછી તને પૂર્ણાહુતિ ની વિધિ કહીશ.

અરે..ભોજન ની પૂર્ણાહુતિ  નહિ તો ભજન ની પૂર્ણાહુતિ કેમ થાય ?

“પછી હું ગંગા કિનારે રહ્યો.મરતા પહેલાં –મને અનુભવ થવા લાગ્યો. આ શરીર થી હું જુદો છું.જડ ચેતન ની ગ્રંથી છૂટી ગઈ.”

જડ અને ચેતન ની-શરીર અને આત્મા ની જે ગાંઠ પડી છે-તે ગાંઠ-ભક્તિ વગર છૂટતી નથી.

જડ શરીર થી ચેતન આત્મા જુદો છે-એ સર્વ જાણે છે-પણ અનુભવે કોણ ? જ્ઞાન નો અનુભવ ભક્તિ થી થાય છે.

તુકારામ મહારાજે કહ્યું છે કે-મેં મારી આંખે મારું મરણ જોયું.મારા આત્મ સ્વરૂપ ને નિહાળ્યું.

મન ઈશ્વર માં હોય-અને ઈશ્વર સ્મરણ કરતાં શરીર છૂટી જાય-તો મુક્તિ મળે છે.

મન ને ઈશ્વર નુ સ્મરણ સતત કરાવવા-જપ-વગર અન્ય કોઈ સાધન નથી.

જીભ થી જપ કરો-ત્યારે મન થી સ્મરણ કરવું જોઈએ.

આખું જીવન જેની પાછળ ગયું હશે તે જ અંતકાળે યાદ આવશે. અંત કાળે મોટે ભાગે જીવ-હાય હાય કરતો જાય છે.

“અંત કાળ સુધી મારો જપ ચાલુ હતો. અંત કાળ માં રાધા-કૃષ્ણ નુ ચિંતન કરતાં-મેં શરીર નો ત્યાગ કર્યો. મારું મૃત્યુ મેં

પ્રત્યક્ષ જોયું. મને-મૃત્યુ નુ જરા પણ કષ્ટ થયું નહિ “

માખણ માંથી વાળ કાઢતા બિલકુલ ત્રાસ થતો નથી. સંતો ને શરીર છોડતા બિલકુલ દુઃખ થતું નથી.

પણ સુકાયેલા માટીના ગોળામાં વાળ ફસાયેલો હોય-તો તેને કાઢતાં –જેવી દુર્દશા થાય- તેવી –દુર્દશા –સંસારી જીવ

જયારે  શરીર છોડે ત્યારે થાય છે. યમરાજા –તેને ત્રાસ આપતા નથી-ઘરની મમતા તેને ત્રાસ આપે છે.

શરીર છોડવું તેને ગમતું નથી.

“તે પછી હું બ્રહ્માજી ને ત્યાં જન્મ્યો. પૂર્વ જન્મ ના કર્મો નુ ફળ-આ જન્મ માં મને મળ્યું. મારું નામ નારદ રાખવામાં આવ્યું.

પૂર્વ જન્મ માં કરેલા ભજન થી મારું મન સ્થિર થયું છે. પૂર્વ જન્મ માં મારે મન સાથે બહુ ઝગડો કરવો પડ્યો હતો.

મન ને સમજાવું પણ તે માને નહિ.

ભક્તિ કરવી પણ સહેલી નથી.મન ને વિષયો માંથી હટાવીને-તેને પ્રભુ માં લગાડવાનું હોય છે.

હવે મન ને સમજાવવાની જરૂર પડતી નથી. હવે મારું મન સંસાર તરફ જતું નથી. હવે તો આંખ બંધ  કરું છું ત્યાં- અનાયાસે

શ્રીકૃષ્ણ ના દર્શન થાય છે. હવે હું સતત પરમાત્મા ના દર્શન કરું છુ.

એકવાર ફરતો ફરતો –હું ગોલોક ધામ માં ગયો.ત્યાં રાધા-કૃષ્ણ ના દર્શન થયા. હું કિર્તન માં તન્મય હતો.

પ્રસન્ન થઈને રાધાજી એ મારા માટે-પ્રભુ ને ભલામણ કરી-કે –નારદ ને પ્રસાદ આપો. “

વ્યાસજી એ પૂછ્યું-ભગવાને તમને પ્રસાદ માં શું આપ્યું ?

નારદજી કહે છે કે-

શ્રી કૃષ્ણે મને પ્રસાદ માં –આ તંબુરો(વીણા) આપ્યો.

અને મને કહ્યું-“કૃષ્ણ કિર્તન કરતો કરતો જગત માં ભ્રમણ કરજે-અને મારા થી વિખુટા પડેલા અધિકારી જીવ ને

મારી પાસે લાવજે. સંસાર પ્રવાહ માં તણાતા જીવો ને મારી તરફ લઇ આવજે.”


No comments:

Post a Comment