Disclaimer

Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Saturday, November 4, 2017

ભાગવત રહસ્ય-૧૦૧ to 114 ડોંગરેજી મહારાજ ની કથા

ભાગવત રહસ્ય-૧૦૧ to 114

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત  

સ્કંધ ત્રીજો-૧૯ (સર્ગ લીલા)




હવે કપિલ ગીતા નો પ્રારંભ થાય છે. આ દિવ્ય પ્રસંગ છે.



દીકરો મા ને ઉપદેશ આપે છે.



ભાગવત નું આ અગત્યનું પ્રકરણ છે.



તેના નવ અધ્યાય છે. કપિલ ગીતા  નો પ્રારંભ અધ્યાય -૨૫ થી છે. તેમાં સાંખ્ય શાસ્ત્ર નો ઉપદેશ છે.



ત્રણ અધ્યાય માં પહેલાં વેદાંત નું જ્ઞાન કહ્યું છે. ત્યાર બાદ ભક્તિ નું વર્ણન કર્યું છે.તે પછી સંસારચક્ર નું વર્ણન આવે છે.



એક દિવસ માતા દેવહુતિ એ વિચાર્યું-કે-જયારે કપિલ નો જન્મ થયેલો ત્યારે બ્રહ્માજી એ કહેલું કે-



આ બાળક સાક્ષાત નારાયણ નોં અવતાર છે. આ બાળક મા નો ઉદ્ધાર કરવા આવ્યો છે. તેમને હું પ્રશ્ન પૂછીશ તો તે જવાબ આપશે.



દેવહુતિ કપિલ ભગવાન પાસે આવ્યા છે.સદભાવ થી વંદન કરી કહ્યું-આપ આજ્ઞા કરો તો મને પ્રશ્ન પૂછવાની ઈચ્છા છે.



કપિલ ભગવાન કહે છે-કે- મા સંકોચ ના રાખો.તમારે જે પૂછવું હોય તે પૂછો.મા,તમે જે પુછશો,તેનો ઉત્તર હું કહીશ.



દેવહુતિ એ પ્રથમ શરણાગતિ લીધી છે. (ઈશ્વરની શરણાગતિ વગર ઉદ્ધાર થતો નથી.)



દેવહુતિએ પ્રશ્ન કર્યો છે-કે-આ જગતમાં સાચો આનંદ છે કે નહિ ? અને હોય તો ક્યાં છે ? તે બતાવો.



જે આનંદ નો વિનાશ ન થાય તેવો આનંદ બતાવો. જગતમાં સાચું સુખ શું છે ? તે કહો.



આં ઇન્દ્રિયો ના લાડ અનેક વખત કર્યા છે,શરીર રોગી  થાય છે,પણ વાસના શાંત થતી નથી. મન ને શાંતિ મળતી નથી.



આ ઇન્દ્રિયો બહુ ત્રાસ આપે છે. આ વાસના મને બહુ પજવે છે.



વૃદ્ધાવસ્થામાં પણ વાસના જુવાન રહે છે. વાસના એ ભિખારણ જેવી છે,તેને જેમ જેમ ખવડાવો,તેમ તેમ તેની ભુખ વધે છે.



આ વાસના રાક્ષસી એવી છે-એને જે ખવડાવે છે-તેને જ તે ખાઈ જાય છે. ઇન્દ્રિયો રોજ રોજ નવા વિષયો  માગે છે,



જીભ રસસુખ તરફ ખેંચે છે,આંખ રૂપ ના સુખ તરફ ખેંચે છે,ત્વચા સ્પર્શના સુખ તરફ ખેંચે છે,



ઇંદ્રિયો થોડું સુખ આપે છે-પછી દુઃખ ના ખાડા માં ધકેલી દે છે.



કેટલાંક લોકો યાદ રાખે છે-કે-બે મહિનાથી ઢોકળાં ખાધાં નથી. અરે...તમે બે માસ થી ઢોકળાં ખાધાં નથી તે યાદ રાખો છો –પણ-



આજ સુધી માં કેટલાં ખાધાં તે યાદ રાખતા નથી.આજ સુધી માં બે ચાર મણ ઢોકળાં પેટ માં ગયાં હશે.



કદાચ ઢોકળાં ખવડાવી જીભ ને રાજી કરો તો –આંખો કહેશે-બે માસ થી ફિલ્મ જોઈ નથી. આ વિચાર કરો ત્યાં સ્ત્રી કહે કે-પાડોશીઓ



તો મહિના માં બે-ચાર વાર જોવા જાય છે. આ નવું ફિલ્મ તેઓ ક્યારના ય જોઈ આવ્યા,આપણે ક્યારે જઈશું ?



સુધરેલા લોકો માને છે-કે-હોટેલ નું ખાઈએ,અને સિનેમા જોવા જઈએ –એટલે અમે સુખી છીએ. સાચાં સુખની કોઈને ખબર નથી.



કેટલાંક કહે છે-કે અમે ધાર્મિક ફિલ્મો જોઈએ છીએ. પણ શું રામ નો પાઠ ભજવનાર રામ જેવો હોય છે ?



કેટલાંક કહે આખો દિવસ કામ કરીને થાક લાગ્યો હોય તો કોઈ મનોરંજન તો જોઈ ને ? શૃંગાર ના ચિત્રો જોવાથી મનોરંજન થતું



નથી પણ મન બગડે છે,મન ચંચળ થાય છે,મન ની શક્તિઓ નો નાશ થાય છે. ફિલ્મ જોવાથી થાક ઉતરતો નથી,પણ થાક લાગે છે.



શંકર સ્વામી એ એક જગ્યાએ –આ ઇન્દ્રિયો ને ચોર કહી છે. વિવેક રૂપી ધન –ઇન્દ્રિયો ચોરી ને લઇ જાય છે.



ઇન્દ્રિયો ચોર કરતા યે વધુ ખરાબ  છે, ચોર તો જેના આધારે હોય – જેના ઘરમાં રહેતો હોય-તેના ત્યાં ચોરી કરતો નથી, જયારે



ઇન્દ્રિયો તો –પોતાના પતિ આત્મા ને છેતરે છે.(ઇન્દ્રિયો આત્મા ના આધારે રહે છે.)



આત્મા શક્તિ આપે છે-------બુદ્ધિ ને,   બુદ્ધિ-મન ને,    અને મન-ઈન્દ્રિયોને.



ઇન્દ્રિયો -જે આત્મા ના આધારે, જીવે છે-તે આત્મા નું જ વિવેકરૂપી ધન લુંટી ને લઇ જાય છે.



દેવહુતિ –કપિલ ભગવાનને કહે છે-મને શાંતિ નો માર્ગ બતાવો, હું સ્ત્રી છું, હું સમજી શકું તેવી સરળ ભાષામાં સમજાવો.



કપિલ ભગવાન ને આનંદ થયો. બોલ્યા: મા તેં સુંદર પ્રશ્ન કર્યો છે.



કોઈ પણ સુખ ભોગવવાની ઈચ્છા –એ-જ મહાન દુઃખ છે. જે સંસાર ના જડ પદાર્થો સુખ આપે છે-તે જ દુઃખ આપે છે.



જેને બીજાથી સુખ મળે છે,તે દુઃખી થાય છે. સંસાર સુખ-દુઃખ થી ભરેલો છે. જેને સુખ ભોગવવું છે,તેને દુઃખ ભોગવવું પડે છે.



સુખ ની પાછળ દુઃખ ઉભું જ છે. સુખ-દુઃખ સગા ભાઈઓ છે.



આનંદ એ બહાર નથી,આનંદ એ તો અંદર છે.પરમાત્મા આનંદ સ્વરૂપ છે,પરમાત્મા સર્વ માં ચૈતન્યરૂપે રહેલા છે.



મા,આનંદ કોઈ જડ પદાર્થ માં રહી શકતો નથી. આનંદ એ તો આત્મા નું સ્વરૂપ છે.



અજ્ઞાન થી મનુષ્ય, જડ પદાર્થ માં આનંદ શોધે છે. સંસાર ના પદાર્થો જડ હોવાથી જીવ ને આનંદ આપી શકતા નથી.



તે આનંદ આપતા નથી,પણ થોડું સુખ આપે છે. જેને સુખ ભોગવવાની ઈચ્છા નથી તેને આનંદ મળે છે.



જે સુખ આપે છે-તે દુઃખ પણ આપશે. પરંતુ ભગવાન હંમેશા આનંદ આપશે.

આનંદ એ પરમાત્માનું સ્વરૂપ છે,ચેતન પરમાત્મા આનંદ આપે છે.





--------------------------------------------------------------------------------------------------









ભાગવત રહસ્ય-૧૦૨



સ્કંધ ત્રીજો-૨૦ (સર્ગ લીલા)



આ શરીર ને સ્પર્શ કરવાથી કાંઇ આનંદ મળતો નથી,છતાં વિવેક રહેતો નથી.



શરીર ની ચામડી ઉખડી જાય –તો શરીર સામું જોવાની ઈચ્છા થશે નહિ.તેમ છતાં સ્પર્શસુખ માં માનવી સુખ માને છે.



સંસારનું સુખ –દરાજ(ચામડી નો એક રોગ) ને ખંજવાળવા જેવું છે.



દરાજ ને જેટલો વખત ખંજવાળો –ત્યારે સુખ જેવું લાગે છે.પણ ખંજવાળવાથી નખ ના ઝેર થી દરાજ વધે છે.



જગત ના પદાર્થો માં આનંદ નથી,આનંદ નો આભાસ માત્ર છે. આ જગત દુઃખરૂપ છે.



ગીતા માં કહ્યું છે-



ક્ષણભંગુર(અનિત્ય).સુખ વગરના, આ જગત ને પ્રાપ્ત કરીને –પણ-તું મારું જ ભજન કર (ગીતા-૯-૩૩)



જે સુખ- વિષય અને ઇન્દ્રિયોના સંયોગ થી થાય છે,તે આરંભમાં (ભોગકાળમાં) અમૃત સમાન લાગે છે, પણ પરિણામ માં તે



વિષ (ઝેર) સમાન છે, એટલે –આ સુખ ને રાજસ-સુખ કહેવામાં આવ્યું છે. (ગીતા-૧૮-૩૮)



મા, જો શરીર માં આનંદ હોય-તો તેમાં થી પ્રાણ નીકળી ગયા પછી-તેને લોકો સાચવી કેમ રાખતા નથી ?



ઉલટું કહે છે-જલ્દી લઇ જાવ,નહીતર વજન વધી જશે. પત્ની, પણ એના પતિના મૃત શરીર ની નજીક જતાં ડરે છે.



શરીર માં આંખ,નાક કાન,મોઢું અને ચામડીમાં થી દુર્ગંધ જ આવે છે,છતાં માનવી કહે છે-શરીર સુંદર છે,શરીર સુખ આપે છે.



વિષયો જડ છે. જડ પદાર્થ માં આનંદ કેવી રીતે હોઈ શકે ? જડ પદાર્થ માં આનંદ-ચૈતન્ય (પ્રભુ) ના સ્પર્શ થી ભાસે છે.



જીવ -જીવ ને મળે તો સુખ થાય છે, પણ મડદાને મળવા થી સુખ થતું નથી.(મડદામાં જીવ નથી)



શરીર -શરીર ને મળે જો સુખ થતું હોય તો મડદાને મળવાથી સુખ થવું જોઈએ.



બે શરીરના સ્પર્શ થી સુખ નથી મળતું –પણ બે પ્રાણ (જીવ) ભેગા થાય છે, એક થાય છે,એટલે સુખ જેવું લાગે છે.



જો બે પ્રાણ મળવાથી સુખ થાય છે-તો અનેક પ્રાણો જેમાં મળેલા છે –તે પરમાત્મા ને મળવાથી કેટલો આનંદ થાય !!!



બહિર્મુખ (બહાર ભટકતું) મન જયારે અંતર્મુખ બને,એકાગ્ર થાય ત્યારે આત્માનું તેમાં પ્રતિબિંબ પડે છે, ને જ્યાં સુધી મન ની



એકાગ્રતા રહે (તરંગ વગરનું રહે) ત્યાં સુધી આનંદ નો ભાસ થાય છે. પણ મન ચંચળ છે, જેવા મન માં તરંગ થયા, જેવું મન વ્યગ્ર



થયું કે –તે આનંદ ઉડી જાય છે.



આનંદ એ આત્મા નું સહજ સ્વરૂપ છે, જેવી રીતે પાણી ની શીતળતા તેનું સહજ સ્વરૂપ છે તેમ.



પાણી ને અગ્નિ અડે તો તે ગરમ થાય છે-પણ અગ્નિ દૂર જવાથી પાછું ઠંડું થાય છે.



એમ આનંદ આત્મા માં જ છે-અંદર જ છે. અને જો આત્મા અને પરમાત્માનું મિલન થાય તો પરમાનંદ છે.



દીવામાં તેલ હોય ત્યાં સુધી દીવો બળે છે,દીવાનું તેલ ખૂટે એટલે દીવો શાંત બને છે. તે પ્રમાણે જ-



મન માં સંસાર હોય-ત્યાં સુધી જ મન બળે છે. મન માં સંસાર ના રહે તો –મન શાંત થાય છે.



ધ્યાન માં રાખો-કે-બહાર નો સંસાર દુઃખ આપતો નથી,પણ મન માં રહેલો સંસાર દુઃખ આપે છે.



નિંદ્રામાં જેમ મન –નિર્વિષય થાય છે-તેવું-જ જો જાગ્રત અવસ્થામાં પણ મન-નિર્વિષય રહે તો –શાંતિ મળે છે.



નિંદ્રામાં જેવું નિર્વિષય મન રહે છે-તેવું મન બનાવવું હોય તો-મન ના વિકારો ને બહાર ધકેલી દો કે મન માં બીજું કાંઇક ભરો.



જેમ કે મન ને પરમાત્મા ના પ્રેમ થી  ભરી દો-એટલે ત્યાં રહેલો સંસાર નીકળી જશે.



સંસાર માં જો આનંદ હોય તો –તેને છોડી ને કોઈ ને સુવાની ઈચ્છા થાય જ નહિ.



નિંદ્રામાં નથી કંઈ ખાવાનું મળતું,નથી પીવાનું મળતું,નથી પૈસો મળતો,-પણ અલૌકિક શાંતિ-આનંદ મળે છે. તે શાંતિ કોણ આપે છે ?



અતિકામી,અતિલોભી હોય પણ સર્વ કંઈ છોડીને –સુઈ જાય ત્યારે તેને શાંતિ મળે છે.



ગમે તેટલી સુખ-સંપત્તિ હોય-પણ તેને જો નિંદ્રા ન આવે તો –તે દુઃખી થાય છે.





---------------------------------------------------------------------------------------------------







ભાગવત રહસ્ય-૧૦૩

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત    



સ્કંધ ત્રીજો-૨૧ (સર્ગ લીલા)



કેટલાક નિંદ્રા માટે ગોળી લે છે.



પણ ભાગવત માં નિંદ્રા લાવવા માટે એક સુંદર દવા આપી છે.



નિંદ્રા ના આવે તો –પથારી માં આળોટશો નહિ,પથારી માં બેઠા થઇ,માળા લઇ-હરે રામ,હરેકૃષ્ણ- મંત્ર નો જપ કરો.



નિદ્રાદેવી જ્યાં હશે ત્યાંથી દોડતાં આવશે. કારણ –કુંભકરણ ની સ્ત્રી નો શાપ છે.



કુંભકરણ ની સ્ત્રી (નિંદ્રા) વિધવા થઇ.તેણે ભગવાન પાસે આવી-કહ્યું- આપે મારા પતિ ને માર્યો, હવે હું ક્યાં જાઉં ?



ભગવાને કહ્યું-તું નાટક-સિનેમા  જોવા જજે. કુંભકરણ ની વિધવાએ કહ્યું-હું તો નાટક-સિનેમા જોવા જાઉં નહિ, હું પતિવ્રતા છું, એકલી



કેમ જાઉં? તમે મારા પતિ ને માર્યો-એટલે તમારાં સાથે મારે વેર થયું છે,મારે વેર નો બદલો લેવો છે, એટલે તમારી –જ્યાં



કથા વાર્તા થતી હશે,સ્મરણ થતું હશે-ત્યાં હું જઈશ.



એટલે કથા માં બેઠા હોવ,કે માળા હાથમાં લો-એટલે નિંદ્રા દેવી દોડતાં આવે છે,બે-ત્રણ દિવસના ઉજાગરા હોય તો પણ



નાટક-સિનેમા માં ઊંઘ આવતી નથી.......



આ તો હળવા અર્થ માં કહ્યું-માળા કરતા નિંદ્રા આવે તો-માનજો-મારું પાપ હજુ વધારે છે.



નિંદ્રા માં ચેતન પરમાત્મા ના સ્પર્શ થી સુખ મળે છે,આનંદ મળે છે.મન નિર્વિષય બને એટલે ચેતન પરમાત્મા નો સ્પર્શ મળે છે.



પરંતુ નિદ્રાનું સુખ અજ્ઞાન થી ઢંકાયેલું હોવાથી, તેને તામસ સુખ માન્યું છે.



મા, આત્મા તો નિત્ય શુદ્ધ છે,આનંદરૂપ છે,સુખ-દુઃખ એ મન ના ધર્મો છે. મન નિર્વિષય થાય –એટલે આનંદ મળે છે.



દૃશ્ય પદાર્થ (જગત) માં થી દૃષ્ટિ  (મન-બુદ્ધિ) હટી જાય-અને દ્રષ્ટા (પ્રભુ) માં દૃષ્ટિ (મન-બુદ્ધિ) સ્થિર થાય-એટલે આનંદ મળે છે.



દૃશ્ય (જગત) નો સાચો દ્રષ્ટા (જોનાર- (પ્રભુ) છે. અને જે દ્રષ્ટા ને –સાક્ષી- કહે છે. જે દ્રષ્ટા આનંદ રૂપ છે.



દૃશ્ય (જગત) એ દુઃખ રૂપ છે,એટલે તેમાંથી દૃષ્ટિ (મન-બુદ્ધિ) હટાવી-દ્રષ્ટા (પ્રભુ) માં સ્થિર –કરો-એટલે આનંદ-આનંદ.



અને દૃષ્ટિ –દ્રષ્ટા માં મળી જાય-એકરૂપ થઇ જાય-તો –પરમાનંદ.



દેવહુતિ કહે છે-મહારાજ,તમે ભલે ના પાડો,પણ ભાવતું ભોજન(જીભ-નો વિષય) મળે તો –આનંદ થાય છે.



કપિલદેવ કહે છે-ભોજન માં આનંદ છે-તે કલ્પના ખોટી છે.કારણ તે આનંદ સર્વકાળ એક સરખો નથી.



ઉદાહરણ તરીકે –કોઈને શિખંડ ખાવામાં આનંદ આવે છે. પણ જો તેનું પેટ ભરેલું હોય,કે તેને અજીર્ણ થયું હોય,કે માંદો-તાવમાં હોય.



તેની સામે શિખંડ મુકવામાં આવે તો તેને આનંદ નહિ થાય.ખરેખર- જો શિખંડમાં આનંદ હોય તો-તેને અત્યારે શિખંડ ખાવામાં



આનંદ મળવો જોઈએ. પણ અત્યારે એ શિખંડ સામે નજર પણ નહિ કરે. એટલે શિખંડ માં-ભોજન માં આનંદ નથી.



કલ્પના કરો-કે –કોઈ શ્રીમંત શેઠ આનંદ થી –શિખંડ-પૂરી જમે છે. ત્યાં મુંબઈ ની પેઢી માં થી ફોન આવ્યો-કે –પેઢી ડૂબી ગઈ છે-



ત્યારે એ જ શિખંડ ઝેર જેવો થઇ જાય છે, ભાવતો નથી.



મા, ભોજન માં –સંસાર ના જડ પદાર્થો માં આનંદ નથી. જે આનંદ દેખાય છે-તે ક્ષણિક છે, થોડા સમય પુરતો  છે. જયારે જયારે.



ચેતન પરમાત્મા નો સ્પર્શ થાય ત્યારે –આ આનંદ ઉદ્ભવે છે. સતત આનંદ માત્ર પરમાત્મા માં છે.



આનંદ નો કોઈ વિરોધી શબ્દ જડશે નહિ. આનંદ એ બ્રહ્મ-પરમાત્મા સ્વરૂપ છે. એટલે જ જીવાત્મા (આત્મા) પણ આનંદ રૂપ છે.



જીવાત્મા ની અંદર આત્મા રૂપે આનંદ બેઠેલો છે-પણ જીવ (મનુષ્ય)  આનંદ બહાર(જડ પદાર્થો માં-બીજામાં) શોધવા જાય છે.



અને જે આનંદ(સુખ) વધારે વખત ટકતો નથી.- અને દુઃખી થાય છે.



સુખ-દુઃખ એ અજ્ઞાન (આત્મા-પરમાત્મા નું અજ્ઞાન) નું પરિણામ છે. સુખ-દુઃખ એ અજ્ઞાન નું સ્વરૂપ છે.



આત્મા ને ના તો સુખ થાય છે-ના તો દુઃખ થાય છે.



“મારા મન માં પાપ આવ્યું છે-એ જેને દેખાય છે”-તે આત્મા છે. આત્મા એ મન નો સાક્ષી છે.



સુખ-દુઃખ એ મન ની ઊર્મિ  (ધર્મ) છે.કોઈ  પ્રેમી મળે તો સુખ-લાગે અને પ્રેમી મરે તો દુઃખ લાગે.



ભુખ-તરસ એ શરીર ની ઊર્મિ(ધર્મ) છે.બહુ પરસેવો વળી જાય તો તરસ લાગે, સમય થાય એટલે ભુખ લાગે.



જન્મ-મરણ એ પ્રાણ ની ઊર્મિ  (ધર્મ) છે.હરેક અંદર જતો શ્વાસ જીવન છે-અને બહાર જતો શ્વાસ મરણ છે.



(બાળક જન્મે ત્યારે શ્વાસ નથી લેતું હોતું-તેને થપથપાવે-એટલે રુદન નો એક આંચકો આવે અને શ્વાસ –જીવન શરુ થાય છે)



સુખ-દુઃખ મન ને થાય એટલે આત્મા કલ્પે છે-મને દુઃખ થાય છે. મન ને થયેલાં સુખ-દુઃખ નો આરોપ અજ્ઞાનથી-આત્મા –પોતાના



પર કરે છે.અહીં મન ની –‘ઉપાધિ’-થી આત્મા સુખ-દુઃખ નો આરોપ પોતા પર કરે છે.



સુખ-દુઃખ આત્મા માં ઉપાધિથી  (અજ્ઞાનથી) ભાસે છે.



ઉદાહરણ તરીકે જોઈએ તો-આત્મા સ્ફટિકમણી જેવો શુદ્ધ છે. અને સ્ફટિકમણી ની પાછળ જેવા રંગ નું  ફૂલ મુકો તેવો તે દેખાશે.



પણ –તેથી કંઈ સ્ફટિક નો રંગ તે ફૂલ નો રંગ છે તે નથી,પોતે તો શુદ્ધ છે. પણ સંસર્ગ થી તે-તે રંગ વાળો દેખાય છે.



જળ માં ચંદ્ર નું પ્રતિબિંબ પડતું હોય, અને જો જળમાં તરંગો થાય-હલન ચલન થાય-તો ચંદ્ર હાલતો દેખાશે. પણ હકીકત માં



ચંદ્ર હાલતો નથી.



બસ આ ઉદાહરણ મુજબ-દેહ-મન-અને પ્રાણ ની ઊર્મિઓ (ધર્મો) –પોતાના માં નહિ –હોવાં છતાં-જીવાત્મા તે પોતાના માં કલ્પી



લે છે-બાકી જીવાત્મા પોતે નિર્લેપ છે.





----------------------------------------------------------------------------------------------------







ભાગવત રહસ્ય-૧૦૪

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત    



સ્કંધ ત્રીજો-૨૨ (સર્ગ લીલા)



શરીર માં દસ ઇન્દ્રિયો છે. અને આ દરેક ઇન્દ્રિયો ના વિષયો છે. જેમ કે જીભ નો વિષય એ –રસ-છે.



આ ઇન્દ્રિયો વિષય નું ચિંતન કરે છે,એટલે મન તેમાં ફસાય છે. મન હવે-તે વિષયોનું ચિંતન કરતાં કરતાં વિષયાકાર બને છે.



વિષયો જયારે –મન માં પ્રવેશે છે-એટલે-અહંતા,મમતા આવે છે.



મન જયારે માને છે -કે આ મારો છે-ત્યારે સુખ થાય છે, અને પછી મન તેની જોડે મમતા કરે છે, અને મનુષ્ય ને માર ખવડાવે છે.



ઉદાહરણ તરીકે જોઈએ-તો –એક ઘરમાં ઉંદર પણ રહે છે અને પાળેલો પોપટ પણ રહે છે. એક દિવસ બિલાડી આવે છે-અને



ઘરમાંથી ઉંદર ને પકડી ને લઇ જાય છે.ત્યારે ઘરનાં કોઈને દુઃખ થતું નથી,ઉપરથી રાજી થાય છે. એક ઉંદર ઓછો થયો.



પણ બીજા દિવસે બિલાડી આવે છે અને ઘરમાંથી પોપટ ને લઇ જાય છે. તો ઘરનાં બધા દુઃખી થઇ જાય છે.



ઉંદર માં મમતા નહોતી-એટલે  દુઃખ ન હોતું. પોપટ માં મમતા હતી એટલે દુઃખ થયું.



આવી જ રીતે મન ના બીજા એક ખેલ માં “મારું અને તારું “ છે.



મન જયારે એમ માને કે –આ મારું –છે-તો પછી તે કોઈ જ જાતનો દ્વેષ કરતુ નથી. ‘મારા’ જોડે પ્રેમ કરવા માંડે છે.



ઉદાહરણ તરીકે જોઈએ તો-રાત્રે અગિયાર વાગે ઘરમાં બ્રાહ્મણ અતિથી આવ્યા- તો-



ગૃહિણી કહેશે,-મહારાજ,ચા કે દૂધ -શું લેશો ?તમને તો અમારા હાથનું નહિ ચાલે.



મન માં વિચારે છે કે-આખો દિવસ કામ કરી –શરીર થાકી ગયું છે ને -અત્યારે આ લપ વળી ક્યાંથી આવી ?



મહારાજ સરળ હતા-તે કહે કે –દૂધ માં લોટ બાંધી થોડી પૂરી કરી નાખો.



એટલે ગૃહિણી –રસોડામાં જઈ પહેલો તવેતો પછાડશે-અને પછી કરશે.



પણ જો અગિયાર વાગે પોતાનો ભાઈ-પિયરથી આવ્યો હોય તો-ચહેરો ખિલી જાય છે. ભાઈ કહેશે કે-નાસ્તો કરીને આવ્યો છું,



ભુખ નથી. છતાં કહેશે-ભાઈ તું ભૂખ્યો,હોઈશ,હમણાં જ શીરો હલાવી નાખું છું. શીરો –પૂરી કરી પ્રેમ થી જમાડશે.



આ ભાઈ-“મારો”-છે- અને પેલો-મહારાજ-‘મારો’ નથી.



કપિલદેવ કહે છે-કે-મા, આ જીવ ના બંધન અને મોક્ષ નું  કારણ મન ને જ માનવામાં આવ્યું છે.



મન નિર્વિષય બને તો-મુક્તિ અને મન વિષયી બને તો બંધન.



મન જો વિષયો માં આસક્ત થાય તો-બંધન નું કારણ બને છે,પણ એ જ મન જો-પરમાત્મા માં આસક્ત થાય તો મોક્ષનું કારણ બને છે.



મા, જગત બગડ્યું નથી,મન બગડ્યું છે.મન વિષયોનું ચિંતન કરે તો શત્રુ છે,અને પરમાત્મા નું ચિંતન કરે તો મિત્ર છે.



જે મન બંધન કરે છે-તે જ મન મુક્તિ આપે છે.



કોઈ કહેશે-કે-એક જ મનથી બંધન અને એક જ મનથી મુક્તિ કેવી રીતે મળે ?



ઉદાહરણ થી જોઈએ તો-જે ચાવી થી તાળું બંધ થાય છે-તે જ ચાવીથી તાળું ખુલે છે.પરસ્પર વિરુદ્ધ કામ –એક જ ચાવી કરે છે.



પાણી થી કાદવ થાય છે-અને જે પાણી થી કાદવ થાય છે-તે જ પાણી થી કાદવ ધોવાય છે.



મન ને આધીન રહેશો તો એ શત્રુ છે-મન ને આધીન કરશો-તો એ મિત્ર છે.



મન એ પાણી જેવું છે,પાણી જેમ ખાડા તરફ જાય છે તેમ વિના કારણ મન પણ નીચે ખાડામાં જાય છે.



પાપ કરવાની કોઈને પ્રેરણા કરવી પડતી નથી-ત્યારે-પુણ્ય કરવાની પ્રેરણા કરવી પડે છે.



મન અધોગામી છે. જે મન પ્રભુ પાસે જતું નથી,તે મન ખાડામાં જ પડે છે.



મન વિના કારણ પરસ્ત્રી,પરધન નું ચિંતન કરે છે. આ બંગલો બહુ સુંદર છે. બંગલો બહુ સુંદર છે-પણ તને કોઈ આપવાનું છે ?



આસક્તિપૂર્વક પરસંપત્તિ નું ચિંતન કરવું  એ માનસિક પાપ છે. નિશ્ચય કરો કે-જે વસ્તુ મારી નથી,જે વસ્તુ સાથે મારો સંબંધ નથી,



તેનું ચિંતન શા માટે કરવું ?



પાણી જેવું,અધોગામી મન નીચે ની તરફ જાય છે,ઉંચે ચડતું નથી. આ મન ને ઉપરની બાજુ પ્રભુ ના ચરણ સુધી લઇ જવા



શું કરવું ? પાણી ને યંત્ર  (મોટર) નો સંગ થાય તો –પાણી પાંચમા માળ સુધી ચડે છે-તેમ મન ને મંત્ર નો સંગ આપો.



પાણી ને યંત્રનો તો મન ને મંત્રનો સંગ!!



મન ને મંત્ર નો સંગ થાય તો તે ઉર્ધ્વગામી બનશે. પ્રભુ ના ચરણ સુધી પહોચશે.



મન ને સુધારવા બીજું કોઈ સાધન નથી.મન ને ઉલટું કરવાથી થશે નમ. નમ અને નામ –મન ને સુધારશે.



----------------------------------------------------------------------------------------------







ભાગવત રહસ્ય-૧૦૫

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત    



સ્કંધ ત્રીજો-૨૩ (સર્ગ લીલા)



મન ને સ્થિર કરવા નામ-જપ ની આવશ્યકતા છે.જપ થી મન ની મલિનતા અને ચંચળતા દૂર થાય છે. માટે કોઈ મંત્ર નો જપ કરો.



પરમાત્માના બે સ્વરૂપો છે.



સગુણ સ્વરૂપ એવું તેજોમય છે-કે આપણા જેવા સાધારણ જીવો તે સહન કરી શકે નહિ,જોઈ શકે નહિ.



નિર્ગુણ-નિરાકાર સ્વરૂપ-એટલું સૂક્ષ્મ છે-કે જે હાથ માં આવતું નથી.આંખ ને દેખાતું નથી,માત્ર બુદ્ધિ થી તેનો અનુભવ થઇ શકે.



તેથી આપણા જેવા માટે –તો ભગવાન નું નામ સ્વરૂપ-મંત્ર સ્વરૂપ અતિ ઉત્તમ છે.



ભગવાન ભલે પોતાના સ્વરૂપ ને છુપાવી શકે-પણ નામ ને છુપાવી શકતા નથી. નામસ્વરૂપ પ્રગટ છે.



પરમાત્મા ના કોઈ પણ નામ નો દૃઢ આશ્રય કરો.મનશુદ્ધિ મંત્ર વગર થતી નથી. ધ્યાન સાથે જપ કરો.



લૌકિક વાસના માં ફસાયેલું મન બગડે છે,અલૌકિક વાસના માં મન ફસાય તો મન સુધરે છે.



કોઈ વ્યક્તિ ને મળવાની વાસના –એ મન ને બગાડે છે.પરમાત્માને મળવાની વાસના -મન ને સુધારે છે.



વાસના નો નાશ વાસના થી જ થાય છે.



જે શસ્ત્ર થી હિંસા થાય છે-તે જ શસ્ત્ર થી જીવન મળે છે. ડોક્ટરો વાઢ-કાપ ના શસ્ત્રો થી જીવન આપે છે.



કાંટા થી જે રીતે કાંટો કઢાય છે,તેજ રીતે અસદ-વાસનાનો વિનાશ સદ-વાસનાથી થાય છે.



લૌકિક વાસના(જગતની વાસના) માં ફસાયેલું મન અલૌકિક વાસના(પ્રભુની વાસના) માં ફસાય, તેને જ –ભક્તિ કહે છે.



માતા દેવહુતિ ને કપિલદેવ કહે છે-કે-મા તું તારા મન ને સાચવજે,તારા મન ને કોઈ મંત્ર માં રાખજે.



મન કોઈ પાપ કરે તો તેને સજા કરજે. મન થી પાપ થાય તો તે મન પ્રભુ માં સ્થિર રહેતું નથી.



ઉદાહરણ થી આ વાત સમજવાનો પ્રયત્ન કરીએ.



એક રાજા ને ત્યાં એક બકરો હતો.રાજાએ એક વખત જાહેર કર્યું-કે-આ બકરાને પેટ ભરીને જંગલ માં થી ચરાવી લાવી તૃપ્ત કરશે,



તેને પેટ ભરીને ખવડાવશે-તેને હું મારું અડધું રાજ્ય આપીશ. બકરાનું પણ પેટ ભરાયું છે કે નહિ –તેની પરીક્ષા હું જાતે કરીશ.



જાહેરાત સાંભળી એક માણસ રાજા પાસે આવ્યો.બકરાને પેટ ભરી ને ખવડાવવું-એમાં શી મોટી વાત છે ? એમ કહી રાજા



પાસેથી બકરો લઇ ગયો. આખો દિવસ બકરાને ખુબ ખવડાવ્યું.સાંજ પડી એટલે તે માણસ ને લાગ્યું-કે આજે તો બહુ ચરાવ્યો છે-



એટલે બકરાને લઇ રાજા પાસે આવ્યો. રાજાએ જ્યાં થોડું લીલું ઘાસ બકરા પાસે મુક્યું-કે બકરો ઘાસ ખાવા માંડ્યો.



રાજા કહે છે-કે-તેં ક્યાં પેટ ભરીને ખવડાવ્યું છે ?પેટ ભરીને જો ખવડાવ્યું હોત તો બકરો ઘાસ ખાય જ નહિ!!!!



આવી જ ઘણા માણસો એ પ્રયત્ન કરી જોયા. બકરાને ખુબ ખવડાવે,પણ જ્યાં દરબારમાં લાવે અને રાજા બકરાને ઘાસ નાખે ,



એટલે બકરો ઘાસ ખાવા માંડે. તેના પેટ માં અજીરણ થયું હોય તો પણ ઘાસ માં મોઢું નાખે. બકરાને એવી આદત હતી-ટેવ હતી - કે-



ઘાસ દેખાય એટલે મોઢું નાખવું.



એક બુદ્ધિશાળી માણસ ને લાગ્યું-કે રાજાની આ જાહેરાત પાછળ રહસ્ય છે,તત્વ છે. હું યુક્તિથી કામ લઈશ.



તે બકરાને ચરાવવા લઇ ગયો. બકરો જ્યાં ઘાસ ખાવા જાય –કે-તરત તેના મોઢા પર લાકડીનો ફટકો મારે.બકરાએ જેટલી વાર ઘાસ



ખાવા પ્રયત્ન કર્યો-તેટલી વર લાકડીના ફટકા મોઢા પર પડ્યા. અંતે બકરાને ઠસી ગયું કે-ઘાસ માં મોઢું નાખીશ તો માર પડશે.



આખો દિવસ બકરાને જે માર પડ્યો,તે ઘાસ માં મોઢું નાખવાનું ભૂલી ગયો.



સાંજ ના બકરાને લઇ તે માણસ રાજા પાસે આવ્યો.બકરાને બિલકુલ ઘાસ ખવડાવ્યું નહોતું, છતાં રાજા ને કહે છે-કે –મેં આજે એને



પેટ ભરીને ખવડાવ્યું છે-આપ પરીક્ષા કરી જુઓ. રાજાએ ઘાસ નાખ્યું, પણ બકરાએ મોં ફેરવી લીધું.ઘાસ તરફ જોતો પણ નથી.



બકરાના મન માં ઠસી ગયું હતું કે –ઘાસ ખાવા જઈશ તો માર પડશે. બકરો ઘાસ ખાતો નથી.



અહીં-બકરો –એ બીજું કોઈ નહિ –પણ મન એ જ બકરો છે. આ મણીરામ (મન) બકરા જેવો છે. બકરાને ચરાવવા લઇ જનારો એ



જીવાત્મા છે. રાજા એ પરમાત્મા છે. બકરો-મેં,મેં,- કરે છે-તેવી જ રીતે મનુષ્યનું મન પણ-મેં,મેં-કરે છે.આ મારું-આ હું-આ તારું......



આ મનરૂપી બકરા ને કોઈ પેટ ભરી ખવડાવી શકે નહિ, આ મનરૂપી બકરાને બહુ ખવડાવશો,પણ તે કોઈ દિવસ ધરાશે નહિ.



તેને માર પડશે તો જ તે માનશે. મન ને મારો,તેના પર અંકુશ રાખો. મન સુધરે તો જીવન સુધરે.મન ને વિવેકરૂપી લાકડી રોજ



મારો. જીવ ને તૃપ્તિ ભોગ માં નથી,તૃપ્તિ ત્યાગ માં છે.



(ગીતા માં લખ્યું છે-કે –આ ચંચળ મન ને અભ્યાસ અને વૈરાગ્ય થી વશ કરી શકાય છે.)



કપિલદેવ કહે છે-મા, અનાદિકાળ થી,આ મન સંસારમાં ભટકતું આવ્યું છે, કુસંગ થી મન બગડે છે,સત્સંગ થી મન સુધરે છે.



પ્રભુ પ્રેમ માં રંગાયેલા સંતો નો વારંવાર સત્સંગ મન ને સુધારે છે.



------------------------------------------------------------------------------------------------







ભાગવત રહસ્ય-૧૦૬

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત 

 



સ્કંધ ત્રીજો-૨૪ (સર્ગ લીલા)



દેવહુતિ કહે છે-આપ સત્સંગ કરવાની આજ્ઞા આપો છો,પણ મને જગતમાં ક્યાંય સંત દેખાતા નથી, સત્સંગ કરવાની ઈચ્છા થાય



પણ સત્સંગ મળતો નથી.



કપિલદેવ કહે છે-સંત ના દેખાય ,તો સમજવું કે હજુ –પાપ વધારે છે. પાપ હોય તો સંત મળે તો પણ તેમાં સદભાવના થતી નથી.



પ્રત્યેક ગામ માં –એકાદ સંત અને સતી સ્ત્રી ને ભગવાન રાખે છે. એમના આધારે તો ધરતી ટકે છે.



નકલી માલ વધ્યો છે-તે વાત સાચી,પણ તેનો અર્થ એ નથી કે-સાચું સોનું ક્યાંય મળતું નથી.



મા, જગત માં સંત નથી-તે વાત ખોટી છે. હા,સંત મળવા દુર્લભ છે. એ વાત સાચી છે.



મા,જે સંત થાય છે-તેને સંત મળે છે.સંત ના ઘેર સંત જાય છે. વ્યવહાર નો કાયદો છે, શ્રીમાન ને ત્યાં શ્રીમાન જાય છે. ગરીબ ના ઘેર શ્રીમાન જતા નથી.



સંત થવા માટે દાઢી-જટા વધારવાની જરૂર નથી. સ્વભાવને સુધારે તે સંત બને છે. સંત ની પરીક્ષા આંખ અને મનોવૃત્તિ ઉપરથી



થાય છે. સંત પોતાની આંખ ને –ઇષ્ટદેવ માં રાખે છે. સંતો મન ને પરમાત્મા ના ચરણ,માં,પરમાત્માના  નામ માં ,ધામ માં રાખે છે.



સુખ-દુઃખ માં જેની મનોવૃત્તિ એકસરખી રહે છે-તે સંત છે. પ્રતિકૂળ પરિસ્થિતિ માં જેનું મન શાંત રહે છે-તે સંત છે.



મા,સંત શોધવા તું ક્યાં જઈશ ? તું સંત થા,એટલે સંત મળશે.



સંત ને જોવાની દ્રષ્ટિ જોઈએ. દૃષ્ટિ પ્રમાણે સૃષ્ટિ બને છે.



હનુમાન જી ને ક્રોધ માં આંખ લાલ થવાથી ધોળાં ફૂલ લાલ દેખાયાં હતાં.



એકનાથ મહારાજ સુંદરકાંડ ની કથા કહી રહ્યા હતા.-કથા માં તે કહે છે-કે-દરિયો ઓળંગી –હનુમાનજી અશોક વન માં આવ્યા છે.



ત્યારે ત્યાંના ફૂલઝાડો પર ધોળાં ફૂલ ખિલી રહ્યાં હતાં.



હનુમાનજી ત્યાં કથા સાંભળવા આવેલા,તેમણે પ્રગટ થઇ આ વાત નો વિરોધ કર્યો.-કે-મહારાજ આપ ખોટું બોલી રહ્યા છો.



મેં તે વખતે અશોક વનમાં મારી આંખોએ પ્રત્યક્ષ રીતે ફૂલો જોયેલા,તે વખતે ફૂલો ધોળાં નહિ, પણ રાતાં હતાં.



એકનાથજી મહારાજે કહ્યું-કે-મારા સીતારામજીને રિઝાવીને હું કથા કરું છું. મને જે દેખાય છે-તેવું વર્ણન કરું છું.



છેવટે ઝગડો રામચંદ્રજી પાસે ગયો. રામજી એ કહ્યું-તમે બંને સાચા છો. ફૂલો ધોળાં હતાં પણ હનુમાનજી ની આંખો,તે વખતે ક્રોધ થી



લાલ હતી-એટલે તેમને-ફૂલો રાતાં દેખાણાં.



સંત ના દોષ જોશો નહિ,તમને દોષ જોવાની ઈચ્છા થાય તો-તમારી અંદર નજર કરજો. તમારાં પોતાના દોષ ને જોજો,બીજાના તો



ગુણ જ જોજો. બીજાના ગુણ જોવાની આદત રાખશો,તો તમારી દૃષ્ટિ પણ ગુણમયી બનશે અને એક દિવસ તમે ગુણવાન બની જશો.



સંતો ના લક્ષણો માં –તિતિક્ષા-ને-(સહનશીલતા ને) પ્રાધાન્ય આપવામાં આવેલું છે.



સંતો ના ચરિત્રો વાંચો તો ખ્યાલ આવશે કે-સંતો ને કેટલાં દુઃખ પડેલાં છે,પણ દુઃખો ની અસર સંતો ના મન પર થતી નથી.



એકનાથ મહારાજ –પૈઠણ માં રહેતા. ગોદાવરી નદી ઉપર જવાના રસ્તા પર એક પઠાણ રહે. તે માર્ગ માંથી જે હિન્દુઓ,સ્નાન કરી ને



જાય,તેમને તે બહુ તંગ કરતો. એકનાથ મહારાજ એ જ રસ્તે ગોદાવરી માં સ્નાન કરવા જતા હતા. પઠાણ-મહારાજ ને પણ તંગ



કરતો –પણ એકનાથજી સર્વ સહન કરે. એક દિવસ પઠાણ ને થયું-આ માણસ ક્રોધ કેમ કરતો નથી? આજે તો તેને ગુસ્સે કરવો જ છે.



એકનાથજી સ્નાન કરી પાછા ફરતાં હતા,ત્યારે પેલો યવન –મહારાજ પર થૂંક્યો. મહારાજ ફરી સ્નાન કરવા ગયા.પણ યવન પર



ગુસ્સે થયા નહિ.મહારાજ વારંવાર સ્નાન કરવા જાય અને પેલો યવન થૂંકે. મહારાજ –ગોદાવરી મા ને કહે,-કે- મા ,ફરીફરી સ્નાન



કરવા બોલાવે છે-તારી કૃપા છે. યવન રસ્તો ના છોડે ત્યાં સુધી મારે મારો રસ્તો છોડવો નથી. મહારાજ ૧૦૮ વાર સ્નાન કરવા



ગયા છે. યવન શરમાયો, મહારાજ ને પગે પડી ક્ષમા માગી.-આપ સંત છો, આપને હું ઓળખી શક્યો નહિ.



મહારાજ કહે-એમાં ક્ષમા કરવા જેવું શું છે ?તારા લીધે આજ-૧૦૮ વાર –ગોદાવરીમાં સ્નાન કરવાનું પુણ્ય મળ્યું.



સાધારણ મનુષ્ય નું મન ક્ષણે ક્ષણે બદલાય છે. સંત નું મન એકસરખું શાંત રહે છે. બધી અનુકુળતા હોય ને જે શાંત રહે-તે શાંતિ



સાચી શાંતિ નથી,બધી પ્રતિકુળતા માં જે શાંતિ રાખે તે સાચી શાંતિ છે. જેનો બ્રહ્મ સંબંધ થયો હોય તેની શાંતિ કાયમ રહે છે.



સંત ની પરીક્ષા વ્યાખ્યાન –કુશળતા થી થતી નથી, મહારાજ ને ગાદી-તકિયે બેસાડો, હાર પહેરાવો, પછી બ્રહ્મ ની વાતો કરે તેમાં



શું આશ્ચર્ય ? શાંતિ તેની કાયમ રહે છે-જેનું મન પ્રભુ નાં ચરણો માં રહે છે. જે અંદરથી ઈશ્વરનું અનુસંધાન રાખે છે.



તુકારામ ના જીવન માં આવે છે.કે મહારાજ ને કોઈ દિવસ ક્રોધ આવે જ નહિ. પત્ની કર્કશા હતી. કર્કશ વાણી નો જવાબ –મહારાજ



મધુર ભાષણ થી આપતા. એક દિવસ મહારાજ કથા કરવા ગયા હતા. કોઈ ભક્તે આવી પૂછ્યું-મહારાજ ઘરમાં છે ?



તુકારામ ની પત્ની એ કહ્યું-તેનો ધંધો શું છે ?આખો દિવસ વિઠ્ઠલ વિઠ્ઠલ કરવું અને કથા કરવી. આ વિઠ્ઠલે મારો સંસાર બગાડ્યો છે.



મહારાજ ખેડૂત ને ત્યાં કથા કરવા ગયેલા. ખેડૂતે પ્રસન્ન થઇ,શેરડી નો ભારો આપ્યો.મહારાજ શેરડી લઈને આવતા હતા.



રસ્તામાં જે લોકો જયશ્રી કૃષ્ણ કહે તેને એક શેરડી આપે-ઘેર આવ્યા ત્યારે એક શેરડી બાકી રહેલી.



મહારાજ ની પત્ની ને ખબર પડી,આજે બહુ મળેલું, બધું આપી દીધું છે. તે પાગલ થયા છે,ક્રોધ વધી ગયો છે. ક્રોધ માં વિવેક રહ્યો



નહિ,મહારાજ ના હાથ માંથી શેરડી ખેંચી પીઠ પર મારવા લાગ્યા. શેરડી ના બે કટકા થયા,પણ મહારાજ ની શાંતિ નો ભંગ થયો નથી.



અનેક વૈષ્ણવો બેઠા છે.તુકારામે કહ્યું –બહુ સારું થયું,મારે શેરડીના બે કટકા જ કરવા હતા. પરમાત્મા એ કેવું સુંદર રતન મેળવી



આપ્યું છે, મારા મન ની વાત તું અગાઉ થી જાણી જાય છે.એક કટકો તું ખા અને એક કટકો હું ખાઉં.



મહારાજ ની પત્ની નું હૃદય ભરાયું છે,પતિના ચરણ માં માથું મુકી ક્ષમા માગી છે,-“હું તમને ઓળખી શકી નહિ.”



આ દિવસથી તેનું જીવન સુધર્યું છે......સંતો ની સહન શક્તિ અલૌકિક હોય છે.



મહારાજ વિરાજતા હતા ત્યારે લોકોએ પણ તેમણે ત્રાસ આપવામાં કસર રાખી નહોતી.



હોળીના દિવસો હતા, કેટલાંક દુર્જનો મહારાજ પાસે આવ્યા,સાથે ગધેડું લઈને આવ્યા-કહે-કે-મહારાજ અમારે તમારો વરઘોડો



કાઢવો છે. મહારાજે વિચાર્યું-ના,પાડીશ તો પરાણે બેસાડશે,તેના કરતા મારા મન થી જ શા માટે ના બેસું ?



દુષ્ટ લોકોએ તુકારામ ને ગધેડા પર બેસાડ્યા છે, પત્ની ને દુઃખ થયું,રડવા લાગી. મહારાજ ને તેની દયા આવી.



‘તું કેમ રડે છે ?તું જોતી નથી,હું તો ગરુડ પર બેઠો છું, મારા વિઠ્ઠલ નાથે મારા માટે ગરુડ મોકલ્યું છે.’



સર્વ ને ગધેડો દેખાય છે,પણ તુકારામની પત્ની ને ગરુડ દેખાય છે.



તુકારામ ના જીવન માં અનેક ચમત્કારો દેખાય છે,પણ તેમણે જાતે કોઈ ચમત્કાર કર્યો નથી. ચમત્કારો પરમાત્માએ કર્યા છે.



સંતો અપમાન ને પી જાય છે,પ્રતિકૂળ પરિસ્થિતિ માં પણ તેમની શાંતિ નો ભંગ થતો નથી. તો માનવું કે નારાયણ નો તેમના માં



વાસ છે. સંતો ના ચરિત્રો વાંચવાથી લાભ થાય છે.



મન અશાંત થાય તો ભક્તિનો નાશ થાય છે. જગતમાં અંધારું છે,એટલે પ્રકાશ ની કિંમત છે. સુખી થવું હોય તો ખુબ સહન કરજો.





-----------------------------------------------------------------------







ભાગવત રહસ્ય-૧૦૭



સ્કંધ ત્રીજો-૨૫ (સર્ગ લીલા)



તિતિક્ષા (સહન કરવું) એ સંતો નું પહેલું લક્ષણ બતાવ્યું.



બીજું લક્ષણ –કરુણા- છે. સર્વ દેહધારીઓ પ્રત્યે –સુહૃદયભાવ. પારકાનું દુઃખ દૂર કરવા દોડે,તેવા દયાળુ-તે સંત..



ત્રીજું લક્ષણ –વાણી પર સંયમ. સંતો બહુ ઓછું બોલે છે.



રમણ મહર્ષિ ના જીવન માં આવે છે,તેમણે ૧૬ વર્ષ મૌન રાખ્યું છે. ૧૪ વર્ષ પછી તેમનાં માતાજી તેમણે મળવા આવ્યા છે,પણ



તેમની સાથે બોલ્યા નથી. વ્રત નો ભંગ કર્યો નથી.



સંત ને લૌકિક વાતો ગમતી નથી, લૌકિક વાતો માં જેને આનંદ મળે છે, માનજો તેને સાચો આનંદ મળ્યો નથી.



સંત બોલે તો – માત્ર ભગવદકથા વાર્તા જ કહે છે.



સંતો ના બીજા લક્ષણો માં-અજાત શત્રુ-સરળ સ્વભાવ. સંતો ને જગત માં કોઈ શત્રુ નથી.



સંત સમજીને સંસારસુખ નો-વિષયોનો-બુધ્ધિપૂર્વક ત્યાગ કરે છે. પ્રભુના માટે સર્વ નો ત્યાગ કરે છે.



સંતો ના સોળ લક્ષણો બતાવ્યા છે. એક એક લક્ષણ જીવન માં ઉતારવાની જરૂર છે.



ભગવાન કસોટી કરી અપનાવે છે. “ભૂખે મારું,ભૂવે સુવાડું,તન ની પાડું ખાલ,પછી કરીશ ન્યાલ.”



નરસિંહ મહેતાની બહુ કસોટી કરેલી. મહેતાજી એ માગ્યું-ભગવાન કળિયુગમાં આવી કસોટી કરશો  નહિ, આવી કસોટી કરશો-



તો –કોઈ તમારી સેવા કરશે નહિ.



સંતો-ભક્તો એક ક્ષણ પણ ભગવાનથી વિભક્ત થતા નથી.



ભગવાનની કથા સાંભળવાથી શ્રદ્ધા દૃઢ થાય છે.શ્રદ્ધા વધે-એટલે ભગવાન માં આસક્તિ થાય. આસક્તિપૂર્વક સેવા-સ્મરણ કરે-



એટલે તે આસક્તિ પ્રેમલક્ષણા ભક્તિ બને છે. વ્યસનાત્મિકા ભક્તિ બને છે. ભક્તિ વ્યસનરૂપ બને છે. મુક્તિ સુલભ બને છે.



મા, તીવ્ર ભક્તિ વગર,મુક્તિ મળતી નથી. તીવ્ર ભક્તિ એટલે વ્યસનાત્મિકા ભક્તિ. સતત ભક્તિ કરવાની.



જગત માં સુખી થવાના –બે જ માર્ગ છે. એક જ્ઞાનમાર્ગ અને બીજો ભક્તિમાર્ગ.



જ્ઞાનમાર્ગ કહે છે સર્વ છોડીને ઈશ્વર પાછળ પડો. વૈરાગ્ય વગર જ્ઞાન મળતું નથી. જ્ઞાની પુરુષો ઈશ્વર સિવાય બધું તુચ્છ સમજે છે.



જગતને તુચ્છ સમજે છે,જે શરીરમાં રહે છે તેને પણ તુચ્છ સમજે છે. તે સમજે છે કે શરીરનું સુખ-દુઃખ એ મારું સુખ-દુઃખ નથી.



જ્ઞાની સર્વ છોડી દે છે અને માત્ર ભગવાનને પકડી રાખે છે. જ્ઞાન માર્ગ ના આચાર્ય શિવજી છે. શિવજી ત્યાગ નો માર્ગ બતાવે છે.



ત્યાગ કરવો હોય તો સર્વ નો ત્યાગ કરો. પણ સર્વનો ત્યાગ કરવો કઠણ છે.



કળિયુગ નો માણસ કામ નો કીડો છે-ભોગ માં ફસાયો છે, જ્ઞાન માર્ગ માં આગળ વધવું તેના માટે કઠણ છે.



ભક્તિમાર્ગ કહે છે-સર્વ માં ઈશ્વર છે,એમ માની સર્વ સાથે,વિવેક થી પ્રેમ કરો. આ બધું પરમાત્માનું છે, હું પણ પરમાત્મા નો છું, એમ



સમજી ને વિવેક થી બધાનો ઉપયોગ કરવાનો છે. શ્રી મહાપ્રભુજી ની આજ્ઞા છે,કે-તમે ઘર છોડી શકતા નથી તો તમારા ઘરને



ઠાકોરજીનું મંદિર બનાવો. ઘરમાં જે કંઈ છે-તે ઠાકોરજી નું છે-હું તો સેવક છું.ભક્તિમાર્ગ માં સર્વ સમર્પણ કરવાનું છે-છોડવાનું નથી.



ભક્તિમાર્ગના આચાર્ય શ્રીકૃષ્ણ છે. પરમાત્મા શ્રીકૃષ્ણ –સર્વ પર પ્રેમ કરે છે. શ્રીકૃષ્ણ ની જેમ જ મનુષ્યે સર્વ સાથે પ્રેમ કરવાનો છે.



કોઈ પણ સ્વાર્થ વગર,કોઈ પણ જાતની અપેક્ષા વગર પ્રેમ કરવાનો છે.



એક વાર ભૃગુઋષિને થયું-કે-દેવોની પરીક્ષા કરું-કે-દેવો માં શ્રેષ્ઠ કોણ છે. ભૃગુઋષિ દેવોની પરીક્ષા કરવા જાય છે. વૈકુંઠ માં આવ્યા.



ભગવાન સૂતેલા છે,લક્ષ્મીજી ચરણ ની સેવા કરે છે. ભૃગુઋષિ વિચારે છે-આ આખો દિવસ સુઈ રહે છે,આ કોઈ વિલાસી લાગે છે.



આને મોટો દેવ કોણ કહે ? આવેલા પરીક્ષા કરવા એટલે ક્રોધ આવ્યોછે અને એકદમ આવીને ભગવાન ની છાતી પર લાત મારી.



લાત મારનાર પર પણ કનૈયો પ્રેમ કરે છે. આ બ્રાહ્મણ છે-તેને સજા કરવી નથી. તેની હું સેવા કરીશ.



ભગવાન કહે છે-મારી છાતી સખત-અને તમારાં ચરણ કોમળ,તમારાં ચરણ ને દુઃખ થયું હશે. એમ કહી ઋષિ ના ચરણ ની સેવા



કરવા લાગ્યા. માતાજી ને જરા ખોટું લાગ્યું. આવી રીતે તો પરીક્ષા થતી હશે? તે દિવસથી લક્ષ્મીજી –બ્રાહ્મણો પર નારાજ થયા છે.



આ બ્રાહ્મણો ને ઘેર મારે જવું નથી. થોડા ક્રોધમાં આવ્યા છે,મારા માલિક ન છાતી પર લાત મારી, આ રખડતા રહે એ જ સારું છે.



આ બ્રાહ્મણ ભિખારી રહે તે જ સારું છે, હું બ્રાહ્મણ ને ત્યાં જઈશ નહિ.-



માતાજી એ બ્રાહ્મણો નો ત્યાગ કર્યો છે.એટલે ઘણે ભાગે બ્રાહ્મણો ગરીબ હોય છે. લક્ષ્મીજી ભલે બ્રાહ્મણો પર કુદૃષ્ટિ રાખે પણ ભગવાન નારાયણ કૃપાદૃષ્ટિ રાખે છે.



જ્ઞાની પુરુષો-દેહનાં લાડ કરતા નથી. તે એમ માને છે કે-આ શરીર નો સંબંધ થયો એટલે દુઃખ આવ્યું.



સર્વ નો મોહ છોડી તેનો તેનો ત્યાગ કરો-કે સર્વની સાથે તેમાં ઈશ્વર ભાવ રાખી- પ્રેમ કરો.પણ સર્વમાં થી મમતા નો ત્યાગ કરો.



દરેક જીવ માં થી મમતા-મારાપણું ત્યાગવું-એ સમર્પણ માર્ગ- અને અમુક માં જ મમતા એ –સ્વાર્થ માર્ગ.



અત્યારે તો બધા સ્વાર્થ માર્ગી બન્યાં છે.



“પૈસો મારો પરમેશ્વર અને બૈરી મારો ગુરુ, છૈયાંછોકરાં મારા શાલિગ્રામ, હુ પુજા કોની કરું ?”





-----------------------------------------------------------------------------------------------------







ભાગવત રહસ્ય-૧૦૮

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત    



સ્કંધ ત્રીજો-૨૬ (સર્ગ લીલા)



કપિલ ભગવાન માતા દેવહુતિ ને કહે છે-કે-



મા , આ સંસાર સાચો દેખાય છે-પણ તેને સાચો માનશો નહિ. જેણે આ સંસાર સાચો દેખાય છે-તે સંસારનો મોહ છોડી શકતો નથી.



જેને પરમાત્મા સાચા લાગે છે તે પરમાત્મા ને છોડી શકતો નથી.



જેણે જગત સાચું લાગે છે, તે જગત સાથે પ્રીતિ કરે છે, જેને જગત મિથ્યા લાગ્યું હોય તે પરમાત્મા સાથે પ્રીતિ કરે છે.



આ,જગત સ્વપ્ન જેવું છે, આ સિદ્ધાંત વારંવાર એટલા માટે કહેવામાં આવ્યો છે કે-



જગત ના પદાર્થો માં મોહ ના થાય. સંસાર ના વિષયો માં પૂર્ણ વૈરાગ્ય આવે.



સંસાર ના સુખો ભોગવવાની લાલસા હોય  ત્યાં સુધી માનવું કે હું સૂતેલો છું. જાગતા ને લાલો મળે છે. (એક વાર મનુષ્ય જાગી જાય



પછી બધું સાચા –ખોટા નું જ્ઞાન તેની પાસે છે-જ. તેનો બેડો પાર છે. તેને કંઈ શીખવાનું રહેતું નથી)



કંસ એ -કામ અને અભિમાન છે-એ સહુને કારાગૃહ માં રાખે છે. સૂતેલા રાખે છે.



જગત માં જાગ્યો કોણ ? તુલસીદાસજી વર્ણન કરે છે-કે-“જાનિએ તબહિ જીવ જગ જાગા, જબ સબ વિષય વિલાસ વિરાગા”



જયારે સઘળા વિષય-વિલાસો ઉપર વૈરાગ્ય આવે-સંસારસુખ તુચ્છ લાગે-ત્યારે સમજવું કે –એ જગત માં જાગ્યો છે.



માતા દેવહુતિ ને કપિલદેવે ધ્યાન કરવાની આજ્ઞા કરી છે.



ભગવદધ્યાન માં જયારે જગત ભુલાય,ત્યારે બ્રહ્મ-સંબંધ થાય છે.



ધ્યાન માં પ્રથમ શરીર ને સ્થિર કરવાનું-પછી આંખને સ્થિર કરવાની અને પછી -મન ને સ્થિર કરવાનું.



શરીર અને આંખ –સ્થિર ના થાય ત્યાં સુધી-મન સ્થિર થતું નથી.



ભોગભૂમિ માં રહી ભગવાન નું ધ્યાન કરવું કઠણ છે, ભૂમિની અસર મન ઉપર થાય છે. ધ્યાન કરનારે પવિત્ર અને એકાંત



સ્થાન માં ધ્યાન કરવા બેસવું જોઈએ.(ઘરમાં જ કોઈ એક રૂમ ની વ્યવસ્થા હોય-તો તેને ધ્યાનરૂમ બનાવાય)



જેને પરમાત્માનું ધ્યાન કરવું છે તે પવિત્ર અને પરિમિત (માપનું) અન્ન નું સેવન કરે. પેટ ભરીને જમવું નહિ કે અતિભૂખ્યા રહેવું



નહિ. શરીર ને બહુ લાડ કરવા નહિ-કે બહુ ત્રાસ આપવો નહિ.



જેને ધ્યાન કરવું છે તે ચોરી ના કરે (અસ્તેય). અનેકવાર મનુષ્ય આંખ અને મનથી ચોરી કરે છે.



પારકી વસ્તુ જોઈ –મન થી તેનું ચિંતન કરવું –એ ચોરી છે.



જેને ધ્યાન કરવું છે-તેણે બ્રહ્મચર્ય પાળવું જોઈએ.સર્વ ઇન્દ્રિયોથી બ્રહ્મચર્ય પાળવું જોઈએ. શરીર થી બ્રહ્મચર્ય ઘણા પાળે છે-પણ-



મન થી પાળતા નથી. મનથી બ્રહ્મચર્ય નો ભંગ –શરીર ના બ્રહ્મચર્ય નો ભંગ કર્યા બરાબર જ છે.

લખ્યું છે-કે-એક દિવસ બ્રહ્મચર્ય નો ભંગ



થાય છે,તો ચાલીસ દિવસ સુધી મન સ્થિર થતું નથી.



જેને પરમાત્માનું  ધ્યાન કરવું છે-તે સ્વ-ધર્મ નું  પાલન કરે. દેહનું ભાન છે ત્યાં સુધી-સ્વ-ધર્મ છોડવો નહિ.



ધ્યાન કરતાં કરતાં –જેમ જેમ તન્મયતા વધે છે,તેમ તેમ –આનંદ વધે છે.



પછી ધ્યાન ની વિધિ બતાવી છે-જેનું આગળ વર્ણન થઇ ગયું છે.



કપિલદેવ કહે છે- મા પરમાત્મા નાં અનેક સ્વરૂપો છે.તેમાંથી કોઈને ઇષ્ટદેવ માની તેનું ધ્યાન કરો.



દેવહુતિ પૂછે છે-હું કયા સ્વરૂપનું ધ્યાન કરું ?



કપિલ ભગવાન કહે છે-મા ,શંખ,ચક્ર,ગાળા અને પદ્મ –જેના હાથ માં છે-એવા ચતુર્ભુજ નારાયણ નું  તમે ધ્યાન કરો.



ધ્યાન કરતાં પહેલાં ઠાકોરજી –સાથે સંબંધ જોડવો પડે છે. દાસ્ય ભક્તિ માં(દાસ્યભાવ) પહેલાં ચરણ માં દૃષ્ટિ સ્થિર કરવી પડે છે.



જેનો સખ્યભાવ છે,માધુર્ય ભાવ છે-વાત્સલ્યભાવ છે-તે જ્યાં સુધી પ્રભુ ના મુખારવિંદ નાં દર્શન –ના કરે ત્યાં સુધી આનંદ આવતો નથી.



આ જીવ પ્રેમ થી પરમાત્મા નું ધ્યાન કરે છે-  ત્યારે પરમાત્મા જીવ તરફ જુએ છે.



વારંવાર મનને એક સ્વરૂપ માં સ્થિર કરો. પરમાત્મા ના સ્વરૂપ માં આસક્તિ ના થાય ત્યાં સુધી ભક્તિ થતી નથી.



સંસાર સુંદર છે-એ વિચારમાં થી કામ નો ઉદ્ભવ થાય છે-પ્રભુ સુંદર છે-એમ વિચારવાથી-ભક્તિ નો ઉદ્ભવ થાય છે.



પરમાત્મા ના એક કે અંગ માં મનને સ્થિર કરો.ઠાકોરજી ના એક એક અંગ માં થી કમળ ની સુગંધ નીકળે છે-



એટલે તો –કર-કમળ,ચરણ-કમળ ,મુખ-કમળ એમ કહે છે. ઠાકોરજીના ચરણમાં –દ્રષ્ટિને સ્થિર કરો.આંખ સ્થિર થાય એટલે મન



સ્થિર થાય છે. ધ્યાન માં તન્મયતા થાય –એટલે સંસાર ભુલાય છે.દેહભાન ભુલાય છે-અને આનંદ આવે છે.



મા, એવી ભાવના કરવી-કે મારા પર ભગવાનની કૃપા થઇ છે. પ્રભુના કિરણો મારા પર પડે છે. ધ્યાન કરતાં-દેહની વિસ્મૃતિ



થાય છે, ત્યારે આત્મા દેહથી છુટો પડે છે,ત્યારે તન્મયતા થાય છે,ત્યારે ધ્યાન કરનાર ને પરમાનંદ મળે છે-



તે આનંદ નું કોઈ વર્ણન કરી શકે નહિ.



---------------------------------------------------------------------------------------------------







sivohm.com

ભાગવત રહસ્ય-૧૦૯

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત    



સ્કંધ ત્રીજો-૨૭ (સર્ગ લીલા)



જ્ઞાની પુરુષો –પરમાત્માના રૂપમાં એવા મળી જાય છે કે તે પછી તે કહી શકતા નથી-કે- હું જાણું છું-કે-નથી જાણતો.



ખાંડ ની પૂતળી સાગરની ઊંડાઈ માપવા ગઈ –તે પાછી જ આવી નહિ. પરમાત્મા સાગર જેવા વિશાળ,વ્યાપક છે.



ધ્યાન કરતાં-ધ્યાન કરનારો-ધ્યેય (ઈશ્વર) માં મળી જાય છે.-તેણે જ મુક્તિ કહે છે.-આ જ અદ્વૈત છે. ધ્યાન કરનાર નું હું પણું



ભુલાય ત્યારે જીવ અને શિવ એક થાય છે.



તે પછી જીવનું જીવપણું ઈશ્વરમાં મળી જાય છે. જીવ નું જીવ પણું રહેતું નથી. જેમ ઈયળ-ભમરીનું ચિંતન કરતાં કરતાં ભમરી બને છે-



તેમ જીવ-ઈશ્વરનું ચિંતન કરતાં કરતાં ઈશ્વરમય બને છે. જીવ-ઈશ્વરનું મિલન થયું તે પછી જીવભાવ રહેતો નથી.



તુલસીદાસજી એ માનસ માં લખ્યું છે- એ-ને-(ઈશ્વરને) કોણ જાણી શકે ? જેના પર –એ-(ઈશ્વર) કૃપા કરે –તે-જ- એ-ને જાણી શકે.



ધ્યાન કરનારો જે સ્વરૂપનું ધ્યાન કરે છે-તે ધ્યેય(દેવ ની) ની શક્તિ –ધ્યાતા(ધ્યાન કરનારા) માં આવે છે.     



શંકરાચાર્ય જીવન માં કથા આવે છે.



એક યવન શંકરાચાર્ય ને મળ્યો. કહ્યું-મારે ભૈરવ યજ્ઞ કરવો છે.પૃથ્વીના સાર્વભૌમ રાજા ના મસ્તક ની આહુતિ તેમાં આપવી પડે છે.



તે તો મળે તેમ નથી,માટે તમે તમારું મસ્તક મને આપો.તમે કહો છો-આત્મા –પરમાત્માથી –દેહ જુદો છે. દેહ આપવાથી તમે



મરવાના નથી. તો તમારુ મસ્તક મને આપો.



શંકરાચાર્યે કહ્યું-મારા મસ્તકથી તારું કામ થતું હોય તો  લઇ જા. પણ શિષ્યો ની હાજરીમાં મારું મસ્તક લેવા આવ્યો તો અનર્થ થશે.



માટે શિષ્યો ન હોય અને હું ધ્યાન માં બેસું ત્યારે આવીને મસ્તક લઇ જજે.



દેહાધ્યાસ દૂર થયો હતો. માથું આપવા તૈયાર થયા છે. મઠ માં કોઈએ તે જાણ્યું નથી. યવન મસ્તક કાપીને લઇ જવા આવ્યો.



શંકરાચાર્ય ના શિષ્ય પદ્મપાદ હતા.તેઓ નૃસિંહ સ્વામીના ભક્ત હતા.પદ્મપાદ ને ગંગાકિનારે અનેક અપશુકન થાય છે.



તે દોડતાં દોડતાં પાછા મઠ માં આવે છે. જોયું તો યવન તલવાર લઈને ગુરુદેવનું શિર કાપવા તૈયાર થયો છે. પદ્મનાભ ને એકદમ



ક્રોધ આવ્યો છે, સિંહ બની ને તેમણે –યવન ને ચીરી નાંખ્યો.



આ પ્રસંગ બતાવે છે-કે-ઉપાસક માં ઉપાસ્ય ( નૃસિંહ સ્વામી) ની દિવ્યશક્તિ આવે છે.



શુકદેવજી વર્ણન કરે છે-મદિરા પીધેલા ને જેમ દેહનું ભાન નથી રહેતું નથી-તેમ ધ્યાન કરતા જે દેહભાન ભૂલે છે તેની પાછળ પાછળ



ભગવાન ભમે છે-પ્રભુપ્રેમ માં જે પાગલ થયો છે તે સુખી છે-બાકીના સર્વ  દુઃખી છે.



ભગવાન વિના બીજું કંઈ નથી. હું જોનારો પણ ભગવદરૂપ થયો છું. આ અપરોક્ષ સાક્ષાત્કાર છે.



એવી તન્મયતા થાય તો ભક્તિ સુલભ છે.



ભગવાન ના પ્રેમ માં જે દેહભાન ભૂલે છે-તે જ્ઞાની મહાત્મા શ્રેષ્ઠ છે.



મનુષ્ય માં બ્રાહ્મણ શ્રેષ્ઠ છે.બ્રાહ્મણો માં વેદ ભણેલો બ્રાહ્મણ શ્રેષ્ઠ છે. વેદ ભણેલા કરતાં જે –વેદ નો અર્થ જાણે છે-તે શ્રેષ્ઠ છે.



વેદાર્થ જાણનાર કરતાં ત્રણ વખત સંધ્યા કરનાર શ્રેષ્ઠ છે. પરંતુ ભગવાનના પ્રેમ માં જે જગતને ભૂલી ગયો છે-તે સહુથી શ્રેષ્ઠ છે.



માતા ,આ સર્વ કરતાં શ્રીકૃષ્ણ નું ધ્યાન કરતાં જે  દેહભાન ભૂલે છે,તે સર્વ થી શ્રેષ્ઠ છે. ભગવદભક્તો પ્રારબ્ધકર્મ ને મિથ્યા કરી શકે છે.



પ્રેમ અન્યોન્ય હોય છે.તમે ઠાકોરજી નું સ્મરણ કરશો તો ઠાકોરજી તમને ભૂલશે નહિ.



ભગવાન કહે છે-મારા નિષ્કામ ભક્તો કોઈ પણ પ્રકારની મુક્તિની ઈચ્છા –પણ- કરતા નથી. મારી સેવા વિના બીજી કોઈ  ઈચ્છા



તેઓ રાખતા નથી. એવા નિષ્કામ ભક્તો ને મારી સેવાને છોડીને-(તેના બદલે) જો સાલોક્ય.સાષ્ટિ,સામીપ્ય,સારૂપ્ય અને સાયુજ્ય



મુક્તિઓ આપવામાં આવે તો પણ તે લેતા નથી. (ભાગવત-૩-૨૯-૧૩)





---------------------------------------------------------------------------------------------------------









ભાગવત રહસ્ય-૧૧૦

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત



સ્કંધ ત્રીજો-૨૮ (સર્ગ લીલા)



એક વખત નારદજી વૈકુઠલોક માં આવ્યા. લક્ષ્મીજી ને જોયા પણ ભગવાન ન દેખાયા.



શોધતાં શોધતાં  છેવટે-ભગવાન ને - ધ્યાન માં બેઠેલા જોયા.



નારદજી પૂછે છે-તમે કોનું ધ્યાન કરો છો ?



ભગવાન કહે છે-હું મારા લાડીલા ભક્તો નું ધ્યાન કરું છું.



નારદજી કહે-શું આ વૈષ્ણવો તમારાં કરતા પણ શ્રેષ્ઠ છે?કે જેથી તમે તેનું ધ્યાન કરો છો ?



ભગવાન કહે કે-હા,તે મારા કરતા શ્રેષ્ઠ છે. નારદજી કહે-તે સિદ્ધ કરી આપો.



ભગવાન પૂછે છે-જગતમાં મોટામાં મોટું કોણ ?  નારદજી-કહે-પૃથ્વી.



ભગવાન-કહે-પૃથ્વી શાની  મોટી ? પૃથ્વી તો શેષનાગ ના ફણા ઉપર રહેલી છે. નારદજી-તો શેષનાગ મોટા.



ભગવાન-અરે-એ શેષનાગ શાના મોટા ? એ તો શંકર ના હાથ નું કડુ છે. એટલે શેષનાગ કરતાં શિવજી મોટા થયા.



પણ તેમનાથી રાવણ જબરો –કે જેણે-શિવજી સાથે કૈલાસને ઉઠાવેલા. ત્યારે રાવણ મોટો. અરે રાવણ શાનો મોટો ?



વાલી રાવણ ને બગલ માં દબાવી સંધ્યા કરતો. માટે વાલી મોટો ?



નારદ-કહે-વાલી શાનો મોટો ?વાલી ને રામજી એ મારેલો-એટલે આપ જ સર્વ થી શ્રેષ્ઠ છો.



ભગવાન-કહે છે-કે-ના હું પણ શ્રેષ્ઠ નથી.મારા કરતા મારા ભક્તો શ્રેષ્ઠ છે.કારણ આખું જગત મારા હૈયામાં,પણ હું રહું છું



ભક્ત ના હૈયામાં. મને હૈયા માં રાખીને જે ભક્તો વ્યવહાર કરે છે,એવા જ્ઞાની ભકતો મારાથી પણ શ્રેષ્ઠ છે.



મારા ભક્તો મારા પ્રેમરૂપ –અપ્રાકૃત સ્વ-રૂપને પામે છે. ત્યારે દેહ માં આસક્ત પુરુષ અધોગતિ પામે છે.



કપિલ ભગવાન કહે છે-મા, વધુ શું કહું ?ઈશ્વરથી વિખુટા પડેલા જીવ ને સુખ નથી. પરમાત્મા થી જે વિમુખ છે તે સંસારમાં



રખડતો જ રહે છે. જે પરમાત્મા સાથે પ્રેમ કરતો નથી તે ભલે સુખી દેખાય પણ તેને અંદરથી શાંતિ નથી.



જે ઈશ્વર ને ભૂલ્યો છે,તે ભૌતિક સુખ ભલે ભોગવે,પણ તેને અંદરની શાંતિ મળતી નથી.



મા, વૃદ્ધાવસ્થા માં આ શરીર ઘરડું બને છે પણ મન અને બુદ્ધિ તો જુવાન રહે છે. જુવાની માં ભોગવેલા સુખનું મન વારંવાર ચિંતન



કરે છે. મન ભગવાન નું ચિંતન કરતુ નથી.



વૃદ્ધાવસ્થામાં દુઃખ ભોગવવું પડે છે.કોઈ સેવા કરતુ નથી.



વૃદ્ધાવસ્થામાં શરીર દુર્બળ થવા છતાં –સત્સંગ અને ભજન ન કરે તો –મન અને જીભ જુવાન બને છે.સારું સારું ખાવાનું મન થાય છે.



ડોસીને ખાવાની ઈચ્છા થાય છે-ત્યારે તે બાબાનું નામ દે છે –કહે-કે- આજે તો બાબાની ઈચ્છા છે-કે-પાના નાં ભજીયાં કરો.



ખાધેલું પચે નહિ-પણ વારંવાર ખાવાની ઈચ્છા –વૃદ્ધાવસ્થામાં થાય છે. લૂલી બહુ પજવે છે.



તેલ-મરચા ના ગરમ ગરમ પદાર્થ ખાય,ઉપર ઠંડું પાણી પીવે પછી ક્યાં જાય ? કફ વધે,રાત્રે ઉધરસ આવે, શ્વાસ માં ઘરડ-ઘરડ



અવાજ થાય છે. છોકરો કહે છે-કે બાપા તમને પચતું નથી.તો શું કામ વધારે ખાઓ છો? તમારી ઉધરસ થી અમને ઊંઘ આવતી નથી.



તમારી પથારી બહાર કુતરાંની પાસે કરશું.



ડોસાની પથારી બહાર કુતરાની જોડેજોડે થાય તો પણ ડોસો સંતોષ માને છે.



છોકરાંઓ તિરસ્કાર કરે-પણ ડોસાની –નફ્ફટ જેવી વૃત્તિ થાય છે-તે માને છે- અને કહે છે –કે-



‘આ છોકરાં છે તો -તે-કહે છે-જેને છોકરાં નથી એને કોણ કહેવાનું હતું ?’



વૃદ્ધાવસ્થામાં શરીર દુર્બળ બને છે, રોગનું ઘર બને છે.શરીર સારું છે –ત્યાં સુધી બાજી તમારાં હાથમાં છે. શરીર સારું છે ત્યાં સુધી



પ્રભુને રાજી કરો તો બેડો પાર છે.



પથારી માં ડોસો પડ્યો છે. અતિ પાપીને નરકનું દુઃખ પથારીમાં જ ભોગવવું પડે છે. પથારી માં જ મળ-મૂત્ર થાય તે નરક જેવું જ



દુઃખ છે. આવી પથારી માં જ જયારે યમદૂત દેખાય છે, ત્યારે જીવ બહુ ગભરાય છે.



જે લોકો માટે પૈસાનું પાણી કર્યું હોય-તે-લોકો જ –ડોસો જલ્દી મરે તેવી –ઈચ્છા રાખતા હોય છે.



પોતાના થોડા કોઈ –કદીક –મને કંઈક આપશે તેવી ઇચ્છાથી સેવા કરે છે. બધાં સ્વાર્થ ના સગાં ભેગા થાય છે. છોકરીઓ પણ



લાલચુડી હોય છે,-મારા બાપાએ મારા માટે પંદર-વીસ તોલા જુદું રાખ્યું હશે. દોડતી દોડતી આવશે-બધા ડોસાને ઘેરીને બેઠા છે.



‘બાપા,મને ઓળખી ? બાપા હું તમારી મણી....’ પણ મણીબેન નું કંઈ અજવાળું પડતું નથી. એ ડોસો જવાની તૈયારી માં છે.



તે બોલી શકતો નથી.



વાણી નો લય મનમાં થાય છે,મન નો લય પ્રાણ માં થાય છે. ત્યારે જીવાત્મા ના હૃદય માં પ્રકાશ દેખાય છે.

તેના મનમાં જે વાસના હોય છે, તે પ્રમાણે –તે પ્રકાશ માં ચિત્ર થાય છે. તે સંસ્કાર જાગે છે તે પ્રમાણે તેને નવો દેહ મળે છે.





-----------------------------------------------------------------------------------







sivohm.com

ભાગવત રહસ્ય-૧૧૧

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત



સ્કંધ ત્રીજો-૨૯ (સર્ગ લીલા)



જીવ હાય-હાય કરતો એકલો જ જાય છે. અંતકાળે યમદુતો તેને કંઈ રડાવતા નથી. પણ ઘરની મમતા રડાવે છે.



ઘર છોડવું તેને ગમતું નથી-અને યમદુતો તેને ધક્કો મારે છે.



પત્ની-પુત્ર-પૈસા છોડવા તેને ગમતા નથી. યમદૂત તેને મારતા નથી-પણ-ઘરની મમતા તેને મારે છે.અને રડાવે છે.



જાણે છે-કે-હું જઈશ ત્યારે કોઈ સ્ત્રી,પુત્ર સાથે આવશે નહિ,મારે એકલાને જ જવું પડશે. છતાં વિવેક રહેતો નથી.



અંતકાળમાં બે યમદૂતો આવે છે- પાપ પુરુષ અને પુણ્ય પુરુષ.



પાપ પુરુષ કહે છે-તેં બહુ પાપ કર્યા છે-એમ કહી મારે છે. પુણ્ય પુરુષ કહે છે –તને પુણ્ય કરવાની તક આપી છતાં પણ તેં –પુણ્ય-



કેમ કર્યું નહિ ? ભક્તિ કરવાનો તને અવસર આપ્યો હતો-પણ ભક્તિ કેમ કરી નહિ? તેમ કરીને મારે છે.



આ જીવ મરે છે-ત્યારે અતિશય તરફડે છે.



યમદૂતો ની ગતિ પગ થી આંખ સુધી ની હોય છે.



બ્રહ્મરંઘ્ર (દશમ દ્વાર) માં જે પ્રાણ ને સ્થિર કરે છે,તેને યમદૂતો કંઈ કરી શકતા નથી.



શાસ્ત્ર માં એવું લખ્યું છે-કે-



દશમ દ્વાર થી જીવ અંદર આવે છે, અને જો તે દ્વારમાં થી જીવ બહાર નીકળે –તો મુક્તિ-મળે છે.



અતિ પુણ્યશાળી હોય તો-તે જીવ- પ્રભુના દરબાર માં જાય છે.



આંખ માંથી જીવ બહાર નીકળે તો તે-જીવ સ્વર્ગ-લોક માં જાય છે.



મુખ માંથી જીવ બહાર નીકળે તો-તે જીવ મનુષ્ય યોનિ માં ફરીથી જાય છે.



મુખ થી નીચે અને ડુંટી થી ઉપર –ના ભાગ માંથી જીવ બહાર નીકળે-તો પશુ-પક્ષીની યોનિ માં જાય છે.



ડુંટી થી નીચેના ભાગ માંથી જીવ બહાર નીકળે-તો પ્રેત યોનિ માં જીવ જાય છે.



મર્યા પછી-પૂર્વજન્મ યાદ આવતો નથી. સ્થૂળ શરીર ની અંદર સૂક્ષ્મ શરીર છે.અને તેની અંદર કારણ શરીર (વાસનાઓ) છે.



યમદૂતો –જીવાત્મા ને –સૂક્ષ્મ શરીર (અને કારણ શરીર-વાસનાઓ) સાથે યમપુરી માં લઇ જાય છે.



અતિપાપી માટે યમપુરી નો માર્ગ અતિ ભયંકર છે. રસ્તામાં એને ત્રણસો કુતરાં કરડવા આવે છે. ગરમ રેતી પર ચાલવું પડે છે.



ત્યારે એકલો-રડતો રડતો જીવ જાય છે. તેને કોઈ સાથ આપતું નથી.



આ પંથે માત્ર ધર્મ  (સ્વ-ધર્મ) જ સાથ આપે છે. ધર્મ –જીવ ને ધીરજ આપે છે-કે –હું તને બચાવીશ. (ધર્મ સાચો મિત્ર છે.)



ચિત્રગુપ્ત જીવાત્મા એ કરેલાં પાપ-પુણ્ય, જીવાત્મા ને યમદરબાર માં સંભળાવે છે.



ચિત્રગુપ્ત=ચિત્ત ની ગુપ્ત વાતો જાણનાર. ચિત્ત ની ગુપ્ત વાતો જાણે –તેને ચિત્રગુપ્ત કહે છે.



સાક્ષી માં સૂર્યદેવ અને વાસુદેવ છે. દિવસ ના કરેલા પાપની સાક્ષી –સૂર્યદેવ આપે છે. રાત ના પાપની વાસુદેવ.(આત્મા-પરમાત્મા).



કેટલાંક બારણા બંધ કરીને પાપ કરે છે. મને કોઈ જોતું નથી. પણ તારો બાપ જે અંદર બેઠો છે-તે તો જુએ છે ને ?



પૃથ્વી,ચંદ્ર,સૂર્ય ....વગેરે ચૌદ સાક્ષીઓ છે. તે પરમાત્મા ના સેવકો છે. તે સાક્ષી આપે છે-અમે તેને પાપ કરતા નજરે જોયું છે.



પાપ ની જેમ પુણ્ય ની પણ સાક્ષી અપાય છે.



પછી જીવાત્મા એ –તે –કબુલ- કરવું પડે છે. તે પછી પાપ-પુણ્ય પ્રમાણે જીવ ની ગતિ નક્કી થાય છે.



પાપ વધુ હોય તો-નરક ની સજા થાય છે. પાપ-પુણ્ય સરખા હોય તો-તે ચંદ્રલોક માં જાય છે. પુણ્ય હોય તો –તે સ્વર્ગ માં જાય છે.



સ્વર્ગ માં પુણ્ય ભોગવી ને –પુણ્ય નો ક્ષય કરીને-પુણ્ય ખૂટી જાય-એટલે ફરી મનુષ્ય લોક માં જન્મ લેવો પડે છે.



ચોર્યાસી લાખ નું –ચક્કર-કહે છે. જન્મ મરણ નું દુઃખ જ્યાં સુધી છે-ત્યાં સુધી જીવ ને શાંતિ નથી.



જીવ ને શાંતિ ત્યારે થાય –જયારે મનુષ્ય યોનિ માં તે પરમાત્મા નો સાક્ષાત્કાર કરે........



----------------------------------------------------------------------------------------------------------







ભાગવત રહસ્ય-૧૧૨

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત  



સ્કંધ ત્રીજો-૩૦ (સર્ગ લીલા)



મહાભારત ના શાંતિ-પર્વ માં એક કથા આવે છે.         



વૃંદાવન માં એક મહાત્મા રહેતા હતા. એક વખત તે ધ્યાનમાં બેઠેલા હતા,ત્યારે એક ઉંદર આવી તેમની ગોદ માં ભરાયો.



ઉંદર ની પાછળ –બિલાડી પડી હતી. મહાત્મા ને દયા આવી. તેમણે ઉંદર ને કહ્યું-તું મારી ગોદમાં છે. તને કોઈ મારી નહિ શકે.



તું જે માંગીશ તે હું તને આપીશ. બોલ તારે શું થવું છે ? તું કહે તે પ્રમાણે તને બનાવી દઉં......



(સાચાં સંતો-ઈશ્વરની સૃષ્ટિમાં કોઈ ફેરફાર કરતા નથી-જે કરવા જાય તે પાછળથી પસ્તાય છે.-આ તો માત્ર ઉદાહરણ છે)



ઉંદર ની બુદ્ધિ કેટલી ?તેણે વિચાર્યું-આ બિલાડી બહુ સુખ ભોગવે છે.હું બિલાડી બની જાઉં તો-પછી તેની બીક રહે નહિ.



એટલે તેણે મહાત્મા ને કહ્યું –મને બિલાડી બનાવી દો. મહાત્મા એ કહ્યું-તથાસ્તુ....



એક દિવસ તે બિલાડી ની પાછળ કૂતરો પડ્યો. બિલાડી રડતી રડતી મહાત્મા પાસે આવી-અને કહે-મને ખાતરી થઇ કે –



બિલાડી થવા માં સુખ નથી. મને કૂતરો બનાવી દો....મહાત્માએ કહ્યું-તથાસ્તુ.....



થોડા દિવસ સુખ જેવું લાગ્યું.પણ એક દિવસ જંગલ માં કુતરાની પાછળ વાઘ પડ્યો. કુતરાએ વિચાર્યું-આના કરતા વાઘ થવું સારું.



એટલે ફરી રડતો રડતો મહાત્મા પાસે ગયો. અને કહે મને વાઘ બનાવી દો. મહાત્મા એ કહ્યું-તથાસ્તુ.....



વાઘ થયા પછી તેની બુદ્ધિ બગડી ગઈ. હિંસા કરતાં કરતાં તેની હિંસક વૃત્તિ જાગૃત થઇ ગઈ. તેણે વિચાર્યું-



આ મહાત્મા –જો કોઈ દિવસ નારાજ થશે-તો પાછો મને ઉંદર બનાવી દેશે.માટે ચલ મહારાજ ને જ પતાવી દઉં. તો પછી કાયમ નો



વાઘ રહી શકીશ. મહાત્મા કહે-અચ્છા, બેટા,તું મને ખાવા આવ્યો છે? તું ઉંદર હતો એ જ સારું હતું.



મહાત્મા એ તેને પાછો ઉંદર બનાવી દીધો.



જરા વિચાર કરો-



આ ઉંદર-બિલાડીની કથા નથી. આ આપણી જ કથા છે.



આ જીવ એક વખત ઉંદર હતો-એક વખત બિલાડી હતો.એક વખત કૂતરો કે પછી વાઘ હતો.



(માનવ- જીવન માં કદી કદી –આ વિવિધ પશુઓની જેવું જ વર્તન કરે છે-તે બતાવે છે-કે તે એક વખત આવો પશુ હતો)



આ જીવ ની પાછળ કાળ પડ્યો છે. કાળ જીવ ને વારંવાર કચડે છે. અનેક યોનિ ઓ માં જીવ રખડતો રખડતો છેવટે તે-પ્રભુની



ગોદમાં જાય છે. પ્રભુ કૃપા કરી-જીવ ને મનુષ્ય બનાવ્યો. પવિત્ર વિચાર કરવા મન-બુદ્ધિ આપ્યાં. કે જેથી તે કાળ અને કામ પર



વિજય મેળવી શકે. પ્રભુ એ વિચાર્યું-તે કાળ પર વિજય મેળવી મારી શરણ માં આવશે.



પણ માનવ થાય પછી-કુસંસ્કાર અને કુસંગ થી માનવ –એવો બગડે છે (વાઘ બની જાય છે) કે જેણે તેને બનાવ્યો,તેને જ તે



માનતો નથી. કહે છે-હું ઈશ્વર માં માનતો નથી,



ભગવાન તે વખતે વિચારે છે-કે બેટા તું ક્યાં જઈશ ? હું તને ફરી થી ઉંદર બનાવી દઈશ.



પરમાત્મા એ માત્ર –મનુષ્ય ને જ બુદ્ધિ (શક્તિ) આપી છે. પશુ ને પોતાના સ્વ-રૂપ નું ભાન નથી. ત્રણ વર્ષ પછી તો તે ભૂલી જાય છે-



કે આ મારી મા છે-કે આ મારો બાપ છે. જેણે પોતાના સ્વ-રૂપ નું ભાન નથી તે આત્મ-સ્વ-રૂપ ને ક્યાંથી જાણી શકે ?



આ મનુષ્ય જન્મ માં –તેની પાસે બુદ્ધિ હોવાથી- જો-તે-ઈશ્વરને ઓળખવાનો-ઈશ્વર નો સાક્ષાત્કાર કરવાનો પ્રયત્ન ના કરે-તો-



ચોર્યાસી લાખ ના ચક્કર માં તે ફરે છે. તે ફરી ફરી સંસાર માં રખડે છે.



જન્મ-મરણ નું દુઃખ તે ભોગવે છે. અને આ દુઃખ છે ત્યાં સુધી તે જીવ ને શાંતિ પ્રાપ્ત થતી નથી.



------------------------------------------------------------------------------------------------------------







ભાગવત રહસ્ય-૧૧૩

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત



સ્કંધ ત્રીજો-૩૧ (સર્ગ લીલા)



પશુ પક્ષી ની યોનિ માં અનેક પ્રકારના દુઃખ ભોગવી, તેનું  પાપ-અને પુણ્ય –જો સરખું થાય તો તે ચન્દ્રલોક માં જાય છે.



ત્યાંથી સૂક્ષ્મ જીવ –વાદળ માં વર્ષા રૂપે આવે છે. વરસાદ પૃથ્વી પર પડે છે. ને તે અન્ન માં દાખલ થાય છે.



અન્ન માંથી વીર્ય થાય છે. અને જીવ મનુષ્ય યોનિ માં આવે છે.



(આ બિલકુલ સીધીસાદી ભાષામાં વર્ણન છે-જેના પર વિચાર કરવામાં આવે તો-ઘણું બધું સમજવામાં આવી શકે !!!)



(ભાગવત માં ગર્ભ-અવસ્થાનું વર્ણન –અદભૂત છે, જેનું સાદી નીચે મુજબ વર્ણન કરી શકાય.)



જે દિવસે ગર્ભ રહે છે-તે દિવસે પાણી ના પરપોટા જેવો સૂક્ષ્મ હોય છે.



દસ દિવસ માં તે ફળ જેવડો મોટો થાય છે.



મા ના શરીરની જે નાડી માં થી અન્ન રસ વહેતો હોય તે નાડી સાથે ગર્ભ ની નાડી જોડવામાં આવે છે.



એક મહિનામાં સાત ધાતુ મળે છે. અને પાંચ મહિના માં ભુખ તરસ નું જ્ઞાન થાય છે.



છ મહિના ની ગર્ભ થાય એટલે-માતા ના પેટમાં ભ્રમણ કરે છે. જ્યાં અનેક જંતુઓ ઉત્પન્ન થાય છે-



તે માતા ના મૂત્ર વિષ્ટા માં તે આળોટે છે. નાનકડી જગ્યામાં તેને બહુ સહન કરવું પડે છે.



તેને અનેક જંતુ ઓ કરડે છે,ત્યારે કેટલીક વાર તે મૂર્છા પામે છે.



વળી માતા એ ખાધેલા તીખા,ઉના,ખારા,ખાટા વડે તેના અંગ માં વેદના થાય છે.



આ પ્રમાણે તે ગર્ભ માં અનેક પ્રકારનું દુઃખ ભોગવે છે. પાંજરામાં પંખી પુરાયું હોય તેમ તે રહે છે.



કંઈ પણ કરવાને માટે તે અસમર્થ હોય છે.



માટે ગર્ભવાસ અને નરકવાસ સરખો છે.



સાતમે મહિને માથું નીચે અને પગ ઉંચે થાય છે.



આઠ માસના જીવાત્મા ને પૂર્વજન્મ નું જ્ઞાન થાય છે. તે ગર્ભ માં પ્રભુ ને સ્તુતિ કરે છે.



નાથ,મને જલ્દી બહાર કાઢો,હવે હું બિલકુલ પાપ નહિ કરું,મને બહાર કાઢશો, તો હું તમારી ખુબ સેવા –ભક્તિ કરીશ.



ગર્ભ માં જીવ જ્ઞાની થાય છે. ભગવાન આગળ તે અનેક પ્રતિજ્ઞાઓ કરે છે.



પરમાત્મા કહે છે-આજ સુધી તેં મને અનેક વાર છેતર્યો છે.



જીવ કહે છે-ના-ના- હવે હું નહિ છેતરું. મને બહાર કાઢો.



પ્રસવપીડા વખતે અતિશય વેદના માં તે પૂર્વજન્મ નું જ્ઞાન ભૂલી જાય છે. ગર્ભ નું જ્ઞાન પણ ભૂલી જાય છે.



મા ને જે વેદના થાય છે-તેના કરતાં હજાર ગણી વેદના જીવાત્મા ને થાય છે.



રાજા ને ઘેર જન્મ થાય કે રંક ના ઘેર જન્મ થાય-જન્મ એ જ મહાન દુઃખ છે.



જન્મ એનો સફળ છે-કે જેણે ફરીથી કોઈ મા ના પેટમાં જવા નો પ્રસંગ નાં આવે.



કોઈ ના પેટમાં જાય તેની દુર્દશા થાય છે.



કપિલ ભગવાન કહે છે-કે- મા જન્મ અને મરણનું દુઃખ ભયંકર છે.



આ બંને દુઃખ સરખાં છે. આ દુઃખો નો અંત આવતો નથી.



આ જીવ પરમાત્મા સાથે પ્રેમ કરે તો –જ- આ દુઃખ નો અંત આવે છે.



------------------------------------------------------------------------------------







ભાગવત રહસ્ય-૧૧૪

ડોંગરેજી મહારાજ ની કથા પર આધારિત



સ્કંધ ત્રીજો-૩૨ (સર્ગ લીલા)



જીવ નો જ્યાં જન્મ થયો-કે-માયા એને સ્પર્શ કરે છે. સંસાર માં માયા કોઈને ય છોડતી નથી.



આ જીવ પરમાત્મા સાથે પ્રેમ કરે તો-માયા છૂટે-અને સુખી થાય –પણ તે પરમાત્મા સાથે પ્રેમ કરતો નથી.



જીવ બાલ્યાવસ્થામાં મા સાથે પ્રેમ કરે છે.



જરા મોટો થાય –એટલે –રમકડાં સાથે પ્રેમ કરે છે.



તે પછી-મોટો થાય-એટલે પુસ્તકો જોડે પ્રેમ કરે છે.એક બે ડીગ્રી મળે એટલે –પુસ્તકો નો મોહ ઉડી જાય છે.



પછી પૈસા જોડે પ્રેમ કરતો થા જાય છે. થોડા વધુ પૈસા આવે એટલે બેંક ના બેલેન્સ જોડે મોહ થઇ જાય છે.



અને લગન કરે એટલે લાડી જોડે પ્રેમ કરતો થઇ જાય છે.



કહે છે-કે તારા માટે લાખો ખર્ચવા તૈયાર છું. પેલી નચાવે તેમ નાચે છે. માને છે-કે-તે સ્વર્ગનું સુખ ભોગવે છે.



પણ આ મોહ પણ ટકતો નથી-બેચાર છોકરાં થાય એટલે કંટાળે છે.



કોઈ પરણેલા ને પૂછશે-કે-તમે સુખી છો ? તો ફટ દઈને જવાબ આપશે કે-હું સુખી શાનો ? આ પલટણ ઉભી થઇ છે,



મોંઘવારી વધી ગઈ છે, દરેક ની ચિંતા છે,રાતદિવસ વૈતરું કરું છું, પણ કોઈને મારી દયા આવતી નથી, જેમતેમ જીવન પૂરું કરું છું.



એકલો હતો ત્યારે સુખી હતો.



ચામડીનું સુખ ભોગવ્યા પછી વૃદ્ધાવસ્થા માં ડહાપણ આવે છે. ત્યાં સુધી માં તો માયા થી ઘેરાઈ ગયો હોય છે.



છોકરાં ને ઘેર છોકરાં -આવ્યાં-અને કહેશે-કે-આ નાનો કનૈયો બહુ વહાલો લાગે છે. એમ કહી –ત્યાં માયા લગાડે છે.



આ માયા જીવ ને બે રીતે મારે છે,બાંધે છે. માયા ના બંધનના દોરડા માં થી છટકી તે જ દોરડાથી પ્રભુ ને બાંધવાના  છે.



તુલસીદાસજી એ કહ્યું છે-



જનની,જનક,બંધુ,સૂત,દારા-તનુ,ધનુ,ભવન સુર્હદ પરિવારા-સબ કૈ મમતા તાગ બટોરી,મમ પદ મનહિ બાંધ હરિ ડોરી.



(માતા,પિતા,ભાઈ,પુત્ર,પત્ની,શરીર,ધન,ઘર,મિત્ર,સગાં-સ્નેહીઓ-એ બધા માંથી જે મમતા છે-તે ત્યાગી –તે બધા માં જે –



પ્રેમ વિખરાયેલો છે, તે બધો પ્રેમ ભેગો કરી –એક જ પ્રેમ નુ દોરડું બનાવી –પ્રભુ ના ચરણને મન થી બાંધી દો-તો પ્રભુ બંધાય.)



કપિલ ભગવાન-કહે છે-મા,અનેક જન્મો થી આ પ્રમાણે જીવ ભટકતો આવ્યો છે, હજુ તને સંસારના વિષયોમાં ધૃણા આવતી નથી ?



ક્યાં સુધી તારે ભટકવું છે ? મા,તારા મન ને સંસાર ના વિષયો માંથી હટાવી, તે મન ને પ્રભુ માં જોડી દે.



પરમાત્મા ના ચરણ નો આશ્રય કરી, જન્મ-મરણ ના ત્રાસમાંથી મુક્ત થવાનો પ્રયત્ન કરી મુક્ત થા –તો જીવન સફળ થશે.



મારા ઉપદેશ માં શ્રદ્ધા રાખજે, મા, સાવધાન થઇ ને તારે ધ્યાન કરવાનું છે. સાવધાન રહેજે-મન છેતરે છે-મન ભયંકર છે.



કોઈ પણ સાધન (જેવુંકે ભક્તિ વગેરે) કરવાનું છે. અને સાવધાન રહેવાનું છે-કે અંદર અભિમાન વધે નહિ.



આમ કરી પરમાત્મા ને શરણે –જીવ-જાય તો ભગવાન અવશ્ય કૃપા કરે છે.



અંત માં કપિલ ભગવાન જે કહે છે-તે ખુબ જ મહત્વનું છે.



“મા.તારા મન ને તારે જ બોધ આપવો પડશે. મા, આ માર્ગ એકલા નો છે.”



મા, સાવધાન રહેજે, થોડા દિવસ માં જ તું કૃતાર્થ થઈશ. મારું કામ પૂરું થયું, મારે હવે અહીં થી જવું પડશે. સંસાર નો સંયોગ-વિયોગ



માટે જ હોય છે. મા,તું સતત ભક્તિ કરજે-પરમાત્મા ના નામ નો તને આધાર છે.



મા ને ઉપદેશ આપી, કપિલ ભગવાન ત્યાંથી ઉઠ્યા છે,મા ની ત્રણ વાર પ્રદિક્ષણા કરી, મા ની આજ્ઞા માગી,ગંગાસાગર ના તીર્થ માં



પધાર્યા છે. કલકત્તાથી થોડે દૂર આ સ્થળ છે,ત્યાં ગંગાજી સમુદ્ર ને મળે છે. સામાન્ય નદીનાં પાણીને સમુદ્ર ખારાં બનાવે છે,ત્યારે



ગંગાજી ત્રણ ચાર માઈલ સુધી સમુદ્રના પાણી ને મીઠું બનાવે છે.



માતા દેવહુતિ, સરસ્વતી ના કિનારે વિરાજેલાં છે. સ્નાન,ધ્યાન કરી મન ની શુદ્ધિ કરી, નારાયણ નુ ચિંતન કરી મુક્ત થયાં છે.



દેવહુતિ મા ને સિદ્ધિ મળેલી,તેથી તે સ્થળ નુ નામ સિદ્ધપુર પડ્યું છે. માતા દેવહુતિ નો ત્યાં ઉદ્ધાર થયો છે, તેથી લોકો તેને



“માતૃગયા” પણ કહે છે.



કપિલગીતા અહીં સમાપ્ત થાય છે.



જુદા જુદા અનેક માર્ગો થી (નીચે બતાવેલા) પામવાનું તત્વ એક જ છે---પરમાત્મા.



(જુદા જુદા પ્રકારના કર્મો, યજ્ઞ, દાન, તપ, વેદાધ્યયન, મન અને ઇન્દ્રિયો નો સંયમ, કર્મ નો ત્યાગ, અનેક પ્રકારનો યોગાભ્યાસ,



ભક્તિ યોગ, પ્રવૃત્તિમાર્ગ અને નિવૃત્તિ માર્ગ, સકામ અને નિષ્કામ ધર્મો, આત્મતત્વ નુ જ્ઞાન, દૃઢ વૈરાગ્ય, ......



આ બધા જ –જુદા જુદા સાધનો છે-અને આ સાધનો થી કાં તો સગુણ અથવા નિર્ગુણ –પરમાત્મા ની પ્રાપ્તિ જ થાય છે.)



ત્રીજો સ્કંધ સમાપ્ત



(અનુસંધાન-ચોથા સ્કંધ પર)



-----------------------------------------------------------------

No comments:

Post a Comment