Disclaimer

Disclaimer : This blog is not for any commercial purposes. * * * * * * ************************************ અમારા બ્લોગ પર મુકેલી દરેક રચના / કૃતિ -લેખ નાં સમગ્ર અધિકારો જે તે વ્યક્તિ કે સંસ્થાના છે. આ રચના / કૃત્તિ - લેખ ને અભિવ્યક્ત કરવાનો ઉદ્દેશ તેમના શ્રેષ્ઠ કાર્યને વિશ્વગુર્જરી સમક્ષ ફક્ત વ્યક્ત કરવાનું છે. કોઇ પણ રચના/ કૃત્તિ - લેખનો નો કોઇ પણ સંજોગામાં વાણિજ્યિક ઉપયોગ નહીં કરવામા આવે. આમ છતાં, જે કોઈ રચના / લેખ - કૃત્તિઓ અહીં પોસ્ટ કરવામાં આવેલ છે, જેને લીધે જો કોઇ વ્યક્તિ કે સંસ્થાના અધિકારોનો ભંગ થયેલો તેમને / કોઇને પણ લાગે તો અમને જાણ કરવા વિનંતી, તે રચના / કૃત્તિ - લેખ ની પોસ્ટ સત્વરે બ્લોગ પરથી દૂર કરી આપવામાં આવશે. બ્લોગ પર મુકેલ તસ્વીરો નેટ / વેબ જગત પરથી ઉપલબ્ધ કરેલ છે, જે માટે અમો વેબ જગતના આભારી છીએ. Dr.Pravin Purecha-Bhatia Thanks, Admin

Monday, October 2, 2017

અધ્યાય ૦૧ - શ્લોક ૦૨

અધ્યાય ૦૧ - શ્લોક ૦૨

મૂળ શ્લોક: 
संजय उवाच
दृष्ट्वा तु पाण्डवानीकं व्यूढं दुर्योधनस्तदा ।
आचार्यमुपसङ्गम्य राजा वचनमब्रवीत् ॥ २ ॥
શ્લોક ભાવાર્થ: 
સંજય બોલ્યા - એ વખતે વજ્રવ્યૂહથી ઊભી રહેલી પાંડવસેનાને જોઇને રાજા દુર્યોધન દ્રોણાચાર્યની પાસે જઇને આ વચન બોલ્યા.
સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 
'तदा' જે વખતે બન્ને સેનાઓ યુદ્ધને માટે ઊભી રહી હતી, તે સમયની વાત સંજય અહીં 'तदा' પદથી કહે છે. કારણ કે ધૃતરાષ્ટ્રનો પ્રશ્ન 'યુદ્ધની ઇચ્છાવાળા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું' - એ બાબત સાંભળવાને માટે જ હતો. 'तु' - ધૃતરાષ્ટ્રે પોતાના અને પાંડુના પુત્રો વિષે પૂછ્યું છે. આથી સંજય પણ પહેલાં ધૃતરાષ્ટ્રના પુત્રોની વાત બતાવવા માટે અહીં 'तु' પદનો પ્રયોગ કરે છે.

'दृष्ट्वा [૧] तु पाण्डवानीकं व्यूढम्' - પાંડવોની વજ્રવ્યૂહથી ઊભેલી સેનાને જોવાનું તાત્પર્ય એ છે કે પાંડવોની સેના ઘણી જ સુંદર રીતે અને એક જ ભાવથી ઊભી હતી અર્થાત્ એમના સૈનિકોમાં બે ભાવો ન હતા, મતભેદ ન હતો. [૨] એમના પક્ષમાં ધર્મ અને ભગવાન શ્રીકૃષ્ણ હતા. જેને પક્ષે ધર્મ અને ભગવાન હોય છે, એમની બીજાઓ ઉપર ભારે અસર પડે છે. એટલા માટે સંખ્યામાં ઓછી હોવા છતાં પણ પાંડવોની સેનાનું તેજ (પ્રભાવ) હતું ને એની બીજાઓ ઉપર ભારે અસર પડતી હતી. આથી પાંડવસેનાની દુર્યોધન ઉપર ભારે અસર પડી, જેથી તે દ્રોણાચાર્ય પાસે જઇને નીતિવાળાં ગંભીર વચનો બોલે છે.

'राजा दुर्योधनः' - દુર્યોધનને રાજા કહેવાનું તાત્પર્ય એ છે કે ધૃતરાષ્ટ્રનું સૌથી વધારે પોતાપણું (મોહ) દુર્યોધનમાં જ હતું. પરંપરાની દ્રષ્ટિએ પણ યુવરાજ દુર્યોધન જ હતો. રાજ્યનાં બધાં કાર્યોની દેખભાળ દુર્યોધન જ કરતો હતો. ધૃતરાષ્ટ્ર તો નામમાત્રના રાજા હતા. યુદ્ધ થવામાં પણ મુખ્ય કારણ દુર્યોધન જ હતો. આ બધાં જ કારણોથી સંજયે દુર્યોધનને માટે 'राजा' શબ્દનો પ્રયોગ કર્યો છે.

'आचार्यमुपसङ्गम्य' - દ્રોણાચાર્ય પાસે જવામાં મુખ્યત્વે ત્રણ કારણો જણાય છે -
(૧) પોતાનો સ્વાર્થ સાધવા માટે અર્થાત્ દ્રોણાચાર્યના મનમાં પાંડવો પ્રત્યે દ્વેષ ઉત્પન્ન કરીને એમને પોતાના પક્ષમાં વિશેષ રૂપે લાવવા માટે દુર્યોધન દ્રોણાચાર્ય પાસે ગયો.
(૨) વ્યવહારમાં ગુરુ હોવાના સંબંધથી માન આપવા માટે પણ દ્રોણાચાર્ય પાસે જવું યોગ્ય હતું.
(૩) મુખ્ય વ્યક્તિનું સેનામાં યથાસ્થાને ઊભા રહેવું ઘણું જ જરૂરી હોય છે, નહિતર વ્યવસ્થા બગડી જાય છે. એટલા માટે દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જાતે જવું યોગ્ય જ હતું.

અહીં શંકા થઇ શકે કે દુર્યોધને તો પિતામહ ભીષ્મ પાસે જવું જોઇતું હતું, કે જેઓ સેનાપતિ હતા. છતાં દુર્યોધન ગુરુ દ્રોણાચાર્યની પાસે જ કેમ ગયો? એનું સમાધાન એ છે કે દ્રોણ અને ભીષ્મ - બંને ઉભયપક્ષપાતી હતા અર્થાત્ તેઓ કૌરવો અને પાંડવો - બંનેનો પક્ષ ખેંચતા હતા. એ બન્નેમાં પણ દ્રોણાચાર્યને વધુ રાજી કરવાના હતા, કારણ કે દ્રોણાચાર્યની સાથે દુર્યોધનના ગુરુ હોવાના સંબંધથી તો સ્નેહ હતો, પરંતુ કુટુંબના સંબંધથી સ્નેહ ન હતો; અને અર્જુન ઉપર દ્રોણાચાર્યની વિશેષ કૃપા હતી. આથી એમને તાજી કરવા માટે દુર્યોધનનું એમની પાસે જવું જ યોગ્ય હતું. વ્યવહારમાં પણ એ જોવા મળે છે કે જેની સાથે સ્નેહ નથી હોતો, એની પાસેથી પોતાનો સ્વાર્થ સિદ્ધ કરવા માટે માણસ એને વધારે માન આપીને રાજી કરે છે.

દુર્યોધનના મનમાં એ વિશ્વાસ હતો કે ભીષ્મજી તો અમારા દાદા જ છે; આથી એમની પાસે જ જાઊં તો પણ કંઇ વાંધો નથી. ન જવાથી કદાચ એ નારાજ પણ થઇ જશે તો હું કોઇક રીતે એમને રાજી કરી દઇશ. કારણ કે પિતામહ ભીષ્મની સાથે કૌટુંબિક સંબંધ અને સ્નેહ હતો જ, ભીષ્નનો પણ એની સાથે કૌટુંબિક સંબંધ અને સ્નેહ હતો. એટલા માટે ભીષ્મજીએ દુર્યોધનને રાજી કરવા માટે જોરથી શંખ વગાડ્યો. (અ. ૧/૧૨)

'वचनमब्रवीत्' - અહીં 'अब्रवीत्' કહેવું જ પૂરતું હતું; કેમ કે 'अब्रवीत्' ક્રિયાની અંતર્ગત જ 'वचनम्' આવી જાય છે અર્થાત્ દુર્યોધન બોલત, તો 'वचनम्' જ બોલત. એટલા માટે અહીં 'वचनम्' શબ્દની આવશ્યકતા ન હતી આમ છતાં 'वचनम्' શબ્દ આપવાનું તાત્પર્ય એ છે કે દુર્યોધન નીતિયુક્ત ગંભીર વચનો બોલે છે, જેથી દ્રોણાચાર્યના મનમાં પાંડવો પ્રત્યે દ્વેષ પેદા થઇ જાય અને તેઓ અમારા જ પક્ષમાં રહીને સારી રીતે યુદ્ધ કરે, જેથી અમારો વિજય થઇ જાય અને અમારો સ્વાર્થ સિદ્ધ થઇ જાય.

[૧] - આ અધ્યાયમાં ત્રણ વાર 'दृष्ट्वा' (જોઇને) પદનો પ્રયોગ થયો છે - પાંડવસેનાને જોઇને દુર્યોધનનું દ્રોણાચાર્ય પાસે જવું (અ. ૧/૨); કૌરવસેનાને જોઇને અર્જુનનું ધનુષ્યને ઉઠાવવું (અ. ૧/૨0); અને પોતાનાં સ્વજનો (કુટુંબીઓ) ને જોઇને અર્જુનનું મોહાવિષ્ટ થવું (અ. ૧/૨૮). આ ત્રણમાંથી વે 'दृष्ट्वा' તો આપસાઅપસમાં સેના જોવાને માટે વપરાયા છે અને એક 'दृष्ट्वा' સ્વજનોને જોવા માટે વપરાયું છે, જેનાથી અર્જુનનો ભાવ બદલાઇ જાય છે.

[૨] - કૌરવસેનામાં મતભીદ હતો; કારણ કે દુર્યોધન, દુઃશાસન વગેરે તો યુદ્ધ કરવાને ઇચ્છતા હતા, પરંતુ ભીષ્મ, દ્રોણ, વિકર્ણ વગેરે યુદ્ધ કરવાને ઇચ્છતા ન હતા. એ નિયમ છે કે જ્યાં આપસઆપસમાં મતભેદ હોય છે, ત્યાં તેજ (પ્રભાવ) રહેતું નથી -
काँच कटोरो कुम्भ पय मोती मिंत अवास । ताल घाव तिरिया कटक फाटा करें बिनास ॥
શ્લોક માહિતી: 
સંબંધ - ધૃતરાષ્ટ્રના પ્રશ્નનો ઉત્તર સંજય આગળના શ્લોકથી આપવાનો આરંભ કરે છે.

અધ્યાય ૦૧ - શ્લોક ૦૧

અધ્યાય ૦૧ - શ્લોક ૦૧


મૂળ શ્લોક: 
धृतराष्ट्र उवाच:
धर्मक्षेत्रे कुरुक्षेत्रे समवेता युयुत्सवः ।
मामकाः पाण्डवाश्चैव किमकुर्वत संजय ॥ १ ॥
શ્લોક ભાવાર્થ: 
ધૃતરાષ્ટ્ર બોલ્યા - હે સંજય ! ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં યુદ્ધની ઇચ્છાથી એકત્ર થયેલા મારા અને પાંડુના પુત્રોએ શું કર્યું?
સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 
'धर्मक्षेत्रे कुरुक्षेत्रे' - કુરુક્ષેત્રમાં દેવોએ યજ્ઞ કર્યો હતો. કુરુ રાજાએ પણ અહીં તપ કર્યું હતું. યજ્ઞ વગેરે ધર્મમય કાર્યો થયા હોવાથી તથા કુરુ રાજાની તપસ્યાભૂમિ હોવાથી એને ધર્મભૂમિ કુરુક્ષેત્ર કહેવામાં આવ્યું છે.
અહીં 'धर्मक्षेत्रे' અને 'कुरुक्षेत्रे' પદોમાં 'क्षेत्रे' શબ્દ આપવામાં ધૃતરાષ્ટ્રનો અભિપ્રાય એ છે કે આ પોતાની કુરુવંશીઓની ભૂમિ છે. આ કેવળ લડાઇની ભૂમિ જ નથી, પરંતુ તિર્થભૂમિ છે, જેમાં પ્રાણી જીવતેજીવત પવિત્ર કર્મો કરીને પોતાનું કલ્યાણ કરી શકે છે. આ રીતે લૌકિક અને પારલૌકિક બધી જાતનો લાભ થઇ જાય - એવો વિચાર કરીને તેમ જ શ્રેષ્ઠ પુરુષોની સંમતિ લઇને જ યુદ્ધ માટે આ ભૂમિની પસંદગી કરવામાં આવી છે.
સંસારમાં મોટે ભાગે ત્રણ બાબતોને કારણે લડાઇ થાય છે - જમીન, ધન અને સ્ત્રી. આ ત્રણમાં પણ રાજાઓનું આપસઅપસમાં લડવું મુખ્યત્વે જમીનને કારણે હોય છે. અહીં 'कुरुक्षेत्रे' પદ આપવાનું તાત્પર્ય પણ જમીનને કારણે લડવામાં છે. કુરુવંશમાં ધૃતરાષ્ટ્ર અને પાંડુના પુત્રો - બધા એક જ ગણાય છે. કુરુવંશના હોવાથી બંનેનો કુરુક્ષેત્રમાં અર્થાત્ રાજા કુરુની જમીન ઉપર સમાન અધિકાર લાગે છે. આ કારણથી (કૌરવોએ પાંડવોને એમની જમીન ન આપવાને કારણે) બંને જમીનને માટે લડાઇ કરવા આવ્યા છે.
જોકે પોતાની જમીન હોવાને કારણે બંનેને માટે 'कुरुक्षेत्रे' પદ વાપરવું એ યુક્તિસંગત અને ન્યાસસંગત છે, તેમ છતાં આપણી સનાતન વૈદિક સંસ્કૃતિ એવી વિલક્ષણ છે કે કોઇ પણ કાર્ય કરવું હોય, ત્યારે તે ધર્મને સામે રાખીને જ કરવામાં આવે છે, જેથી યુદ્ધમાં મરનારાઓનો ઉદ્ધાર થઇ જાય અને કલ્યાણ થઇ જાય.
અહીં આરંભમાં 'धर्म' પદથી એક બીજી વાત પણ દેખાય છે. જો આરંભના 'धर्म' પદમાંથી 'धर्' લઇ લેવામાં આવે અને અઢારમા અધ્યાયના છેલ્લા શ્લોકના 'मम' પદમાંથી 'म' લઇ લેવામાં આવે, તો 'धर्म' શબ્દ બની જાય છે. આથી સંપૂર્ણ ગીતા ધર્મની અંતર્ગત છે અર્થાત્ ધર્મનું પાલન કરવાથી ગીતાના સિદ્ધાંતો અનુસાર કર્તવ્યકર્મ કરવાથી ધર્મનું અનુષ્ઠાન થઇ જાય છે.
આ 'धर्मक्षेत्रे कुरुक्षेत्रे' પદો ઉપરથી બધા મનુષ્યોએ બોધપાઠ લેવો જોઇએ કે કોઇ પણ કાર્ય કરવું હોય તો તે ધર્મને દ્રષ્ટિ સમક્ષ રાખીને જ કરવું જોઇએ. માત્ર પોતાના સુખ અને આરામની દ્રષ્ટિએ નહિ; અને કર્તવ્ય-અકર્તવ્યની બાબતમાં શાસ્ત્રને દ્રષ્ટિ સમક્ષ રાખવું જોઇએ (ગીતા અધ્યાય ૧૬/૨૪).
'समवेता युयुत्सवः' - રાજાઓ દ્વારા વારંવાર સંધિનો પ્રસ્તાવ મૂકવા છતાં પણ દૂર્યોધને સંધિ કરવાનો સ્વીકાર કર્યો નહિ. એટલું જ નહિ, ભગવાન શ્રીકૃષ્ણના કહેવા છતાં પણ મારા પુત્ર દુર્યોધને સ્પષ્ટ જણાવી દીધું કે યુદ્ધ વિના હું તીક્ષ્ણ સોયની અણી જેટલી જમીન પણ પાંડવોને નહિ આપું [૩]. ત્યારે નિરુપાય થઇને પાંડવોએ પણ યુદ્ધ કરવાનો સ્વીકાર કર્યો. આ રીતે મારા પુત્રો અને પાંડુના પુત્રો - બંનેય સેનાઓ સહિત યુદ્ધની ઇચ્છાથી એકઠા થયા છે.
બંને સેનાઓમાં યુદ્ધની ઇચ્છા રહેવા છતાં પણ દુર્યોધનના મનમાં યુદ્ધની ઇચ્છા વિશેષ રૂપથી હતી. એનો મુખ્ય ઉદ્દેશ્ય રાજ્યપ્રાપ્તિનો જ હતો. એ રાજ્યપ્રાપ્તિ ધર્મથી થાય કે અધર્મથી થાય, ન્યાયથી થાય કે અન્યાયથી થાય, વિહિત રીતે થાય કે નિષિદ્ધ રીતે થાય, કોઇ પણ રીતે અમને રાજ્ય મળવું જોઇએ - એવો એનો ભાવ હતો. એટલા માટે વિશેષ રૂપે દુર્યોધનનો પક્ષ જ યુયુત્સુ અર્થાત્ યુદ્ધની ઇચ્છાવાળો હતો.
પાંડવોમાં ધર્મનું પ્રાધાન્ય હતું. એમનો એવો ભાવ હતો કે અમે ભલેને ગમે તેવો જીવનનિર્વાહ કરી લઇશું, પરંતુ અમારા ધર્મપાલનમાં વિઘ્ન નહિ આવવા દઇએ અને ધર્મની વિરુદ્ધ નહિ ચાલીએ. આ વાતને લીધે મહારાજ યુધિષ્ઠિર યુદ્ધ કરવા ઇચ્છતા ન હતા. પરંતુ જે માતાની આજ્ઞાથી યુધિષ્ઠિરે ચારેય ભાઇઓ સહિત દ્રૌપદી સાથે વિવાહ કર્યા હતા, તે માતાની આજ્ઞા થવાને કારણે જ મહારાજ યુધિષ્ઠિરની યુદ્ધમાં પ્રવૃત્તિ થઇ હતી [૪]. અર્થાત્ કેવળ માની આજ્ઞાના પાલન રૂપ ધર્મથી જ યુધિષ્ઠિર યુદ્ધની ઇચ્છાવાળા થયા હતા. તાત્પર્ય એ છે કે દુર્યોધન વગેરે તો રાજ્યને માટે જ યુયુત્સુ હતા, પરંતુ પાંડવો ધર્મને માટે જ યુયુત્સુ બન્યા હતા.
'मामकाः पाण्डवाश्चैव' - પાંડવો ધૃતરાષ્ટ્ર ને (પોતાના પિતાના મોટા ભાઇ હોવાથી) પિતાતુલ્ય માનતા હતા અને એમની આજ્ઞાનું પાલન કરતા હતા. ધૃતરાષ્ટ્ર દ્વારા અનુચિત આજ્ઞા દેવાય તોપણ પાંડવો ઉચિત-અનુચિતનો વિચાર નહિ કરીને એમની આજ્ઞાનું પાલન કરતા હતા. આથી અહીં 'मामकाः' પદની અંતર્ગત કૌરવ [૫] અને પાંડવ બંને આવી જાય છે. તેમ છતાં 'पाण्डवाः' પદ જુદું આપવાનું તાત્પર્ય એ છે કે ધૃતરાષ્ટ્રનો પોતાના પુત્રોમાં અને પાંડુના પુત્રોમાં સમાન ભાવ ન હતો. એમનામાં પક્ષપાત હતો, પોતાના પુત્રોમાં મોહ હતો. તેઓ દુર્યોધન વગેરેને તો પોતાના માનતા હતા, પરંતુ પાંડવોને પોતાના માનતા ન હતા [૬]. આ કારણથી તેમણે પોતાના પુત્રો માટે 'मामकाः' અને પાંડુના પુત્રોને માટે 'पाण्डवाः' પદનો પ્રયોગ કર્યો છે; કારણ કે જે ભાવો હૈયામાં હોય છે, તે જ ઘણું કરીને વાણીથી બહાર નીકળે છે. આ વ્દૈધીભાવ (ભેદભાવ) ને કારણે જ ધૃતરાષ્ટ્રને પોતાના કુળના સંહારનું દુઃખ ભોગવવું પડ્યું. એના ઉપરથી મનુષ્યમાત્રે એ બોધપાઠ લેવો જોઇએ કે તેઓ પોતાનાં ઘરોમાં, મહોલ્લાઓમાં, ગામોમાં, પ્રાંતોમાં, દેશોમાં અને સંપ્રદાયોમાં વ્દૈધીભાવ અર્થાત્ આ આપણા છે, આ બીજા છે - એવો ભાવ ન રાખે. કારણ કે વ્દૈધીભાવથી આપસમાં પ્રેમ કે સ્નેહ થતો નથી પણ ઊલટાનો કલહ થાય છે.
અહીં 'पाण्डवाः' પદની સાથે 'एव' પદ આપવાનું તાત્પર્ય એ છે કે પાંડવો તો મોટા ધર્માત્મા છે; આથી એમણે યુદ્ધ નહોતું કરવું જોઇતું. પરંતુ તેઓ પણ યુદ્ધને માટે રણભૂમિમાં આવી ગયા, તો ત્યાં આવીને એમણે શું કર્યું?
['मामकाः અને पाण्डवाः' [૭] - એ બેમાંથી પહેલા 'मामकाः' પદનો ઉત્તર સંજય આગળના (બીજા) શ્લોકથી તેરમા શ્લોક સુધી આપશે કે આપના પુત્ર દુર્યોધને પાંડવોની સેનાને જોઇને દ્રોણાચાર્યના મનમાં પાંડવોના મુખ્યમુખ્ય સેનાપતિઓનાં નામ લીધાં. એ પછી દુર્યોધને પોતાની સેનાના મુખ્યમુખ્ય યોદ્ધાઓનાં નામ લઇને એમના રણકૌશલ્ય વગેરેની પ્રશંસા કરી. દુર્યોધનને પ્રસન્ન કરવા માટે ભીષ્મજીએ જોરથી શંખ વગાડ્યો. એને સાંભળીને કૌરવસેનામાં શંખ વગેરે વાદ્યો વાગી ઊઢ્યાં. પછી ચૌદમા શ્લોકથી ઓગણીસમા શ્લોક સુધી 'पाण्डवाः' પદનો ઉત્તર આપશે કે રથમાં બેઠેલા પાંડવપક્ષના ભગવાન શ્રીકૃષ્ણે શંખ વગાડ્યો. ત્યાર બાદ અર્જુન, ભીમ, યુધિષ્ઠિર, નકુળ, સહદેવ વગેરે પોતપોતાના શંખો વગાડ્યા, જેનાથી દુર્યોધનની સેનાનાં હૈયાં કંપી ઊઠ્યાં. એ પછી પણ સંજય પાંડવોની વાત કહેતાંકહેતા વીસમા શ્લોકથી શ્રીકૃષ્ણ અને અર્જુનના સંવાદના પ્રસંગનો આરંભ કરી દેશે.]
યુદ્ધ થયું નહિ? એ જાતનો વિકલ્પ તો અહીં લઇ શકાતો નથી; કારણ કે દસ દિવસ સુધી યુદ્ધ થઇ ચૂક્યું છે અને ભીષ્મજીને રથ ઉપરથી પાડી નાખ્યા પછી સંજય હસ્તિનાપુર આવીને ધૃતરાષ્ટ્રને ત્યાંની ઘટના સંભળાવી રહ્યા છે.
'મારા અને પાંડુના પુત્રોએ આ શું કર્યું, કે યુદ્ધ કરી બેઠા ! એમણે યુદ્ધ નહોતું કરવું જોઇતું' - એવી નિંદા અથવા આક્ષેપ પણ અહીં નથી સ્વીકારી શકાતો; કેમ કે યુદ્ધ તો ચાલી જ રહ્યું હતું અને ધૃતરાષ્ટ્રના મનમાં પણ આક્ષેપપૂર્વક પૂછવાનો ભાવ ન હતો.
અહીં 'किम्' શબ્દનો અર્થ 'પશ્ન' લેવો એ જ ઠીક બેસે છે. ધૃતરાષ્ટ્ર સંજયને જુદાજુદા પ્રકારની નાનીમોટી બધી ઘટનાઓને અનુક્રમથી વિસ્તારપૂર્વક સારી રીતે જાણવા માટે જ પ્રશ્ન કરી રહ્યા છે.

[૧] - વૈશંપાયન અને જનમેજયના સંવાદની સંદર 'ધૃતરાષ્ટ્રસંજયસંવાદ' છે અને ધૃતરાષ્ટ્ર તથા સંજયના સંવાદની અંદર 'શ્રીકૃષ્ણર્જુનસંવાદ' છે.
[૨] - સંજયનો જ્ન્મ ગવલ્ગણ નામના સૂતથી થયો હતો. તે મુતિઓની જેમ જ્ઞાની અને ધર્માત્મા હતા - 'संजयो मुतिकल्पस्तु यज्ञे सूतो गवल्गणात्' (મહાભારત, આદિપર્વ, ૬૩/૯૭). એ ધૃતરાષ્ટ્રના મંત્રી હતા.
[૩] - यावद्धि तीक्ष्णया सूच्चा विध्येदग्रेण केशव । तावदप्यपरित्याज्यं भूमेर्नः पाण्डवान् प्रति ॥ (મહાભારત, ઉદ્યોગ. ૧૨૭/૨૫)
[૪] - માતા કુંતા ઘણી સહનશીલ હતી. કષ્ટથી બચીને, સુખ, આરામ, રાજ્ય વગેરેની ઇચ્છા - એ વાત એનામાં ન હતી. એ એક વિલક્ષણ માતા હતી, જેણે ભગવાન પાસે વિપત્તિનું જ વરદાન માંગ્યું હતું. એનામાં સુખલોલુપતા ન હતી, પરંતુ એના મનમાં બે વાતોને લઇને ભારે દુઃખ હતું. પહેલી વાત એ કે, રાજ્યને માટે કૌરવપાંડવ આપસાઅપસમાં લડત, કે ગમે તે કરત, પણ મારી પ્રિય પુત્રવધૂ દ્રૌપદીને એ દુર્યોધન વગેરે દુષ્ટોએ સભામાં નગ્ન કરવાની ઇચ્છા કરી, અપમાનિત કરવાની ઇચ્છા કરી - એ ધૃણાપાત્ર ચેષ્ટા કરવી એ માનવતા નથી. આ બાબત માતા કુંતાજી ઘણી જ ખરાબ લાગી.
બીજી વાત, ભગવાન શ્રીકૃષ્ણ પાંડવો તરફથી સંધિનો પ્રસ્તાવ લઇને હસ્તિનાપુર આવ્યા ત્યારે દુર્યોધન, દુઃશાસન, કર્ણ, શકુનિ વગેરી ભગવાનને પકડી લઇને કેદ કરવાની ઇચ્છા કરી. આ વાતને સાંભળીને કુંતાના મનમાં એ વિચાર આવ્યો કે હવે આ દુષ્ટોને જલદીથી મારી નાખવા જોઇએ. કારણ કે એમના જીવતા એઅહેવાથી એમનાં પાપ વધતાં જ રહેશે, જેથી એમને ઘણું જ નુકશાન થશે. આ બે કારણોથી માતા કંતાએ પાંડવોને યુદ્ધને માટે આજ્ઞા આપી હતી.
[૫] - જોકે 'कौरव' શબ્દની અંતર્ગત ધૃતરાષ્ટ્રના પુત્રો દુર્યોધન વગેરે અને પાંડુના પુત્રો યુધિષ્ઠિર વગેરે બધા જ આવી જાય છે, તો પણ આ શ્લોકમાં ધૃતરાષ્ટ્રે યુધિષ્ઠિર વગેરે માટે 'पाण्डव' શબ્દનો પ્રયોગ કર્યો છે. આથી ટીકામાં 'कौरव' શબ્દ દુર્યોધન વગેરે માટે જ આપવામાં આવ્યો છે.
[૬] - ધૃતરાષ્ટ્રના મનમાં વ્દૈધીભાવ હતો કે દુર્યોધન વગેરે મારા પુત્રો છે અને યુધિષ્ઠિર વગેરે મારા પુત્રો નથી, પરંતુ પાંડુના પુત્રો છે. આ ભાવને કારણે દુર્યોધનું ભીમમે વિષ આપીને પાણીમાં ફેંકી દેવું, લાક્ષાગૃહમાં પાંડવોને બાળી નાખવાનો પ્રયત્ન કરવો, યુધિષ્ઠિરની સાથે છળપૂર્વક જુગાર રમવો, પાંડવોનો નાશ કરવાને માટે સેના લઇને વનમાં જવું વગેરે કાર્યો કરવામાં ધૃતરાષ્ટ્રે દુર્યોધનને કદી રોક્યો ન હતો. કારણ કે એમના મનમાં એ જ ભાવ હતો કે જો કોઇ પણ રીતે પાંડવોનો નાશ થઇ જાય, તો મારા પુત્રોનું રાજ્ય સુરક્ષિત રહેશે.
[૭] - અહીં આવેલા 'मामकाः' અને 'पाण्डवाः' નું અલગ અલગ વર્ણન કરવાની દ્રષ્ટ્થી જ આગણ ઉપર સંજયનાં વચનોમાં 'दुर्योधनः' (અધ્યાય ૧/૨) અને 'पाण्डवः' (અધ્યાય ૧/૧૪) શબ્દો પ્રયોજાયા છે.

અધ્યાય ૦૧ - શ્લોક ૩૩

અધ્યાય ૦૧ - શ્લોક ૩૩

મૂળ શ્લોક: 
येषामर्थे काङिक्षतं नो राज्यं भोगाः सुखानि च ।
त इमेऽवस्थिता युद्धे प्राणांस्त्यक्त्वा धनानि च ॥ ३३ ॥
શ્લોક ભાવાર્થ: 
જેમના માટે અમારી રાજ્ય, ભોગ અને સુખની ઇચ્છા છે, એ જ આ બધા પોતાના પ્રાણોની અને ધનની આશાને ત્યજીને યુદ્ધમાં ઊભા છે.
સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 
'येषामर्थे काङिक्षतं नो राज्यं भोगाः सुखानि च' - અમે રાજ્ય, સુખ, ભોગ વગેરે જે કંઇ ઇચ્છીએ છીએ, એમને પોતાના વ્યક્તિગત સુખને માટે ઇચ્છતા નથી, પરંતુ આ કુટુંબીઓ, પ્રેમીઓ, મિત્રો વગેરેને માટે જ ઇચ્છીએ છીએ. આચાર્યો, પિતાઓ, પિતામહો, પુત્રો વગેરેને સુખ અને આરામ પહોંચે, એમની સેવા થઇ શકે, એ પ્રસન્ન રહે - એને માટે જ અમે યુદ્ધ કરીને રાજ્ય લેવા ઇચ્છીએ છીએ, ભોગ-સામગ્રી એકઠી કરવા માગીએ છીએ.

'त इमेऽवस्थिता युद्धे प्राणांस्त्यक्त्वा धनानि च' - પરંતુ એ જ આ સઘળેસઘળા પોતાના પ્રાણોની અને ધનની આશા ત્યજીને યુદ્ધ કરવા માટે અમારી સમક્ષ રણભૂમિમાં ઊભા છે. એમણે એવો વિચાર કરી દીધો છે કે નથી અમને પ્રાણોનો મોહ કે નથી ધનની તૃષ્ણા; અમે બેશક મરી જઇએ, પણ યુદ્ધમાંથી હઠીશું નહિ. જો આ બધા મરી જ જાય, તો પછી અમારે રાજ્ય કોના માટે જોઇએ? સુખ કોના માટે જોઇએ? ધન કોના માટે જોઇએ? અર્થાત્ આ બધાની ઇચ્છા અમે કોના માટે કરીએ?

'प्राणांस्त्यक्त्वा धनानि च' નું તાત્પર્ય એ છે કે તો પ્રાણોની અને ધનની આશાને છોડીને ઊભા છે અર્થાત્ અમે જીવતા રહીશું અને અમને ધન મળશે - એવી ઇચ્છાને છોડીને તેઓ ઊભા છે. જો એમને પ્રાણોની અને ધનની ઇચ્છા હોત, તો તેઓ મરવા માટે યુદ્ધમાં કેમ ઊભા રહેત? આથી અહીં પ્રાણ અને ધનનો ત્યાગ કરવાનું તાત્પર્ય એમની આશાનો ત્યાગ કરવામાં જ છે.
શ્લોક માહિતી: 
સંબંધ - અર્જુન વિજય વગેરે કેમ ઇચ્છતા નથી; એનું કારણ આગળના શ્લોકમાં બતાવે છે.

અધ્યાય ૦૧ - શ્લોક ૩૨

અધ્યાય ૦૧ - શ્લોક ૩૨

મૂળ શ્લોક: 
न काङ्क्षे विजयं न च राज्यं सुखानि च ।
किं नौ राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा ॥ ३२ ॥
શ્લોક ભાવાર્થ: 
હે કૃષ્ણ ! હું વિજય ઇચ્છતો નથી, રાજ્ય ઇચ્છતો નથી અને સુખને પણ ઇચ્છતો નથી. હે ગોવિન્દ ! અમને રાજ્યથી શું લાભ? ભોગોથી શું લાભ? અથવા જીવવાથી પણ શું લાભ?
સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 
'न काङ्क्षे विजयं कृष्ण न च राज्यं सुखानि च' - માની લો કે યુદ્ધમાં અમારો વિજય થઇ જાય, તો વિજય થવાથી સમગ્ર પૃથ્વી ઉપર અમારું રાજ્ય થઇ થશે, અધિકાર થઇ જશે. પૃથ્વીનું રાજ્ય મળવાથી અમને અનેક જાતનાં સુખ મળશે. પરંતુ એ પૈકી હું કશું જ ઇચ્છતો નથી અર્થાત્ મારા મનમાં વિજય, રાજ્ય કે સુખની કામના નથી.
'किं नो राज्येन गोविन्द किं भोगैर्जीवितेन वा' - જ્યારે અમારા મનમાં કોઇ પ્રકારની (વિજય રાજ્ય અને સુખની) કામના જ નથી, તો પછી ગમે તેટલુંય મોટું રાજ્ય કેમ ન મળી જાય, પણ તેમનાથી અમને શું લાભ? ગમે તેટલાંયે સુંદર-સુંદર ભોગો મળી જાય પરંતુ તેનાથી અમને શું લાભ? અથવા કુટુંબીઓને મારીને અમે રાજ્યનું સુખ ભોગવતા ગમે તેટલાંયે વર્ષો સુધી જીવતા રહીએ, તો પણ એનાથી અમને શું લાભ? તાત્પર્ય એ છે કે એ વિજય, રાજ્ય અને ભોગ ત્યારે જ સુખ આપી શકે છે, કે જ્યારે મનમાં એની કામના હોય, એ પ્રિય લાગતું હોય અને એનું મહત્વ હોય. પરંતુ અમારા મનમાં તો એમની કામના જ નથી. આથી એ અમને શું સુખ આપી શકે? આ કુટુંબીઓને મારીને અમારી જીવવાની પણ ઇચ્છા નથી; કેમ કે જ્યારે અમારા કુટુંબીઓ મરી જશે ત્યારે એ રાજ્ય અને ભોગ કોના કામમાં આવશે? રાજ્ય, ભોગ વગેરે તો કુટુંબને માટે હોય છે, પણ જ્યારે એ જ મરી જશે, તો એમને કોણ ભોગવશે? ભોગવવાની વાત તો દૂર રહી, ઊલટું અમને વધારે ચિંતા થશે, શોક થશે !
શ્લોક માહિતી: 
સંબંધ - જેમાં શુભ શકુન દેખાતા નથી અને શ્રેય પણ દેખાતું નથી, એવો અનિષ્ટ કરનારો વિજય મેળવવાની અનિચ્છા અર્જુન આગળના શ્લોકમાં પ્રગટ કરે છે.

અધ્યાય ૦૧ - શ્લોક ૩૧

અધ્યાય ૦૧ - શ્લોક ૩૧

મૂળ શ્લોક: 
निमित्तानि च पश्यामि विपरीतानि केशव । न अच श्रेयोऽनुपश्यामि हत्वा स्वनजमाहवे ॥ ३१ ॥
શ્લોક ભાવાર્થ: 
હે કેશવ ! હું લક્ષણો - શકુનોને પણ વિપરીત જોઇ રહ્યો છું અને યુદ્ધમાં સ્વજનોને મારીને શ્રેય (લાભ) પણ નથી જોઇ રહ્યો.
સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 
'निमित्तानि च पश्यामि विपरीतानि केशव' - હે કેશવ ! હું શકુનોને [૧] પણ વિપરીત જ જોઇ રહ્યો છું. તાત્પર્ય એ છે કે કોઇ પણ કાર્યની શરૂઆતમાં મનમાં જેટલો વધારે ઉત્સાહ (હર્ષ) હોય છે, એ ઉત્સાહ તે કાર્યને એટલું જ સિદ્ધ કરનારો બને છે. પરંતુ કાર્યના આરંભમાં જ જો ઉત્સાહભંગ થઇ જવાય છે, મનમાં અયોગ્ય સંકલ્પવિકલ્પ ઊઠતા રહે છે, તો એ કાર્યનું પરિણામ સારું નથી આવતું. એ જ ભાવથી અર્જુન કહી રહ્યા છે કે અત્યારે મારા શરીરમાં અવયવો ઢીલા પડવા, ધ્રુજારી આવવી, મોઢું સુકાવું વગેરે જે લક્ષણો દેખાઈ રહ્યાં છે, તે વ્યક્તિગત શકુનો પણ યોગ્ય થઇ રહ્યા નથી. [૨] એ સિવાય આકાશમાંથી ઉલ્કાપાત થવો, કસમયે ગ્રહણ થવું, ધરતીકંપ થવો, પશુપક્ષીઓ દ્વારા ભયંકર બોલી બોલાવી, ચંદ્રમાના કાળા ધાબાં ન દેખાવાં, વાદળોમાંથી લોહીનો વરસાદ પડવો વગેરે જે શકુનો અગાઉ થયા છે, તે પણ બરાબર થયા નથી. આ રીતે હાલના અને અગાઉના એ બન્નેય શ્કુનો તરફ નજર નાખું છું, તો મને એ બન્નેય શકુનો વિપરીત અર્થાત્ ભાવિ અનિષ્ટના જ સૂચક જણાય છે.
'न च श्रेयोऽनुपश्यामि हत्वा स्वजनमाहवे' - યુદ્ધમાં પોતાના કુટુંબીઓને મારવાથી અમને કોઇ લાભ થશે - એવી વાત પણ નથી. આ યુદ્ધના ફળસ્વરૂપે અમારે માટે આ લોક અને પરલોક - બન્નેય ભલું કરનારા બને એમ જણાતું નથી. કારણ કે જે પોતાના કુળનો નાશ કરે છે, તે અત્યંત પાપી હોય છે. આથી કુળનો નાશ કરવાથી અમને પાપ જ લાગશે, જેને પરિણામે અમારે નરકમાં જવું પડશે.
આ શ્લોકમાં 'निमित्तनि पश्यामि' - અને 'श्रेयः अनुपश्यामि' [૩] - આ બે વાક્યોથી અર્જુન એ કહેવા માગે છે કે હું શકુનો જોઉ અથવા જાતે વિચાર કરું, બન્નેય રીતે યુદ્ધનો આરંભ અને તેનું પરિણામ અમારે માટે તેમ જ સંસારમાત્રને માટે હિતકારક નથી જણાતું.

[૧] - જેટલા પણ શકુનો થાય છે, તે કોઇ સારી કે ખરાબ ઘટના બનવામાં નિમિત્ત થતા નથી અર્થાત્ એ કોઇ ઘટનાના નિર્માતા નથી હોતા, પરંતુ ભાવિ ઘટનાના સંકેતો આપનારા હોય છે. શકુન બતાવવાવાળાં પ્રાણી વાસ્તવમાં શકુનોને બતાવતાં નથી; પરંતુ એમની સ્વાભાવિક ચેષ્ટાથી શકુનો સૂચિત થાય છે.
[૨] - જોકે અર્જુન શરીરમાં થનારા લક્ષણોને પણ શકુન માની રહ્યા છે, તેમ છતાં વાસ્તવમાં એ શકુનો નથી. એ તો શોકને કારણે ઇંદ્રિયો, શરીર, મન અને બુદ્ધિમાં થનાર વિકારો છે.
[૩]  - અહીં 'पश्यामि' ક્રિયા ભૂતકાળના અને વર્તમાનકાળના શકુનોની બાબતમાં અને 'अनुपश्यामि' ક્રિયા ભવિષ્યના પરિણામની બાબતમાં આવી છે.
શ્લોક માહિતી: 
સંબંધ - અગાઉના શ્લોકમાં પોતાના શરીરના શોકથી ઉત્પન્ન થયેલા આઠ ચિન્હોનું વર્ણન કરીને હવે અર્જુન ભાવિ પરિણામને દર્શાવનારા શકુનોની દ્રષ્ટિએ યુદ્ધ કરવું એ અયોગ્ય છે એમ દર્શાવે છે.

અધ્યાય ૦૧ - શ્લોક ૨૮-૩૦

અધ્યાય ૦૧ - શ્લોક ૨૮-૩૦

મૂળ શ્લોક: 
अर्जुन उवाच
दृष्ट्वेमं स्वजनं कृष्ण युयुत्सुं समुपस्थितम् ॥ २८ ॥
सीदन्ति मम गात्राणि मुखं च परिशुष्यति ।
वेपथुश्च शरीरे में रोमहर्षश्च जायते ॥ २९ ॥
गाण्डीवं स्रंसते हस्तात्त्वक्चैव परिदह्यते ।
न च शक्नोम्यवस्थातुं भ्रमतीव च में मनः ॥ ३० ॥
શ્લોક ભાવાર્થ: 
અર્જુન બોલ્યા - હે કૃષ્ણ ! યુદ્ધની ઇચ્છાવાળા આ કુટુંબસમુદાયને સામે ઊભેલા જોઇને મારા ગાત્રો ઢીલા થઇ રહ્યાં છે અને મોઢું સૂકાઈ રહ્યું છે અને રુવાંટાં ઊભાં થઇ રહ્યાં છે. હાથમાંથી ગાંડીવ ધનુષ્ય સરકી રહ્યું છે અને ચામડી પણ બળી રહી છે. મારું મન જાણે ભમે છે અને હું ઊભો રહેવા પણ અસમર્થ થઇ રહ્યો છું.
સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 
'दृष्ट्वेमं स्वजनं कृष्ण युयुत्सुं समुपस्थितम्' - અર્જુનને 'कृष्ण' નામ ઘણું જ પ્રિય હતું. આ સંબોધન ગીતામાં નવ વખત આવ્યું છે. ભગવાન કૃષ્ણને માટે બીજું કોઇ સંબોધન એટલી વાર આવ્યું નથી. એવી જ રીતે ભગવાનને અર્જુનનું 'पार्थ' નામ ઘણું પ્રિય હતું. એટલે ભગવાન અને અર્જુન પરસ્પરની વાતચીતમાં એ નામો લેતા હતા અને એ વાત લોકોમાં પણ પ્રસિદ્ધ હતી. આ દ્રષ્ટિએ સંજયે ગીતાના અંતે 'कृष्ण' અને 'पार्थ' નામનો ઉલ્લેખ કર્યો છે - 'यत्र योगेश्वरः कृष्णो यत्र पार्थो धनुर्धरः' (અ. ૧૮/૭૮).

ધૃતરાષ્ટ્ર પહેલાં 'समवेता युयुत्सवः' કહ્યું હતું અને અહીં અર્જુને પણ 'युयुत्सुं समुपस्थितम्' કહ્યું છે. પરંતુ બન્નેની દ્રષ્ટિમાં ઘણો ફેર છે. ધૃતરાષ્ટ્રની દ્રષ્ટિમાં તો દુર્યોધન વગેરે મારા પુત્રો છે અને યુધિષ્ઠિર વગેરે પાંડુના પુત્રો છે - એવો ભેદ છે; એટલે ધૃતરાષ્ટ્રે ત્યાં 'मामकाः' અને 'पाण्डवाः' કહ્યું છે. પરંતુ અર્જુનની દ્રષ્ટિમાં એ ભેદભાવ નથી; આથી અર્જુને અહીં 'स्वजनम्' કહ્યું છે, જેમાં બન્ને પક્ષોના લોકો આવી જાય છે. તાત્પર્ય એ છે કે ધૃતરાષ્ટ્રને તો યુદ્ધમાં પોતાના પુત્રોના મરવાની આશંકાથી ભય છે, શોક છે; પરંતુ અર્જુનને બન્ને તરફના કુટુંબીઓના મરવાની આશંકાથી શોક થઇ રહ્યો છે, કે કોઇ પણ તરફના કોઇ પણ મરે પણ એ અંતે છે તો અમારા જ કુટુંબી.

અત્યાર સુધી 'दृष्ट्वा' પદ ત્રણ વાર આવ્યું છે. 'दृष्ट्वा तु पाण्डवानीकम्' (અ. ૧/૨), 'व्यवस्थितान्दृष्ट्वा धार्तराष्ट्रान्' (અ. ૧/૨૦), 'दृष्ट्वेमं स्वजनम्' (અ. ૧/૨૮). આ ત્રણેનું તાત્પર્ય એ છે કે દુર્યોધનનું જોવું તો એક જ જાતનું રહ્યું અર્થાત્ દુર્યોધનનો તો યુદ્ધનો જ એક ભાવ રહ્યો; પરંતુ અર્જુનનું જોવાનું બે પ્રકારનું હતું. પહેલાં તો અર્જુન ધૃતરાષ્ટ્રના પુત્રોને જોઇને શૂરાતનમાં આવી જઇને યુદ્ધ માટે ધનુષ્ય ઉઠાવીને ઊભા થઇ જાય છે અને હવે સ્વજનોને જોઇને કાયરતાને વશ થઇ રહ્યા છે, યુદ્ધથી ઉપરત થઇ રહ્યા છે અને એમના હાથમાંથી ધનુષ્ય સરકી રહ્યું છે.

'सीदन्ति मम गात्राणि ... भ्रमतीव च मे मनः' - અર્જુનના મનમાં યુદ્ધના ભાવિ પરિણામના વિચારથી ચિંતા થઇ રહી છે, દુઃખ થઇ રહ્યું છે. એ ચિંતા અને દુઃખની અસર અર્જુનના આખા શરીર ઉપર પડી રહી છે. એ અસરને અર્જુન સ્પષ્ટ શબ્દોમાં કહી રહ્યા છે, કે મારા શરીરનાં હાથ, પગ, મોઢું વગેરે એકેએક અંગ (અવયવ) શિથિલ થઇ રહ્યા છે. મોઢું સૂકાઈ રહ્યું છે, જેથી બોલવાનું પણ મુશ્કેલ બની રહ્યું છે ! આખું શરીર થરથર કંપી રહ્યું છે ! શરીરનાં બધાં જ રુવાંટાં ઊભા થઇ રહ્યા છે અર્થાત્ સમગ્ર શરીરમાં રોમાંચ થઇ રહ્યો છે ! જે ગાંડીવ ધનુષ્યની પણછના ટંકારથી શત્રુઓ ભયભીત થઇ જાય છે, તે જ ગાંડીવ ધનુષ્ય આજે મારા હાથમાંથી સરકી રહ્યું છે. ત્વચામાં - આખા શરીરમાં બળતરા થઇ રહી છે. [૧] મારું મન ભમી રહ્યું છે અર્થાત્ મારે શું કરવું જોઇએ - એ પણ સૂઝતું નથી ! અહીં રણભૂમિમાં રથ ઉપર ઊભો રહેવામાં પણ હું અસમર્થ બની રહ્યો છું. એવું લાગે છે કે હું મૂર્ચ્છામાં આવીને ગબડી પડીશ ! આવા અનર્થ કરનારા યુદ્ધમાં ઊભા રહેવું એ પણ જાણે એક પાપ હોય એમ જણાઈ રહ્યું છે.


[૧] - चिन्ता चितासमा ह्युक्ता बिन्दुमात्रं विशेषतः । सजीवं दहते चिन्ता निर्जीवं दहते चिता ॥ - ચિંતાને ચિતા સમાન કહી છે, તેમાં માત્ર એક જ બિંદુ વધારે છે. ચિંતા જીવતા પુરુષને બાળે છે અને ચિતા મરેલા પુરુષને બાળે છે.

અધ્યાય ૦૧ - શ્લોક ૨૭

અધ્યાય ૦૧ - શ્લોક ૨૭

મૂળ શ્લોક: 
तान्समीक्ष्य स कौन्तेयः सर्वान्बन्धूनवस्थितात् ॥ २७ ॥
कृपया परयाविष्टो विषीदन्निदमब्रवीत् ।
શ્લોક ભાવાર્થ: 
પોતપોતાની જગા ઉપર ઊભા રહેલા તે સઘળાં બાંધવોને જોઇને એ કુંતીનંદન અર્જુન અત્યંત કાયરતાથી યુક્ત થઇને વિષાદ કરતા આ વચનો બોલ્યા.
સ્વામી રામસુખદાસજી દ્વારા ગુજરાતી ટીકા: 
'तान् सर्वान्बन्धूनवस्थितान् समीक्ष्य' - અગાઉના શ્લોકમાં કહ્યા મુજબ અર્જુને જેઓને જોયા છે, તેઓના ઉપરાંત અર્જુને બાહ્લીક વગેરે પ્રપિતામહ; ધૃષ્ટદ્યુમ્ન, શિખંડી, સુરથ વગેરે સાળાઓ; જયદ્રથ વગેરે બનેવી તથા બીજા કેટલાય સંબંધીઓને બન્ને સેનાઓમાં ઊભેલા જોયા.

'स कौन्तेयः कृपया परयाविष्टः' - આ પદોમાં 'स कौन्तेयः' કહેવાનું તાત્પર્ય એ છે કે - માતા કુંતીએ જેમને યુદ્ધ કરવા માટે સંદેશો મોકલ્યો હતો અને જેમણે શૂરાતનમાં આવી જઇને, 'મારી સામે હાથ ઉગામનારા કોણ છે?' એવું કહેનારો અને જેણે મુખ્યમુખ્ય યોદ્ધાઓને જોવા માટે ભગવાન શ્રીકૃષ્ણને બન્ને સેનાઓ વચ્ચે પોતાનો રથ ઊભો રાખવાની આજ્ઞા કરી હતી, એ જ કુંતીપુત્ર અર્જુન અત્યંત કાયરતાવાળો બની જાય છે !

બન્નેય સેનાઓમાં જન્મ અને વિદ્યાના સંબંધીઓ ને સંબંધીઓ જ જોવાથી અર્જુનના મનમાં એ વિચાર આવ્યો કે, 'યુદ્ધમાં આ પક્ષના લોકો મરે કે પેલા પક્ષના લોકો મરે. નુકસાન તો અમારું જ થશે, કુળ તો અમારું જ નાશ પામશે, સંબંધીઓ તો અમારા જ હણાશે.' આવો વિચાર આવવાથી અર્જુનની યુદ્ધની ઇચ્છા તો દૂર થઇ ગઇ અને હૈયામાં કાયરતા આવી ગઇ. એ કાયરતાને ભગવાને આગળ (અ. ૨/૨-૩) 'कश्मलम्' તથા 'हृदयदौर्बल्यम्' કહી છે અને અર્જુને (અ. ૨/૭માં) 'कार्यण्यदोषोपहतस्वभावः' કહીને એનો સ્વીકાર પણ કર્યો છે.

અર્જુન કાયરતાને વશ બન્યો છે - 'कृपयाविष्टः' આથી સિદ્ધ થાય છે કે આ કાયરતા પહેલાં ન હતી, પરંતુ હમણાં આવી છે. આથી એ આગંતુક દોષો છે. આગંતુક હોવાથી એ કાયરતા ટકશે નહિ, પરંતુ શૂરવીરતા અર્જુનમાં સ્વાભાવિક છે; આથી એ તો રહેશે જ.

અત્યંત કાયરતા કોને કહેવાય? વિના કોઇ કારણે નિંદા, તિરસ્કાર અને અપમાન કરનારા, દુઃખ આપનારા, વેરભાવ રાખનારા, નાશ કરવાનો પ્રયત્ન કરનારા; દુર્યોધન, દુઃશાસન, શકુનિ વગેરેને પોતાની સામે યુદ્ધ કરવા માટે ઊભેલા જોઇને પણ એમને મારવાનો વિચાર ન થવો, એમના નાશ માટે પ્રવૃત્તિ ન કરવી - એ અત્યંત કાયરતા રૂપ દોષ છે. અહીં અર્જુનને કાયરતા રૂપી દોષે એવો ઘેરી લીધો છે કે જે અર્જુન વગેરેનું અનિષ્ટ ઇચ્છનારા અને વખતોવખત અનિષ્ટ કરવાનો પ્રયત્ન કરનારા છે, એ અધર્મીઓ-પાપીઓ ઉપર પણ અર્જુનને દયા આવી રહી છે. (ગીતા અ. ૧/૩૫,૪૬) અને એ ક્ષત્રિયના કર્તવ્ય રૂપી પોતાના ધર્મથી વંચિત થઇ રહ્યા છે.

'विषीदन्निदमब्रवीत्' - યુદ્ધને પરિણામે કુટુંબની કુળની અને દેશની કેવી હાલત થશે - એના વિચારથી અર્જુન ઘણા જ દુઃખી થઇ રહ્યા છે અને એ અવસ્થામાં તેઓ જે વચનો કહે છે; તેનું વર્ણન આગળના શ્લોકમાં કરવામાં આવ્યું છે.
શ્લોક માહિતી: 
સંબંધ - પોતાના બધા કુટુંબીઓને જોયા પછી અર્જુને શું કર્યું - એને આગળના ચાર શ્લોકોમાં કહે છે.