Disclaimer

Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Monday, October 9, 2017

ભાગવત રહસ્ય-૭૪--૮૨ ડોંગરેજી મહારાજ ની ભાગવત કથા

ભાગવત રહસ્ય-૭૪  -૮૨
ડોંગરેજી મહારાજ ની ભાગવત કથા પર આધારિત       

 જગત માં ગુરુ –સુલભ છે. પણ સદગુરુ મળવા દુર્લભ છે.      

સ્કંધ બીજો- ૧ (જ્ઞાનલીલા)

સદ(સત-સત્ય) એ પરમાત્મા નું નામ છે. સર્વ માં ઈશ્વર નાં દર્શન કરે તે સદગુરુ.પરમાત્મા નો સાક્ષાત્કાર કરાવી આપે તે-સદગુરુ.

માત્ર શબ્દો થી ઉપદેશ આપે તે ગુરુ.(આધુનિક-અત્યારના જમાના માં આવા ગુરુ ઠેર ઠેર જોવા મળે છે)

જગત માં ગુરુ –સુલભ છે. પણ સદગુરુ મળવા દુર્લભ છે.

જેનો પ્રત્યેક વ્યવહાર –જ્ઞાન અને ભક્તિ,વૈરાગ્ય થી ભરેલો છે. અને એક પળ પણ શ્રી કૃષ્ણ ના દર્શન વગર રહી શકતા નથી-

તે મહાત્મા સદગુરુ છે. શુકદેવજી એક પળ પણ પ્રભુનું સ્મરણ કર્યા વગર રહી શકતા નથી-એટલે તે સદગુરુ છે.

અધિકારી શિષ્ય ને સદગુરુ અવશ્ય મળે છે. પરીક્ષિત અધિકારી હતો –એટલે સદગુરુ સામેથી આવી મળ્યા.

પાંચ પ્રકારની શુદ્ધતા પરીક્ષિત માં છે. માતૃશુદ્ધિ-પિતૃશુદ્ધિ-દ્રવ્યશુદ્ધિ-અન્નશુદ્ધિ-આત્મશુદ્ધિ.

અત્યારના જમાનામાં શુદ્ધતા જોવા મળતી નથી. જગત મા નકલી માલ બહુ વધી ગયો છે. સાચા સંત કોણ છે ? તેની સમજ પડતી

નથી. માટે વિચારી ને ગુરુ કરજો. પંચભૌતિક સ્વરૂપ માં(શરીર થી) સદગુરુ મળે તો ઉત્તમ છે. પણ જો –કદાચ પ્રત્યક્ષ ગુરુ –ના મળે

તો-થઇ ગયેલા કોઈ મહાપુરુષ માં સદગુરુ ની ભાવના રાખો.

આવા થઇ ગયેલા સંતો નું આધિભૌતિક શરીર ભલે ના હોય –પણ-તેઓનું આધ્યાત્મિક શરીર હજુ છે. તેઓ આપણા માટે હજુ છે.

અને છેવટે કોઈ નહી-તો  -કૃષ્ણં વંદે જગદગુરુમ.-પરમાત્મા શ્રી કૃષ્ણ જગદ ગુરુ છે.

(સદગુરુ માટે ફાંફાં મારવા કરતાં-પોતાની જાતને પહેલાં –તૈયાર કરીએ તો સદગુરુ સામેથી આવી મળશે.)

સંત થયા વગર સંત ને ઓળખી શકતા નથી.કે સંત મળતાં નથી. સંત થવા મન ને સુધારવાની જરૂર છે. ભક્તિ ની જરૂર છે.

તુકારામ જી મહારાજે-પોતાનો અનુભવ વર્ણન કર્યો છે.

‘કથા-વાર્તા સાંભળતા પ્રભુ નામ પર પ્રીતિ થઇ,વિઠ્ઠલ વિઠ્ઠલ નો જપ હું કરવા લાગ્યો. ભગવાન ને મારા પર દયા આવી. મને પહેલાં

સ્વપ્ન માં સદગુરુ મળ્યા. પછી હું એક દિવસ ગંગા માં સ્નાન કરીને આવતો હતો-ત્યારે-રસ્તામાં-મને- મારા સદગુરુ મળ્યા.

મને કહે વિઠ્ઠલનાથ ની પ્રેરણાથી હું તને ઉપદેશ દેવા આવ્યો છું. અને મને મંત્ર દીધો—રામ કૃષ્ણ હરિ.

ગુરુ દક્ષિણા માં ગુરુદેવે મારી પાસે પાશેર-તુપ-એટલે કે ઘી માગ્યું.(શું તુકારામ ના ગુરુ ને પાશેર ઘી નહિ મળતું હોય ?)

પણ તુકારામ ની વાણી ગુઢાર્થ ભરલી છે.

તુપ –એટલે-તારું-તુંપણું-અને હુંપણું મને આપ. તારું અભિમાન મને આપ.

તારા દેહના ભાવ તું મને અર્પણ કર.તું શુદ્ધ છે.તું ઈશ્વરનો અંશ છે.

અને આ રીતે ગુરુએ જીવ નો ઈશ્વર સાથે નો સંબંધ સિદ્ધ કરી આપ્યો.

સંતો નો પ્રત્યેક વ્યવહાર –જ્ઞાન અને ભક્તિ થી ભરેલો હોય છે. શુકદેવજી ગુરુ નહિ પણ સદગુરુ છે. શુકદેવજી જેવા –બ્રહ્મદૃષ્ટિ

રાખનારા સુલભ નથી. કેવળ બ્રહ્મજ્ઞાની-બ્રહ્મજ્ઞાન ની વાતો કરનારા સુલભ છે.

આગળ કથા આવશે-ધ્રુવજી ને રસ્તામાં નારદજી મળ્યા છે,પ્રચેતા ઓ ને શિવજી મળ્યા છે.અધિકારી શિષ્ય ને ગુરુ આવી મળે છે.

પરીક્ષિત રાજા શુકદેવજી ને પૂછે-છે-કે-

જેનું મરણ નજીક આવ્યું હોય-તેનું અને મનુષ્ય માત્ર નું કર્તવ્ય શું છે ?શું કરવું અને શું ના કરવું તે મને સમજાવો.

શુકદેવજી બોલ્યા-રાજન તે પ્રશ્ન સુંદર કર્યો છે. રાજા ને ધન્યવાદ આપ્યા છે. સમાજ નું કલ્યાણ થાય તેવો પ્રશ્ન કર્યો છે.

શ્રવણ કરો- અંતકાળમાં વાત-પિત્ત અને કફ થી ત્રિદોષ થાય છે.મૃત્યુ ની વેદના ભયંકર છે. જન્મ મરણ ના દુઃખ નો વિચાર કરો-

તો પાપ નહિ થાય. તેથી મૃત્યુ ની બીક રાખો-તેનું સ્મરણ રાખો.

વિચાર કરો કે-મૃત્યુ ને ભેટવાની-તૈયારી કરી છે કે નહિ.

આ પ્રમાણે ચિંતન કરવાથી વૈરાગ્ય આવે છે. સંસાર ઉપર વૈરાગ્ય લાવવા માટે- આ એક જ ઉપાય છે.

પરમાત્મા તમને વધુ સુખ અને સંપત્તિ આપે અને સુખી કરે તો પણ જન્મ મરણ ના દુઃખ ને ભૂલશો નહિ. મરણ ના દુઃખ ને

ભૂલશો નહિ. મરણ ને નિવારવું અશક્ય છે. જન્મ,મૃત્યુ,જરા,વ્યાધિ નાં દુઃખો નો વારંવાર વિચાર કરો. તો વૈરાગ્ય આવશે-પાપ છૂટશે.

બાકી પાપ ના સંસ્કારો જલ્દી છૂટતા નથી. વિચાર વિના –વિવેક-વૈરાગ્ય આવતા નથી. ઈશ્વર નું ચિંતન થતું નથી.


----------------------------------------------------------------------------------------------------------------------------




ભાગવત રહસ્ય-૭૫
ડોંગરેજી મહારાજ ની ભાગવત કથા પર આધારિત       

સ્કંધ બીજો- ૨

માયા એવી છે કે-સુખ-સંપત્તિ માં ભક્તિ કરવા દેતી નથી. માયા બે રીતે મારે છે. અનુકૂળ પરિસ્થિતિ માં વાસના વધે છે.

પ્રતિકૂળ પરિસ્થિતિ માં મનુષ્ય હૈયું બાળે છે.

માટે ભજન માટે અનુકૂળ સમયની રાહ જુઓ નહિ. કોઈ પણ ક્ષણ ભજન માટે અનુકૂળ છે.કોઈ અડચણ ન રહે પછી ભક્તિ કરીશ.

એમ માનવું એ અજ્ઞાન છે.

એક ભાઈ એ સાંભળ્યું કે અમાવાસ્યા ના દિવસે-સમુદ્ર સ્નાન કરવાથી સર્વ નદીઓ માં સ્નાન કરવાનું પુણ્ય મળે છે. તેથી તે સમુદ્ર માં

સ્નાન કરવા માટે  ગયો. પણ સ્નાન કરવાને બદલે-તે ત્યાં જ  બેસી રહ્યો.

લોકોએ તેને પૂછ્યું-સ્નાન કરો ને,કેમ શાંત બેસી રહ્યાં છો.  સ્નાન ક્યારે કરશો?

તે પુરુષે કહ્યું-સમુદ્ર માં ઉપરા ઉપરી તરંગો આવે છે.આ તરંગો બંધ થાય,સમુદ્ર શાંત થાય,સ્થિર થાય પછી –હું સ્નાન કરીશ.

દરિયો કદી શાંત થયો નથી અને થવાનો નથી. રાહ જોઈ બેસો-તો કયારેય સ્નાન થાય જ નહિ.તરંગો નો ત્રાસ સહન કરવો જ પડે છે.

તે પ્રમાણે સંસાર એ સમુદ્ર છે.તેમાં અડચણ રૂપી તરંગો તો આવવાના જ.

એટલે કોઈ કહે-કે બધી અનુકુળતા થશે-પછી હું પરમાત્મા નું ધ્યાન કરીશ. તો એવી સર્વાંગી અનુકુળતા આવતી જ નથી.

જેમ પેલો મનુષ્ય સ્નાન વગર રહી ગયો-તેમ તેવા વિચારનો મનુષ્ય –ઈશ્વરભજન વગર રહી જાય છે.

જે આવા વિચાર કરે –તો માનવું કે-એનું મન એને છેતરે છે.

જીવન માં એક અડચણ દૂર થાય તો બીજી આવી ને ઉભી થઇ જાય છે.

જીવ પાપ અને પુણ્ય બંને લઈને આવે છે.

પાપનું ફળ દુઃખ છે. અને પુણ્ય નું ફળ સુખ છે. જેથી જીવન માં અડચણ તો આવે જ છે.

માટે એવો દૃઢ નિશ્ચય કરો-કે-ગમે તે અડચણ આવે પણ કૃષ્ણ નું નામ ન છૂટે.

અતિ દુઃખ આવે –અડચણ આવે –તો પણ જીવ ભોજન ક્યાં છોડે છે ? પ્રિયજન નું મૃત્યુ થયું હોય –ત્યારે-જમવું નથી-જમવું નથી-

એમ બોલે છે.પણ બધાં લોકો જાય એટલે ચુપકી થી જમી લે છે. માનવ ભજન છોડે છે-પણ ભોજન છોડતો નથી.

લોભી જેમ પૈસાનું લક્ષ્ય રાખે છે-તેમ મહાપુરુષો પરમેશ્વરનું લક્ષ્ય રાખે છે. માટે પરમેશ્વર ને મળવાનું –પરમાત્મા જોડે એક થવાનું

લક્ષ્ય ભૂલશો નહિ. ભલે ગમે તેટલી અડચણો આવે.

મનુષ્ય જન્મ નો એટલો જ લાભ છે કે-જીવન ને એવું બનાવી દેવામાં આવે-કે મૃત્યુ નું સમયે ભગવાન ની સ્મૃતિ અવશ્ય બની રહે.

ગીતામાં પણ લખ્યું છે-કે-જે અંતકાળે મારું સ્મરણ કરતો-દેહનો ત્યાગ કરે છે-તે મને પામે છે.(ગીતા-૮-૫)

લોકો એમ મને છે-કે-આખી જિંદગી કામધંધો કરીશું-કાળાં ધોળાં કરીશું અને અંતકાળે ભગવાન નું નામ લઈશું –એટલે તરી જશું.

પણ આ વિચાર ખોટો છે. એટલે સ્પષ્ટતા કરેલી છે-હંમેશાં જે ભાવ નું ચિંતન કરશો-તે જ ભાવનું અંતકાળે સ્મરણ થશે. માટે જ-

ભગવાને આજ્ઞા કરી છે-કે-સઘળા સમય માં નિરંતર-પ્રતિક્ષણ  મારું સ્મરણ કર.

એક સોની માંદગી માં પથારીવશ હતો. મહિના થી બજાર માં ગયેલો નહિ. અંતકાળ આવ્યો છે.તાવ વધ્યો છે.ડોક્ટર તપાસવા આવ્યા –

તાવ માપી કહ્યું કે-એકસો પાંચ છે (૧૦૫ ડીગ્રી તાવ છે).સોની બેભાન અવસ્થા માં સમજ્યો-કે કોઈએ સોનાનો ભાવ કહ્યો.

તે તરત બુમો પાડવા માંડ્યો-વેચી નાખ-વેચી નાખ. -૮૦માં લીધેલું છે.૧૦૫ થયા છે-માટે વેચી નાખ.

બસ આમ બોલતાં બોલતાં  સોની એ દેહ છોડ્યો.

સોની એ આખી જિંદગી સોનાનો જ વિચાર કરેલો,એટલે અંત કાળે પણ તેણે સોનાના જ વિચારો આવ્યા.

પૈસા-પૈસા કરનાર ને-અંતકાળે પૈસાના જ વિચારો આવે છે. પૈસા કમાવા તે પાપ નથી-પૈસા મેળવતાં ભગવાન ને ભૂલવા તે પાપ છે.

શુકદેવજી કહે છે-કે- ‘મનુષ્યો નું આયુષ્ય આમ ને આમ પૂરું થઇ જાય છે. રાત્રી નિદ્રા અને વિલાસ માં પૂરી થઇ જાય છે, ને દિવસ

ધન કમાવામાં અને  કુટુંબ નું ભરણ પોષણ કરવામાં થઇ જાય છે.’

શંકરાચાર્યજીએ શંકરભાષ્ય માં લખ્યું છે-

મનુષ્ય નું મરણ પ્રતિક્ષણે થાય છે. (દરેક અંદર જતો શ્વાસ જીવન છે અને બહાર આવતો શ્વાસ મરણ છે)

પ્રભુ નું સ્મરણ ક્ષણ ક્ષણ ને અંતકાળે કરવાનું છે.(ક્ષણસ્ય અંતકાળે).

નહિ કે જીવન ને અંત કાળે.

શરીર ના પરમાણુ ઓ માં પ્રત્યેક ક્ષણે ફેરફાર થાય છે. પ્રતિ ક્ષણ હર શ્વાસે-આ શરીર બદલાય છે. તેથી આ શરીર ક્ષણે ક્ષણે મરે છે.

એટલે દરેક ક્ષણ ના અંતે જે મૃત્યુ નો કાળ આવે છે-ત્યારે પ્રભુ નું સ્મરણ કરવું.(ક્ષણે -ક્ષણે) .
અને આમ જો કરવામાં આવે તો જ જીવન ના અંતકાળે-પ્રભુ નું સ્મરણ યાદ રહે છે.


----------------------------------------------------------------------------------------------------



ભાગવત રહસ્ય-૭૬

ડોંગરેજી મહારાજ ની ભાગવત કથા પર આધારિત       

સ્કંધ બીજો- ૩

જેનું આખું જીવન –નિંદ્રા-ધન માટે ઉદ્યમ-અને કુટુંબ નું ભરણપોષણ –કરવામાં જાય-તેને- તે- જ અંતકાળે યાદ આવે છે.

એક ડોસો માંડો પડ્યો. તેનુ સમગ્ર જીવન દ્રવ્ય (કમાવવામાં-બચાવવામાં) પાછળ ગયેલું. અંતકાળ નજીક આવ્યો.

છોકરાઓ બાપાને ‘શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે’ બોલવાનું કહે છે. પણ બાપા ના મુખ માંથી હરિ નુ નામ નીકળતું નથી. જિંદગીમાં કદી

હરિનામ લીધું હોય તો હરિ નામ યાદ આવે ને ? ડોસાને પ્રતિ સમય દ્રવ્ય દેખાય છે. દ્રવ્ય નુ ચિંતન કરે છે.

ડોસાની નજર તેવામાં આંગણા માં પડી. ત્યાં જોયું તો વાછરડો વાસરણી ખાતો હતો. ડોસા થી આ નજીવું નુકસાન જોવાતું નથી.

અને ડોસો હૈયું બાળે છે કે-મેં કેવી રીતે મેળવ્યું છે-તે આ લોકો શું જાણે ?ઘરનાં લોકો ને પૈસાની કે કોઈ ચીજ વસ્તુ ની દરકાર નથી.

આ લોકો મારા ગયા બાદ ઘરને કેવી રીતે સાચવશે ? ડોસા થી વધારે બોલી શકાતું ના હતું-

તૂટક તૂટક શબ્દે-તે-વા...સા....,વા...સા... બોલવા લાગ્યો.

એક છોકરાને લાગ્યું-બાપા વાસુદેવ બોલવા જાય છે ,પણ બોલાતું નથી.

બીજા છોકરાને સ્વાર્થ ને લીધે લાગ્યું-કે-બાપા કોઈ દિવસ ભગવાન નુ નામ લે તેવા નથી. બાપા કંઇ વારસા માં આપવાની ઈચ્છા થી

બોલે છે. કદાચ કોઈ ખાનગી મિલકત છુપાવી રાખી હોય –તે બાબત માં કંઇક કહેવા માગે છે. છોકરાઓએ ડોક્ટર ને બોલાવ્યા.

ડોક્ટરને કહે છે-કે-બાપા થોડું બોલી શકે તેવું કરો. ડોક્ટર કહે-છે-ઈન્જેક્સન આપીએ તો ડોસા થોડી વખત બોલી શકે. પણ તે માટે

હજાર રૂપિયા ખર્ચ લાગશે. છોકરા ઓને આશા હતી કે –ડોસાએ કંઇક દાટ્યું હોય તો બતાવશે. છોકરાઓએ ખર્ચ કર્યો.

બાપા શું બોલે છે સંભાળવા બધાં આતુર થયા.દવાની અસરથી બાપા બોલ્યા-અહીં મારા તરફ શું જુઓ છો ?ત્યાં પેલો વાછરડો

સાવરણી ખાય છે. વાછરડો...સાવરણી....બોલતાં બોલતાં ડોસાએ દેહ છોડ્યો. આવી દશા તમારી ન થાય તે જોજો.

લોકો વિચારે છે-કે કાળ આવવાનો છે-તેની કેમ ખબર પડે ?

કાળ તો દરેક ને સાવધાન કરે છે.પણ મનુષ્યો ગાફેલ રહે છે. કાળ આવતાં પહેલાં –કાગળ લખે છે,પણ કાળ નો કાગળ –કોઈને

વાંચતા આવડતો નથી.

ઉપર નું છાપરું ધોળું થવા માંડે ત્યારે સમજજો-કે કાળની નોટીસ આવી છે.

મનુષ્ય ને બધું ધોળું ગમે છે-પણ વાળ ધોળા ગમતા નથી, એથી બુદ્ધિ અને સમય નો દુરુપયોગ કરીને કાળા વાળ ને ધોળા કરવાનું

શોધી કાઢ્યું છે.

દાંત પડવા માંડે –એટલે સમજજો કે કાળ ની નોટીસ આવી છે. ત્યારે માનજો કે દૂધ-ભાત ખાઈને –પ્રભુ ભજન કરવાનો સમય થયો છે.

પણ દાંત પડી જાય તો લોકોએ ચોકઠું શોધી નાખ્યું છે.સમજે છે –કે ચોકઠું હોય તો –મોઢું ઠીક દેખાય છે.પાપડ ખાવાની મજા આવે છે.

શરીર પાપડ જેવું થયું-તેમ છતાં પાપડ નો મોહ જતો નથી. કેટલાક તો કેવળ ખાવા માટે જ જીવે છે.

આજે આ બનાવો-કાલે તે બનાવો.  અરે! ક્યાં સુધી ખાશો ?ખાવાથી શાંતિ મળતી નથી.ખાવાથી વાસના વધે છે.

લૂલી (જીભ) માગે અને ખાય તે પાપ છે-પેટ માગે ને ખાય તે પુણ્ય છે.

કાળ નો નિયમ છે કે-તે ગાફેલ ને મારે છે.અંત કાળે જે સાવધ છે-તેણે કાળ મારી શકતો નથી.

ભાગવતમાં -મૃત્યુ ના આવતાં પહેલાં –આવી બીજી કઈ કઈ જાતનાં લક્ષણો (નોટીસો) દેખાય છે-તેનું વર્ણન કરેલું છે.

પણ અત્યારના જમાના માં તો ડોક્ટર પાસે જઈ ને આ બધી નોટીસો –દૂર કરવામાં –અને વધુ જીવવામાં –માનવ મશગુલ છે.

ડોક્ટર ને તો ખબર પડી જાય છે-કે આ છેવટની ઉઠાંતરી છે-પણ તે સાચું કહેતા નથી. આનું જે થવાનું હોય તે થાય-પણ

મારા ઈન્જેક્સન ના પૈસા તો મને મળવાના છે.

ડોક્ટરના વચન પર બહુ વિશ્વાસ ના રાખો-વ્યાસજી ના વચન પર વિશ્વાસ રાખો. સાવધાન થવાનાં લક્ષણો પર –જો સાવધ થવું જ

હોય તો- તે વિષે વિચારજો.

શુકદેવજી કહે છે-મરણ ને સુધારવું હોય તો પ્રત્યેક ક્ષણ ને સુધારજે. રોજ વિચાર કરવો અને મન ને વારંવાર સમજાવવું-કે-

ઈશ્વર સિવાય મારું કોઈ નથી.આ શરીર પણ એક દિવસ છોડવું પડશે-એટલે તે પણ મારું નથી.

જો શરીર જ મારું નથી તો પછી મારું કોણ ? બાકીના સર્વ સંબંધો –જે શરીર થી ઉત્પન્ન થયેલાં છે-તે મારા કેવી રીતે ?

સમતા સિદ્ધ કરવા –સર્વ સાથે મમતા રાખો. પણ વ્યક્તિગત મમતા દૂર કરો.

સંગ્રહ થી પણ મમતા વધે છે-માટે અપરિગ્રહી (સંગ્રહ વગરના) રહો. તૃપ્તિ ભોગ માં નહિ-ત્યાગ માં છે.

રાજન,આથી મનુષ્યોએ સર્વ સમય અને સર્વ સ્થિતિ માં પોતાની સર્વ શક્તિ થી ભગવાન શ્રી હરિ નું જ શ્રવણ –કિર્તન-સ્મરણ

કરવું જોઈએ. આમ કરવાથી તેઓનું અંતઃકારણ શુદ્ધ થઇ જાય છે. અને હરિ પાસે જલ્દી પહોંચી જાય  છે.(ભાગવત-૨-૨-૨૬)

દેહ એ જ દુઃખ નું કારણ છે. દુઃખ ભોગવવા જ દેહ મળ્યો છે. પાપ ન કર્યું હોય તો આ જન્મ જ શા માટે મળે ?

રામદાસ સ્વામી એ-દાસ બોધ માં લખ્યું છે –કે-દેહ ધારણ કરવો એ જ પાપ છે.

શુકદેવજી કહે છે-રાજન, માનવ શરીર ભોગ માટે નથી મળ્યું, પણ ભગવાન ને પ્રાપ્ત કરવા મળ્યું છે. જીવન ને એવું બનાવી લો-કે-

મૃત્યુ ના સમયે –ભગવાન ની યાદ રહે.

જીવ ઈશ્વર થવાનો પ્રયત્ન કરતો નથી-બાકી જીવ તો શિવ થવા જ સર્જાયો છે.

જીવ જયારે ઈશ્વરને કહે કે હું તમારો છું.-તો એ સંબંધ અપૂર્ણ છે.પરંતુ ઈશ્વર જયારે જીવ ને કહે કે-તું મારો છે-તો તે સંબંધ પૂર્ણ છે.

ઈશ્વર આપણ ને પાપની પ્રવૃત્તિ માં જોડતા નથી,પરંતુ જન્મોજન્મ ના સંચિત સંસ્કારો થી પાપ ની પ્રેરણા થાય છે.
પાપને ટાળો-પુણ્ય કાર્ય તરત કરો.

-------------------------------------------------------------------------------------

ભાગવત રહસ્ય-૭૭
 ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત      

સ્કંધ બીજો- ૪

એકાંત માં ઈશ્વરભજન કરો. એકાંત જલ્દી મન ને એકાગ્ર બનાવે છે.

એક શબ્દ નો અર્થ થાય છે-ઈશ્વર. એક ઈશ્વર માં સર્વ નો લય કરીને(સર્વ નો અંત કરીને) બેસે તે એકાંત.

ગૃહસ્થ ઘરમાં સમભાવ (સમતા) રાખી શકતો નથી, ભલે ને- એ રોજ ગીતા નો પાઠ કરે –કે-સમતા એ જ યોગ છે.

ગૃહસ્થાશ્રમના વ્યવહારો વિષમતાથી(અસમતાથી) ભરેલા છે. ત્યાં સમતા રાખવી ખુબ જ અઘરી છે.

વિષમતા (અસમતા) થી –વિરોધ- પેદા થાય છે.

ગૃહસ્થ ના ઘરમાં –ભોગ-ના –પરમાણુ-ઓ રહેલા છે. જેથી ઘરમાં રહી –સર્વ વ્યવહારો પરમાત્મા માં લય કરવાનું-અંત કરવાનું-

અઘરું છે. ઘર માં સતત પરમાત્મા નું ધ્યાન કરવું બહુ કઠણ છે.

આથી શુકદેવજી એ ભાગવત માં બહુ સ્પષ્ટ કહેલું છે-કે-જેનું મરણ સમીપ આવ્યું હોય તે ઘર છોડી ડે.(ગૃહાત પ્રવ્રજિતા ધીરઃ)

ઘર ની એક એક વસ્તુ માં મમતા હોય છે. આંખને દેખાય એટલે મોહ થાય છે.આંખને દેખાય ત્યાં સુધી આશક્તિ છૂટતી નથી.

કોઈ કહેશે-કે અમે બંગલો અહીં બંધાવ્યો છે અને ગંગાકિનારે કેમ કરી ને જવું?

ઘર છોડી ના જ શકતા હો-તો ઘરમાં રહેજો –પણ સાવધાની થી-વિવેક થી- રહેજો. મારું અસલી ઘર તો –પરમાત્મા ના ચરણો માં

છે- તે યાદ રાખજો. બાકી વ્યાસજી ના કહેવા મુજબ ઘર છોડવું વધુ સારું છે.

જ્યાં સુધી સંસાર નો સંબંધ છે ત્યાં સુધી-બ્રહ્મ સંબંધ-ભગવત સંબંધ –થતો નથી.

શુકદેવજી કહે છે-ધૈર્ય ની સાથે ઘર છોડવું,કોઈ પવિત્ર નદીના કિનારે કે પવિત્ર તીર્થ માં જવું. કોઈ મહાપુરુષે તપશ્ચર્યા કરી હોય તેવી

ભૂમિ માં રહેવું. તીર્થ ના જળ માં સ્નાન કરવું અને પવિત્ર –એકાંત સ્થાન માં આસન લગાવી બેસવું. અને પ્રણવ-ઓમ નો જપ કરવો..

પ્રાણાયામ થી (પ્રાણ) પ્રાણવાયુ ને વશ કરવો. મન નો –પ્રાણ સાથે સંબંધ છે.
પ્રાણાયામ- એ બહિરંગ (External) યોગ ની એક પ્રક્રિયા છે. શરીર- જીવન ના છેલ્લા દિવસ સુધી નિરોગી રહે-તે બહિરંગ  યોગ નું લક્ષ્ય છે.

મહાપ્રભુજી એ સુબોધિની માં કહ્યું છે કે-યોગ ને પણ ભક્તિ નો સહકાર જોઈએ.

યોગ ને જો ભક્તિનો સાથ ના હોય તો –યોગીનું પતન થાય છે-યોગી- રોગી બને છે. યોગ- સાધક ને બદલે બાધક થાય છે.

ભક્તિ સાથે યોગ કરે તો-પ્રભુ સાથે સંયોગ થાય છે.

પ્રાણાયામ ના ત્રણ પ્રકાર બતાવ્યા છે. પૂરક-કુંભક અને રેચક.

જમણા નસકોરા માંથી બહારની હવા(પ્રાણ) ને -અંદર –ખેંચવી તે પૂરક.

પ્રાણ ને શરીર માં અંદર રોકી રાખવો તે કુંભક. અને ડાબા નસકોરા માંથી પ્રાણ ને બહાર કાઢવો-તેને રેચક કહે છે.

આ થઇ –યોગ ની –તન ની  (શરીરની) પ્રક્રિયા. ભક્તિ નો સહકાર –આમાં કેમ આપવો ? તે વિષે ભાગવત કહે છે-કે-

પૂરક પ્રાણાયામ માં એવી ભાવના કરવાની કે –પ્રભુનું વ્યાપક-તેજોમય સ્વરૂપ મારા હૃદયમાં આવે છે.

કુંભક પ્રાણાયામ માં એવી ભાવના કરવાની કે-પ્રભુ સાથે જીવ નું મિલન થઇ –બ્રહ્મસંબંધ થયો છે. પ્રભુનું આલિંગન મળ્યું છે.

રેચક પ્રાણાયામ માં એવી ભાવના કરવાની છે કે-હું પ્રભુ સાથે એક થયો-એટલે મારું પાપ-વાસના-વિકારો બહાર નીકળે છે.

રોજ નિયમિત પ્રાણાયામ (ઓછામાં ઓછા-ત્રણ)- કરવાથી ધીરે ધીરે મન ના સંકલ્પ-વિકલ્પો ઓછા થાય છે. મન સ્થિર થાય છે.

મન ના બે પ્રકાર છે. સ્થૂળ મન અને સૂક્ષ્મ મન.

પ્રાણાયામ થી સ્થૂળ મન ની શુદ્ધિ થાય છે,સ્થિર થાય છે. પણ સૂક્ષ્મ મન ને શુદ્ધ કરવા વિરાટ પુરુષ નું ધ્યાન (અંતઃરંગ(Internal) યોગ)  કરવાની જરૂર પડે છે.

જગત જેને આધારે ટક્યું છે-તે-વિરાટ પુરુષ.
માટે પ્રાણાયામ પછી મન ને વધારે શુદ્ધ કરવા વિરાટ પુરુષનું ધ્યાન કરવાનું કહે છે.

શુકદેવજી કહે છે-અમારી નિષ્ઠા –નિર્ગુણ માં છે.તેમ છતાં શ્રીકૃષ્ણ ની મધુર લીલાઓ બળપૂર્વક મારા હૃદયને-મનને-પોતાની તરફ

ખેંચી લે છે. અને એ જ કારણ થી મેં ભાગવત નું અધ્યયન કર્યું અને હું તને સંભળાવું છું. સર્વ શાસ્ત્રો નો સાર એટલો જ છે કે-

ભગવાન ના નામો નું પ્રેમ થી સંકીર્તન કરવું. મેં સર્વ શસ્ત્રો ઉથલાવી જોયાં, વારંવાર વિચાર કરી જોયો, પછી તેમાંથી એક જ સાર

નીકળ્યો કે સર્વ નું ધ્યેય –એક નારાયણ હરિ જ છે. એટલે –નિશ્ચય કર્યો કે-એક ભગવાન નું જ ધ્યાન કરવું.
નિર્ગુણ અને સગુણ બંને એકબીજા ના પૂરક છે.

--------------------------------------------------------------------------------------------------



ભાગવત રહસ્ય-૭૮

ડોંગરેજી મહારાજ ની ભાગવત કથા પર આધારિત       

સ્કંધ બીજો- ૫

ધ્યાન ના આરંભ માં માનસી સેવા(માનસિક ધ્યાન) કરવી. (આ ભક્તિ યોગ ની એક સહેલી  રીત છે).

પ્રતિદિન સવારના પહોર માં –આંખો બંધ કરી-(શ્રી કૃષ્ણ નું જે સ્વરૂપ ગમતું હોય તેની માનસિક કલ્પના કરો,)

બાલકૃષ્ણ નું સ્વરૂપ જો ગમતું હોય તો-કલ્પના કરો-કે-

બાલકૃષ્ણે-રેશમ ના વાઘા પહેર્યા છે-મુખારવિંદ પર મંદ મંદ હાસ્ય છે,મોરપીંછ ધારણ કર્યું છે,કેડ પર કંદોરો છે,હાથ માં મોરલી છે,

આંખો માં મેંશ આંજી છે,ચરણો માં નુપુર છે, અને બાલકૃષ્ણ લાલ છમ-છમ કરતા ચાલતાં ચાલતાં આવે છે.

ધીરે ધીરે કપાળ ની મધ્ય માં ધ્યાન કરો. પ્રકાશ ની જ્યોત દેખાશે. તે જ્યોત ના દર્શન માં મન ને સ્થિર કરો.ઈશ્વર ની ઝાંખી થશે.

આ પ્રમાણે માનસિક ધ્યાન કરવાથી મન શુદ્ધ થાય છે.

જ્ઞાની પુરુષો મન નો મેલ ધોવા વિરાટ પુરુષ ની ધારણા –ધ્યાન કરે છે.(આ જ્ઞાન યોગની એક રીત છે)- પણ

સાધારણ સાધક ને માટે –શરૂઆત માં વિરાટ પુરુષ ની ધારણા કરવી થોડી કઠણ છે.

તેથી જ કેટલાક નારાયણ નું-બાલકૃષ્ણ લાલ નું કે જે સ્વરૂપ અનુકૂળ આવે તેનું ધ્યાન કરે છે.(શરૂઆત માં આવું કરી શકાય છે)

આખું જગત એ વિરાટ પુરુષ નું સ્વરૂપ છે-તેવી ભાવના દૃઢ થાય-તો આ –આખા જગતની કોઈ વસ્તુ પ્રત્યે કુભાવ થશે નહિ.

આ જગત પ્રભુ ના આધારે છે. જગતના પ્રત્યેક પદાર્થ માં પ્રભુએ પ્રવેશ કર્યો છે. તેથી પ્રભુમય છે.

સાધારણ મનુષ્ય જગત ને ઈશ્વર થી જુદું પાડીને જુએ છે, જયારે જ્ઞાની- જગતને પરમાત્મા માં રહેલું જુએ છે.

સૂક્ષ્મ મન ને સુધારવું હોય તો-જગત ને પરમાત્મા સાથે –પરમાત્મા માં રહેલું જુઓ.

સાધારણ મનુષ્ય -જગતને –સ્વાર્થ દૃષ્ટિ-ભોગદૃષ્ટિ થી જુએ છે, જ્ઞાની પુરુષો જગત ને ભગવદદૃષ્ટિ થી જુએ છે.

મન ને શુદ્ધ રાખવું હોય તો-જગત ને ભગવદ ભાવ થી –સદભાવ થી જુઓ. જગત ના પ્રત્યેક પદાર્થ માં પ્રભુ છે.

તે પછી-શુકદેવજી એ વૈરાગ્ય નો ઉપદેશ કર્યો છે. વૈરાગ્ય વગર ધ્યાન માં એકાગ્રતા આવતી નથી-ધ્યાન થતું નથી.

સંસારનું સ્મરણ (આસક્તિ) એ જ દુઃખ છે-સંસાર નું વિસ્મરણ એ-જ સુખ છે.

જ્ઞાનમાર્ગ માં તીવ્ર વૈરાગ્ય જોઈએ. ભક્તિમાર્ગ માં તીવ્ર પ્રેમ જોઈએ.

ભક્તિમાર્ગ માં વૈરાગ્ય ના હોય તો ચાલશે –પણ –સર્વ સાથે પ્રેમ કરવો પડશે. (પણ વૈરાગ્ય કરતાં –આમ કરવું વધુ અઘરું છે.)

સર્વ સાથે પ્રેમ કરો(ભક્તિમાર્ગ) અથવા માત્ર એકલા ઈશ્વર ને પ્રેમ કરો (જ્ઞાનમાર્ગ)

જ્ઞાન માર્ગ માં ત્યાગ પ્રધાન છે. ભક્તિમાર્ગ માં સમર્પણ પ્રધાન છે.

સાધારણ માણસ માટે જ્ઞાન માર્ગ સુલભ નથી. મનુષ્ય –સર્વ નો ત્યાગ કરી શકતો નથી.

આખું જગત બ્રહ્મરૂપ છે-તેમ માની જ્ઞાની પુરુષો-લલાટ માં બ્રહ્મ ના દર્શન કરે છે.જ્યારે ભક્તો પોતાના હૃદય કમળ માં

ચતુર્ભુજ દ્વારકાનાથ (કે બાલકૃષ્ણલાલ) નો દર્શન કરે છે.

પ્રભુના એક એક અંગ નું ચિંતન-એનું નામ ધ્યાન. અને પ્રભુના સર્વાંગ (સર્વ અંગ) નું ચિંતન –એ ધારણા.(સાદી ભાષામાં)

દાસ્ય ભક્તિ થી હૃદય જલ્દી દીન બને છે. પહેલાં માલિકના ચરણ નું-પછી મુખારવિંદ નું અને પછી સર્વાંગ નું ધ્યાન કરવું જોઈએ.

સંસાર ના ચિંતન થી બગડેલા મન ને સુધારવા માટે પરમાત્મા ના ધ્યાન સિવાય બીજો કોઈ ઉપાય જ નથી.

જેવું પૈસા નું ધ્યાન કરો છો-તેવું પરમાત્મા નું ધ્યાન કરવાનું છે. ધ્યાન માં શરુ શરુ માં આનંદ આવતો નથી-મન ભટકે છે.

પણ જેમ જેમ સંસાર ભુલાય –તેમ તેમ આનંદ આવવા માંડે  છે.

અને જયારે –ધ્યાન માં દેહ ની વિસ્મૃતિ થાય છે-ત્યારે –આત્મા-પરમાત્મા નું મિલન થાય છે.

આરંભ માં આંખ આગળ અંધારું દેખાશે-પણ ધીરજ થી –ધારણા-ધ્યાન કરવાથી –મન સ્થિર થશે-પ્રભુ નું તેજોમય સ્વરૂપ દેખાશે.

ધ્યાનયોગ ની કથા –પછી કપિલ ગીતા માં આવશે. અહીં સંક્ષેપ કર્યો છે.

ધ્યાન માં મન સ્થિર ના થાય તો તે મન ને મરણ ની બીક બતાવજો-તો તે સ્થિર થશે.

ક્ષણભંગુર જીવન કી  કાલિકા,કલ,પ્રાતઃ સમય ખિલી ન ખિલી,

મલયાચલકી સુચિ શીતલ મંદસુગંધ સમીર મિલી ન મિલી,

કલિકાલ કુઠાર લીયે ફિરતા, તન નમ્ર હૈ,ચોટ ઝિલી ન ઝિલી,

રટ લે હરિ નામ અરી રસના ,અંત સમય મેં હિલી ન હિલી.

જીભ(રસના) ને કહે છે-કે-હરિનામ જપી લે –અંત સમય માં તું -હલે –કે -ના પણ હલે.

----------------------------------------------------------------------------------------------------


ભાગવત રહસ્ય-૭૯
ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત             

સ્કંધ બીજો- ૬

એકનાથ મહારાજ ના ગુરૂ –જનાર્દન સ્વામી એ –તેમને કહેલું કે-

જયારે શેષનાગ આવી તારા માથા પર છત્ર ધરે-ત્યારે માનજે કે તું પૂર્ણ થયો છું. અને એવું જ બન્યું.

મહારાજ શિલભંજન પર્વત પર તપશ્ચર્યા કરવા ગયા અને અનુષ્ઠાન માં બેસે છે-ત્યારે એક મોટો નાગ આવે છે અને તેમને કરડવા

જાય છે, પરંતુ મહારાજ ના હાથ નો સ્પર્શ થતાં તે નાગ શાંત થઇ જાય છે.અને પછી તો રોજ આવી ને એકનાથ મહારાજ ના માથા

પર છત્ર ધરે છે. મહારાજ ને સર્વ માં સર્વેશ્વર દેખાય છે. એકનાથ મહારાજ –પૂર્ણ જ્ઞાની-પૂર્ણ ભક્ત છે.

આવા એકનાથ મહારાજ પાસે એક ભક્ત આવ્યો. અને મહારાજ ને પૂછ્યું-કે-મહારાજ તમે ચોવીસ કલાક સ્મરણ ચિંતન કરી પ્રભુમાં

તન્મય રહો છો, પણ મારું મન તો અડધો કલાક પણ પ્રભુમાં સ્થિર થતું નથી, મન ને સ્થિર કરવાનો કોઈ ઉપાય બતાવો.

મહારાજે વિચાર્યું-કે ઉપદેશ ક્રિયાત્મક હોવો જોઈએ. તેથી ભક્ત ને કહ્યું –આ વાત હમણાં જવા દે.પણ મને કહેતાં દુઃખ થાય છે ,કે,

મને લાગે છે કે તારું મૃત્યુ સમીપ છે,આજથી  સાતમે દિવસે તું મરવાનો છું. સાત દિવસ પછી તું આવજે. ત્યારે હું તારા પ્રશ્ન નો

જવાબ આપીશ.

મૃત્યુ નું નામ સાંભળી ભક્ત ના હોશકોશ ઉડી ગયા. દોડતો દોડતો ઘેર ગયો. બધો કારભાર બીજાને સોંપી દીધો. ખુબ જપ,પ્રાર્થના,

કિર્તન કરે .સાત દિવસ પછી એકનાથ મહારાજ પાસે પાછો આવ્યો.

મહારાજે પૂછ્યું-બોલ આ સાત દિવસ માં તે શું કર્યું ?તારા હાથે કંઇ પાપ થયું ?

ભક્ત જવાબ આપે છે-મને તો મરણ એવી બીક લાગી કે હું તો સર્વ છોડીને ને ઈશ્વરના ધ્યાન માં લાગી ગયો. આ સાત દિવસ માં

મારું મન ચંચળ થયું નથી. કુટુંબ ની ચિંતા ભૂલી ગયો. બધું ભૂલી ગયો. પ્રભુ સ્મરણ માં તન્મય થયો.

એકનાથ મહારાજે કહ્યું-‘મારી એકાગ્રતા નું એ જ રહસ્ય છે. હું મૃત્યુ ને રોજ યાદ રાખું છું. સાવધાન થઇ હું સતત ઈશ્વર સ્મરણ કરું છું.

એટલે મારું મન સર્વ વિષયો માંથી હટી જાય છે.

તેં સાત દિવસ પ્રભુના જપ કર્યા એટલે તારું આયુષ્ય વધ્યું છે. જા,મૃત્યુ માથે છે-તે સતત યાદ રાખજે’

શરીર એ પાણી નો પરપોટો છે.તે ક્યારે ફૂટી જશે-તે ખબર પડશે નહિ. પાણી ના પરપોટા ને ફૂટી જતાં વાર લાગતી નથી. તેમ

જીવન નો અંત આવતાં વાર લાગતી નથી.

પરમાત્મા માં મન તન્મય ના થાય તો વાંધો નહિ-પણ જગત સાથે તન્મય ના થાવ.

ધ્યાન માં ધ્યાન કરનારો (ધ્યાતા)-‘હું ધ્યાન કરું છું’ એ પણ ભૂલી જાય છે-ત્યારે પ્રભુ ના સ્વરૂપ માં (ધ્યેય) લીન થાય છે.

ધ્યાતા-ધ્યાન-અને ધ્યેય –આ ત્રિપુટી નો પરમાત્મા માં લય થાય એ જ-મુક્તિ-એ જ-અદ્વૈત.(બીજું નામ-કૈવલ્ય મુક્તિ પણ છે)

લોકો ઈશ્વરને –આપે છે-ધન- પણ ઈશ્વર સૌની પાસે માગે છે મન. વ્યવહાર કરો-પણ ઈશ્વરમાં મન રાખી કરો.

પનિહારી ઓ પાણી ના બેડાં ભરીને ઘેર આવતી હોય –ત્યારે રસ્તામાં એકબીજી સાથે અલક મલક ની વાતો કરે-પણ તેઓનું ધ્યાન

સતત માથા ઉપરનાં બેડાં માં જ હોય છે.-આવી રીતે-સંસાર ના વ્યવહારમાં -તેનામાં આસક્તિ વગર -ઈશ્વર માં મન- રાખીને કરો.

પણ સંસારમાં આસક્ત-વિષયાનંદી ને બ્રહ્માનંદ નો આનંદ સમજાતો નથી.  બ્રહ્માનંદ નું કોઈ વર્ણન કરી શકતું નથી.

ધ્યાન કરનારો ધ્યેય માં મળી જાય-તેણે જ મુક્તિ કહે છે. આ સિદ્ધાંત સમજાવવા –ઉપનિષદ માં એક દ્રષ્ટાંત આપ્યું છે.

‘ખાંડ ની પૂતળી-સાગરનું ઊંડાણ માપવા ગઈ-તે સાગરમાં વિલીન થઇ ગઈ-પાછી જ ના આવી.’ 

ઈશ્વર માં મળેલા મન ને કોઈ જુદું કરી શકતું નથી. જીવ માં જીવ પણું રહેતું નથી. આ જીવ ખાંડ ની પૂતળી જેવો છે. અને

પરમાત્મા સમુદ્ર જેવા વ્યાપક છે.-વિશાળ છે. આ બ્રહ્મતત્વ ને જાણનારો –બ્રહ્મ સાથે એકરૂપ થાય છે.

જેવી રીતે ઈયળ –ભમરીનું ચિંતન કરતાં કરતાં –ભમરીરૂપ બની જાય છે. આને કૈવલ્ય મુક્તિ કહે છે.(અદ્વૈત)

પણ ભક્તો આવી કૈવલ્ય મુક્તિ ઇચ્છતા નથી. તેઓ ઈશ્વરની સેવા-પૂજા કરવા માટે અને તેનો રસાસ્વાદ માનવા માટે થોડું –દ્વૈત-રાખે

છે. આવા પરમાત્મા ની સેવામાં જેને આનંદ છે-તેવા –ભક્તો-ભાવાત્મક શરીર-ધારણ કરી પ્રભુ ના ધામ માં જાય છે.

ભક્તો માને છે કે-જીવ ઈશ્વર માં ડૂબી ગયા પછી-ઈશ્વરના સ્વરૂપ નો રસાનુભવ કરી શકતો નથી.(ઈશ્વર રસ રૂપ છે-ઉપનિષદ)

આ બંને સિદ્ધાંતો (દ્વૈત અને અદ્વૈત) સત્ય છે. ખંડન-મંડન ની ભાંજગડ માં પડવા જેવું નથી. જે ખંડન કરે તેનામાં દ્વેષ ઉત્પન્ન થાય છે.

ગૌરાંગ પ્રભુ પણ ભેદાભેદ-(ભાવ (ભેદ અને અભેદ બે મિશ્ર) માં માને છે.

લીલા માં- ભેદ- માને છે- પરંતુ તત્વ દૃષ્ટિ થી-અભેદ છે. તેમ છતાં –અભિન્ન હોવાં છતાં-સૂક્ષ્મ ભેદ છે.

આ ભાગવતી મુક્તિ નું રહસ્ય(સિદ્ધાંત)–સમજાવવા-એકનાથ મહારાજે-ભાવાર્થ રામાયણ માં –સરસ ઉદાહરણ આપ્યું છે.

અશોક વન માં સીતાજી –રામનું અખંડ સ્મરણ ધ્યાન કરે છે. રામ માં તન્મય થયાં છે.સર્વત્ર રામ દેખાય છે. –આખું જગત –રામ મય

અને અંતર પણ રામ મય. સીતાજી ને અનેક વાર થાય છે-કે હું જ રામ રૂપ છું. તે સ્ત્રીત્વ ભૂલી જાય છે.

આ વાત એક વાર તેમણે ત્રિજટા ને કહી.

‘ મેં સાંભળ્યું છે કે ઈયળ ભમરીનું ચિંતન કરતાં ભમરી બની જાય છે-તેમ રામજી નું ચિંતન કરતાં હું રામ બની જઈશ તો ?’

ત્રિજટા કહે છે-એ તો ઘણું સારું. તમે પોતે રામ બની જાવ પછી રામજી માટે રડવાનું નહિ રહે. જીવ અને શિવ એક થાય તો જીવ

કૃતાર્થ થાય છે.

સીતાજી કહે છે-તો પછી રામજી ની સેવા કોણ કરશે ? રામજી ની સેવામાં જે આનંદ છે-તે રામ રૂપ થવામાં નથી. મારે તો બસ

રામજી ની સેવા કરવી છે. અમારું જોડું ખંડિત થાય તો જગત માં સીતા-રામ ની જોડી રહે નહિ.

ત્યારે ત્રિજટા એ કહ્યું-પ્રેમ અન્યોન્ય હોવાથી-રામજી તમારું ચિંતન કરતાં કરતાં સીતારૂપ થઇ જશે. તમારી જોડી કાયમ રહેશે.

બસ આ જ ભાગવતી મુક્તિ નું રહસ્ય છે.


-----------------------------------------------------------------------------------


ભાગવત રહસ્ય-૮૦

ડોંગરેજી મહારાજ ની ભાગવત કથા પર આધારિત       

સ્કંધ બીજો- ૭

વૈષ્ણવો -પ્રેમ થી અદ્વૈત માન્યું છે. શંકરાચાર્ય મહારાજે-જ્ઞાન થી અદ્વૈત માન્યું છે.

વૈષ્ણવ આચાર્યો-પહેલાં દ્વૈત નો નાશ કરી-અદ્વૈત ને પ્રાપ્ત કરે છે.ત્યાર બાદ તેઓ કાલ્પનિક દ્વૈત રાખે છે. કે જેથી કનૈયા ને-

ગોપીભાવે ભજી શકાય. ‘મારે કૃષ્ણ નથી થવું-પણ ગોપી થઇ શ્રીકૃષ્ણ ની સેવા કરવી છે.’

સત્તર તત્વો નું સૂક્ષ્મ શરીર છે. આ સૂક્ષ્મ અને સ્થૂળ –બંને શરીર નો નાશ-તે મુક્તિ. (ગમે તે માર્ગ પસંદ કરો. પણ કોઈ સાધન કરો.)

વિચાર-પ્રધાન લોકો-જ્ઞાન માર્ગ પસંદ કરે છે.

ભાવના –પ્રધાન લોકો-કે જેમનું હૃદય કોમળ છે-તે ભક્તિ માર્ગ પસંદ કરે છે.

ભાગવત માં જ્યાં જ્યાં ભક્તિ શબ્દ વપરાયો છે-ત્યાં –તીવ્ર-શબ્દ પણ સાથે વપરાયેલો છે. ભક્તિ તીવ્ર હોવી જોઈએ.

તીવ્રતા વગરની સાધારણ ભક્તિ ન ચાલે (તીવ્રેણ ભક્તિયોગેન યજેત પુરૂષમ પરમ)

સામાન્ય માનવો જુદી જુદી વસ્તુ ઓ ની (સંતાન,શક્તિ,ધન,આયુષ્ય..વગેરે) કામના માટે જુદા જુદા દેવ-દેવીઓ ની આરાધના

કરે છે(કે કરે) તે બતાવ્યું છે.------

પણ જે માનવ બુદ્ધિમાન છે-તે ભલે નિષ્કામ હોય કે કામી હોય-પણ જો મોક્ષ (અને વૈરાગ્ય) ચાહતો હોય-તો-

તેણે તીવ્ર ભક્તિયોગ દ્વારા-કેવળ પુરુષોત્તમ ભગવાન ની જ આરાધના કરવી જોઈએ (ભાગવત-૨-૩-૨ થી ૧૦)

શુકદેવજી કહે છે-રાજન કોઈ પણ પ્રકારની મુક્તિ મેળવવી હોય તો –આરંભ માં ભોગ નો (ભોગના સુખ નો) ત્યાગ કરવો જ પડશે.

સંસાર નું વિષય સુખ છોડવું જ પડશે. ભોગ નો ત્યાગ કર્યા વગર-ભક્તિમાર્ગ કે જ્ઞાન માર્ગ માં આગળ વધી શકાતું નથી.

સંસારનું સુખ જેને તુચ્છ લાગે છે-સંસારના ભોગ જેને રોગ સમાન લાગે છે-તે જ ભક્તિ કરી શકે છે. ભોગ-ભક્તિ,જ્ઞાન માં બાધક છે.

ભોગ માં ક્ષણિક સુખ છે-ત્યારે ભોગ ના ત્યાગ માં અનંતગણું (સતત) સુખ છે.

ઇન્દ્રિયજન્ય સુખ –સર્વ પ્રાણીઓ માં સરખું જ હોય છે.

મનુષ્ય ને ઈન્દ્રિયસુખ ભોગવતાં જે આનંદ મળે-તેવો જ આનંદ પશુને પણ મળે છે.

શરીરસંગ થી સ્ત્રી-પુરુષ ને જેવું સુખ મળે છે-તેવુંજ કુતરાને –કુતરી ના સંગ થી મળે છે.

કુતરા પાસે સુંદર સ્ત્રી ઉભી હોય તો તેણે જરાય મોહ થતો નથી.(એને લાગે છે કે કરડવા આવી છે કે શું ?)

શ્રીમંત લોકો ને જે સુખ-છ મણ રૂ ની તળાઈ પર સુવાથી મળે છે-તેવુંજ સુખ ગધેડાને ઉકરડા માં આળોટવાથી મળે છે.

ભુંડ ને વિષ્ઠા ખાવામાં જે સુખ મળે છે-તેવું સુખ મનુષ્ય ને શિખંડ ખાવામાં મળે છે.

માટે મનુષ્યે –બુદ્ધિ-પૂર્વક ભોગ છોડવા જોઈએ. ભોગ થી શાંતિ મળતી નથી-ત્યાગથી શાંતિ મળે છે.

શુકદેવજી કહે છે-રાજન,અત્યાર સુધી તેં અનેક ભોગ ભોગવ્યા છે.હવે તારી એક એક ઈન્દ્રિયોને તું ભક્તિ રસ નું દાન કાર.

જેને મરણ સુધારવું છે-તે –પ્રત્યેક ઇન્દ્રિય થી ભક્તિ કરે. જે ભક્તિમય જીવન ગાળે છે-તેનું જ મરણ સુધરે છે.

પ્રત્યેક ઇન્દ્રિય થી ભક્તિ કરી-મન ને પરમાત્મા માં તરબોળ બનવે છે-તેને સાચો આનંદ મળે છે.

ઈન્દ્રિયોને પરમાત્મા સાથે પરણાવો-વિષયો સાથે નહિ.

ભગવાન નું એક નામ હૃષીકેશ છે. હૃષિક એટલે ઇન્દ્રિય-અને ઈશ એટલે સ્વામી. ઇન્દ્રિયોના સ્વામી શ્રીકૃષ્ણ છે.

પાંચ ઇન્દ્રિયો-તેના –પાંચ વિષયો છોડે છે-ત્યારે જ તે અંદર વિરાજેલા નારાયણ (આત્મા-પરમાત્મા) સાથે સુઈ જાય છે.

‘રાજન,જેનું મરણ સમીપ માં આવ્યું હોય-તે-સંસારને ભૂલવાનો પ્રયત્ન કરે, અને પરમાત્મા નું ધ્યાન કરે. ધીરે ધીરે,સંયમ ને વધારે.

પરમાત્મા ની સેવા કરતાં-પુરુષત્વ અને સ્ત્રીત્વ નું ભાન (દેહ ભાન)જાય તો ગોપીભાવ સિદ્ધ થાય છે. અને પરમાત્મા ની
નિત્યલીલા માં પ્રવેશ મળે છે. જન્મ તેનો સફળ થયો-કે જેને-મા -ના પેટ માં જવાનો-ફરીથી પ્રસંગ જ ના આવે. ગર્ભવાસ –એ-નર્કવાસ છે.

(કર્મ અને વાસનાને લીધે-ફરી ફરી જન્મ છે.)’

એક વખત –શુકદેવજી-જનકરાજા પાસે વિદ્યા શીખવા ગયેલા. વિદ્યાભ્યાસ પુરો થયો-એટલે –શુકદેવજીએ કહ્યું-મારે ગુરુ દક્ષિણા

આપવી છે. ત્યારે જનકરાજાએ કહ્યું –મારે ગુરુ દક્ષિણા જોઈતી નથી. પણ શુકદેવજી એ બહુ આગ્રહ કર્યો એથી-જનકરાજા એ કહ્યું-

તું બહુ આગ્રહ કરે છે તો-જગતમાં જે નિરુપયોગી વસ્તુ હોય તે મને આપ.

શુકદેવજી –નિરુપયોગી વસ્તુ ની શોધ માં નીકળ્યા. પ્રથમ માટી –ઊંચકી-તો માટી કહે –મારા ઘણા ઉપયોગ છે. પથ્થર ઊંચક્યો-તો

પથ્થર કહે મારા પણ ઘણા ઉપયોગ છે. આ પ્રમાણે જે વસ્તુ ઉપાડે તે ઉપયોગી જ જણાય. અંતે થાકી ને ઉકરડા માં ગયા. ત્યાં

વિષ્ઠા પડેલી-તે ઉપાડી.તો તે કહે છે-મારો પણ ઉપયોગ છે-તમે મને જાણતા નથી. હું તો એક વખત ચાંદીની થાળી માં બેઠી હતી.

પણ મેં ભૂલ કરી અને મનુષ્ય ના પેટમાં ગઈ એટલે મારી આ દશા થઇ.

બહુ વિચાર કરતાં –શુકદેવજી ને લાગ્યું કે –આ દેહાભિમાન(હું દેહ છું-દેહ ભાન) જ નિરુપયોગી છે.

આથી તેમણે તે દેહાભિમાન ગુરુદક્ષિણા માં અર્પણ કર્યું. જનકરાજા એ કહ્યું-હવે તું કૃતાર્થ થયો.


-------------------------------------------------------------------------------------------------------------


ભાગવત રહસ્ય-૮૧

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત             

સ્કંધ બીજો-૮

કથા ના ,ગ્રંથ ના આરંભ માં મંગલાચરણ કરવું જોઈએ તેવો નિયમ છે.

પણ શુકદેવજી ને દેહનું ભાન નહી-એટલે આવીને –એકદમ કથાની શરૂઆત કરી દીધી.

રાજર્ષિ પરીક્ષિત ને પ્રથમ ત્રણ અધ્યાય માં ઉપદેશ કર્યો છે-જે જ્ઞાન કહેવાનું હતું-તે બધું-અહીં કહી દીધું.(બીજો સ્કંધ=જ્ઞાન લીલા)

(એટલે બીજા સ્કંધ ના અધ્યાય ૧-૨-૩ માં ભાગવત નો સઘળો સાર બોધ છે-ત્યાર બાદ તો રાજા નું ધ્યાન બીજા વિષય તરફ જાય નહિ -તેથી બધાં ચરિત્રો કહ્યા છે)

જયારે શુકદેવજી ને દેહ નું ભાન થયું ત્યારે –ત્રીજા અધ્યાય પછી- (ચોથા અધ્યાય માં) મંગલાચરણ કર્યું છે.

ભાગવત માં ત્રણ મંગલાચરણ છે. પ્રથમ વ્યાસજી નું-બીજું શુકદેવજી નું અને અંત માં સૂતજી નું.

શુકદેવજી નું મંગલાચરણ બાર શ્લોકો  નું છે ,બાકીના મંગલાચરણ એક એક શ્લોક ના છે.

શુકદેવજી સ્તુતિ કરે છે-

જે મહાન ભક્તવત્સલ છે,(હઠપૂર્વક ,ભક્તિહીન સાધનો કરવા વાળા જેની છાયા ને પણ સ્પર્શી શકતા નથી.)

જેની સમાન કોઈ નું ઐશ્વર્ય નથી. તથા જેઓ, ઐશ્વર્યયુક્ત થઈને નિરંતર બ્રહ્મસ્વરૂપ –પોતાના –ધામ માં વિહાર કરી રહ્યા છે-

તેવા ભગવાન શ્રી કૃષ્ણ ને હું વારંવાર વંદન કરું છું, (ભાગવત-૨-૪-૧૪)

આ શ્લોક ના –રાધસા- શબ્દ નો અર્થ-મહાત્મા ઓ –રાધિકાજી –એવો પણ કરે છે.(આખા ભાગવતમાં –રાધાજી ના નામનો ક્યાંય

પ્રગટ રૂપે ઉલ્લેખ નથી-શુકદેવજી રાધાજી ના શિષ્ય છે. અને રાધાજી ગુરુ છે. ગુરુનું નામ પ્રગટરૂપે લેવાની –શાસ્ત્ર ની મર્યાદા છે)

શુકદેવજી પૂર્વ જન્મ માં પોપટ હતા-અને રાત દિવસ લીલા નિકુંજ માં ‘હે રાધે,હે રાધે’ નામનો જપ સતત રટ્યા કરતા હતા.

રાધાજી દયાની મૂર્તિ છે,તે જલ્દી કૃપા કરે છે.(કનૈયો ભોળો છે-પણ ચતુર છે.કસોટી કરી ને અપનાવે છે)

રાધાજી પ્રસન્ન થયાં. અને પોપટ ને ઉપદેશ આપ્યો.-વત્સ કૃષ્ણમ વદ,કૃષ્ણમ વદ,રાધેતિ મા વદ –કૃષ્ણ નું નામ સ્મરણ કર.

રાધાજી એ શુકદેવજી ને બ્રહ્મ-સંબંધ કરાવી આપ્યો હતો.

એટલે પ્રેમ માં થોડો પક્ષપાત આવી જાય છે. શુકદેવજી કૃષ્ણ ને બે વાર-નમસ્કાર કરે છે.(કૃષ્ણ અને રાધાકૃષ્ણ ને)

પરીક્ષિત રાજા એ પ્રશ્ન કર્યો છે-ભગવાન પોતાની –માયા-થી આ સૃષ્ટિ ની રચના કેવી રીતે કરે છે? સૃષ્ટિ ની ઉત્પત્તિ ની કથા કહો.

શુકદેવજી કહે છે-તમે જેવો પ્રશ્ન પૂછ્યો-તેવો નારદજી એ બ્રહ્માજી ને પૂછેલો. બ્રહ્માજી એ સૃષ્ટિ ના આરંભ ની કથા કહી છે.

સૃષ્ટિ ના આરંભ માં ભગવાન ને -એક માંથી અનેક થવાની –ઈચ્છા- થઇ. અને ઈચ્છા માત્ર થી-પ્રભુએ ૨૪ તત્વો ને ઉત્પન્ન કર્યાં.

પણ આ ૨૪ તત્વો કઈ  કાર્ય કરી શક્યાં નહિ –ત્યારે પ્રભુ એ –એ એક એક તત્વ માં –ચૈતન્ય-રૂપે પ્રવેશ કર્યો. ત્યારે તે તત્વો માં

દિવ્ય-ચેતન શક્તિ –પ્રગટ થઇ. (આને સર્ગ સિદ્ધાંત પણ કહે છે-સર્ગ ની શરૂઆત)

સામાન્ય ભાષામાં કહેવું હોય તો-આરંભ માં તમામ જીવો –પરમાત્મા ના પેટ માં હતા. ભગવાન એક એક જીવ ને શોધી ને –

તેના કર્મ પ્રમાણે તેને શરીર આપે છે. તે પછી પરમાત્મા કહે છે-બેટા –હવે હું સંતાઈ જાઉં છું.(સંતાકુકડી ની રમત રમે છે)

હવે તું મને શોધવા આવજે.

સંસારની રચના કરી પરમાત્મા છુપાઈ જાય છે. તેમને શોધવાનો પ્રયત્ન કરવાનો છે.

“અપને આપ સભી કુછ કર કે,અપના આપ છુપાયા,કિસને યે સબ ખેલ રચાયા ?” 

નારાયણ ભગવાને-બ્રહ્માજી ને ચતુશ્લોકી ભાગવત નો ઉપદેશ કર્યો છે.

“જગત ન હતું ત્યારે હું જ હતો. જયારે જગત રહેશે નહિ-ત્યારે હું જ રહીશ.”

સ્વપ્ન માં એક અનેક દેખાય છે,પણ જાગૃત અવસ્થામાં અનેક માં એક જ છે-એવો જ્ઞાની પુરુષો નો અનુભવ છે.

દાગીના ના આકાર ભિન્ન ભિન્ન-હોવ છતાં –સર્વ માં એક સોનું જ રહેલું છે.પણ કિંમત પણ સોના ની મળે છે- આકારની નહિ.

ઈશ્વર વિના બીજું જે કંઇ દેખાય છે-તે સત્ય નથી,પણ ઈશ્વર ની માયા છે.

માયા શબ્દ માં –મા- એટલે- નથી –અને –યા -એટલે- છે-

માયા એટલે -જે નથી છતાં દેખાય છે.અને જે હોવા છતાં દેખાતી નથી-

(તત્વ દૃષ્ટિ થી- જગત નથી-છતાં –જગત તો દેખાય જ છે. પરમાત્મા –છે-પણ દેખાતા નથી.)

જે ના હોવા છતાં પણ દેખાય છે(જગત)-અને ઈશ્વર સર્વ માં હોવા છતાં દેખાતા નથી-એ જ માયા નું કાર્ય છે.

તેને  જ મહાપુરુષો-આવરણશક્તિ અને વિક્ષેપશક્તિ-માયા- કહે છે.

સર્વ નું મૂળ ઉપાદાનકારણ-(સર્વ ની ઉત્પત્તિ નું કારણ)-પ્રભુ-સત્ય છે. પણ- પ્રભુ-માં –જે –ભાસે છે-તે-સંસાર-સત્ય-નથી.

પરંતુ તે માયા થી ભાસે છે.

આ માયા ની બે  શક્તિઓ  છે.

આવરણ શક્તિ-જે પરમાત્મા નું  આવરણ કરે છે-પરમાત્મા ને ઢાંકી રાખે છે.(બુદ્ધિ-જ્ઞાન ને ઢાંકે છે)

વિક્ષેપ શક્તિ- જે પરમાત્મા માં જગત  નો ભાસ કરાવે છે.(બુદ્ધિ-જ્ઞાન માં વિક્ષેપ કરાવે છે)

સમજવામાં- જરા અઘરો-માયાનો સિદ્ધાંત –દ્રષ્ટાંત થી સમજાવ્યો છે.

માયા –એ –અંધકાર જેવી છે. અંધકાર કે –જે--- વસ્તુ છે –તેને ઢાંકી રાખે છે. (માયા ની આવરણ શક્તિ)

ધારો કે કોઈ દોરી છે-પણ અંધારા ને લીધે તે દોરી આપણને –દેખાતી નથી-

પણ-જો અંધારા માં આપણે દોરીને અડકી જઈએ તો –સાપ  હશે-તેવો ભાસ થાય છે.

આ સાપ છે-એવો ભાસ –તે –અંધકાર(માયા) ને લીધે છે.

સાચી રીતે તો તે દોરી એ સર્પ નથી-પણ –સાપ નો ભાસ થાય છે.(માયા ની વિક્ષેપ શક્તિ)

પણ જો દીવો કરવામાં આવે –અજવાળું કરવામાં આવે-તો જ્ઞાન થાય છે કે-આ તો દોરી છે.

(અંધારા ની કોઈ વ્યાખ્યા નથી-અજવાળું(પ્રકાશ) નથી –અજવાળા નો અભાવ-તે અંધારું)

માયા –એ- સ્વપ્ન જેવી છે. ભાગવત માં –માયા ને સમજાવવા-સ્વપ્ન- નું દ્રષ્ટાંત –વારંવાર આપ્યું છે.

એક જણ ને સ્વપ્ન આવ્યું-કે તે જંગલ માં ગયો-ત્યાંથી તેને લાખ રૂપિયા જડ્યા.એટલે તે રાજી થયો. થોડીવાર પછી –બીજું સ્વપ્ન આવ્યું

કે તેની પાછળ વાઘ પડ્યો છે.તેથી તે રડવા લાગ્યો.

લાખ રૂપિયા મળ્યા તે –અને વાઘ પાછળ પડ્યો છે-તે બંને ખોટું છે. તેમ છતાં સુખ અને દુઃખ થાય છે.

સ્વપ્ન સત્ય નથી –છતાં સુખ દુઃખ આપે છે-તેમ –માયા સત્ય નથી –છતાં સુખ દુઃખ આપે છે.

સ્વપ્ન કાળ એટલે અજ્ઞાનતા. (સ્વપ્ન માં બુદ્ધિ-જ્ઞાન વિરામ માં હોય છે!!)

એ જ રીતે-આ જગત દેખાય છે-પણ જગત ને બનાવનાર દેખાતો નથી-તે અજ્ઞાનતા.

સ્વપ્ન માં એક જણ ને ત્રણ વર્ષ  ની જેલ ની સજા થઇ. બે વર્ષ ની સજા પૂરી થઇ અને તેની ઊંઘ ઉડી ગઈ. સ્વપ્ન પૂરું થયું.

વિચાર કરો-હવે બાકીની એક વર્ષ ની સજા કોણ ભોગવશે ? એ એક વર્ષ ની સજા ભોગવવાની રહેતી નથી.

જો તે જાગ્યો ના હોત તો-તે સજા ભોગવી પડત----જે નિંદ્રા માં (અજ્ઞાન માં) છે-તેને સજા થાય છે.(ભોગવવી પડે છે) 

પણ જો જાગી જાય (જ્ઞાન થાય) તો સજા થતી નથી.(ભોગવવી પડતી નથી)

સંસાર માં જાગ્યો તે જ છે-કે-જેને સંસાર નું સુખ તુચ્છ લાગે છે.(જ્ઞાન)

જેને સંસાર ના સુખો મીઠાં લાગે છે-તે સુતેલો છે.(અજ્ઞાન)

જે સુતો છે-(અજ્ઞાન માં છે) –તેને સંસાર મળશે- અને-જે જાગ્યો છે (જ્ઞાન માં છે) તેને પરમાત્મા મળે છે.

(જો સોવત હય –વો –ખોવત હય-જો –જાગત હય-વો-પાવત હય.)

--------------------------------------------------------------------------------------------------


ભાગવત રહસ્ય-૮૨
 ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત          

સ્કંધ બીજો-૯

આત્મસ્વરૂપ (પરમાત્મસ્વરૂપ) નું વિસ્મરણ –એ માયા છે. આ વિસ્મૃતિ –એ સ્વપ્ન – છે

સ્વપ્ન સૃષ્ટિ અને જાગૃત સૃષ્ટિ માં બહુ વધારે ફેર નથી.

સ્વપ્ન સૃષ્ટિ –અજ્ઞાન થી દેખાય છે-તેવી જ રીતે જાગૃત સૃષ્ટિ -જગત –માયાથી દેખાય છે (અજ્ઞાનથી).

સ્વપ્ન જેને દેખાય છે-તે જોનારો –પુરુષ સાચો છે-સ્વપ્ન માં- એક- જ પુરુષ છે-પણ દેખાય છે –બે-

એ જયારે જાગી જાય છે-ત્યારે તેને ખાતરી થાય છે-કે –હું ઘરમાં પથારી માં સૂતો છું. સ્વપ્ન નો પુરુષ જુદો છે.

તત્વ દૃષ્ટિ થી જોઈએ તો--સ્વપ્ન નો સાક્ષી અને પ્રમાતા (પ્રમાણ આપનાર) એક જ છે.

આ જગત માં બ્રહ્મ તત્વ એક જ છે-પણ માયા ને લીધે-અનેક તત્વ ભાસે છે.

પરીક્ષિતે પ્રશ્ન કર્યો-કે- માયા જડ છે-કે ચેતન? જડ-ચેતન ની ગાંઠ ક્યારે પડી તે મને સમજાવો.

શુકદેવજી કહે છે-માયા જોડે જીવ નો સંબંધ નથી. જેમ સ્વપ્ન માં જે દૃશ્યો દેખાય છે,તેનો સ્વપ્ન દૃષ્ટા જોડે સંબંધ નથી તેમ.....

માયા ખોટી છે.માયા જો સત્ય હોય તો તેનો વિનાશ થાય નહિ. માયાનો વિનાશ જ્ઞાન થી થાય છે.

આ માયા જીવ ને વળગેલી છે. માયા જીવ ને ક્યારે? કેમ ? વળગી તે કહી શકતું નથી.તેનું મૂળ શોધવા જવાની જરૂર નથી.

માયા એટલે અજ્ઞાન. અજ્ઞાન ક્યારથી શરુ થયું તે જાણવાની શી જરૂર છે? અજ્ઞાન નો-જ્ઞાન થી તાત્કાલિક નાશ –એ જરૂરી છે.

કપડાં પર ડાઘો પડ્યો હોય-શાનાથી પડ્યો?ક્યારે પડ્યો?ક્યાં પડ્યો? કઈ શાહી થી પડ્યો? વગેરે વિચારવાને બદલે-

ડાઘ દૂર કરવો એ જ વધુ હિતાવહ છે.

જે ગાફેલ છે-ઈશ્વર થી વિમુખ છે-તેને માયા ત્રાસ આપે છે-મારે છે. જ્ઞાની પુરુષો-જે સતત ભક્તિ કરે છે-તેને માયા દેખાતી નથી.

માયા નો બહુ વિચાર કરવા કરતાં-માયા ના પતિ પરમાત્મા ના શરણે જવું.

એક વખત –સુદામા એ –શ્રીકૃષ્ણ પાસે માગણી કરી-મારે તમારી માયા ના દર્શન કરવાં છે. તમારી માયા કેવી હોય ?

શ્રીકૃષ્ણ કહે છે-કે-તું આખો દિવસ મારું ધ્યાન-ભક્તિ કરે છે,તેથી તને મારી માયા ક્યાંથી દેખાય ?તું મને ભૂલી જા-તો તે દેખાશે.

સુદામા કહે છે-પણ એક્વાર તો તમારી માયા  બતાવો. કૃષ્ણ કહે-સમય આવે દર્શન કરાવીશ.

એક દિવસ ભગવાને સુદામા  ને કહ્યું-ચાલો આજે ગોમતી માં સ્નાન કરવાં જઈએ. ભગવાન સ્નાન કરી પીતાંબર પહેરે છે.

સુદામા દેવ ભગવાન ને ભૂલે તો માયા દેખાય.

‘મારે સ્નાન કરી જલ્દી બહાર નીકળવું છે’તેવા વિચાર માં સુદામા –ભગવાન ને ભૂલી ગયા.

સુદામા એ ગોમતી ના જળ માં ડૂબકી મારી,ત્યારેજ પ્રભુ એ પોતાની માયા બતાવી.

સુદામા ને લાગ્યું-કે ગોમતી માં પુર આવ્યું.તે તણાતા જાય છે. એક ઘાટ નો આશરો લઇ બહાર નીકળે છે-અને ફરતાં ફરતાં ગામ માં

જાય છે. ત્યાં ઉભેલી હાથણી એ તેમના ગળા માં ફૂલ ની માળા નાખી. ગામના લોકો સુદામા પાસે આવી કહે-અમારા દેશ ના રાજા

મરણ પામેલા છે. આ ગામ નો કાયદો છે-કે હાથણી જેના ગળા માં હાર પહેરાવે તે રાજા થાય. હવે-તમે અમારા દેશના રાજા.

સુદામા તે દેશના રાજા થયા-રાજકન્યા સાથે લગ્ન થયું. બાર વર્ષ –સંસાર ચાલ્યો.બાર પુત્રો થયા. તેવા માં રાણી એક દિવસ માંદી

પડી અને મૃત્યુ પામી. સુદામા રડવા લાગ્યા-તે બહુ સુંદર અને સુશીલ હતી. લોકો આવી ને કહે છે-તમે રડો નહિ. અમારી માયાપુરી નો

કાયદો છે કે તમારી પત્ની જ્યાં ગઈ છે-ત્યાં તમને મોકલવામાં આવશે. પત્ની સાથે તમારે પણ અગ્નિ માં પ્રવેશ કરવો પડશે.

સુદામા –પત્ની માટે રડવાનું ભૂલી ગયા-તે પોતાના માટે રડવા લાગ્યા. સુદામા કહે છે-મને સ્નાન સંધ્યા કરી લેવા દો પછી મને બાળજો. તે સ્નાન કરવા ગયા. ચાર જણા તેમની ફરતે ઉભા છે-જેથી આ નાસી ના જાય.સુદામા ગભરાટ માં પ્રભુ ને યાદ કરે છે.

રડતાં રડતાં સુદામા ગોમતી નદી માંથી બહાર આવ્યા. ભગવાન પૂછે છે-કેમ રડે છે ?

સુદામા કહે-આ બધું ક્યાં ગયું ?આ છે શું ?કાંઇ સમજાતું નથી. ભગવાન કહે છે-બેટા,આ મારી માયા છે.મારા વિના જે ભાસે છે –તે-

મારી માયા છે. જે મને ભૂલે છે તેને માયા મારે છે. મને ભૂલતો નથી તેને માયા મારી શકતી નથી.

માયા એટલે બ્રહ્મ નું વિસ્મરણ. ના હોય તે બતાવે તે માયા. માયાથી મોહ પામેલો જીવ-માયા સાથે નાચવા લાગે છે.

માયા નર્તકી છે-તે બધાને નચાવે છે. માયા ના મોહ માંથી છૂટવું હોય તો- નર્તકી શબ્દ ને ઉલટાવો-તો થશે કિર્તન .

કિર્તન કરો-તો માયા છુટશે. કિર્તન ભક્તિ માં દરેક ઇન્દ્રિય ને કામ મળે છે. તેથી મહાપુરુષો તેને શ્રેષ્ઠ કહે છે.

માયા ને તરવા-માયા-જેમની દાસી છે-એ માયા પતિ –પરમાત્મા ને શરણે જવું જોઈએ.

માયા અનાદિ છે- પણ તેનો અંત આવે છે. માત્ર પરમાત્મા અનાદિ અને અનત છે. માયા ના ત્રાસ માંથી છૂટવું હોય તો –

માધવરાય ના શરણ સિવાય કોઈ ઉપાય નથી.

જે નારદજીએ વ્યાસજી ને કહ્યું. અને વ્યાસજી એ આ ચાર શ્લોક ના આધારે-અઢાર હજાર શ્લોક નું ભાગવત રચ્યું.

No comments:

Post a Comment